સ્મૃતિ સત્તા ભવિષ્યત : બંગાળી કવિ વિષ્ણુ દે (1909–1982) રચિત કાવ્યસંગ્રહ. આ કાવ્યસંગ્રહ માટે વિષ્ણુ દેને વર્ષ 1971નો ભારતીય જ્ઞાનપીઠનો પ્રસિદ્ધ પુરસ્કાર એનાયત થયો હતો. આ સંગ્રહ માટે તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. વિષ્ણુ દે વીસમી સદીના ત્રીજા દાયકામાં રવીન્દ્રનાથ પછીની કવિપેઢીમાં જે આધુનિકતાવાદી કવિઓ આવ્યા, તેમાંના એક છે. આ કવિઓએ ગળથૂથીમાં રવીન્દ્રનાથની કવિતા પીધી હોવા છતાં પોતાના સ્વાયત્ત કવિ અસ્તિત્વની સ્થાપના માટે રવીન્દ્ર-વિરોધનું આંદોલન પણ ચલાવેલું. ‘હેથા નાઈ સુશોભન રૂપદક્ષ રવીન્દ્ર ઠાકુર’ એવી સભાન ઘોષણા વીસમી સદીના ત્રીજા દશકમાં વિષ્ણુ દેએ કરી હતી.

વિષ્ણુ દે આધુનિકતાના પુરસ્કર્તા છતાં માર્કસવાદી દૃષ્ટિકોણ ધરાવતા. તેમની કાવ્યરીતિ એલિયટપંથી હતી. વિષ્ણુ દેનો ડાબેરી વિચારસરણીનો ઝોક તેમના 1963માં પ્રગટ કાવ્યસંગ્રહ ‘સ્મૃતિ સત્તા ભવિષ્યત’ સુધી લંબાયેલ છે અને કાવ્યરીતિમાં પણ એલિયટની છાપ રહી ગઈ લાગે. આ સંગ્રહમાં 102 કાવ્યો છે, જેમાં મુખ્ય કાવ્ય તો જેના નામ પરથી સંગ્રહને નામ મળ્યું છે તે કાવ્ય ‘સ્મૃતિ સત્તા ભવિષ્યત’ છે, જેનાથી સંગ્રહ શરૂ થાય છે.

‘સ્મૃતિ સત્તા ભવિષ્યત’નો અર્થ તો છે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. અહીં સત્તા એટલે વર્તમાન, પણ તે સાથે સતતા–હસ્તી–અસ્તિત્વ તે ધ્વન્યાર્થ કેન્દ્રમાં છે. આ કાવ્યમાં કવિ આજની કોલકાતા જેવી મહાનગરી કેવી નરકસમ બની ગઈ છે, અને એમાં વસનાર વ્યક્તિમાત્ર કેવી રીતે પોતાની સત્તાને, અસ્તિત્વને, આત્મપરિચયને શોધે છે, તે કવિએ ટાગોરની એક કવિતાનો સંદર્ભ ગૂંથી, રાજકુમાર અને રાજકુમારીના અને વર વિનાની જાનના રૂપક દ્વારા સંકેતિત કર્યું છે. રાજકુમાર અને રાજકુમારી તેઓ તો છે આજનાં સાધારણ યુવક-યુવતી જે સ્વ-ઓળખ શોધે છે.

‘સ્મૃતિ’ની–ભૂતકાળની પૃષ્ઠભૂમિમાં વર્તમાન યંત્રણામય છે, અસ્તિત્વના અભાવમાં નરકવાસ સમાન છે :

આ નરકમાં

લાગે છે કે આશા નથી, જીવનની ભાષા નથી;

જ્યાં રહીએ છીએ આજ, તે કોઈ ગામ પણ નથી,

શહેર પણ નથી.

મેદાન કે પહાડ નથી, નદી નથી, માત્ર છે દુ:સ્વપ્ન,

ત્યાં મજૂર નથી, ખેડુ નથી;

જ્યાં રહીએ છીએ આજ, લાગે છે કે આશા નથી,

જીવવાની આશા નથી, જિવાડવાની ભાષા નથી,

ત્યાં તો સતત મરકી (પ્લેગ) છે.

આવી આ નરક નગરીમાં રહેનાર વ્યક્તિમાત્ર પોતાની હસ્તીને, અસ્તિત્વને ખોઈ બેઠી છે, તે આત્મપરિચય પામવા ચહે છે. આજના સંદર્ભમાં સામાન્ય નર-નારી અને વર વિનાની જાનનો ઉલ્લેખ કરી સૂચવ્યું છે :

આપણે નરકમાં છીએ, તેમ છતાં તેનું આપણને ભાન નથી;

એટલે લગ્નમંડપમાં પ્રચ્છન્ન નરકમાં આજે વર નથી,

તેમ છતાં રાજકુમારી અને રાજકુમાર નરકને દરવાજે

રસ્તા પર પ્રસ્તુત છે, સ્વાગતની પ્રતીક્ષામાં….

તેઓ જ તો વરકન્યા છે.

આ સામાન્ય નર-નારી, યુવક-યુવતી વરવધૂ રૂપે ઊભાં છે તેમાં કવિ ભવિષ્યની આશાનો અણસાર સૂચવે છે.

ભોળાભાઈ પટેલ