હરમો : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ougeinia oojeinensis (Roxb) Hochr. Syn. O. dalbergioides Benth. (સં. તિનિશ; હિં. તિનસુના, તિરિચ્છ; બં. તિલિશ; મ. તિવસ, કાળા પળસ; ક. તિનિશ; ગુ. હરમો, તણછ; તે. તેલ્લા મોટુકુ; તમ. નરિવેંગાઈ; મલ. માલાવેન્ના; ઉ. બંધોના, બંજન) છે. તે નાનાથી માંડી મધ્યમ કદનું (9થી 16 મી. ઊંચું અને 1.35 મી.નો ઘેરાવો) વૃક્ષ છે. તેનું થડ સીધું કે વાંકુંચૂંકું હોય છે. તે બાહ્ય-હિમાલય અને ઉપ-હિમાલયના પ્રદેશમાં જમ્મુથી ભૂતાન સુધી 1500 મી.ની ઊંચાઈ સુધી તથા સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં ડેકન દક્ષિણ દ્વીપકલ્પના ઘણાખરા ભાગોમાં મળી આવે છે. ગુજરાતમાં પંચમહાલનાં જંગલોમાં હરમો ઘણો થાય છે. તેની છાલ ભૂખરી કે બદામી અને ઊંડે સુધી તિરાડવાળી હોય છે. પર્ણો પીંછાકાર ત્રિપર્ણી અને અરોમિલ હોય છે. પુષ્પો ટૂંકી ગુચ્છિત કલગી-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. તેઓ સફેદ કે ગુલાબી અને કેટલેક અંશે સુગંધિત હોય છે. ફળ શિંબી પ્રકારનું, આછું બદામી અને 2થી 5 બીજવાળું હોય છે. પુષ્પનિર્માણ-સમયે વૃક્ષ સુંદર લાગતું હોવાથી કેટલીક વાર ઉદ્યાનોમાં તે ઉગાડવામાં આવે છે.

હરમો મિશ્ર પર્ણપાતી જંગલોમાં સામાન્ય છે. તે કેટલીક વાર જૂથોમાં હોય છે. સાલનાં જંગલોમાં પણ તે સામાન્ય હોય છે. હિમાલયમાં વધારે ઊંચાઈએ તે pinus roxburghii સાથે સહચારી (associate) હોય છે.

તે ઉજ્જડ મૃદા સહિત વિવિધ પ્રકારની મૃદામાં ઊગે છે. જોકે તે ભૂસ્ખલન(landslip)વાળી ભૂમિ, નદીકિનારાઓ અને બાજુઓ તથા ખુલ્લી પરિસ્થિતિઓમાં સારી રીતે થાય છે; છતાં કાંપમય ગોરાડુ મૃદામાં તે પ્રમાણમાં મોટું કદ પ્રાપ્ત કરે છે. મધ્ય ભારત અને ડેક્કન દ્વીપકલ્પના પશ્ચિમી ભાગોમાં તે 18 મી. સુધીની ઊંચાઈ, સીધા થડની આશરે 7.0 મી. સુધીની લંબાઈ અને ઘેરાવો 2 મી. સુધીનો મેળવે છે. ગુજરાતમાં ડાંગનાં જંગલોમાં તેની 30 મી.ની ઊંચાઈ નોંધાઈ છે.

આકૃતિ 1 : હરમા(ougeinia oogeinensis)ની પુષ્પ અને ફળ સહિતની શાખાઓ

આ વૃક્ષ વિપુલ પ્રમાણમાં અંત:ભૂસ્તારી (sucker) ઉત્પન્ન કરે છે. તેઓ લાંબાં અને ફેલાતાં મૂળ ઉપરથી કે ભૂમિની સપાટીની નજીકથી ઉત્પન્ન થાય છે. તેને કારણે નદીકિનારાઓના કે પહાડની બાજુઓના ઊભા ઢાળ ઢાંકવા માટે ઉપયોગી છે. તેનું ઝાડીવન (coppice) સારું બને છે. કુદરતી પ્રજનન બીજ દ્વારા વહેલા ચોમાસામાં ખુલ્લી ઢીલી મૃદા, ભૂસ્ખલનવાળી ભૂમિ, રસ્તાની બંને બાજુએ અને ખેતરોમાં થાય છે. કૃત્રિમ પ્રજનન મૂળ-કટકારોપણ દ્વારા કરવામાં આવે છે. પ્રરોહ-કટકારોપણનાં પરિણામો સારાં હોતાં નથી. નિયમિત નીંદણ સહિતની બીજની હરોળ-વાવણી સૌથી સારું પરિણામ આપે છે. 50 મી.ની હરોળ માટે 450 ગ્રા. શિંગ જરૂરી હોય છે. સીધી વાવણી ધરુવાડિયાની રોપાની વાવણી કરતાં વધારે ઇચ્છવા યોગ્ય છે.

વૃક્ષને શરૂઆતના તબક્કાઓમાં અમુક પ્રમાણમાં છાંયડો જોઈએ છે; પરંતુ એક વાર સ્થાપિત થયા પછી વિકાસ માટે પૂરો ખુલ્લો પ્રકાશ જરૂરી હોય છે. તરુણ અવસ્થામાં તે શુષ્કતા અને હિમ માટે સંવેદી હોવા છતાં પછીથી તે સહિષ્ણુ બને છે. તેનો ચારો ઢોર અને હરણ ચરે છે. તે આગ પણ સારા એવા પ્રમાણમાં સહન કરી શકે છે.

હરમો અંત:કાષ્ઠ(heart-wood)ના સડા(Eomes caryophylli)થી સંવેદી હોય છે. કાષ્ઠને ઘાટો પીળો બદામી કોટરમય સડા(polystichus nilgheriensis)નો અને સફેદ પોચા સડા(Asterostromella rhoclospora = vararia rhodospora અને Trametes lactinea)નો રોગ લાગુ પડે છે. વૃક્ષ ઘણા વિપત્રકો (defoliators) અને વેધકો (borers) માટે સંવેદી હોય છે. વેધકો મૃત કાષ્ઠ પર પણ આક્રમણ કરે છે.

હરમાનું કાષ્ઠ કીમતી ઇમારતી કાષ્ઠ ગણાય છે. રસકાષ્ઠ ભૂખરું અને સાંકડું હોય છે; અને અંત:કાષ્ઠ જ્યારે તાજું ખુલ્લું થયેલું હોય ત્યારે આછું સોનેરી બદામી હોય છે. સમય જતાં તે ઘેરી રેખાઓવાળું રતાશ પડતું બદામી બને છે. તે થોડુંક ચળકતું, સાંકડી અંતર્ગ્રથિત (interlocked) કાષ્ઠરેખાઓવાળું, બરછટ પોતવાળું, સ્થિતિસ્થાપક, કઠોર, અત્યંત મજબૂત અને ભારે (વિ. ગુ. આશરે 0.84; સરેરાશ વજન 865 કિગ્રા./(ઘ.મી.) હોય છે. વધારે વિઘટન પામ્યા સિવાય તેનું વાયુ સંશોષણ ધીમેથી થાય છે. કીટકના આક્રમણને અટકાવવા છાલ કાઢી નાખવામાં આવે છે. કાષ્ઠનું કોઈ પણ મુશ્કેલી વિના ક્લિન-વાયુ સંશોષણ થઈ શકે છે. પરંતુ તેમાં શુષ્કનની ક્રિયા ધીમી થાય છે અને કાળજી રાખવી જરૂરી હોય છે. 2.5 સેમી. જાડા કાષ્ઠ-પટ્ટ(plank)નું વાયુસંશોષણ થતાં 16થી 20 દિવસ થાય છે.

કાષ્ઠ ટકાઉ હોય છે અને અન્ય ભારતીય કાષ્ઠની તુલનામાં ઊધઈ ઘણી ઓછી લાગે છે. ગ્રેવયાર્ડ કસોટીઓ દર્શાવે છે કે તેનું કુદરતી ટકાઉપણું 10થી 15 વર્ષનું હોય છે.

આકૃતિ 2 : હરમાના કાષ્ઠનો આડો છેદ

કાષ્ઠ વહેરવાનું તથા તેના પર કામ કરવાનું મુશ્કેલ હોય છે. તેને સારી રીતે સમતલ બનાવી શકાય છે તેમજ ખરાદીકામ પણ થઈ શકે છે. કાળજીપૂર્વક તેની સપાટી લીસી બનાવી શકાય છે. તેની લીસી સપાટી ઉપર લાંબો સમય ટકે તેવી પૉલિશ કરી શકાય છે. સાગના ગુણધર્મોના સંદર્ભમાં હરમાના કાષ્ઠની તુલનાત્મક ઉપયુક્તતા(suitability)ની ટકાવારીમાં માહિતી આ પ્રમાણે છે : વજન 120, પાટડા તરીકેનું સામર્થ્ય 80, પાટડાની દુર્નમ્યતા (stiffness) 75, સ્તંભ તરીકેની ઉપયુક્તતા 80, આઘાત-અવરોધક ક્ષમતા 120, આકારની જાળવણી 60, અપરૂપણ (shearing) 140 અને કઠોરતા 145.

કાષ્ઠનો ઉપયોગ ગાડાં અને ગાડીઓ ખાસ કરીને ગાડાની ધરી, કેન્દ્ર અને દંડ બનાવવામાં, કૃષિનાં ઓજારો, શેરડીના સંચા, ઓજારોના હાથા, ખાટલાના પાયાઓ, તંબુની ધરી અને ખીલાઓ, હલેસાં તથા જ્યાં મજબૂતાઈ જરૂરી હોય તેવાં સાધનો બનાવવામાં થાય છે. તે સ્તંભ, પાટડા, બારી અને બારણાંની ફ્રેમ બનાવવામાં; વળી, ટેકા અને સાગ તથા સાલની અવેજીમાં કેટલીક જગ્યાએ વપરાય છે. ભારે હોવા છતાં તેનો રાચરચીલું બનાવવામાં ઉપયોગ થાય છે. તે કાપડની મિલનાં સાધનો, ત્રાક, બૉબિન ઉત્થાપક હસ્ત (picker arm), શટલ, પીપડાં વગેરે બનાવવામાં ઉપયોગી છે.

હરમો લાખના કીટકના યજમાન તરીકે ઉપયોગી છે. પ્રયોગોએ દર્શાવ્યું છે કે તે સારો ‘વૈશાખી’ પાક આપે છે. તે પલાશ (Butea monosperma) અને બોર (Ziziphus mauritiana) કરતાં પછીના ‘કાતકી’ પાક માટે વધારે જનનલાખ (broodlac) આપે છે. તેની જનનશક્તિ જાળવી રાખવા પલાશ કે બોર પર એકાંતરિત રીતે લાખના કીટકનો ઉછેર કરવો જરૂરી છે.

તેનાં પર્ણોનો ચારા તરીકે ઉપયોગ થાય છે. તેના અન્નવાહિની રેસાઓ દોરડાં બનાવવામાં ઉપયોગી છે. છાલનો ઉપયોગ જ્વરઘ્ન (febrifuge) અને માછલીના વિષ તરીકે થાય છે. તે 7 % જેટલા ટેનિન ધરાવે છે. છાલને છેદ કરી મેળવવામાં આવતા કિનો જેવા સ્રાવનો અતિસાર અને મરડામાં ઉપયોગ થાય છે. અંત:કાષ્ઠ ડાઇમિથોક્સિ આઇસોફ્લેવૉન હોમોફેરેઇરિન (C17H16O6, ગ. બિં. 168–189° સે.) અને એક આઇસોફ્લેવેનોન, ઉજેનિન (5, 2, 4 ટ્રાઇહાઇડ્રોક્સિ–7–મિથોક્સિ–6–મિથાઇલ આઇસોફ્લેવેનોન, C17H16O6, ગ. બિં. 238°થી 240° સે.) ધરાવે છે.

આયુર્વેદની દૃષ્ટિએ હરમો કફ, રક્તપિત્ત, મેદ, કોઢ, પ્રમેહ, સફેદ ડાઘ (શ્વિત્ર), વ્રણ, પાંડુ તથા કૃમિનો નાશ કરે છે. તે ખાસ ગરમ અને ગ્રાહી છે તથા રક્તાતિસાર, કફ-વાતદોષ, રક્તવિકાર અને પિત્તદોષનો પણ નાશ કરે છે. તે મૂત્રસંગ્રહણીય, તાવનાશક, સ્તંભક અને રસાયન છે. તે નબળાઈમાં લાભપ્રદ છે. તેના ઝાડનો સાર અને છાલ દવામાં વપરાય છે.

ઔષધિપ્રયોગો : (1) કોઢ (ત્વચાના રોગો) : હરમાનાં છોડાંનો ઉકાળો રોજ પીવામાં, વ્રણ ધોવામાં તથા લેપમાં વાપરવો લાભપ્રદ છે. (2) રસાયન ઔષધ તરીકે : હરમાના મૂળનું ચૂર્ણ રોજ 5 ગ્રા. જેટલું દૂધમાં ઉકાળી નિત્ય પીવાથી વૃદ્ધાવસ્થાનાં દર્દો દૂર થઈ નવજીવન કે યુવાની મળે છે. જળવાય છે. (3) રક્તાતિસાર (લોહીના ઝાડા) : વૃક્ષની છાલનું ચૂર્ણ 5 ગ્રા. જેટલું દૂધમાં મેળવી, તેમાં મધ કે સાકર મેળવી રોજ દિવસમાં 2થી 3 વાર પીવાથી લોહીના ઝાડા મટે છે. (4) તાવ : તાવમાં જ્યારે પેશાબનો રંગ ખૂબ રાતો થઈ જાય ત્યારે તેની છાલનો ઉકાળો કરી સવાર-સાંજ પીવાથી લાભ થાય છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ