હંટ, આર. ટિમૉથી (Hunt, R. Timothy) (જ. 19 ફેબ્રુઆરી 1943, નેટસન, વિરાલ, લિવરપુલ પાસે, યુ.કે.) : સન 2001ના નોબેલ પુરસ્કારના વિજેતા. તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યાનો આ પુરસ્કાર તેમણે લેલૅન્ડ હાર્ટવેલ અને સર પોલ નર્સ સાથે સરખે ભાગે મેળવ્યો હતો. તેમણે કોષચક્ર(cell cycle)ના મુખ્ય નિયામકોની શોધ કરી હતી. સજીવ કોષ તેની અચલ સ્થિતિમાંથી કેટલાંક પરિબળોની અસર હેઠળ કોષચક્રમાં પ્રવેશે છે, જેમાં કોષદ્રવ્યોનું સંશ્લેષણ (synthesis) થાય છે. તેની અચલ સ્થિતિને G0 અને સંશ્લેષણના તબક્કાને ‘S’ તબક્કો કહે છે. G0 પછી એક G1 તબક્કો આવે છે તથા ‘S’ તબક્કા પછી પણ એક G2 તબક્કો આવે છે, જેમાં દેખીતી રીતે કોષ સ્થિર સ્થિતિમાં હોવા છતાં તેમાં સક્રિયતા હોય છે. G2 તબક્કા પછી કોષદ્વિભાજન (mitosis) થાય છે, જેને ‘M’ તબક્કો કહે છે. ‘M’ તબક્કા પછી કોષ કાં તો G0 તબક્કામાં પ્રવેશે છે અથવા ફરીથી ‘G1’ તબક્કામાં પ્રવેશીને કોષચક્રમાં દાખલ થાય છે.

આર. ટિમૉથી હંટ

G0 – G1 – S – G2 – M – G0 અથવા G1 આ સમગ્ર ચક્રીય પ્રક્રિયાને કોષચક્ર કહે છે.

તેમના પિતા મધ્યકાલીન હસ્તપ્રતો અંગેની વિદ્યાના વ્યાખ્યાતા હતા અને દાદા તબીબ હતા. તેમણે લૅટિનનો અભ્યાસ ઘેર રહીને કર્યો અને ઑક્સફર્ડ હાઈસ્કૂલ તથા ઑક્સફર્ડની મૅઝેલેન કૉલેજ-સ્કૂલમાં શાળાકીય અભ્યાસ કરેલો. સન 1961માં તેઓ કેમ્બ્રિજની ક્લેર કૉલેજમાં નૈસર્ગિક વિજ્ઞાનો (natural sciences) ભણવા માટે ગયા હતા. સન 1964માં તેઓ કેમ્બ્રિજના જૈવ-રસાયણવિદ્યા-(biochemistry)ના વિભાગમાં જોડાયા અને વૈજ્ઞાનિક તરીકેની કારકિર્દી શરૂ કરી. સન 1968માં તેમણે તેમનું પીએચ.ડી. પૂરું કર્યું અને અમેરિકા ગયા; પરંતુ ફરી પાછા કેમ્બ્રિજ આવીને મૂળ RNA સંબંધિત સંશોધનમાં જોડાઈ ગયા. તેમણે કોષદ્વિભાજનના કાર્યનું ઉદ્દીપન કરતા ઉત્સેચકો અને કોષચક્રનું નિયમન કરતા ચક્રીયઉત્સેચકો (cyclinases) પર સંશોધન કર્યું હતું.

શિલીન નં. શુક્લ