હરમ મસ્જિદ (અલ હરમ મસ્જિદ) મક્કા

February, 2009

હરમ મસ્જિદ (અલ હરમ મસ્જિદ), મક્કા : મુસ્લિમોનું વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક સ્થાપત્ય. મક્કામાં મુહમ્મદ પયગંબરસાહેબ(સ. અ. વ.)ના જન્મસ્થળે આ મસ્જિદ બાંધવામાં આવી છે. આ જ સ્થળે મુહમ્મદસાહેબે જીવનનાં અનેક વર્ષો ગાળ્યાં હતાં. ‘હરમ મસ્જિદ’નો અર્થ ‘ભવ્ય મસ્જિદ’ થાય છે. પવિત્ર કાબાને ફરતી આ મસ્જિદ બાંધવામાં આવી છે. સમગ્ર વિશ્વના મુસ્લિમોનું તે હજ (યાત્રા) કરવાનું સ્થળ છે. કાબા વિશ્વના મુસ્લિમોને કિબલા(દિશા)નું સૂચન કરે છે. ઇસ્લામના પ્રારંભનાં વર્ષો દરમિયાન મુસ્લિમો મસ્જિદની નજીક રહેતા. મુહમ્મદસાહેબના નિવાસનો ચોક સૌપ્રથમ મુસ્લિમોનું એકઠા થવાનું સ્થળ હતું. તે વખતે વિધર્મીઓ કાબાનો વહીવટ કરતા હતા. ત્યાં વિધર્મીઓ માટે મૂર્તિઓ મૂકવામાં આવતી અને તેમની પૂજા-વિધિ થતી. મુહમ્મદસાહેબે આ દૂષણો દૂર કર્યાં.

હરમ મસ્જિદ (અલ હરમ મસ્જિદ), મક્કા

 કાબાના મૂળ બાંધકામમાં અનેક વાર ફેરફારો થયા છે. કાબાને ફરતા 12 માઈલ સુધીના વિસ્તારમાં બિન-ઇસ્લામીઓ માટે પ્રવેશની મનાઈ છે. માત્ર મુસ્લિમો જ પ્રવેશ કરી શકે છે. 709માં ઉમય્યાદ ખલીફા અલ વલિદ ઇબ્ન અબ્દ અલ મલિકના સમયમાં હરમનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પણ બાંધકામમાં અનેક વાર સુધારાવધારા થયા છે. છેલ્લે 1996માં આ કાર્ય થયું હતું. કાબા નમાજ માટેની દિશા(કિબલા)નો સૂચક છે. કાબાનો પાયાનો વિસ્તાર 10.5  12 મીટર અને ઊંચાઈ 15 મીટર છે. 25 સેમી. ઊંચા આરસના પાયા (base) પર તે ઊભેલ છે. મક્કાને ફરતી ટેકરીઓના ભૂખરા પથ્થરમાંથી કાબાનું બાંધકામ કરવામાં આવ્યું છે. કાબામાં પ્રવેશવાનું દ્વાર ઈશાન બાજુની દીવાલમાં છે. ઇજિપ્તમાં ઉત્પાદિત કાળા રંગના પડદા–કિસ્વા વડે કાબાને ઢાંકવામાં આવેલ છે. હજના સમયે તેને બદલવામાં આવે છે. કાબાને ફરતું ભોંયતળિયું આરસ વડે જડેલું છે. કાબાને ફરતા સોનાના અને ચાંદીના દીવા સિવાય અન્ય કશું નથી.

સ્નેહલ શાહ

અનુ. થૉમસ પરમાર