હબીબ, મોહંમદ (જ. 6 જાન્યુઆરી 1895, લખનૌ; અ. 22 જાન્યુઆરી 1971) : મધ્યકાલીન ભારતના ઇતિહાસકાર. પિતાનું નામ મોહંમદ નસીમ. મોહંમદ હબીબે 1911માં અલીગઢની હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી 1915માં તેઓ બી.એ. થયા. તે પછી વધુ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ ગયા અને ઑક્સફર્ડની ન્યૂ કૉલેજમાં અભ્યાસ કરી 1920માં અનુસ્નાતકની ડિગ્રી ઑનર્સ સાથે મેળવી. ત્યાર બાદ બાર-ઍટ-લૉ પણ થયા. ઑક્સફર્ડમાં અભ્યાસ દરમિયાન તેઓ ત્યાંની મજલિસ(સમિતિ)ના પ્રમુખ હતા.

ભારત પાછા ફરીને હબીબ જામિયા મિલિયા, અલીગઢ અને ત્યાર બાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જોડાયા. ત્યાં તેઓ સમય જતાં ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિભાગના વડા, ઇતિહાસના પ્રોફેસર અને યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ આર્ટ્સના ડીન (વિદ્યાવારિધિ) હતા.

ઈ. સ. 1927થી 1930 સુધી તેઓ સંયુક્ત પ્રાંતો(ઉત્તરપ્રદેશ રાજ્ય)ની લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય હતા. 1959માં તેમને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની ડૉક્ટર ઑવ્ લેટર્સની ડિગ્રી એનાયત કરવામાં આવી. 1967માં ભારતના ઉપપ્રમુખપદની ચૂંટણીમાં તેઓ વિરોધ પક્ષના ઉમેદવાર હતા. પૅરિસ (ફ્રાંસ) મોકલવામાં આવેલ યુનાઇટેડ નેશન્સના ભારતીય પ્રતિનિધિમંડળના તેઓ એક પ્રતિનિધિ હતા.

તેમણે લખેલાં પુસ્તકોમાં ‘સુલતાન મેહમૂદ ઑવ્ ગઝની’, ‘કેમ્પેઇન્સ ઑવ્ અલાઉદ્દીન ખલજી’, ‘હજરત અમીર ખુશરો ઑવ્ દિલ્હી’, ‘ઇન્ડિયા ઑન ધી ઇવ ઑવ્ ઘોરિયન ઇન્વેઝન’નો સમાવેશ થાય છે. ઝિયાઉદ્દીન બરનીએ લખેલ ‘તારીખે ફીરોજશાહી’ ગ્રંથનો તેમણે અંગ્રેજી અનુવાદ કર્યો છે.

તેમણે ઈરાન, અફઘાનિસ્તાન, ચીન તથા રુમાનિયાનો પ્રવાસ કર્યો હતો. તેમના પુત્ર પ્રોફેસર ઇરફાન હબીબ પણ જાણીતા ઇતિહાસકાર છે.

જયકુમાર ર. શુક્લ