સ્વામિનારાયણ, જેઠાલાલ ચીમનલાલ (જ. 30 ઑગસ્ટ 1884, વડોદરા; અ. 24 જૂન 1941, અમદાવાદ) : સમાજસુધારક, રાષ્ટ્રવાદી, સંસ્કૃતવિદ પ્રખર ગણિતશાસ્ત્રી.
જેઠાલાલ ચીમનલાલ સ્વામિનારાયણ
મુંબઈ યુનિવર્સિટીમાંથી 1904માં બી.એ. (ઑનર્સ) અને 1908માં એમ.એ.ની પદવી પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને આવીને મેળવી હતી. તેમનો પરિવાર વિદ્યાવ્યાસંગી હતો. સોળ વર્ષની વયે પિતાનું છત્ર ગુમાવતાં, ઘરની જવાબદારી સાથે, ખંતથી અને પરિશ્રમ સાથે અભ્યાસ કરીને તેજસ્વી ગણિતશાસ્ત્રી તરીકે ઊભરી આવ્યા. તેઓ ગણિત અને સંસ્કૃત બંનેમાં પારંગત હતા.
1909થી આશરે બારેક વર્ષ સુધી, તે વખતની ખ્યાતનામ અને પ્રથમ કક્ષાની સંસ્થા ગુજરાત કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેમની પેઢીના ગુજરાતના અગ્રગણ્ય ગણિતશાસ્ત્રી તરીકે તેઓ પંકાયા. મુંબઈ શિક્ષણસેવા(Bombay Education Service – B.E.S.)ના અહેવાલમાં તેમને ગણિતમાં ‘Second to none in the Province’ તરીકે વર્ણવેલા. પુણેના પ્રખર ગણિતજ્ઞ અને વરિષ્ઠ રગ્લર ડૉ. પરાંજપે તેમના વડીલ મિત્ર હતા. ‘Mathematical Gazzette’ જેવાં ગણિતનાં સામયિકોમાં પોતાના પ્રશ્નો (તેમના ઉત્તરો સાથે) અને બીજાઓએ મોકલેલા પ્રશ્નોના જવાબો લખી મોકલવાનો તેમને શોખ હતો.
તેઓ સંસ્કૃતના સારા અભ્યાસી હતા. તેમણે પોતાના ઇષ્ટદેવ શ્રી સહજાનંદ મહારાજના ગુણાનુવાદને અગ્રિમ સ્થાન આપીને ‘અક્ષરપુરુષોત્તમચરિતમ્’ નામના ગ્રંથની રચના માટે સંસ્કૃતમાં 16,000 શ્લોકો લખ્યા હતા.
ભારતના પ્રાચીન ગણિતશાસ્ત્રીઓ તથા ખગોળશાસ્ત્રીઓ આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત, લલ્લાચાર્ય, ગણેશ દૈવજ્ઞ વગેરેની ગણિત તથા ખગોળશાસ્ત્રની સંસ્કૃતમાં લખાયેલ કૃતિઓનો તેમણે વિશદ અભ્યાસ કર્યો હતો. 1915ના અરસામાં ત્રિકોણમિતિ(Trigonometry)નું પાઠ્યપુસ્તક તેમણે લખેલું.
કેમ્બ્રિજ જઈને રૅંગ્લર થવાની અભિલાષા હોવાથી ગુજરાત કૉલેજની નોકરી છોડી ઇંગ્લૅન્ડ જવાની તૈયારી કરી; પરંતુ તે સમયે મહાત્મા ગાંધીજીની બ્રિટિશરોની કેળવણી, કોર્ટ, નોકરી વગેરેનો ત્યાગ કરવાની હાકલ થતાં, ઇંગ્લૅન્ડ જવાનું મુલતવી રાખ્યું તથા ગુજરાત કૉલેજની સરકારી નોકરીમાં ઊંચા સ્થાનેથી રાજીનામું આપીને રાષ્ટ્રસેવાના કાર્યમાં જોડાયા. આ રીતે પંદરેક વર્ષ રાષ્ટ્રસેવામાં ગાળ્યાં. ગાંધીજીના આચાર-વિચારને અનુસરી થોડોક સમય ગૂજરાત વિદ્યાપીઠમાં પણ તેમણે સેવા આપી.
અંબાલાલ સારાભાઈની ખાનગી ઘરશાળામાં તેમણે ડૉ. વિક્રમ સારાભાઈ અને ગૌતમભાઈને શિક્ષણ આપ્યું હતું. ડૉ. વિક્રમ સારાભાઈ જેવા કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયા હતા.
1934માં એલ.ડી. આર્ટ્સ કૉલેજમાં ગણિતશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાઈ તેમણે બે વર્ષ શિક્ષણકાર્ય કર્યું.
તેમણે પોરસ–સિકંદરના યુદ્ધ તથા રાણા પ્રતાપનો સંગ્રામ વર્ણવતાં નાટકો લખી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રસેવાની સૌને પ્રતીતિ કરાવી હતી. સ્વદેશીપણાની ભાવના સાથે અસહકારની ચળવળના ટાણે તેમણે રાષ્ટ્રને લાજિમ સેવાઓ આપી હતી. તે સાથે મુંબઈની ધારાસભાના સભ્ય તરીકે ચૂંટાઈને બારેક વર્ષ માટે દેશવાસીઓને જાગ્રત કરવા તેમણે જ્વલંત કાર્ય કર્યું. ધારાસભામાં જઈને પણ સ્વાતંત્ર્યની લડત તેમણે ચાલુ રાખી હતી.
શિક્ષણ અને રાષ્ટ્રકારણમાં, જે ઉત્કૃષ્ટ ભાવના સાથે તેમણે કાર્ય કર્યુ, તે રીતે સામાજિક જાગૃતિ માટે તેમણે અમૂલ્ય સેવાઓ આપી છે. પંદરેક વર્ષ સુધી ઉત્તર ગુજરાતના ગામેગામ પગપાળા ફરી સામાજિક કુરિવાજો નિર્મૂળ કરવા માટે અથાગ પરિશ્રમ કર્યો હતો. તે સમયે શિક્ષણસંસ્થાઓ જૂજ હતી અને તે પણ મોટાં શહેરોમાં જ. તેથી તેમણે પૂરા જોશ અને હોશ સાથે, તે સમયના કડી પ્રાંત(જિલ્લા)ના લોકોના શિક્ષણ અને ચારિત્ર્યઘડતર માટે આશ્રમ-વ્યવસ્થા સાથે ‘સર્વવિદ્યાલય’ નામે શૈક્ષણિક સંસ્થા કડીમાં સ્થાપવા માટે અપૂર્વ સહયોગ આપ્યો હતો, જે આજે વિશાળ વિદ્યાસંકુલ તરીકે સોહે છે. આવો હતો તેમનો આત્મભોગ, ખંત અને વિદ્યાપ્રેમ.
વિરમગામ જિલ્લામાં મહેસૂલના પ્રશ્ન અંગેના સત્યાગ્રહમાં તેમણે ખેડૂતોની ચળવળનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું; એટલું જ નહિ, પણ તે પ્રશ્નના નિરાકરણમાં કુનેહપૂર્વક સફળતા મેળવી હતી. બારડોલીના સત્યાગ્રહ જેવો આ પ્રસંગ હતો. આ તથા ધારાસણાના સત્યાગ્રહના પ્રસંગે બે-ત્રણ વાર તેમણે જેલવાસ ભોગવ્યો હતો.
ધાર્મિક રીતે, સ્વામિનારાયણ કુટુંબમાં જન્મ્યા હોવા છતાં આર્યસમાજ પ્રત્યે તેમને ભારે લગાવ અને રુચિ હતાં. અમદાવાદના આર્યસમાજમાં અગ્રણી તરીકે (કદાચ પ્રમુખ તરીકે) વર્ષો સુધી અવિરત સેવાઓ આપેલી.
જેલવાસ, સખત શારીરિક પરિશ્રમ, ગામેગામ ભ્રમણ અને ઉજાગરાઓને લીધે તેમની તબિયત લથડી. ડાયાબિટીસ અને કંપવાનો રોગ થયો. પંદરેક વર્ષથી નોકરી છોડી, દેશ અને સમાજસેવા કરવા જતાં, તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળી હતી; પરંતુ પોતાના સંપ્રદાય અને સ્વામી પ્રત્યેની અખૂટ શ્રદ્ધાને આધારે તબિયતમાં સુધારો થયો. તેથી તેમની ધર્મનિષ્ઠા પુનર્જીવિત અને દૃઢ થઈ. તે સાથે પોતાના ઇષ્ટદેવના ગુણાનુવાદને અતિ મહત્વનું કાર્ય ગણીને 16,000 શ્લોકો રચ્યા.
સદગુણોથી અલંકૃત, વિદ્યાવિભૂષિત, સ્વદેશપ્રેમી અને સમાજ-ઉદ્ધારક પ્રો. સ્વામિનારાયણનો પરિવાર પણ તેમના પંથે પ્રગતિ કરી રહ્યો છે. ગણિત-અધ્યયન અને અધ્યાપનનો તેમનો વારસો ત્રણ પેઢીથી ચાલુ છે. તેમના પુત્ર શાંતિલાલ ગુજરાત કૉલેજમાં ગણિતશાસ્ત્રના પ્રાધ્યાપક; પૌત્ર ડૉ. નવીનચંદ્ર શાંતિલાલ સાપેક્ષવાદના ક્ષેત્રે પીએચ.ડી. કરીને કિંગ્ઝ કૉલેજ(લંડન)માં ગણિતશાસ્ત્રના સંશોધક અને પ્રાધ્યાપક તરીકે અને પ્રપૌત્ર સુહૃદ નવીનચંદ્ર ઇમ્પીરિયલ કૉલેજ(લંડન)માં ગણિતશાસ્ત્રમાં અધ્યાપક તરીકે કાર્ય કરે છે.
પ્રહલાદ છ. પટેલ