હંગેરિયન ભાષા અને સાહિત્ય

February, 2009

હંગેરિયન ભાષા અને સાહિત્ય : પ્રોટો-યુરેલિક કુળમાંથી ઊતરી આવેલ ફિનો-યુગ્રિક ભાષાજૂથમાંની એક. આમાં હંગેરિયન, ફિન્નિશ અને ઇસ્ટોનિયન ભાષાઓના બોલનારની સંખ્યા વિશેષ છે. રશિયાના ખાંટ, વેપ્સ અને માનસી લોકોની ભાષાઓ લગભગ મૃતપ્રાય થઈ છે. હંગેરીની રાજ્યભાષા હંગેરિયન કે માગ્યાર હંગેરી સિવાય રોમાનિયા, ચેકોસ્લોવૅકિયા અને યુગોસ્લાવિયામાં પણ બોલાય છે. સાઇબીરિયાની ઓબ નદીના કિનારાના ઓસ્ત્યાક અને વોગલ આદિવાસીઓ પણ હંગેરિયનની છાંટવાળી ભાષા બોલે છે. યુરોપમાં ફિન્નિશ અને ઇસ્ટોનિયન હંગેરિયનની નજીકની ભાષાઓ છે. હંગેરિયનના મૂળાક્ષરો લૅટિન ભાષાના છે. હંગેરિયન ભાષાની આઠ કે નવ બોલીઓ છે. હંગેરિયન ભાષામાં તુર્કી, લૅટિન, સ્લાવિક, જર્મન વગેરે ભાષાઓમાંથી શબ્દો દાખલ થયા છે. તેમાં વિભક્તિ અને ઉપસર્ગનું ખેડાણ વિશેષ થયું છે. મૂળ વૉલ્ગા નદી અને યુરલ પર્વતમાળામાં રહેતા લોકોની બોલીમાંથી જન્મેલી, ટર્કો-બલ્ગર જાતિના ભટકતા લોકોની સાથે ફેલાતી ગયેલ હંગેરિયન ભાષાના ફેલાવામાં માગ્યાર ટોળીનો સિંહફાળો છે. અમેરિકામાં પણ હંગેરિયન લોકો વસે છે. હંગેરિયન ભાષાનો સંબંધ ઇન્ડો-યુરોપિયન ભાષાજૂથ સાથે નથી તેમ તજ્જ્ઞોનું માનવું છે. હંગેરીની આસપાસ ઑસ્ટ્રિયા, ચેકોસ્લોવૅકિયા, યુગોસ્લાવિયા, રુમાનિયા અને બલ્ગેરિયા તથા ટર્કી જેવા પ્રદેશો છે, જ્યાં રહેતા હંગેરિયન લોકો હંગેરિયન ભાષાનો ઉપયોગ કરે છે. હંગેરિયન પ્રજાની અસ્મિતા અડીખમ જળવાઈ રહી છે.

સાહિત્ય : માગ્યાર કે હંગેરિયન ભાષાનું સૌપ્રથમ લખાણ ‘હેલોટ્ટી બેસ્ઝૅડ’ (1200) છે. તેમાં બાઇબલમાં આલેખાયેલ મનુષ્યના પતનની વાત તો છે જ સાથે સાથે હંગેરીની પ્રથમ કવિતા પણ છે. પાછળથી મધ્યકાલીન યુગમાં લૅટિન ઇતિહાસકારો સાઇમન કૅઝે (1280) અને માર્ક કાલ્ટીએ (1360) બાઇબલની પ્રલય, નિમ્રોડ અને ઇઝરાયલના વીરપુરુષોની વાતનો સંદર્ભ લઈ માગ્યાર ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે.

ધર્મસુધારણાની ચળવળ હંગેરીમાં પ્રમાણમાં ઝડપથી દાખલ થઈ. 15મી સદીના હુસ્સાઇટ ધર્મગુરુઓએ હંગેરિયન ભાષામાં બાઇબલનું ભાષાંતર કર્યું. પ્રાર્થનાગીત કે સ્તોત્રો (psalms) અને પેગંબરો(Prophets)નાં ભાષાંતરો હજુ પણ ઉપલબ્ધ છે. 16મી સદીના હંગેરિયન કાલ્વિનિસ્ટ્સના બાઇબલના હંગેરિયન અનુવાદો નોંધપાત્ર છે. આમાં ગાસ્પાર હેલ્ટાઇએ બાઇબલનો કેટલોક ભાગ, જ્યારે ગાસ્પાર કારોલીએ સમગ્ર બાઇબલનો અનુવાદ હંગેરિયન ભાષામાં 1590માં કર્યો. હંગેરિયન ભાષાનું તે ‘ઑથરાઇઝ્ડ વર્ઝન’ ગણાય છે. કેન્ટિલીના (1523) કાવ્યમાં ફેરેન અપાટીએ સેમ્સનના પાત્રને હંગેરિયન કિસાન-ક્રાન્તિનું દ્યોતક બનાવી દીધું. આન્દ્રાસ ફરકાઝે યહૂદી અને હંગેરિયન પ્રજાને ભગવાનની પસંદગીનાં બાળકો તરીકે ઓળખાવેલી. બાલિન્ત બાલાસ્સા હંગેરીના સૌપ્રથમ મોટા ગજાના કવિ છે. તેમણે માગ્યાર ભાષામાં બાઇબલના ‘સામ્સ’નું ભાષાંતર કર્યું છે. આન્દ્રાસ સ્ખારોસી હૉર્વાતે ‘ધ કર્સ’(1547)માં પોતાના લોકોને સજાનો કોરડો માર્યો છે. મિથાલી સ્ટ્રારાઇએ ‘સામ્સ’નું ભાષાંતર 16મી સદીમાં કર્યું છે. 1526માં તુર્કીએ હંગેરિયા પર કબજો મેળવ્યો તેનું કરુણ વર્ણન જેરેમિયાએ આપ્યું છે. ધર્મસુધારણાનાં મહાકાવ્યોએ બાઇબલનાં પાત્રોમાંથી પ્રેરણા મેળવી છે. આવા કવિઓમાં આન્દ્રાસ બતિઝી, પીટર કાકોન્યી, આન્દ્રાસ દેઝ્સી, મિહાલી સેઝ્તારાઈ, મિખ્તોસ સેઝ્તારાઇનાં નામ કવિઓ તરીકે નોંધપાત્ર છે. સેબેસ્ટેન ટિનોદી કવિ કરતાં ઇતિહાસકાર વધુ છે. તેમણે તુર્કો સામેના યુદ્ધની કથા ઝીણવટપૂર્વક રજૂ કરી છે. કેટલાકે પ્રૉટેસ્ટન્ટ હંગેરિયન જેરૂસલેમનો નાશ અને મેકેબીના વીરત્વનું વર્ણન કર્યું છે. 16મી સદીના અંત સુધીમાં કૅથલિક લેખકોએ ધર્મસુધારણાની વિરુદ્ધ બાઇબલના અર્થઘટનનું કાર્ય કરેલું. ગ્યૉગ્રી કાલ્દીએ સૌપ્રથમ હંગેરિયન બાઇબલ (1626) તૈયાર કર્યું. હંગેરીના પતન માટે કાલ્વિનના અનુયાયીઓને તે જવાબદાર ગણે છે. 17મી સદીમાં હંગેરિયન સાહિત્ય, બાઇબલ અને બિનસાંપ્રદાયિક કવિતાનો સમન્વય માઇક્લોસ ઝિનીમાં જોવા મળે છે. એનું ‘ધ સીજ ઑવ્ ઝિજેતુઆર’ (1651) આલંકારિક શૈલીવાળું (baroque) મહાકાવ્ય છે. 18મી સદીમાં કૉલમૅન માઇક્સ ‘લેટર્સ ફ્રૉમ ટર્કી’(1794)માં બાઇબલની ઊંડી છાપ છે. જોકે તે સમયના સાહિત્યનું મુખ્ય સ્વરૂપ નાટક છે અને ફેરેન્સ પાપાઇ પારિઝનું ‘આઇઝાક એસ રેબેક્કા’ (1704) અને બેનાત બૅન્યાકનું ‘જૉસ’ (1770) અને એસ્થર વિશે લખાયેલ બીજાં બે અનામી નાટકો બાઇબલ પર આધારિત છે.

ફેરેન્સ કોલેસીના ‘હીમ્નસ’(1823)ને હંગેરિયન રાષ્ટ્રગીતનું સન્માન સાંપડ્યું છે. જાનોસ આ રેનીના લખાણમાં વારંવાર બાઇબલનાં વાક્યો અને પાત્રોનો સંદર્ભ આવે છે. રાશેલ(1851)માંનું હંગેરીના નસીબનું રૂપક લાગલું બાઇબલ પર આધારિત છે. ઇમરે મૅડાકના ‘ધ ટ્રેજેડી ઑવ્ મૅન’(1862)નો આધાર બાઇબલના ‘ધ બુક ઑવ્ જૉબ’ પર છે. તેમનું ‘મોઝીસ’ (1860) નાટક માગ્યારની સ્વાતંત્ર્ય માટેની લડાઈ છે. મૉર જોકાઇ અને કાલ્માન મિક્ઝાથ નવલકથાકારો છે.

એન્દ્રે ઍડી વીસમી સદીના કાલ્વિનિસ્ટ ફિલસૂફીવાળા લેખક છે, જેમનું પ્રેરણાસ્રોત બાઇબલ છે. ગ્યુલા જુહાસ્ઝ, એટિલા જૉઝ્સેફ નોંધપાત્ર લેખકો છે. ‘ધ બુક ઑવ્ જોનાહ’ (1938) મિહાલી રેલિટસની બાઇબલનું નવું અર્થઘટન કરતી કૃતિ છે. કવિ જોઝેફ, લાજૉસ, હેનરિક લેન્કી નોંધપાત્ર લેખકો છે. ગીઝા ‘ડેલાઇલા’(1910)ના સર્જક છે. લાજૉસ નવલકથાકાર છે. લિપોટ કેસ્કેમેટી સાહિત્ય-વિવેચક છે. હંગેરિયન અને યહૂદીઓનું એક સાંસ્કૃતિક સહિયારું મંડળ હતું. તેમણે ‘તામાર’ (1942) અને ‘બાતસેબા’ (1940) અને ‘મોઝીસ’ નાટકો ભજવેલાં.

દ્વિતીય વિશ્વયુદ્ધ પછી કેટલાક લેખકોએ બાઇબલને આધારે સર્જન કર્યું. હૅઝા હેગેડસની ‘ધ આઇકોનોક્લાસ્ટ્સ’ (1945) નવલકથા છે. જૅનોસ-કોડોલાન્યીની ‘ધ બર્નિંગ બુશ’(1957)નો નાયક મોઝીસ છે. લાસ્ઝમો નેમેથ અને જૉસેફ ફોદોર નોંધપાત્ર લેખકો છે. એમાં જૉસેફનું ‘ધ શેફર્ડ ઑવ્ ટેકોઆ’ (1958) પેગંબર ઍમોસ પરનું નાટ્યાત્મક કાવ્ય છે.

1956ની હંગેરિયન ક્રાન્તિ પછી જ્યોર્ગી કોનરાડ નવલકથાકાર અને વિવેચક છે. ‘ધ કેસ વર્કર’ (1974), ‘ધ સિટી બિલ્ડર’ (1977), ‘ધ લુઝર’ (1982) તેમની જાણીતી નવલકથાઓ છે. જાનોસ હોર્વાથ અને જ્યોર્જી વીસમી સદીના મોટા ગજાના વિવેચકો છે.

ઉત્તરે ચેકોસ્લોવૅકિયા, પૂર્વે રુમાનિયા અને જૂના સોવિયેત યુનિયન અને પશ્ચિમમાં ઑસ્ટ્રિયા અને દક્ષિણમાં યુગોસ્લાવિયાથી જોડાયેલા હંગેરીમાં બોલાતી અને લખાતી હંગેરિયન ભાષા અને તેના સાહિત્યનો પથ યશસ્વી છે.

વિ. પ્ર. ત્રિવેદી