હબીબ ઉલ્લાખાન (સરદાર) (જ. 1890; અ. 1940) : પંજાબમાં જમીનદાર પક્ષના સ્થાપક અને તેના પ્રમુખ; હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી. તેઓ લાહોર જિલ્લાના મુસ્લિમ જમીનદાર કુટુંબમાં જન્મ્યા હતા. તેમણે લાહોરમાં અભ્યાસ કર્યો હતો. શિક્ષણને લીધે તેઓ ઉદાર વિચારસરણીમાં માનતા હતા. તેઓ વિધવાપુનર્લગ્ન અને મહિલાઓને સમાન અધિકારો આપવાના હિમાયતી હતા. વીસમી સદીના પૂર્વાર્ધમાં પંજાબના રાજકારણમાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પંજાબમાં 1921થી 1946 સુધી સત્તામાં રહેનાર યુનિયનિસ્ટ પક્ષના સ્થાપક ફઝલેહુસેનના તેઓ નિકટના સાથી હતા. તેમની શરૂઆતની કારકિર્દીમાં તેમને લાહોરના ડિસ્ટ્રિક્ટ બોર્ડના ઉપાધ્યક્ષ તથા લાહોરની નગરપાલિકાની સમિતિના સભ્યપદે નીમવામાં આવ્યા. તેમને ખેડૂતોના કલ્યાણમાં ઘણો રસ હતો. તેથી જિલ્લા સમિતિના કાર્યમાં નોંધપાત્ર સુધારો થયો. 1927થી 1936 સુધી તેઓ પંજાબની ધારાકીય સમિતિના સભ્ય અને કેટલોક સમય ઉપપ્રમુખ હતા.

હબીબ ઉલ્લાખાનના જીવનનું મુખ્ય કાર્ય જમીનદાર પક્ષના સંગઠનનું હતું. તેઓ કેટલાંક વર્ષ માટે તેના પ્રમુખ હતા. પંજાબમાં મુસ્લિમો અને બિનમુસ્લિમો લગભગ સરખા ભાગે વહેંચાયેલા હતા; તેથી ત્યાં કોઈ કોમવાદી સંસ્થા સફળતાપૂર્વક કામ કરી શકે નહિ એનો ખ્યાલ હોવાથી તેમણે આર્થિક કાર્યક્રમ સાથેની સંસ્થા સ્થાપી કે જેથી તેમાં વિવિધ કોમના લોકો જોડાય અને તેમાં સક્રિય રસ ધરાવે. હબીબ ઉલ્લા અને તેમના સાથીઓએ જમીનદાર પક્ષ સ્થાપ્યો, જેનો હેતુ બધી કોમના ખેડૂતોની ઉન્નતિ સાધવાનો હતો. તેથી તેમનો પક્ષ લોકપ્રિય થયો. તેમાં બધી કોમના ખેડૂતો સહકારથી કામ કરતા. આમ આ પક્ષે કોમી એકતા સાધવાનું ઘણું ઉપયોગી કાર્ય કર્યું.

સરદાર હબીબ ઉલ્લાએ પંજાબના ખેડૂતોના કલ્યાણ વાસ્તે તેમનું સમગ્ર જીવન સમર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ગામડાંઓમાં ગૃહઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની હિમાયત કરી, જેથી ખેડૂતોને નવરાશના સમયમાં પૂરક આવક થઈ શકે. તેઓ ઇચ્છતા હતા કે ડેરી, ઘેટાંઉછેર તથા મરઘાંઉછેરના વ્યવસાયો ગામડાંઓમાં વિકસાવવા જોઈએ.

હબીબ ઉલ્લા કટ્ટર રાષ્ટ્રવાદી હતા. તેઓ માનતા હતા કે હિંદુ, મુસ્લિમ કે શીખ કોમ વિરુદ્ધ ધિક્કાર પેદા થાય એવાં લખાણો ઇતિહાસનાં પુસ્તકોમાંથી કાઢી નાખવાં જોઈએ. દેશની સ્વતંત્રતા મેળવવા માટે આંદોલનની પદ્ધતિના તેઓ વિરોધી હતા. તેઓ બંધારણીય પદ્ધતિમાં માનતા હતા. હિંદુઓ અને મુસ્લિમો, બે મુખ્ય કોમો વચ્ચે કોમી એકતા સાધવા તેમણે ઘણા પ્રયાસો કર્યા હતા.

વીસીના દાયકામાં ખિલાફત, ગુરુદ્વારાના સુધારા તથા અસહકાર આંદોલન દરમિયાન પંજાબમાં બ્રિટિશ-વિરોધી વાતાવરણ ફેલાયું. પરિણામે, 1937માં યુનિયનિસ્ટ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડતા હબીબ ઉલ્લાને કૉંગ્રેસના ઉમેદવારે હરાવ્યા. તેમના જૂના સાથી અને નિકટના મિત્ર સર ફઝલેહુસેન 1936માં મરણ પામ્યા. તેથી 1937થી તેમણે પણ રાજકારણનો ત્યાગ કર્યો. ગ્રામોદ્ધારની પ્રવૃત્તિ અને યુનિયનિસ્ટ પાર્ટીના સ્તંભ તરીકે પંજાબ તેમને યાદ કરે છે.

જયકુમાર ર. શુક્લ