સ્મૈલપુરી, કૃષ્ણ (જ. 1900, સ્મૈલપુરી, જિ. જમ્મુ, જમ્મુ-કાશ્મીર; અ. ?) : ડોગરી કવિ. 18 વર્ષની વયે તેમને ઉર્દૂ કવિ તરીકે ખ્યાતિ સાંપડી. તેમના ઉપર ગાલિબ, ઝૌક, દાગ, અમીર મિનાઈ તથા જોશ મલિહાબાદી જેવા ઉર્દૂ કવિઓનો પ્રભાવ હતો. 1927માં તેમણે ઉર્દૂમાં ‘જન્નત’ નામે સાહિત્યિક સામયિક શરૂ કર્યું હતું. વળી ‘મશિર’ નામના દૈનિક અને અઠવાડિક ‘વીર’ માટે લેખનકાર્ય કર્યું હતું. થોડાં વર્ષ પછી સરકાર દ્વારા પ્રકાશિત ડોગરી માસિક ‘ફૂલવાડી’ના તેઓ સહાયક તંત્રી તરીકે રહ્યા હતા.

ગઝલ અને ગીતોનાં મહાન ગાયિકા મલ્લિકા પુખરાજની પ્રેરણાથી તેઓ ડોગરી ગીતો–કાવ્યો લખવા પ્રેરાયા. આ ઉપરાંત તેમણે ડોગરીમાં ગઝલો, કુંડળિયા, કવિત, સવૈયા, દોહા ઉપરાંત ઠૂમરી અને ખયાલનું પણ સર્જન કર્યું હતું. તેમના આ કાવ્યલેખનમાં હુગ્ગર પ્રત્યેનો પ્રેમ, ડોગરી જીવન તથા પ્રકૃતિદૃશ્યો માટેનો તેમનો આકર્ષણભાવ અને અહોભાવ, રોમૅન્ટિક પ્રણયનું તથા ઋતુઓ અને ઉત્સવોનું મનભર વર્ણન વગેરે રજૂ થયાં છે. તેમનાં ગીતોમાં લોકઢાળોની પ્રેરણા અને પ્રભાવ છે. આ ઉપરાંત એમનાં લોકગીતોનાં વિષય તથા શૈલી સાથે ગીતરચનાઓનું એવું સામ્ય છે કે એ સ્મૈલપુરી રચિત ગીતો છે કે પરંપરાગત લોકગીતો છે એ કહેવું મુશ્કેલ બની રહે છે.

જમ્મુ અને કાશ્મીરની કલા, સંસ્કૃતિ તથા ભાષા અકાદમી તરફથી તેમનું સન્માન કરાયું હતું. વળી ‘ફીરદૌસે વતન’ નામક ઉર્દૂ કાવ્યસંગ્રહ બદલ એ જ અકાદમી તરફથી તેમને પુરસ્કાર પણ મળ્યો હતો. ‘મેરે ડોગરી ગીત’ (1974) નામનાં ડોગરી ગીતોના સંગ્રહ માટે તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1975ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. ‘મેરી ડોગરી ગઝલેં’ તેમની બીજી કૃતિ છે.

મહેશ ચોકસી