હબિમા : યહૂદીઓની રંગભૂમિ. મૂળમાં તેનો ઊગમ ‘હા-ઇવરિત’ તરીકે બિએધસ્ટોક, પૉલેન્ડમાં 1912માં નૅહુમ ઝેમેકે કરેલો. 1913માં તે નાટકમંડળીએ વિયેનામાં ઑશિપ ડાયમોવનું ‘હીઅર ઓ ઇઝરાયેલ’ નાટક 11મી ઝિયૉનિસ્ટ કૉંગ્રેસ સમક્ષ ભજવેલું. 1917માં પ્રથમ વિશ્વયુદ્ધની અસરને લીધે તે મંડળી વિખરાઈ ગયેલી. ઝેમેકે તેની પુન:સ્થાપના હબિમા નામથી મૉસ્કોમાં કરેલી. મૉસ્કોના ‘આર્ટ થિયેટર’ના નિર્દેશક કોન્સ્ટેન્તિન સ્તાનિસ્લાવસ્કીની પ્રેરણાથી આ નાટ્યમંડળીએ પોતાની પ્રવૃત્તિ વધારી હતી. યિડિશ ઓપેરા અને મેલોડ્રામાની અસરથી વેગળા થઈ તેમણે નવાં નાટકો ભજવ્યાં. 1918માં ચાર એકાંકી લોકનાટકો યેવજેની વાખ્તાંગોવે રજૂ કર્યાં. વાખ્તાંગોવ સ્તાનિસ્લાવસ્કીના શિષ્ય હતા. છેક 1922 સુધી આ રંગમંડળના તેઓ મુખ્ય નિર્દેશક રહ્યા હતા. તેમનું મુખ્ય નાટક ‘ધ ડિબક’ (1922) હતું. યહૂદી રહસ્યવાદને વારંવાર ઘૂંટતા આ નાટકમાં એક પાત્રને જાણે કે ભૂત વળગ્યું હોય તેમ લાગે છે, છતાંય શાશ્વત પ્રેમથી તે ભર્યું ભર્યું દેખાય છે. આ નાટક ખૂબ લોકપ્રિય થયું હતું. હબિમાની ખ્યાતિ કલાના ઉત્તમ નમૂના તરીકે થઈ. મૉસ્કોના આર્ટ થિયેટરે તેનો સ્વીકાર સ્ટુડિયો તરીકે કર્યો. 1925માં આ પ્રકારના નાટકને બોરિસ વર્શિલોવની અને મેકહેદેલોવની દોરવણી મળી. તેમણે એચ. લીવિડના ‘ધ ગોલેમ’ને તખ્તા પર રજૂ કર્યું. આ નાટકમાં યહૂદીઓનાં અંધશ્રદ્ધા, લોકસાહિત્ય અને રહસ્યવાદ રજૂ થયાં. 1926માં મૉસ્કોનો આ રંગમંચ યુરોપ અને અમેરિકાની સફરે ગયો. જોકે સંજોગવશાત્ તેમની મંડળી બે ભાગમાં વહેંચાઈ ગઈ. તેનો મુખ્ય ભાગ પેલેસ્ટાઇનમાં ગયો જેમાં ઝેમેક સામેલ થયા ન હતા. તે મંડળી તેલ અવિવમાં 1931માં સ્થિર થઈ. ઇઝરાયેલમાં સ્થાયી થયા પછી હબિમા યિડિશ અને બાઇબલ પરંપરા પર આધારિત નાટકો રજૂ કરે છે. તેઓ ઇઝરાયેલ ઉપરાંત સમકાલીન પણ પરદેશનાં નાટકો પણ ભજવે છે. 1958માં ‘હબિમા’ને ‘ઇઝરાયેલની રાષ્ટ્રીય રંગભૂમિ’ તરીકે માન્ય કરવામાં આવ્યું. રાજ્ય સરકારે તેને વાર્ષિક આર્થિક મદદ કરવાનું પણ જાહેર કર્યું. હાલ પણ રંગભૂમિ માટે તે સક્રિય ભાગ ભજવે છે.

વિ. પ્ર. ત્રિવેદી