હંગેરી : મધ્ય યુરોપમાં આવેલો, બધી બાજુએ ભૂમિભાગોથી ઘેરાયેલો નાનો દેશ. ભૌગોલિક સ્થાન : તે 47° 00´ ઉ. અ. અને 20° 00´ પૂ. રે.ની આજુબાજુનો 93,032 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 502 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 311 કિમી. જેટલી છે. તેની ઉત્તરે સ્લોવાકિયા, ઈશાને યુક્રેન, પૂર્વે રુમાનિયા, દક્ષિણે ક્રોએશિયા અને યુગોસ્લાવિયા, નૈર્ઋત્ય કોણમાં સ્લોવેનિયા તથા પશ્ચિમે ઑસ્ટ્રિયા જેવા દેશો આવેલા છે. હંગેરીનું પાટનગર બુડાપેસ્ટ છે.

ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ દેશનો B ભાગ સમુદ્રસપાટીથી 198 મીટરની ઊંચાઈએ રહેલો છે, જ્યારે પૂર્વ તરફનો ઘણોખરો ભાગ સમતળ છે. ઉત્તર તરફ ઓછી ઊંચાઈવાળા પર્વતો છે, તે પૈકી કેકેસ પર્વત 1,015 મીટરની ઊંચાઈ ધરાવે છે. પશ્ચિમ તરફ નાની ટેકરીઓ આવેલી છે. અન્ય શિખરોમાં કોરીશેગી (704 મીટર) મહત્વનું છે.

તિસ્ઝા અહીંની સૌથી લાંબી નદી છે. પૂર્વ હંગેરીમાં ઉત્તર-દક્ષિણ વહેતી આ નદીની લંબાઈ 579 કિમી. જેટલી છે, તે ડેન્યૂબ નદીની સહાયક નદી છે. યુરોપના સાત દેશોમાંથી વહેતી ડેન્યૂબ હંગેરીમાંથી પણ પસાર થાય છે. આ નદી પડોશી દેશો સાથેના જળવ્યવહારમાં વધુ ઉપયોગી બની રહી છે. કોરોસ તિસ્ઝાની સહાયક નદી છે.

મધ્ય યુરોપનું સૌથી મોટું સરોવર બાલાટોન (596 ચોકિમી. વિસ્તાર) હંગેરીના પશ્ચિમ ભાગમાં આવેલું છે. પ્રવાસીઓ આનંદ-પ્રમોદ માણવા રજાઓમાં અહીં આવે છે.

પ્રાકૃતિક દૃષ્ટિએ આ દેશના ભૂપૃષ્ઠને ચાર વિભાગોમાં વહેંચેલું છે : (1) વિશાળ મેદાન, (2) ટ્રાન્સડેન્યૂબિયા, (3) નાનું મેદાન, (4) ઉત્તરનો ઉચ્ચપ્રદેશ.

હંગેરી

(1) વિશાળ મેદાન : ઉત્તરના પર્વતો સિવાય ડેન્યૂબ નદીનો પૂર્વ કાંઠાનો વિસ્તાર આ વિભાગમાં આવે છે, તે દેશનો 50 % વિસ્તાર ધરાવે છે. નદી ખીણ રેતીના ઢૂવા તેમજ નાની ટેકરીઓને કારણે અહીંનો સમતળ વિભાગ તૂટક તૂટક સ્થિતિમાં જોવા મળે છે. આ મેદાનો ખેતી હેઠળ રોકાયેલાં છે, દેશના ઈશાન ભાગની જમીનો સૌથી વધુ ફળદ્રૂપ છે.

(2) ટ્રાન્સડેન્યૂબિયા : હંગેરીના વાયવ્ય ભાગને છોડીને ડેન્યૂબ નદીના પશ્ચિમ ભાગનો સમાવેશ આ વિભાગમાં થાય છે. બાલાટોન સરોવરની ઉત્તરે ટેકરીઓ અને પર્વતો આવેલા છે. બુડાપેસ્ટની ઉત્તરે ડેન્યૂબ વહે છે. દક્ષિણે ઓછી ઊંચાઈવાળા પર્વતો તથા પશ્ચિમ ભાગમાં ઑસ્ટ્રિયન આલ્પ્સનો તળેટી વિસ્તાર આવેલો છે. આ વિભાગની અગ્નિ દિશામાં વિશાળ બગીચાઓ પણ છે.

(3) નાનું મેદાન : આ મેદાનો હંગેરીના વાયવ્ય ભાગમાં આવેલાં છે. પશ્ચિમ સીમાએ ઑસ્ટ્રિયન આલ્પ્સની તળેટીનો આ વિભાગમાં સમાવેશ થાય છે. આ મેદાનો ખેતી માટે વધુ સમૃદ્ધ ગણાય છે.

(4) ઉત્તરનો ઉચ્ચપ્રદેશ : ડેન્યૂબ નદીના ઈશાનેથી શરૂ કરીને વિશાળ મેદાનના ઉત્તર ભાગનો આ વિભાગમાં સમાવેશ થાય છે. મધ્ય યુરોપની કાર્પેથિયન પર્વતમાળા આ વિભાગમાં ગણાય છે. આ હારમાળામાં ઉગ્ર ઢોળાવો, ગીચ જંગલો, નાનાં ઝરણાં તેમજ ખવાણ-ધોવાણથી ઉદભવેલી સુંદર સ્થળાકૃતિઓ જોવા મળે છે. આ વિભાગ ખાણઉદ્યોગ માટે મહત્વનો બની રહેલો છે.

આબોહવા : આ દેશ વિસ્તારમાં નાનો હોવાથી આબોહવાનું વૈવિધ્ય જોવા મળતું નથી. અહીંના ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા રહે છે. તેના ભૌગોલિક સ્થાનને કારણે અહીંની આબોહવા ખંડીય પ્રકારની છે. જુલાઈ અને જાન્યુઆરીનાં તાપમાન અનુક્રમે 21° સે. અને 2° સે. જેટલું રહે છે. અહીં સરેરાશ વરસાદ (અથવા હિમપાત) 600 મિમી. જેટલો પડે છે. મેથી જુલાઈ માસમાં ભેજનું પ્રમાણ અધિક રહે છે.

કુદરતી સંપત્તિ : દેશનો 15 % વિસ્તાર જંગલ-આચ્છાદિત છે. અહીં લાકડાં પૂરતા પ્રમાણમાં મળતાં ન હોવાથી તેમની આયાત કરવી પડે છે. દેશમાં ખનિજસંપત્તિ વિપુલ પ્રમાણમાં મળે છે. અહીંથી લોહઅયસ્ક, બૉક્સાઇટ અને મૅંગેનીઝનાં ખનિજો, ખનિજતેલ અને કુદરતી વાયુ મળી રહે છે. સંચાલનશક્તિનો સ્રોત પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થવાથી અણુવિદ્યુત એકમને કાર્યરત રાખવા યુરેનિયમની આયાત કરવી પડે છે.

ખેતી : હંગેરીનું અર્થતંત્ર ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. મુખ્ય કૃષિપાકોમાં મકાઈ, ઘઉં, જવ, સૂરજમુખીનાં ફૂલ, સફરજન, બટાટા અને શર્કરાકંદનો સમાવેશ થાય છે. અહીં માંસની માંગ વધુ રહેતી હોવાથી ભુંડ, ગાય અને ઘેટાં-બકરાંનો ઉછેર વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે. આ દેશને સમુદ્રકિનારો મળેલો ન હોવા છતાં નદીઓમાં જળપુરવઠો વધુ રહેતો હોવાથી મીઠા જળની માછલીઓ મેળવવામાં આવે છે.

ઉદ્યોગો : કાચા માલને આધારે અહીં બસ, ટ્રેન જેવાં લોખંડ-પોલાદ આધારિત પરિવહનનાં સાધનો બનાવવાના એકમો કાર્યરત છે. વીજળી અને પરમાણુશક્તિ મેળવવાના તથા વીજાણુસાધનોના એકમો પણ આવેલા છે. અહીં બૉક્સાઇટમાંથી ઍલ્યુમિનિયમ બનાવવાના, રંગ-રસાયણના, સુતરાઉ કાપડના, ઔષધોના, ખાદ્યપ્રક્રમણના એકમો પણ આવેલા છે.

પરિવહન–સંદેશાવ્યવહાર : હંગેરીમાં સડકમાર્ગો(પાકા અને કાચા)ની લંબાઈ લગભગ 1,88,203 કિમી. જેટલી અને રેલમાર્ગની લંબાઈ 7,873 કિમી. જેટલી છે. બુડાપેસ્ટ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. નદીઓમાં જળપુરવઠો રહેતો હોવાથી થોડાઘણા પ્રમાણમાં જળવ્યવહાર ચાલે છે, તેની લંબાઈ 1,622 કિમી. જેટલી છે. સેટેલાઇટ દ્વારા સંદેશાવ્યવહાર પણ વિકસ્યો છે.

વેપાર : દેશના આંતરખંડીય સ્થાનને કારણે આંતરિક માંગને પહોંચી વળવા પડોશી દેશો સાથે આયાત-નિકાસનો વેપાર ચાલે છે. મોટા ભાગનો વેપાર ચેક પ્રજાસત્તાક, પોલૅન્ડ, સ્લોવાકિયા અને સ્લોવેનિયા સાથે થાય છે. આ ઉપરાંત કેટલોક વેપાર જર્મની, ઑસ્ટ્રિયા અને રશિયા સાથે પણ કરવામાં આવે છે. હંગેરી બધી બાજુએથી ભૂમિ-બદ્ધ હોવાથી તેને અનેક દેશો સાથે વ્યાપારિક સંધિઓ પણ કરવી પડી છે.

વસ્તીલોકો : 2005 મુજબ હંગેરીની વસ્તી 1.0098 કરોડ જેટલી છે. શહેરી અને ગ્રામીણ વસ્તીનું પ્રમાણ અનુક્રમે 66 % અને 34 % જેટલું છે. અહીં 95 % લોકો મેગ્યાર જાતિના છે. આ ઉપરાંત અહીં પડોશી દેશોના લોકો તેમજ જર્મન, સ્લાવ અને રોમનો પણ વસે છે. અહીંની મુખ્ય ભાષા હંગેરિયન છે, રશિયન ભાષાનો પ્રભાવ પણ જોવા મળે છે.

1782માં સ્થપાયેલી દુનિયાની જૂનામાં જૂની યુનિવર્સિટી ઑવ્ ટૅકનૉલૉજી : હંગેરી

અહીંની 70 % વસ્તી રોમન કૅથલિક અને 30 % વસ્તી પ્રૉટેસ્ટંટ છે. મોટા ભાગના લોકો લખી-વાંચી જાણે છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તદ્દન નિ:શુલ્ક છે. અહીં વિવિધ વિષય શાખાઓનું શિક્ષણ આપતી યુનિવર્સિટીઓ પણ આવેલી છે, તે પૈકી સૌથી મોટી યુનિવર્સિટી બુડાપેસ્ટ ખાતે આવેલી છે. શિક્ષણના વિકાસને કારણે અહીં સેવા-ઉદ્યોગો વિકસ્યા છે; જેમાં ખાસ કરીને શિક્ષણ, એન્જિનિયરિંગ, ફાઇનાન્સ, આરોગ્ય, વેપાર વધુ ઉલ્લેખનીય છે. દેશમાં 776 જેટલાં મ્યુઝિયમ અને કલાદીર્ઘાઓ આવેલાં છે.

ઇતિહાસ : હંગેરીમાં હજારો વર્ષોથી લોકો રહે છે. 9મી સદીથી પૂર્વના પ્રદેશોમાંથી મેગ્યાર જાતિના લોકો ડેન્યૂબ નદીના પ્રદેશોમાં આવવા લાગ્યા. તેમનો નાયક આરપાડ હતો. આશરે ઈ. સ. 970માં આરપાડનો પ્રપૌત્ર ગેઝા મેગ્યાર જાતિનો નાયક બન્યો. તેના પછી સ્ટીફને વહીવટ કર્યો. પોપ સિલ્વેસ્ટર 2જાએ તેને હંગેરીના રાજા તરીકે માન્ય રાખ્યો અને ઈ. સ. 1000માં હંગેરીના પ્રથમ રાજા તરીકે તેનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. સ્ટીફને દેશના અધિકૃત ધર્મ તરીકે રોમન કૅથલિકને માન્ય કર્યો. આ કાર્ય બદલ, તેના મૃત્યુ બાદ 45 વર્ષે, ઈ. સ. 1083માં કૅથલિક ચર્ચે તેને સંત જાહેર કર્યો.

આરપાડના વંશજોએ હંગેરી ઉપર ઈ. સ. 1301 સુધી રાજ્ય કર્યું. આ દરમિયાન હંગેરી ખ્રિસ્તી રાજ્ય બની ગયું. ઈ. સ. 1301 પછી બીજાં 225 વર્ષ સુધી હંગેરી સ્વતંત્ર રાજ્ય રહ્યું. આ દરમિયાન ચાર્લ્સ રૉબર્ટ એક મહાન રાજા થઈ ગયો. તેણે ઈ. સ. 1308થી 1342 સુધી હંગેરી પર શાસન કર્યું. તેણે રાજ્યમાં વ્યવસ્થા સ્થાપી, અમીરોની સત્તા નબળી પાડીને રાજાના સ્થાનને મજબૂત કર્યું.

ઈ. સ. 1458માં હુનયાદીનો પુત્ર મેથિયસ કોર્વિનસ હંગેરીનો રાજા થયો. તેણે ચાર્લ્સ રૉબર્ટની જેમ, રાજાની સત્તા મજબૂત કરી. તેના અમલ દરમિયાન હંગેરી સમૃદ્ધ થયું. ઈ. સ. 1526માં તુર્કોએ હંગેરીને હરાવીને કબજે કર્યું. હંગેરીના પશ્ચિમ અને ઉત્તરના પ્રદેશો ઑસ્ટ્રિયાના હેબ્સબર્ગ લશ્કરે કબજે કર્યા. તે પછી હેબ્સબર્ગ શાસકોએ સમગ્ર હંગેરી પર સત્તા મેળવી અને તુર્કોને હાંકી કાઢ્યા. 19મી સદીની શરૂઆતમાં કાઉન્ટ સ્ટીફન ઝેચેનીએ હંગેરીની સંસ્કૃતિ તથા રાષ્ટ્રીય ગૌરવ પુનર્જીવિત કરવાની ચળવળ ઉપાડી. તેણે આર્થિક તથા સામાજિક સુધારા પણ કર્યા. 1848માં હંગેરીમાં પાર્લમેન્ટને જવાબદાર સરકાર રચવામાં આવી. ખેતદાસોને મુક્ત કરવામાં આવ્યા; છતાં હંગેરીએ ઑસ્ટ્રિયા સામે સ્વતંત્રતાની લડત આપવી પડી. લૂઈ કોસુથ ક્રાંતિકારી સરકારનો વડો બન્યો અને એપ્રિલ, 1849માં ઑસ્ટ્રિયાની સત્તા હેઠળથી સંપૂર્ણ સ્વતંત્રતાની જાહેરાત કરી; પરંતુ રશિયાની મદદથી ઑસ્ટ્રિયાએ તે જ વર્ષે ઑગસ્ટમાં હંગેરી પુન: જીતી લીધું. તે પછીનાં 50 વર્ષમાં ઑસ્ટ્રિયા–હંગેરીના રાજ્યમાં આર્થિક, શૈક્ષણિક સુધારા થયા અને સાંસ્કૃતિક વિકાસ થયો. આ દરમિયાન હંગેરીનાં રાષ્ટ્રીય જૂથો સ્વરાજની માગણી કરવા લાગ્યાં.

16 નવેમ્બર, 1918ના રોજ હંગેરીના લોકોએ બળવો કરી, હંગેરીને પ્રજાસત્તાક જાહેર કર્યું. માઇકલ કારોલી દેશનો પ્રમુખ બન્યો; પરંતુ ત્યાંના સામ્યવાદીઓ તથા સમાજવાદીઓ સંયુક્ત સરકાર રચવા તૈયાર થવાથી, કારોલીએ રાજીનામું આપ્યું. નવી સરકારના સરમુખત્યાર તરીકે સામ્યવાદી નેતા બેલા કુન સત્તાધીશ બન્યો. તેની નીતિઓનો વિરોધ થયો પછી નિકોલસ હોર્થી સત્તા પર આવ્યો. તેની રૂઢિચુસ્ત સરકાર 25 વર્ષ ટકી. શાંતિ પરિષદના ભાગ રૂપે 1920માં હંગેરીએ ટ્રાએનનની સંધિ પર સહી કરી અને તેણે પોતાના બેતૃતીયાંશ પ્રદેશો ગુમાવ્યા. એપ્રિલ, 1941માં યુગોસ્લાવિયા પરના આક્રમણમાં હંગેરીએ હિટલરને મદદ કરી અને બીજા વિશ્વયુદ્ધમાં જોડાયું. હિટલરને હંગેરી પર વિશ્વાસ ન હોવાથી તેણે હંગેરી કબજે કર્યું. ત્યાંથી પાંચ લાખથી વધારે યહૂદીઓને જર્મની મોકલીને ગૅસ ચેમ્બર્સમાં મારી નાખવામાં આવ્યા. જર્મનોએ હોર્થીને જેલમાં પૂર્યો અને હંગેરીમાં નાઝી સરકાર સ્થાપી. ઈ. સ. 1944માં સોવિયેત સંઘે હંગેરી પર ચડાઈ કરી. હંગેરી અને મિત્રરાજ્યોએ 1947માં શાંતિ સંધિ કરી. હંગેરીમાં સોવિયેત સંઘના લશ્કરની ઉપસ્થિતિને લીધે સામ્યવાદીઓએ સરકાર ઉપર અંકુશ મેળવ્યો. બધા વિરોધ પક્ષોને દૂર કર્યા અને 1949માં સોવિયેત સંઘ જેવું બંધારણ આપ્યું. 1953માં ઇમ્રે નાગી વડો પ્રધાન બન્યો; પરંતુ પક્ષના વડા તરીકે રાકોસી ચાલુ રહ્યો. નાગીએ ત્યાંના લોકોને વધારે વ્યક્તિગત સ્વતંત્રતા આપી; પરંતુ રાકોસી અને પક્ષના કેટલાક સભ્યોએ આ સુધારાનો વિરોધ કર્યો. રાકોસીએ પક્ષના નેતા તરીકે, નાગીને સરકારમાંથી અને 1955માં પક્ષમાંથી દૂર કર્યો.

રાકોસીની નીતિઓથી ફરી વાર અશાંતિ પ્રવર્તી. તેને દૂર કરવામાં આવ્યો; પરંતુ તેની નીતિઓ ચાલુ રહેવાથી અસંતોષ વધ્યો. ઑક્ટોબર, 1956માં બુડાપેસ્ટમાં લોકોએ શેરીઓમાં હિંસા શરૂ કરી. આ બળવો ઝડપથી હંગેરીમાં ફેલાયો. રાજકીય કેદીઓને લોકોએ મુક્ત કર્યા. નાગી ફરીથી વડો પ્રધાન બન્યો; પરંતુ સોવિયેત સેનાએ આવીને નવેમ્બરમાં બળવો કચડી નાખ્યો. અનેક લોકો માર્યા ગયા. બે લાખ લોકો દેશમાંથી નાસી ગયા. ઇમ્રે નાગી અને તેના સાથીઓ પર મુકદ્દમો ચલાવી દેહાંત દંડ કરવામાં આવ્યો. સોવિયેત સંઘે કડક અંકુશ રાખ્યો. સામ્યવાદી પક્ષનો નવો નિમાયેલ વડો જાનોસ કાદાર 1965 સુધી વડો પ્રધાન રહ્યો. 1968થી સરકારે નવા આર્થિક કાર્યક્રમ મુજબ, મુક્ત બજારની પદ્ધતિ દાખલ કરી. તેનાથી લોકોના જીવન-ધોરણમાં સુધારો થયો. 1987માં કારોલી ગ્રોઝ વડો પ્રધાન નિમાયો અને 1988માં તે સામ્યવાદી પક્ષનો વડો બન્યો. 1988ના અંતમાં મીકલોસ નીમેથ વડો પ્રધાન બન્યો. નવા રાજકીય પક્ષો સ્થાપવામાં આવ્યા. 1989માં હંગેરીના બંધારણમાં વ્યાપક સુધારા કરવામાં આવ્યા. લોકોની સ્વતંત્રતા વધી. હંગેરી સ્વતંત્ર, લોકશાહી અને કાયદા પર આધારિત રાજ્ય બન્યું. પ્રમુખ રાજ્યનો વડો છે, તેની નૅશનલ એસેમ્બલી દ્વારા પ્રમુખ પાંચ વર્ષ માટે ચૂંટાય છે. હંગેરી એકગૃહી ધારાસભા ધરાવે છે, જેનું નામ નૅશનલ એસેમ્બલી છે. કુલ 386 સભ્યોની તે બનેલી છે. આ પ્રત્યેક સભ્ય ચાર વર્ષની મુદત માટે ચૂંટાય છે. માર્ચ–એપ્રિલ, 1990માં બહુપક્ષી ચૂંટણી યોજવામાં આવી. બિન સામ્યવાદી પક્ષોએ સંયુક્ત સરકાર રચી. તેમાં આરપાડ ગોન્ઝ નવો પ્રમુખ અને જૉસેફ અન્તાલ વડો પ્રધાન બન્યા. એપ્રિલ, 2002માં યોજાયેલ ચૂંટણીમાં હંગેરિયન સોશિયાલિસ્ટ પાર્ટી વિજેતા બની. પીટર મેડગેસી વડોપ્રધાન બન્યો. તે પછી હંગેરી યુરોપિયન યુનિયનનું સભ્ય બન્યું.

નીતિન કોઠારી