સ્મૉલ ઇઝ બ્યુટીફૂલ : ઇ. એફ. શુમાકર દ્વારા લિખિત બહુચર્ચિત લોકપ્રિય પુસ્તક. પ્રકાશનવર્ષ 1972. તેમાં લેખકે માનવજાતિ પર આવી પડેલાં ત્રણ સંકટોના પરિપ્રેક્ષ્યમાં પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા છે. શુમાકરના મત મુજબ આ ત્રણ સંકટો છે : (1) પ્રાકૃતિક સંપત્તિનું સંકટ, (2) પરિસર કે આપણી આસપાસની સજીવ સૃષ્ટિનું સંકટ અને (3) માનવીય આત્મવિમુખતા કે દિશાચૂકનું સંકટ. લેખકના વિચાર મુજબ આ ત્રણેય સંકટો એકીસાથે, એક જ સમયે પ્રગટ થયાં છે અને મોટા ભાગના લોકોને આ ત્રણેય સંકટો એકીસમયે જ દેખાયાં છે. લેખકે ચેતવણી ઉચ્ચારી છે કે વિશ્વના પરિસરની જથ્થામર્યાદાઓ અને તેના ઉપભોગનાં કરુણ પરિણામો આવશે, જેના પ્રત્યે વિશ્વવ્યાપી સભાનતા અત્યંત જરૂરી છે. બીજા સંકટના સંદર્ભમાં લેખક આધુનિક જમાનાની ઉત્પાદનપદ્ધતિઓ અને વધતા જતા શહેરીકરણ સહિતની જીવનપદ્ધતિનો નિર્દેશ કરે છે. તેમના કારણે માનવની આસપાસની સજીવ સૃષ્ટિ તથા જે પૃથ્વી પર માનવ રહે છે તે પૃથ્વી માટે તોળાતો ભય સતત વધતો રહ્યો છે. આ સંકટ પ્રાકૃતિક સાધનોના ઝડપથી થઈ રહેલા ધોવાણને કારણે ઊભું થઈ રહ્યું છે. ત્રીજું સંકટ તે માનવની આત્મવિમુખતા અને દિશાચૂક છે, જે વિશ્વભરમાં જૂજવા રૂપે દેખાઈ રહી છે અને જેની સામે વિશ્વભરની યુવા પેઢીમાં બગાવતનાં ચિહનો દેખાય છે.

આ ત્રણેય સંકટોને લીધે વિશ્વ અત્યંત સંકટની સ્થિતિમાં મુકાયેલું છે. તેમાંથી બચવા માટે લેખક ગાંધીવિચારસરણીની તરફેણ કરે છે. ગાંધીજીની દૃઢ માન્યતા હતી કે દૈહિક સુખાકારી ભલે ઉચિત અસ્તિત્વ માટે જરૂરી હોય, છતાં તે માનવજીવનનું ધ્યેય તો ન જ હોઈ શકે. નૈતિકતાનું ઉન્નયન એ જ માનવજાતિનું ધ્યેય હોઈ શકે. ભારતની સમાજવ્યવસ્થા પશ્ચિમની સમાજવ્યવસ્થા કરતાં ભિન્ન હોવાથી પશ્ચિમના દેશો માટે જે સાચું અર્થશાસ્ત્ર છે, તે જ અર્થશાસ્ત્ર ભારત જેવા દેશ માટે પ્રસ્તુત ગણાય નહિ. ભારત માટે તો લોકોને વધુમાં વધુ રોજગારીની તક પૂરી પાડી શકે તેવા શ્રમપ્રધાન ઉત્પાદન-માળખાની જરૂર છે, નહિ કે મશીન પર આધારિત અર્થકારણની. શ્રમપ્રધાન ઉત્પાદન-વ્યવસ્થા જ શોષણને નાબૂદ કરી શકશે; મશીન પર આધારિત ઉત્પાદન-પદ્ધતિ શોષણને પ્રોત્સાહિત કરશે.

શુમાકર ગાંધીજીની વિચારસરણીને ટેકો આપતાં નીચેનાં તત્વોની તરફેણ કરે છે : (1) બધી જ આર્થિક વિચારણાનો આરંભ લોકોની જરૂરિયાતોના સંદર્ભમાં જ થવો જોઈએ. (2) ખેતી અને ગ્રામવિસ્તારમાં અસ્તિત્વ ધરાવતી ઇતર પ્રવૃત્તિઓને સચેતન કરો, એમનું જતન કરો. (3) શહેરીકરણની પ્રક્રિયા અટકાવો. (4) વસ્તીના એકત્રીકરણને અનુરૂપ એવી સુપ્રાપ્ય જાણકારી પર આધારિત નીતિઓ વિકસાવો. નવી પ્રવિદ્યાઓનો આવિષ્કાર કરો, જેના કેન્દ્રમાં યંત્ર નહિ પરંતુ માનવ હોય.

સુખી સમાજના નિર્માણ માટે નાના ઉત્પાદન-કદ તરફ, સરલતા તરફ, મૂડી-બચાવ તરફ અને અહિંસા તરફનો માનવનો અભિગમ હોવો જોઈએ એવી વિચારસરણી શુમાકરે આ પુસ્તક દ્વારા રજૂ કરી છે. સામુદાયિક ઉત્પાદન નહિ, લોકસમુદાય માટે ઉત્પાદન (not mass production, but production for masses) આ માનવનું ધ્યેય હોવું જોઈએ અને તે માટે ઉત્પાદન એકમના માળખાનું કદ નાનું રાખવું જોઈએ. અલબત્ત, ઉત્પાદક એકમો નાના હોય તેમાં સ્થાનિક સંજોગો અનુસાર સાનુકૂળ ફેરફારો કરી શકાય. સમાજવાદી સમાજરચનામાં કામને (રોજગારીને) લોકો પાસે લઈ જવું, નહિ કે લોકોને કામ કે રોજગારી તરફ. સાથોસાથ માનવની આસપાસની સજીવ સૃષ્ટિ જોડેના વ્યવહારમાં સરળતા અને અહિંસાનું આચરણ અત્યંત જરૂરી છે. વિશ્વમાં આજે કૃષિસંશોધન જે રીતે ચાલે છે તેમાં સર્વત્ર હિંસાની રીતિઓનું જ આલંબન લેવાય છે; દા. ત., જંતુનાશકો, નીંદણમારકો, ફૂગનાશકો, રાસાયણિક ખાતરો વગેરે. આ રીતિઓના અમલ પર પુનર્વિચારણા થવી જોઈએ એવું આ પુસ્તકના લેખકનું માનવું છે.

મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત આ પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર ‘ભૂમિપુત્ર’ના સંપાદક કાંતિ શાહે ‘નાનું તેટલું રૂપાળું’ આ શીર્ષક હેઠળ કર્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે