સ્વાધ્યાય (સામયિક)

January, 2009

સ્વાધ્યાય (સામયિક) : વડોદરાના પ્રાચ્યવિદ્યા મંદિર તરફથી ઈ. સ. 1964માં પ્રકાશિત કરવામાં આવેલું ત્રૈમાસિક. આ સામયિકનો મુદ્રાલેખ ‘સ્વાધ્યાય અને સંશોધન’ રાખવામાં આવેલો. આરંભના સમયગાળામાં સંશોધક ભોગીલાલ સાંડેસરાના સંપાદકપદે અને એ પછી અરુણોદય ન. જાનીના સંપાદકપદે પ્રતિષ્ઠા પામેલું સામયિક આજે પણ પ્રકાશિત થાય છે. આ ત્રૈમાસિકમાં પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન તથા અદ્યતન સાહિત્યવિષયક વિવેચનાત્મક અને સંશોધનાત્મક અભ્યાસલેખો પ્રકાશિત થતા રહ્યા છે. ‘સ્વાધ્યાય’માં સાહિત્ય ઉપરાંત ઇતિહાસ, પુરાણ, વેદ, ઉપનિષદ, દર્શન, ધર્મ, તત્વજ્ઞાન, વિજ્ઞાન જેવા વિષયો સાંકળી લેવામાં આવ્યા છે. શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર ઇત્યાદિ કલાવિષયક લેખો એનું જમા પાસું છે. લિપિ, વ્યાકરણ જેવી ભાષાવિષયક ચર્ચાઓ પણ એમાં સ્થાન પામતી રહી છે તો મૂર્તિવિધાન, જૈન કલા, જૈન સાહિત્યની પરંપરાઓનું નિદર્શન પણ આ સામયિકમાં કરાવવામાં આવ્યું છે. વૈદક, આહાર-વિહાર અને ઉદ્યોગ સંબંધી લેખો પ્રકાશિત કરીને સર્વ દિશાના સ્વાધ્યાય ભણી દૃષ્ટિ દોડાવવાનો એનો પ્રયત્ન છે. ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતાં સ્થળો, ધાતુની મૂર્તિઓ તથા અણ-જાણ શિલ્પસ્થાપત્યો ભણી ગુજરાતને જાગ્રત કરી એના સમૃદ્ધ વારસાને દર્શાવવાનો યત્ન આ સામયિક થકી થયો છે. એના મુખપૃષ્ઠ પર ભાષાની મૂલ્યવાન હસ્તપ્રતોની, શિલ્પ અને સ્થાપત્યોની તસવીરો પ્રકાશિત કરતા રહીને વાચકને સહજ વિષયપ્રવેશ કરાવવાનું લક્ષ્ય છે. જે-તે કાળની રાજકીય, સામાજિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાડવો, વિદ્યાવ્યાસંગી વાતાવરણ પૂરું પાડવું અને વિદ્યારસિકોને ઉપભોગ્ય નીવડે એવી સામગ્રીનું સતત પ્રકાશન કરવાનું આ સામયિકનું પ્રયોજન હતું. ગંભીર અભ્યાસોને વરેલા, દીર્ઘ અભ્યાસલેખોનું પ્રકાશન કરતા આ ત્રૈમાસિકે એ લેખોમાં તસવીરો, રેખાંકનો, તુલનાત્મક સંદર્ભો આપીને સંશોધન, સ્વાધ્યાયની ક્ષિતિજોને વિસ્તારવાનું કામ કર્યું છે. અનેકવિધ વિષયોનું એમાં પ્રકાશન થતું હોવાથી કોઈ એક નિશ્ચિત દિશાના ઢાળામાં ઢળાઈ જવાનો ને સ્વરૂપબદ્ધ થઈ રહેવાને બદલે નવા અભ્યાસોને મંચ આપવાનો પુરુષાર્થ એમાં ડોકાતો રહ્યો છે. આ ત્રૈમાસિકમાં ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા અત્યંત મહત્ત્વના શોધ-સંશોધનના ગ્રંથોની સમીક્ષા કરવાનો ઉપક્રમ પણ જોવા મળે છે. રાજેન્દ્ર નાણાવટીના સંપાદન નીચે ‘સ્વાધ્યાય’ સતત વિકસતું રહ્યું છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પ્રાચ્યવિદ્યા મંદિર તરફથી એ પ્રકાશિત થતું રહ્યું હોવાથી એના રૂપરંગમાં સાદગીનો મહિમા છે પણ સુવ્યવસ્થા, સુઘડતા અને પ્રત્યેક શોધલેખના વિગતપ્રચુર સંદર્ભો મૂકી આપવા સુધીનું શાસ્ત્રીય આયોજન એમાં દેખાય છે. ચાર દાયકાની આ સામયિક પ્રવૃત્તિ ગુજરાતી અભ્યાસીઓને સ્વાધ્યાય અને સંશોધન માટે પ્રેરતી રહી છે.

કિશોર વ્યાસ