સ્ટાઇકેન, એડ્વર્ડ (Steichen, Edward) (જ. 27 માર્ચ 1879, લક્ઝમ્બર્ગ; અ. 25 માર્ચ 1973, વેસ્ટ રેડિન્ગ, યુ.એસ.) : પ્રસિદ્ધ અમેરિકન ફોટોગ્રાફર. આલ્ફ્રેડ સ્ટાઇગ્લીટ્ઝ સાથે તેમની ગણના અમેરિકામાં ફોટોગ્રાફીને ક્ષેત્રે પાયાનું કામ કરનાર બે ફોટોસર્જકોમાં થાય છે. મનોહર નિસર્ગદૃશ્યો, પહેલા વિશ્વયુદ્ધે કરેલી ખાનાખરાબી અને માનવતાનો હ્રાસ તથા વ્યક્તિચિત્રો સુધીનું વૈવિધ્ય સ્ટાઇકેનની ફોટોગ્રાફીમાં ઝડપાયું છે.

સ્ટાઇકેન ત્રણ વરસના હતા ત્યારે તેમનાં માબાપ તેમને લઈ લક્ઝમ્બર્ગ છોડીને અમેરિકામાં મિશિગન રાજ્યમાં હેન્કોક ખાતે સ્થિર થયાં અને તે પછી મિલ્વોકીમાં સ્થિર થયાં. ત્યાં સ્ટાઇકેન ચિત્રકલા શીખ્યા, પણ તરત જ ફોટોગ્રાફીમાં તેમને રસ જાગ્રત થયો. 1900 સુધીમાં તો તેમના ઘણા ફોટોગ્રાફ શિકાગો અને ફિલાડેલ્ફિયામાં પ્રદર્શિત થઈ ચૂક્યા.

સ્ટાઇકેનના પ્રારંભિક ફોટોગ્રાફ્સ પર પ્રભાવવાદી ચિત્રકલાનો પ્રભાવ છે. ચાંદીના ક્ષારો વડે તે નેગેટિવ તેમજ ઘણી વાર છાપેલી પ્રિન્ટમાં આકૃતિઓ ઉમેરતા અથવા ગાયબ કરતા અને પ્રભાવવાદી નિસર્ગચિત્રોમાં જોવા મળતું ધૂંધળું ધુમ્મસભર્યું વાતાવરણ ખડું કરતા. મોટા ભાગના તત્કાલીન વિવેચકો આ પ્રકારની ફોટોગ્રાફીને ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ ગણતા. તત્કાલીન જાણીતા ફોટોગ્રાફર આલ્ફ્રેડ સ્ટાઇગ્લીટ્ઝે સ્ટાઇકેનની પ્રારંભિક ફોટોગ્રાફીની પ્રશંસા કરી ઉત્તેજન આપ્યું.

એડ્વર્ડ સ્ટાઇકેન

1902માં સ્ટાઇગ્લીટ્ઝ, સ્ટાઇકેન અને બીજા અગિયાર ફોટોગ્રાફરોએ ‘ફોટો-સિસેશન’ નામે ફોટોગ્રાફરોનું એક જૂથ રચ્યું; જેનો હેતુ ફોટોગ્રાફીની એક કલા તરીકે સાધના કરવાનો હતો. પરિણામે અમેરિકામાં થોડા જ વખતમાં ફોટોગ્રાફી માત્ર દસ્તાવેજીકરણનું સાધન મટી અભિવ્યક્તિનું માધ્યમ પણ બની.

1905માં ‘ફોટો-સિસેશન’ જૂથે ન્યૂયૉર્ક નગરમાં એક કલાવીથિ (ગૅલરી) શરૂ કરી. 1910માં આ જૂથે નવયુવાન ફ્રેંચ શિલ્પી ઑગુસ્તે રોદાંનાં શિલ્પોનું પ્રદર્શન આ ગૅલરીમાં યોજ્યું. એ પછી શિલ્પી કોન્સ્ટેન્ટિન બ્રાંકુસી (Constantin Brancusi) તથા ચિત્રકારો પૉલ સેઝાં, પાબ્લો પિકાસો, હેન્રી માતિસ અને ગૉર્ડન ક્રેઇગની કલાકૃતિઓનાં પ્રદર્શનો પણ આ ગૅલરીમાં યોજાયાં. આ રીતે આ કલાકારોનાં પહેલી વાર અમેરિકામાં પ્રદર્શનો યોજાયાં હતાં. થોડા જ સમયમાં ફોટો-સિસેશન્સ જૂથના ફોટોગ્રાફરોની તથા ખાસ તો સ્ટાઇકેનની ફોટોગ્રાફીની તુલના ચિત્રકલા જેવી પરંપરાગત અને પ્રશિષ્ટ કલા સાથે થવા માંડી અને આ રીતે ફોટોગ્રાફીની પ્રતિષ્ઠા થઈ.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન સરકારે સ્ટાઇકેનની નિમણૂક અમેરિકન લશ્કરના ઍરફોર્સમાં ફોટોગ્રાફિક રિપૉર્ટર તરીકે કરી. 1918માં યુદ્ધ પૂરું થતાં સ્ટાઇકેન આ જવાબદારીમાંથી મુક્ત થયા, પણ આ કામ કરતી વેળા યુદ્ધની વાસ્તવિકતાને તેમણે કૅમેરામાં ઝડપી. દોજખ સમી એ ભીષણ વાસ્તવિકતાથી સ્ટાઇકેન એટલા તો હેબતાઈ ગયા હતા કે પાછા ફરીને એમણે મધુર અને આહ્લાદક વાતાવરણનું નિરૂપણ કરતાં પોતાનાં સમગ્ર ચિત્રો અને ફોટોગ્રાફ્સની હોળી કરી.

1923થી 1938 સુધી સ્ટાઇકેને ન્યૂયૉર્ક નગરમાં ધંધાદારી ધોરણે ફોટોગ્રાફી સ્ટુડિયો ચલાવ્યો અને જાહેરાતો માટેની ધંધાદારી ફોટોગ્રાફી કરવા ઉપરાંત સાહિત્ય અને કલાજગતની જાણીતી હસ્તીઓની ફોટોગ્રાફી કરી ઉત્કૃષ્ટ વ્યક્તિચિત્રો સર્જ્યાં. ઉપરાંત, 1923માં તેમની નિમણૂક જાણીતા ફૅશન-ગ્લેમર સામયિકો ‘વોગ’ અને ‘વૅનિટી ફૅર’ના મુખ્ય ફોટોગ્રાફરના પદે થઈ. 1923થી 1940 સુધી આ રીતે તેમણે ગ્રેટા ગાર્બો, ચાર્લી ચેપ્લીન અને ગ્લોરિયા સ્વેન્સોન જેવા રૂપેરી પરદાના સિનેતારકોના ખૂબ આકર્ષક ફોટોગ્રાફ્સ ઝડપ્યા.

બીજા વિશ્વયુદ્ધના આરંભે જ અમેરિકન સરકારે ફરીથી યુદ્ધના દસ્તાવેજીકરણ માટે સ્ટાઇકેનની નિમણૂક વૉર-રિપૉર્ટર તરીકે કરી, પણ વૃદ્ધ વયને કારણે તેમણે આ સેવા આપવાનો ઇનકાર કર્યો. પરંતુ પૅસિફિક ક્ષેત્રમાં યુદ્ધના ફોટોગ્રાફ ઝડપતા સરકારી ફોટોગ્રાફરોની ફોટોગ્રાફીના સંકલનનું કામ તેમણે સ્વીકાર્યું. 1941માં પર્લ હાર્બર પર જાપાને હુમલો કર્યા પછી સ્ટાઇકેન દ્વારા સંપાદિત-સંકલિત અન્ય ફોટોગ્રાફરોના ફોટોગ્રાફનું પ્રદર્શન ‘રોડ ટુ વિક્ટરી’ શીર્ષક હેઠળ ન્યૂયૉર્ક નગરના મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટમાં યોજવામાં આવ્યું. 1943માં આવું જ એક બીજું પ્રદર્શન ‘પાવર ઇન ધ પૅસિફિક’ હેઠળ એ જ મ્યુઝિયમમાં યોજાયું.

બીજા વિશ્વયુદ્ધ બાદ 1947માં ન્યૂયૉર્ક નગરના મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટમાં ફોટોગ્રાફીના દિગ્દર્શક (director) પદે સ્ટાઇકેનની નિમણૂક થઈ. આ પદ પર તે 1962 સુધી ચાલુ રહ્યા.

1955માં છોંતેર વરસની ઉંમરે સ્ટાઇકેને ‘ધ ફેમિલી ઑવ્ મૅન’ શીર્ષક હેઠળ ન્યૂયૉર્ક નગરના મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટમાં વિવિધ ફોટોગ્રાફરોની ફોટોગ્રાફીનું એક મોટું પ્રદર્શન ગોઠવ્યું, જે આજ સુધી વિશ્વમાં યોજાયેલાં ફોટોગ્રાફીના સૌ પ્રદર્શનોમાં સૌથી વધુ લોકપ્રિય નીવડેલું ગણાયું છે. ‘માનવીય એકતા’ આ પ્રદર્શનનો વિષય છે. તેમાં માનવીના પ્રણય, પરિણય, જન્મ, બાળપણ, બાળપણનાં નિર્દોષ તોફાનો, આનંદના ઉત્સવો, યુવાની, રોજગાર માટેનો પરિશ્રમ, મિત્રતા, કૌટુંબિક જીવન, વૃદ્ધાવસ્થા, એકલતા, દુશ્મનાવટ, યુદ્ધ જેવા મૂળભૂત ઉપવિષયોને આવરી લેવાયા છે. માનવમાત્રને સ્પર્શી જાય તેવું આ પ્રદર્શન યોજવાનો ખ્યાલ સ્ટાઇકેનને કાર્લ સૅન્ડ્બર્ગે લખેલ અબ્રાહમ લિંકનનું જીવનચરિત્ર વાંચીને આવેલો. આ પ્રદર્શન માટે દુનિયાભરનાં વિવિધ ફોટોગ્રાફરોના ભેગા કરેલા કુલ 20,00,000 ફોટોગ્રાફ્સમાંથી સ્ટાઇકેને 503 ફોટોગ્રાફ્સની પસંદગી કરી. આ પ્રદર્શનની ન્યૂયૉર્ક નગર ખાતેની પ્રથમ રજૂઆત પછી એને દુનિયાભરનાં મોટાં શહેરોમાં દર્શાવવામાં આવ્યું. ભારતમાં પણ અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ જેવાં મોટાં નગરોમાં એ દર્શાવાયું. આ રીતે દુનિયાભરમાંથી 9 લાખ કરતાં પણ વધુ લોકોએ આ પ્રદર્શન નિહાળ્યું એવો અંદાજ મૂકવામાં આવે છે.

સ્ટાઇકેન આજીવન નવયુવાન અને શિખાઉ ફોટોગ્રાફરોને પ્રોત્સાહન અને નાણાં વડે ટેકો આપતા રહેલા. એ માટે શૈલી કે ગુણવત્તા કદી એમને માટે બાધા બની રહી નહિ. તેમણે 1903માં ક્લેરા સ્મિથ અને 1923માં ડોના ગ્લોવર સાથે લગ્ન કરેલાં. 1960માં એંશી વરસની ઉંમરે એમણે ત્રીજું લગ્ન જોઆના ટૉબ નામની અઠ્ઠાવીસેક વરસની યુવતી સાથે કરેલું.

ફોટોગ્રાફીને એક કલાપ્રકાર તરીકે પ્રતિષ્ઠા અપાવવામાં સ્ટાઇકેનનો મોટો ફાળો રહેલો છે. તેમને ઇંગ્લૅન્ડની રૉયલ ફોટોગ્રાફિક સોસાયટીનો ‘સિલ્વર પ્રોગ્રેસ મેડલ’; અમેરિકાના ‘કૅમેરા’ મૅગેઝિનનો ‘ઍચીવમેન્ટ ઍવૉર્ડ’, ‘આર્ટ ઇન અમેરિકા ઍવૉર્ડ’; ફ્રાન્સનો ‘સ્વૉર્ચ ઍવૉર્ડ’, ‘લેજ્યોં દ’ ઓનોર’; લક્ઝમ્બર્ગનો ‘ગ્રાન્ડ ઑફિસર ડી’મેરિટ’ વગેરે સન્માનો મળ્યાં હતાં.

રમેશ ઠાકર