હરમિન્યુટિક્સ

February, 2009

હરમિન્યુટિક્સ : અર્થઘટન અંગેનો વિચાર. Hermeneutics એ અંગ્રેજી શબ્દ મૂળ તો ગ્રીક ભાષામાં પ્રયોજાતા ક્રિયાપદ hermeneuin (એટલે કે કશુંક કહેવું, કશુંક સમજાવવું) અને ગ્રીક ભાષામાં પ્રયોજાતા નામ hermenia (એટલે કે સ્પષ્ટીકરણ, explanation) સાથે સંકળાયેલો છે. ગ્રીક ભાષાના આ શબ્દો મૂળ તો ગ્રીક દેવ હર્મિસ (Hermes) સાથે જોડાયેલા છે. વાણી અને લેખનની શોધ કરનાર ગ્રીક દેવ હર્મિસ દેવોના સંદેશા મૃત્યુલોકના માનવીને પહોંચાડતા હતા તેવું પ્રાચીન ગ્રીક પરંપરામાં સ્વીકારાયું હતું.

પહેલાં તો મુખ્યત્વે યહૂદી તેમજ ખ્રિસ્તી ધર્મના પવિત્ર ધર્મગ્રંથોના અર્થઘટનની પદ્ધતિના અને તે અંગેના નિયમોના શાસ્ત્ર તરીકે જ ‘હરમિન્યુટિક્સ’ને સમજવામાં આવતું હતું. જોકે આધુનિક યુરોપીય ચિંતનમાં કાનૂની, ધાર્મિક, સાહિત્યિક તેમજ તત્વચિંતનના ક્ષેત્રે પણ ‘હરમિન્યુટિક્સ’ શબ્દને પ્રયોજવામાં આવ્યો છે. તેથી કોઈ પણ કૃતિના અર્થઘટનનો વિચાર એટલે ‘હરમિન્યુટિક્સ’ – એમ હવે સમજવામાં આવ્યું છે.

બે જર્મન ચિન્તકો શ્લાયરમાખર અને ડિલ્થેએ ઓગણીસમી સદીમાં પદ્ધતિલક્ષી/જ્ઞાનલક્ષી અર્થઘટનવિચાર રજૂ કર્યો. વીસમી સદીના બે જર્મન ચિન્તકો હાયડેગર અને ગાડામેરે વસ્તુતત્વને કેન્દ્રમાં મૂકતો અર્થઘટનવિચાર (ontological hermeneutics) રજૂ કર્યો. વીસમી સદીના અત્યન્ત પ્રભાવક જર્મન ચિન્તક હાબેરમાસે તેમજ ફ્રેન્ચ ચિન્તક રિકૂરે આ બંને પ્રકારના હરમિન્યુટિક્સની વિસ્તૃત સમીક્ષા કરી છે.

હરમિન્યુટિક્સને રજૂ કરતા ચિન્તકોએ એ સ્વીકાર્યું છે કે અંશનો કે વિભાગોનો વિચાર સમગ્ર(whole; અંશી)ના વિચારના સંદર્ભમાં કરવો પડે અને સમગ્રનો વિચાર તેના ભાગોના સંદર્ભમાં કરવો પડે તેવું ‘હરમિન્યુટિકલ સર્કલ’ અનિવાર્ય બને છે.

શ્લાયરમાખર (Schliermacher : 1768–1834) અને ડિલ્થે (Dilthey : 1833–1911) :

જર્મન ચિન્તક શ્લાયરમાખરે અર્થઘટન વિશે વ્યાપક અને સર્વસામાન્ય અર્થમાં વિચાર કર્યો છે. સમજણ પોતે જ શાથી શક્ય બને છે તેવો મૂળભૂત પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો. શ્લાયરમાખરે અર્થઘટન અંગે બે રીતે વિચાર્યું છે; એક તો, કોઈ પણ કૃતિનો વિચાર તેની ભાષાના સંદર્ભમાં વ્યાકરણની દૃષ્ટિએ થઈ શકે છે અને બીજું, કૃતિના સર્જકના મનોવ્યાપારો અંગેની સમજણના સંદર્ભમાં તેનો વિચાર થઈ શકે છે. વ્યાકરણનિષ્ઠ અર્થઘટન ભાષાની સમાનતાને ધ્યાનમાં લે છે; જ્યારે મનોવૈજ્ઞાનિક અર્થઘટન સર્જકની અનન્યતા (uniqueness) અને વિશેષતા(particularity)ને ધ્યાનમાં લે છે. સર્જકના ભાષાકર્મને તેમજ તેના ભાવજગતને એમ બંનેને પામવાનું આવશ્યક છે. સર્જકના મનોવ્યાપારોને ભાવકના મનમાં પુનર્જીવિત કરી શકાય છે.

શ્લાયરમાખરના પ્રદાનને લીધે માનવવિજ્ઞાનોમાં પણ અર્થઘટનાત્મક સમજણ જરૂરી છે તેવો મત ડિલ્થેએ રજૂ કર્યો. અર્થઘટન તો સર્જકની કૃતિઓનું જ નહિ પણ સામાન્ય કર્તા-વ્યક્તિનાં કાર્યોનું પણ કરવું પડે છે.

ડિલ્થેએ ભાષાગત અર્થઘટનને બદલે મનોવૈજ્ઞાનિક અર્થઘટન ઉપર વધુ ભાર મૂક્યો છે. જોકે શ્લાયરમાખર અને ડિલ્થેનો અર્થઘટનવિચાર જ્ઞાનલક્ષી અને પદ્ધતિલક્ષી હતો. કૃતિઓ ઉપરથી સર્જકના અને કાર્યો ઉપરથી કર્તા-વ્યક્તિ(agent)ના મનોવ્યાપારોને પામવાની પદ્ધતિ તરીકે જ ત્યાં અર્થઘટનને સમજવામાં આવ્યું છે; પરંતુ જર્મન તત્વચિન્તકો માર્ટિન હાયડેગર (1889–1976) અને એચ. ગાડામેરે (1900–2002) અર્થઘટનવિચારને વસ્તુતત્વકેન્દ્રિત (ontological) બનાવ્યો છે. હરમિન્યુટિક્સ એ પદ્ધતિ નથી, પણ મનુષ્યોના હોવાપણાની મૂળભૂત રીત છે તેવા હાયડેગરના વિચારને ગાડામેરે આગળ વિકસાવ્યો છે.

ગાડામેર (Gadamer) : જગતમાં ફેંકાયેલા મનુષ્યના કાળબદ્ધ ઇતિહાસાધીન અને નાશવંત હોવાપણાના હાયડેગરના મુખ્ય વિચારને અનુસરીને ગાડામેરે પણ તાત્વિક અર્થઘટનવિચાર (philosophical hermeneutic) રજૂ કર્યો છે. ગાડામેરનો અર્થઘટનવિચાર વસ્તુતત્વવિષયક (ontological) અને સર્વદેશીય (universal) છે. સમજણ અને અર્થઘટન મનુષ્યોના હોવાપણાની રીત છે. તેનાં સત્ સાથે જ તે સંલગ્ન છે તેવું હાયડેગરને અનુસરીને ગાડામેર સ્વીકારે છે. અર્થઘટન મૂળભૂત રીતે ભાષાનિષ્ઠ ઘટના છે. સમજણ/અર્થઘટન સંવાદપરક (dialogical) છે, એકવ્યક્તિનિષ્ઠ (monological) નથી. ભૂતકાળના ગ્રંથો સાથે વર્તમાનમાં સંવાદ સાધવો પડે; તો જ સમજણ શક્ય બને છે.

(i) પૂર્વગ્રહો, જ્ઞાનનો અધિકાર અને પરંપરાઓ : ગાડામેરે સમજણના સ્વરૂપમાં સમાવિષ્ટ પૂર્વગ્રહો (prejudices), શ્રુતજ્ઞાન/અધિકારી વ્યક્તિનું જ્ઞાન (authority) અને પરંપરા(tradition)નો તદ્દન નવી રીતે વિચાર કર્યો છે. આધુનિક યુરોપીય જ્ઞાનપ્રકાશયુગ(1700–1770)નો મુખ્ય વિચાર એ હતો કે કેવળ તર્કબુદ્ધિ પર આધારિત જ્ઞાન જ પ્રમાણભૂત ગણાય અને તમામ પૂર્વગ્રહોથી મુક્ત તેમજ તમામ પરંપરાઓથી સ્વતંત્ર એવી સ્વાયત્ત વિશુદ્ધ તર્કબુદ્ધિ (reason) એ જ સત્ય જ્ઞાનને પામી શકે છે. ગાડામેર પ્રબોધન યુગની આ માન્યતાને જ એક પૂર્વગ્રહ ગણે છે. જ્ઞાનનો અધિકાર ધરાવતી વ્યક્તિ(authority)નાં કથનો સ્વીકારવાં એ આંધળી આજ્ઞાંકિતતા કે શરણાગતિ નથી. પૂર્વગ્રહોનો નિષેધક/અનિષ્ટસૂચક અર્થ લેવો તે પણ ગાડામેરને યોગ્ય લાગતું નથી. પૂર્વગ્રહોને એક અર્થમાં પૂર્વસમજણો કે પૂર્વનિર્ણયો તરીકે સમજવાના છે. તેથી, બધી પૂર્વસમજણોને કે બધા પૂર્વનિર્ણયોને અસ્વીકાર્ય ગણીને પહેલેથી જ તેને બાજુએ મૂકવા તે જ એક જાતની અતાર્કિકતા દર્શાવે છે. પરંપરાથી કે અધિકારી-જ્ઞાની વ્યક્તિ પાસેથી જે મળે છે તે એક જાતની પૂર્વભૂમિકા રૂપે જ મળે છે અને તેના પ્રકાશમાં જરૂર આગળ વિચાર કરી શકાય છે. કોઈ પણ બાબતને સમજવા માટેનો સંદર્ભ તો પરંપરાએ પહેલેથી જ રચ્યો હોય છે. તેની અંદર જ સભાનતાથી પૂર્વગ્રહોને કે અપેક્ષાને વિષયવસ્તુના પ્રકાશમાં ચકાસવાની હોય છે. પરંપરાએ કે સાંસ્કૃતિક વારસાએ તેમાંથી ઊતરી આવેલા પૂર્વગ્રહો દ્વારા વર્તમાન સ્વરૂપે તેમને ઘડ્યા છે. પૂર્વનિર્ણયો ભૂતકાળના સાંસ્કૃતિક વારસા પાસેથી પ્રાપ્ત થયા છે. વર્તમાનમાં તે સમજણને કે અર્થઘટનને અમુક દિશા તરફ વાળે છે અને કોઈ પણ કૃતિની સાથે કામ પાડતાં પાડતાં છોડવા જેવા લાગે તે પૂર્વગ્રહો પડતા પણ મુકાય છે. પરંપરાને તોડવામાં કે તેને જાળવવામાં પણ તર્કબુદ્ધિનો અને સ્વાતંત્ર્યનો જ ઉપયોગ કરાય છે, તેવું ગાડામેરે ભારપૂર્વક કહ્યું છે. ગાડામેરનો આ મત હાબેરમાસ સ્વીકારતા નથી.

(ii) કાળનું અંતર, પ્રભાવક ઐતિહાસિક ચેતના અને ક્ષિતિજોની એકાકારતા : જેમ પૂર્વગ્રહો, શબ્દપ્રમાણ કે પરંપરા હંમેશાં આપણને નડતાં નથી, તેમ આપણી અને આપણે સમજવા ધારેલી ભૂતકાળની કૃતિઓ પણ કાળના અંતર(temporal distance)ને કારણે આપણને નડશે જ તેવું ગાડામેર સ્વીકારતા નથી. જૂની કૃતિઓના અર્થોને પામવાની ક્રિયા ક્યારેય પૂરી થતી નથી. નવા નવા સંદર્ભોમાં જૂની કૃતિઓના નવા નવા વાચકો માટે નવા જ અર્થો પ્રકાશિત થતા આવે છે. ગાડામેર મુજબ તાત્વિક દૃષ્ટિએ તો, પ્રભાવક નીવડેલી ઐતિહાસિક સભાનતા (effective historical consciousness) જ વ્યક્તિની સમજણનો ઘાટ ઘડે છે.

મનુષ્યો હંમેશાં કોઈક પરિસ્થિતિમાં મુકાયેલા હોય છે, તેથી તે પરિસ્થિતિના અનુસંધાનમાં વ્યક્તિઓના દૃષ્ટિક્ષેત્ર/અનુભવક્ષેત્રના વિસ્તાર(range)નો અમુક ક્ષિતિજ(horizon)માં જ સમાવેશ થાય છે. ક્ષિતિજો હંમેશાં મર્યાદિત, પરિમિત અને ખુલ્લી જ હોય છે. ક્ષિતિજ એ બાબત છે કે જેની અંદર આપણે ગતિ કરીએ છીએ અને જે આપણી સાથે ગતિ કરે છે. દૂરના ભૂતકાળને કે ઇતર સંસ્કૃતિને સમજવાનું અશક્ય નથી; પરંતુ તેવી સમજણ ક્ષિતિજોની એકાકારતા (fusion of horizons) વગર શક્ય બનતી નથી. ક્ષિતિજોની એકાકારતામાં વ્યક્તિની પોતાની ક્ષિતિજોનો વિસ્તાર થાય છે. ક્ષિતિજોની એકાકારતાથી જ આપણે પરંપરાથી મળેલા પૂર્વગ્રહોને ચકાસી શકીએ છીએ. આપણા પોતાના વિશેનું આપણું જ્ઞાન આપણને અન્ય સાથેના કે ભૂતકાળ સાથેના સંવાદમાંથી જ મળે છે, ભાષા જ બધી સમજણનું માધ્યમ છે. કલાકૃતિઓ અને પરંપરાઓ આપણી સમક્ષ તેની સત્યતાના દાવાઓ (claims to truth) રજૂ કરે છે. તેમ છતાં, કેવળ સાંસ્કૃતિક વારસામાં જ ઊતરી આવ્યું હોવાને લીધે જ તે બધું સ્વીકાર્ય છે તેવું ગાડામેરને માન્ય નથી. ગાડામેરે વારંવાર કહ્યું છે કે આપણે આપણી ક્ષિતિજોને ભૂતકાળની ક્ષિતિજો સાથે એકાકાર કરીને પણ મૂળ વસ્તુઓને પોતાને જ સમજવાની હોય છે. ગાડામેરનો મુખ્ય વિચાર એ છે કે એકવ્યક્તિનિષ્ઠ ચિન્તન-મનનથી તર્કબુદ્ધિને પૂર્વગ્રહોથી વિશુદ્ધ બનાવવાનો બુદ્ધિવાદીઓનો દાવો સ્વીકાર્ય નથી.

(iii) અસ્તિત્વલક્ષી સમજણ : હરમિન્યુટિક્સ અર્થઘટન વિશેના સિદ્ધાન્તોની ચર્ચા કરતી તત્વજ્ઞાનની એક શાખા છે. ‘ટેક્સ્ટ’નું અર્થઘટન કેવી રીતે કરવું અને કોઈ પણ અર્થઘટન ક્યારે યથાર્થ ગણવું તે અંગેનો વિચાર હરમિન્યુટિક્સમાં થાય છે. પ્રશ્ન એ છે કે અમુક કૃતિને પોતે સમજ્યો છે તેમ કોઈ કહે ત્યારે ખરેખર તે વ્યક્તિ શું કહેવા માગે છે ? કૃતિને તેના કર્તાના સામાજિક/સાંસ્કૃતિક સંદર્ભોમાં જ સમજવી જોઈએ ? તેનો શું તેના રચનાકાળના ઐતિહાસિક સંદર્ભમાં તે સમયના તેના ભાવકવર્ગને અનુલક્ષીને વિચાર થવો જોઈએ ? શું કૃતિમાં કર્તાનો આશય (intention) કૃતિના અર્થને સમજવા માટે પૂરતો ગણાય ? ઈ. ડી. હિર્શ (Hirsch) મુજબ કોઈ પણ કૃતિનો અર્થ તેના સર્જકના ઇરાદાઓ, આશયો કે તાત્પર્યના પ્રકાશમાં જ સમજી શકાય છે. વીસમી સદીના અમેરિકન ચિન્તક હિર્શનો આ મત ગાડામેરને માન્ય નથી. ગાડામેર પ્રમાણે તો કૃતિના અર્થને કેવળ તેના સર્જકના ઇરાદાઓથી જ સમજી શકાય તેવી રજૂઆત સ્વીકાર્ય નથી. ભૂતકાળના ગ્રંથોનાં તમામ અર્થઘટનોમાં વર્તમાન ભાવક અને ભૂતકાળની કૃતિ વચ્ચે સંવાદ રચાય છે અને તેમાં બંનેની ક્ષિતિજોની એકાકારતા સિદ્ધ થાય ત્યારે જ સમજણની ઘટના પ્રકાશે છે. સમજણ સંવાદપરક અને આન્તરક્રિયાત્મક ઘટના છે.

હાયડેગરને અનુસરીને ગાડામેર માને છે કે વૈજ્ઞાનિક સૈદ્ધાન્તિક સમજણ પૂર્વે પ્રવર્તતી મનુષ્યોની અસ્તિત્વલક્ષી વ્યાવહારિક સમજણ તાત્વિક રીતે મૂળભૂત છે. કેવળ પ્રાકૃતિક વિજ્ઞાનોની પદ્ધતિથી મળતી સમજણ એ જ સાચી સમજણ છે તેવો મત તેમને સ્વીકાર્ય નથી. વૈજ્ઞાનિક સમજણ એ જ સાચા અર્થમાં મૂળભૂત સમજણ છે તેવો મત હાય્ડેગરને અનુસરીને ગાડામેર પણ સ્વીકારતા નથી. પોતાનાં પ્રયોજનો માટે જગતની વસ્તુઓનો સાધન તરીકે ઉપયોગ કરીને પ્રવૃત્તિઓ કરવી એ મનુષ્યોના જગતમાં હોવાપણા(being-in-the-world)ની મુખ્ય રીત છે. વૈજ્ઞાનિક/સૈદ્ધાંતિક દૃષ્ટિકોણ કે તટસ્થ સાક્ષીનો દૃષ્ટિકોણ એ તો પાછળથી આવે છે. મનુષ્યની જગતમાં પ્રવર્તવાની તે મૂળભૂત કે વ્યાપક રીત નથી.

ટૂંકમાં, અર્થઘટનવિચારને ત્રણ રીતે સમજી શકાય છે : (1) કૃતિઓના અર્થને, સર્જકના માનસને કૃતિ દ્વારા પામવાની પદ્ધતિ. (2) માનવવિજ્ઞાનો કે સમાજવિજ્ઞાનોમાં કર્તા-વ્યક્તિઓનાં કાર્યો (actions) જડ પદાર્થોની ક્રિયા-પ્રતિક્રિયાથી ભિન્ન સમજીને વિચારવાની પદ્ધતિ; તેમાં ઘટનાના સ્પષ્ટીકરણ(explanation)ને સ્થાને કાર્યોની સમજણ (understanding) મહત્વની બને છે અને (3) વસ્તુતત્વ-વિષયક અર્થઘટનવિચાર, જેમાં હાયડેગર અને ગાડામેર દ્વારા કૃતિની કે કાર્યોની સમજણ-પદ્ધતિને સ્થાને આવી પદ્ધતિઓને જ શક્ય બનાવવાની મનુષ્યોની અર્થઘટનકારી હસ્તીઓ તરીકે જગતમાં પ્રવર્તવાની રીતને જ મહત્વ આપવામાં આવે છે.

ફ્રેંચ ચિન્તક રિકૂર મુજબ પદ્ધતિલક્ષી અને તત્વલક્ષી અર્થઘટનવિચારનો સમન્વય એ રીતે થઈ શકે કે તાત્વિક અર્થઘટનવિચાર-પદ્ધતિઓનું પ્રામાણ્ય દર્શાવી શકે અને પદ્ધતિવિચાર તાત્વિક વિચારને સમર્થિત કરી શકે છે. અર્થઘટનોની વિવિધતાને લીધે વસ્તુલક્ષી જ્ઞાનની તુલનામાં અર્થઘટનવિચાર સાપેક્ષવાદી બની જાય છે કે કેમ તે અંગેનો જર્મન ચિન્તક હાબેરમાસ અને ગાડામેર વચ્ચે વિવાદ પણ થયો હતો.

મધુસૂદન બક્ષી