સ્વામિનારાયણ મંદિરનું સ્થાપત્ય

May, 2023

સ્વામિનારાયણ મંદિરનું સ્થાપત્ય : શ્રી સહજાનંદ સ્વામીએ પોતે સ્થાપેલા ભક્તિમાર્ગને અને સંપ્રદાયને દૃઢ કરવા અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી વાસુદેવ નારાયણના સાકાર સ્વરૂપની ઉપાસનાનું પ્રવર્તન કરવા વિવિધ સ્થળોએ સ્થાપેલાં શાસ્ત્રીય સ્વરૂપનાં મહા મંદિરો અને તેનું સંપ્રદાયમાં આ જ દિન સુધીનું અનુસંધાન.

ભક્તોની રક્ષા કરવા અને એકાંતિક ધર્મની સ્થાપના કરવા અવતાર ધારણ કરીને સૌરાષ્ટ્રની આ ભૂમિ પર મારા ઇષ્ટદેવ પધાર્યા છે એમ શ્રી સહજાનંદ સ્વામીની દિવ્ય પ્રતિમાને અને એમના અવતારકાર્યને ઓળખીને વિ. સં. 1858(ઈ. સ. 1802)માં જેતપુર મુકામે શ્રી રામાનંદ સ્વામીએ ઉધ્ધવ સંપ્રદાયની ગાદી પર ગુણથી કૃષ્ણ જેવા અજેય અને ધર્મસંકટમાં ભીષ્મ જેવા ધીર એવા માત્ર 21 વર્ષની વયના પોતાના આ શિષ્યનો પટ્ટાભિષેક કર્યો અને એમને સંપ્રદાયના આચાર્યપદે સ્થાપ્યા, તેમજ પોતાના સેવકો, શિષ્યો અને સામાન્ય લોકોમાં નિઃશ્રેયસની પ્રાપ્તિ અર્થે શ્રીકૃષ્ણની ભગવદભક્તિનું પ્રવર્તન કરવાની આજ્ઞા આપી. ઈ. સ. 1802માં સહજાનંદ સ્વામીએ ઉધ્ધવ સંપ્રદાયની ધર્મધૂરા સંભાળી. ત્યારબાદ તેઓ સ્વામિનારાયણ ભગવાન તરીકે ઓળખાયા અને ધીરે ધીરે એ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખાયો. ત્યારબાદ પ્રથમ બે દાયકા સુધીમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગામેગામ ફરીને પોતાના સંપ્રદાયની ભાવાત્મક અને સંગઠનાત્મક એકતાને દૃઢ કરી સંપ્રદાયના બંધારણીય માળખાને સંગીન સ્થિતિમાં મૂકી દીધું. એમની નિશ્રામાં ગુજરાતભરમાં ધર્મસુધારણા અને સામાજિક ક્રાંતિનું મોજું ફરી વળ્યું. એ સમયની વિષમ પરિસ્થિતિમાં ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે પ્રવેશેલાં દૂષણો અને પાખંડો સામે એમણે સમસ્ત સમાજને જાગ્રત કર્યો. અસંખ્ય લોકોને ઊંચા, સંસ્કારી અને નીતિમય જીવન તરફ ઉન્મુખ કર્યા. એમનું જીવનકાર્ય એટલું તો ભવ્ય અને દિવ્ય હતું કે એમની હયાતિમાં જ લોકો એમને ઈશ્વરના સાક્ષાત્ અવતાર – અવતારોના અવતારી– માનીને પૂજા કરવા લાગ્યા હતા. સંપ્રદાયનાં મંદિરોની રચના પહેલાં સંપ્રદાયનું ચોક્કસ સ્વરૂપ, તેની આગવી પરંપરા અને નીતિનિયમો વગેરે નક્કી થઈ ગયાં હતાં. આમ શ્રી સહજાનંદ સ્વામીનું સર્વજનહિતાર્થાય સદધર્મની સ્થાપનાનું મહત્વનું કાર્ય પૂર્ણ થયું હતું. પરંતુ પોતાના અક્ષરધામ ગમન પછી પણ એમના આશ્રિતો નિરાધાર ન બને, સંપ્રદાયની ભક્તિલતા સુકાઈ ન જાય પણ વધુ પુષ્ટ થઈને વિસ્તરતી રહે તેને માટે એમણે ત્રણ મહત્વના સંકલ્પો કર્યા. (1) પૃથ્વી પર મોટાં મંદિરો કરાવી તેમાં ભગવત્ સ્વરૂપોની સ્થાપના કરાવવી. (2) મુમુક્ષુ જનોને મંત્રદીક્ષા અને સંતોને ભાગવતી દીક્ષા આપવાની પરંપરા ચાલુ કરવી તેમજ સંપ્રદાયની વહીવટી વ્યવસ્થા અને આધ્યાત્મિક જવાબદારીઓ સંભાળવા પોતાના ધર્મવંશમાં આચાર્યપદની સ્થાપના કરવી અને (3) સંપ્રદાયના આશ્રિતો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સ્વરૂપને યથાર્થ રીતે સમજી શકે તે માટે સંપ્રદાયનાં શાસ્ત્રોની રચના કરવી.

પોતાના પ્રથમ સંકલ્પને કાર્યાન્વિત કરવા પોતાના ભક્તોને આજ્ઞા આપી કે ‘ધનાઢ્ય ભક્તોએ પોતાના ધનને સાર્થક કરવા ભગવાનનાં અતિ રૂઢ મોટાં મંદિરો(તથા હરિમંદિરો) કરાવી તેમાં  શ્રીકૃષ્ણની પ્રતિમાની પ્રતિષ્ઠા મહોત્સવ સાથે કરવી અને પ્રતિષ્ઠિત પ્રતિમાની નિત્ય નૈમિત્તિકાદિ પૂજા નિરંતર ચાલતી રહે એટલા માટે ગામ, ખેતર, ધન તથા આંબા વગેરે વૃક્ષો આદિ સંપત્તિ આપીને રાજા, ચોર વગેરેની ગરજથી વર્જિત મંદિરના નિભાવની કાયમી વ્યવસ્થા બાંધી આપવી.’ (સત્સંગીજીવન, 1–36–33–34). તેઓ વધુમાં આજ્ઞા આપે છે કે ‘ગૃહસ્થે પોતાની સંપત્તિને અનુસરીને સારાં મજબૂત મંદિર કરાવવાં અને તેને સારી રીતે જાળવવાં અને તેમાં સર્વતોભદ્ર વગેરે મંડળ કરાવવાં, આ મંદિરોની ચારે તરફ મનોહર ધર્મશાળા કરાવવી કે જેમાં બહારગામથી દર્શન માટે આવેલા પ્રવાસી ભક્તો નિવાસ કરી શકે. આ ધર્મશાળામાં ચોરચક્કાનો ઉપદ્રવ ન થાય તે માટે તેની આસપાસ કોટ કરાવવો.’ (સ. જી. 5/12/1,4).

પ્રથમ સંકલ્પ અનુસાર પોતે સ્થાપેલા ભક્તિમાર્ગને અને સંપ્રદાયને દૃઢ કરવા અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી વાસુદેવ નારાયણના સાકાર સ્વરૂપની ઉપાસનાનું પ્રવર્તન કરવા શ્રી સહજાનંદ સ્વામીએ ઈ. સ. 1822થી ઈ. સ. 1830ના ગાળામાં અમદાવાદ, મૂળી, ભૂજ, વડતાલ, ધોળકા, ધોલેરા, જેતલપુર, જૂનાગઢ અને ગઢડા એમ જુદાં જુદાં નવ સ્થળે ભવ્ય અને કલાત્મક મંદિરો બંધાવ્યાં અને તેમાં સંપ્રદાયનાં માન્ય સ્વરૂપોની પ્રતિમાઓની પોતાના હસ્તે સ્થાપના કરી.

વિકસિત સ્વરૂપમાં તલદર્શનની દૃષ્ટિએ મંદિર, ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, રંગમંડપ કે ગૂઢમંડપ અને પ્રવેશચોકીનું બનેલું હોય છે, જ્યારે ઊર્ધ્વદર્શનની દૃષ્ટિએ ગર્ભગૃહના ભાગમાં તે જગતિ, મંડોવર અને શુકનાસ તથા મંડપ અને પ્રવેશ ચોકીના ભાગમાં જગતિ, સ્તંભાવલિયુક્ત મંડપ કે ગૂઢ મંડપ અને સંવર્ણા કે ઘુંમટ વગેરે અંગોનું બનેલું હોય છે. સ્વામિનારાયણ મંદિરોમાં આ બધા ભાગો સામાન્યપણે જોવામાં આવે છે. એ ઉપરાંત એને જરૂરિયાત મુજબ બીજાં અંગો ઉમેરીને ભવ્ય અને કલાત્મક સ્વરૂપ અપાયું છે. એમાં વિશાળ લંબચોરસ કે ચોરસ પીઠ પર બાંધવામાં આવેલાં મંદિરો એક જ હરોળમાં આવેલાં ત્રણ ગર્ભગૃહો (કે મૂળપ્રસાદ), ફરતો પ્રદક્ષિણાપથ, અંતરાલ, સ્તંભાવલિયુક્ત મહામંડપ, મુખમંડપ અને ત્રણ પ્રવેશચોકી તથા ગર્ભગૃહ પરનાં ત્રણ શિખરો, અંતરાલ પરનું શુકનાસ અને મંડપ તેમજ પ્રવેશચોકી પરનાં અર્ધ ગોળાકાર ઘુંમટ વગેરે સ્થાપત્યકીય અંગો જોવા મળે છે. ઉપરાંત મંદિરના સમગ્ર સંકુલના ભાગ રૂપે કલાત્મક કાષ્ઠકોતરણી અને કાષ્ઠ શિલ્પોથી સુશોભિત સાધુસંતોનાં હવેલી-આવાસો, ધર્મશાળા, પ્રાકારયુક્ત ફરતું વિશાળ પ્રાંગણ તથા મંદિર સંકુલમાં પ્રવેશવા માટે તોતિંગ કમાડોથી યુક્ત મુખ્ય દરવાજો (બલાનક) વગેરે પણ સ્વામિનારાયણ મંદિર સ્થાપત્યનાં વિશિષ્ટ અંગો છે.

એક જ હરોળમાં આવેલાં ત્રણ ગર્ભગૃહો તથા પશ્ચિમ તરફની શૃંગાર ચોકીની સોપાનમાલાની બંને તરફ એક એક દેવકુલિકાઓ એમ કુલ પાંચ ગર્ભગૃહો ધરાવવાને કારણે આ મંદિરો પંચાયતન પ્રકારનાં કહેવાય છે. એમાં સંપ્રદાયે પંચાયતન દેવો તરીકે સૂર્ય, શિવ, પાર્વતી, હનુમાન અને ગણેશને સ્થાન આપ્યું છે અને તેમની મૂર્તિઓની પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. જોકે સંપ્રદાયમાં મુખ્ય દેવ તરીકે રાધા-કૃષ્ણ અને નર-નારાયણ તેમજ તેમનાં યુગલસ્વરૂપોની પ્રતિમાઓની સાથે શ્રી સહજાનંદ સ્વામીનાં વિવિધ નામસ્વરૂપો – હરિકૃષ્ણ, વાસુદેવ કે ઘનશ્યામની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવે છે.

વસ્તુતઃ સહજાનંદ સ્વામીએ સામાજિક–ધાર્મિક પ્રવૃત્તિના કેન્દ્ર તરીકે મંદિરોનો વિકાસ સાધ્યો હતો. આથી પરંપરિત મંદિરોની સરખામણીમાં આ મંદિરો વધુ વિશાળ અને ભવ્ય સંકુલ ધરાવતાં જણાય છે. જુદી જુદી કક્ષાના સંતો – બ્રહ્મચારી, સાધુ અને પાળા સાંખ્ય યોગી (ત્યાગી) બાઈઓ, આચાર્ય વગેરેનાં નિવાસસ્થાન તેમજ યાત્રાએ આવતા હરિભક્તોના ઉતારા માટેની ધર્મશાળા વગેરે આવાસોનો પણ મંદિરસંકુલના ભાગ રૂપે જ વિકાસ થયો છે, જેમાં ગુજરાતના હવેલીસ્થાપત્યની વિશિષ્ટ પરંપરાનું અનુસરણ થયેલું જોવા મળે છે.

પ્રવીણચંદ્ર પરીખ