સ્ટાઇગ્લીટ્ઝ, આલ્ફ્રેડ (. 1 જાન્યુઆરી 1864, હોબોકેન, ન્યૂ જર્સી, અમેરિકા; . 13 જુલાઈ 1946, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : પ્રસિદ્ધ અમેરિકન ફોટોગ્રાફર તથા આધુનિક કલાના પ્રખર પ્રચારક અને પુરસ્કર્તા. ન્યૂયૉર્કના ઊનના એક વેપારીને ત્યાં સ્ટાઇગ્લીટ્ઝનો જન્મ થયેલો. સ્ટાઇગ્લીટ્ઝ સત્તર વરસના હતા ત્યારે 1881માં તેમનું કુટુંબ જર્મની જઈ સ્થિર થયું. ત્યાં સ્ટાઇગ્લીટ્ઝે મિકૅનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો. થોડા મહિના પછી તેમણે નાનો કૅમેરા ખરીદી ફોટોગ્રાફી શરૂ કરી. થોડા જ વખતમાં એમને ફોટોગ્રાફીનો નાદ લાગ્યો અને એમણે ફોટોગ્રાફર બનવાનો પાકો મનસૂબો ઘડ્યો. આ માટે તેમણે થોડો વખત ફોટો કેમિસ્ટ્રીનો પણ અભ્યાસ કર્યો. ફોટોગ્રાફીના ક્ષેત્રમાં આરંભે જ સ્ટાઇગ્લીટ્ઝને સફળતા મળવી શરૂ થઈ ગઈ. હિમવર્ષાના, જળવર્ષાના અને રાત્રી દરમિયાનના અંધારિયા માહોલના સૌપ્રથમ સફળ ફોટોગ્રાફ તેમણે જ પાડ્યા.

આલ્ફ્રેડ સ્ટાઇગ્લીટ્ઝ

1890માં એ અમેરિકા પાછા ફર્યા. 1902માં તેમણે ન્યૂયૉર્ક સ્થિત ફોટોગ્રાફરોનું એક જૂથ રચ્યું. તેનું નામ છે ‘ફોટો-સિસેશન’. તેના સભ્યો પ્રયોગશીલ દ્રષ્ટા ફોટોગ્રાફરો હતા. 1905માં સ્ટાઇગ્લીટ્ઝે પોતાની અને પોતાના જૂથની ફોટોગ્રાફીના પ્રદર્શન માટે ન્યૂયૉર્ક શહેરમાં એક ગૅલરી ખરીદી. એના શેરી નંબર પરથી એ ગૅલરીનું નામ તેમણે ‘291’ રાખ્યું. આ જ ગૅલરીમાં સ્ટાઇગ્લીટ્ઝે આધુનિક યુરોપિયન ચિત્રકારો અને શિલ્પીઓની કલાકૃતિઓનું પ્રદર્શન 1908માં યોજ્યું; જેમાં શિલ્પીઓ કૉન્સ્ટેન્ટિન બ્રાંકુસી તથા ઑગુસ્તે રોદાં અને ચિત્રકારો પોલ સેઝાં, હેન્રી માતિસ, તુલુસ લૂત્ર, પાબ્લો પિકાસો, ફ્રાન્સિસ પિચાબિયા, જિનો સેવેરિની તથા એલી નેડલમૅનની કલાકૃતિઓનો સમાવેશ થતો હતો. પશ્ચિમ યુરોપના આધુનિક કલાકારોની કલાકૃતિઓનું અમેરિકામાં આ પ્રથમ પ્રદર્શન હતું. વળી, એ યુગના મોટા ભાગના લોકોથી વિપરીત સ્ટાઇગ્લીટ્ઝ આધુનિક અમેરિકન કલાકારોને આધુનિક યુરોપિયન કલાકારોથી સહેજેય ઊતરતા નહોતા માનતા. તેથી 1908 પછી સ્ટાઇગ્લીટ્ઝે અમેરિકન ચિત્રકારો અને શિલ્પીઓની કલાકૃતિઓનાં પ્રદર્શનો પણ યોજવાં શરૂ કર્યાં. આ અમેરિકન કલાકારોમાં જોન મારિન, મેર્સ્ડન હાટર્લી, આર્થર ડવ, આલ્ફ્રેડ મોરર, મૅક્સ વેબર, જ્યૉર્જિયા ઓ’કીફી અને સ્ટેન્ટોન મેક્ડોનાલ્ડરાઇટનો સમાવેશ થાય છે. પરંતુ એ સમયે ન્યૂયૉર્કની જનતાએ આધુનિક કલાનાં આ પ્રદર્શનોને ઉમળકાથી વધાવ્યાં નહિ. 1903થી 1917 સુધી સુધી સ્ટાઇગ્લીટ્ઝે ફોટોગ્રાફી માટે સામયિક ‘કૅમેરા વર્ક’નું સંપાદન તેમજ પ્રકાશન કર્યું. એમણે સ્થાપેલી આર્ટ ગૅલરી ‘291’ પણ 1917માં સામયિક ‘કૅમેરા વર્ક’ની સાથે જ બંધ પડી. પ્રથમ વિશ્વયુદ્ધે સર્જેલી નાણાની તંગીએ એ બંનેનો ભોગ લીધો હતો. હવે સમયની મોકળાશ સાંપડતાં સ્ટાઇગ્લીટ્ઝે ન્યૂયૉર્ક શહેરની તેમજ ન્યૂયૉર્ક રાજ્યના લેક જ્યૉર્જની ફોટોગ્રાફી કરી. આ બંને ફોટોશ્રેણીઓ સ્ટાઇગ્લીટ્ઝે સર્જેલી અમેરિકન મહિલા ચિત્રકાર જ્યૉર્જિયા ઓ’કીફીની વ્યક્તિફોટોગ્રાફ શ્રેણી સાથે સ્ટાઇગ્લીટ્ઝનું શ્રેષ્ઠ સર્જન ગણાઈ છે. આ ત્રણેય ફોટોશ્રેણીઓમાં પ્રત્યેકના 400 ફોટોગ્રાફ સાથે કુલ 1,200 ફોટોગ્રાફ છે. 1924માં સ્ટાઇગ્લીટ્ઝે જ્યૉર્જિયા ઓ’કીફી સાથે લગ્ન કર્યું.

આર્થિક રીતે સધ્ધર થયા પછી 1925માં સ્ટાઇગ્લીટ્ઝે ન્યૂયૉર્કમાં ‘ગૅલરી ઇન્ટિમેટ’ શરૂ કરી. જે તેમણે 1929 સુધી ચલાવી અને 1929થી 1946 સુધી તેમણે ન્યૂયૉર્કમાં ગૅલરી ‘એન અમેરિકન પ્લેસ’ ચલાવી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના ચિત્રકારો અને શિલ્પીઓને દુનિયાએ હસી કાઢવાનું બંધ કર્યું અને તેમને ધંધાદારી સફળતા મળી. આમ, પોતાનું એક ધ્યેય પાર પડેલું જોઈ 1925થી સ્ટાઇગ્લીટ્ઝે માત્ર અમેરિકન ચિત્રકારો અને શિલ્પીઓની કલાકૃતિઓનાં પ્રદર્શનો પોતાની ગૅલરીઓમાં યોજ્યાં અને 1935 સુધીમાં તેમને પણ ધંધાદારી સફળતા અપાવી. સ્ટાઇગ્લીટ્ઝે આધુનિક કલા અને કલાકારોને આટલો બધો ટેકો આપ્યો, છતાં સ્ટાઇગ્લીટ્ઝે કદી પણ એક ધંધાદારી દલાલ કે કમિશન એજન્ટ તરીકે એ કલાકૃતિઓના વેચાણમાંથી નાણાકીય ભાગ પડાવ્યો નહોતો.

સ્ટાઇગ્લીટ્ઝના અથાક પ્રયત્નોને કારણે અમેરિકાનાં મ્યુઝિયમોમાં ફોટોગ્રાફીને ચિત્રકલા અને શિલ્પકલા સમકક્ષ ગણવાનું શરૂ થયું. એ મ્યુઝિયમોમાં જે ફોટોગ્રાફરોની કૃતિઓ સ્વીકારાઈ તેમાં સૌપ્રથમ પણ સ્ટાઇગ્લીટ્ઝ જ છે. અમેરિકામાં આ પહેલ બૉસ્ટન, ન્યૂયૉર્ક અને વૉશિંગ્ટન ખાતેનાં મ્યુઝિયમોએ કરેલી.

માત્ર એક અગ્રણી ફોટોગ્રાફર તરીકે જ નહિ પણ સમગ્ર અમેરિકાના કલાજગતમાં આધુનિકતાનો પ્રાણ ફૂંકનાર એક યુગદ્રષ્ટા કલાકાર તરીકે સ્ટાઇગ્લીટ્ઝને યાદ કરવામાં આવે છે.

રમેશ ઠાકર

અમિતાભ મડિયા