સ્ટર્લિંગ-વિસ્તાર : એવા દેશોનું જૂથ, જેઓ પોતાના વિદેશી ચલણની અનામતોનો મોટો ભાગ બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડમાં રાખતા હતા અને તેના બદલામાં લંડનના મૂડીબજાર અને નાણાબજારનો લાભ લેતા હતા. 1931માં ઇંગ્લૅન્ડના પાઉન્ડ સ્ટર્લિંગના અવમૂલ્યન પછી જે દેશોએ તેમના ચલણના મૂલ્યને પાઉન્ડમાં ટકાવી રાખ્યું તે દેશોનું ઇંગ્લૅન્ડ સહિતનું જૂથ સ્ટર્લિંગ-વિસ્તાર તરીકે ઓળખાયું. આ દેશોમાં કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ભારત, શ્રીલંકા, મલેશિયા, સિંગાપુર, હૉંગકૉંગ; પૂર્વ, મધ્ય અને પશ્ચિમ આફ્રિકાનાં ઇંગ્લૅન્ડનાં સંસ્થાનો, કુવૈત, જોર્ડન, લિબિયા, આયર્લૅન્ડ વગેરેનો સમાવેશ થતો હતો. આ કોઈ ઔપચારિક (formal) સંગઠન નહોતું.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન યુદ્ધને કારણે હૂંડિયામણ પરના અંકુશો વ્યાપક અને કડક બન્યા. વિશેષ તંગી ડૉલરની હોવાથી તેને પહોંચી વળવા માટે સ્ટર્લિંગ-વિસ્તારના દેશોએ પરસ્પર નાણાકીય સહકારની નીતિ અપનાવી. એને પરિણામે સ્ટર્લિંગ-વિસ્તારના દેશો એક જૂથ તરીકે ઊપસી આવ્યા. આ દેશો વચ્ચેનો ચીજવસ્તુઓનો વેપાર અંકુશમુક્ત રહ્યો અને એ જ રીતે મૂડીની હેરફેર પણ અંકુશમુક્ત રહી. સ્ટર્લિંગ-વિસ્તાર બહારના દેશો માટે આ જૂથે ચીજવસ્તુઓના વેપાર પર તેમજ મૂડીની હેરફેર પર એકસરખા અંકુશો મૂક્યા; દા. ત., ઇંગ્લૅન્ડમાંથી સ્ટર્લિંગ-વિસ્તારના દેશોમાંથી થતાં લાંબા ગાળાનાં મૂડી-રોકાણોને અંકુશમુક્ત રાખવામાં આવ્યાં; પરંતુ તે સિવાયના દેશોમાં મૂડીરોકાણો પર નિયંત્રણો લાદવામાં આવ્યાં. આમ મોટી સંખ્યામાં દેશોએ પરસ્પરના વેપારને મુક્ત રાખ્યો હોવાથી, આ ગોઠવણથી એકંદરે આંતરરાષ્ટ્રીય વેપારને ઓછું નુકસાન પહોંચ્યું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્ટર્લિંગ-વિસ્તારની ગોઠવણનો મોટો લાભ ઇંગ્લૅન્ડને મળ્યો હતો. યુદ્ધના હેતુ માટે ઇંગ્લૅન્ડે સ્ટર્લિંગ-વિસ્તારના કેટલાક દેશો(ખાસ કરીને ભારત અને ઇજિપ્ત)માંથી મોટા પાયા પર ખરીદી કરી અને તેની ચુકવણી પાઉન્ડમાં કરી. પરોક્ષ રીતે આ માર્ગે ઇંગ્લૅન્ડે ભારત વગેરે દેશો પાસેથી વ્યાજના નીચા દરે લોનો જ મેળવી હતી. એને પરિણામે એનું વિદેશી દેવું, જે બીજા વિશ્વયુદ્ધના આરંભે 0.5 અબજ પાઉન્ડનું હતું તે યુદ્ધના અંતે વધીને 3.7 અબજ પાઉન્ડ પર પહોંચ્યું. ભારત, ઇજિપ્ત જેવા સ્ટર્લિંગ-વિસ્તારના દેશોની સ્ટર્લિગ-અનામતોમાં એને પરિણામે મોટો વધારો થયો; પરંતુ તેની એક મોટી કિંમત આ દેશોએ ભારે ફુગાવાના રૂપમાં ચૂકવી.

1955 પછીનાં વર્ષોમાં પાઉન્ડની વિદેશી ચલણોમાં, વિશેષ કરીને અમેરિકાના ડૉલરમાં, પરિવર્તનીયતા (convertibility) ક્રમશ: વધતી ગઈ હતી, એટલે કે વેપાર પરના અંકુશો ઘટતા ગયા હતા. જોકે મૂડીરોકાણો પરના અંકુશો ઇંગ્લૅન્ડે ચાલુ રાખ્યા હતા; પરંતુ સ્ટર્લિંગ-વિસ્તારના દેશોમાં ઇંગ્લૅન્ડમાંથી થતાં મૂડીરોકાણોને એ અંકુશોમાંથી મુક્ત રાખવામાં આવ્યાં હતાં.

1960 પછીનાં વર્ષોમાં વિદેશી ચલણના બજારમાં વખતોવખત પાઉન્ડના અવમૂલ્યનની અપેક્ષાથી પાઉન્ડની વેચવાલીનું ભારે દબાણ સર્જાતું રહ્યું હતું અને એ દબાણ નીચે પાઉન્ડ કટોકટીમાં મુકાતો રહ્યો હતો. છેવટે 1967માં બ્રિટનને પાઉન્ડનું અવમૂલ્યન કરવાની ફરજ પડી. આ ઘટનાઓએ સ્ટર્લિંગ-વિસ્તારના ભાવિને અનિશ્ચિત બનાવ્યું. ઇંગ્લૅન્ડને તેના લેણદેણના સરવૈયા પરની ખાધને કારણે લાંબા ગાળાનાં મૂડીરોકાણો પર નિયંત્રણો ચાલુ રાખવાની અને તેમને સ્ટર્લિંગ-વિસ્તારના દેશોને પણ લાગુ પાડવાની ફરજ પડી. 1971 પછી આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રથામાં જે મોટું પરિવર્તન આવ્યું તેના એક પરિણામ રૂપે સ્ટર્લિંગ-વિસ્તારની પ્રથાનો અંત આવ્યો. એમાં એક મોટા આંતરરાષ્ટ્રીય પરિવર્તનનો સંકેત હતો. લગભગ 1950 સુધી આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોના દૃષ્ટિબિંદુથી પાઉન્ડ એક આંતરરાષ્ટ્રીય ચલણ હતો. બીજા વિશ્વયુદ્ધ પછી એ સ્થાન ક્રમશ: અમેરિકાના ડૉલરે લીધું. તેનો અર્થ એવો થતો હતો કે દુનિયાના ઘણા દેશો તેમની વિદેશી ચલણની અનામતો પાઉન્ડમાં રાખતા હતા તે હવે ડૉલરમાં રાખતા થયા અને તે પૈકીના અનેક દેશોએ તેમના ચલણના બાહ્ય મૂલ્યને ડૉલરમાં ટકાવી રાખવાની નીતિ અપનાવી.

રમેશ ભા. શાહ