સ્કંદપ્રસાદ, વી. એસ. (જ. 6 સપ્ટેમ્બર 1949, મૈસૂર શહેર, કર્ણાટક) : ભારતીય અંગ્રેજી લેખક. તેમણે બૅંગલોર યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને વર્લ્ડ એકૅડેમી ઑવ્ આર્ટ ઍન્ડ કલ્ચર, તાઇવાનની ડી.લિટ.ની પદવીઓ મેળવી. હાલ તેઓ મેંગલોર ખાતે કૉર્પોરેશન બૅંકની વડી કચેરીમાં મુખ્ય વ્યવસ્થાપક તરીકે કાર્યરત છે. તેઓ મેંગલોરના ચેતના લિટરરી ગ્રૂપના સ્થાપક-પ્રમુખ, યુનાઇટેડ પોએટ્સ, લૉરિયટ ઇન્ટરનૅશનલ (ફિલિપાઇન્સ) તથા ઑથર્સ ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયાના માનદ સભ્ય રહ્યા.
તેમણે અંગ્રેજીમાં 20થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એક્સપ્લૉરેશન્સ ઍન્ડ રીફ્લેક્શન્સ’ (1978), ‘સૉન્ગ્ઝ ઑવ્ કૉસમૉસ’ (1981), ‘સ્વીટ સિક્સટીન’ (1987), ‘ગ્લિમ્પ્સિસ’ (1990) અને ‘મૂવિંગ હોરાઇઝન’ (1991) તેમના મુખ્ય કાવ્યસંગ્રહો છે. આમાંનાં તેમનાં ઘણાં કાવ્યો અન્ય ભારતીય તેમજ વિદેશી ભાષાઓમાં અનૂદિત થયાં છે.
તેમણે 1981માં સાન ફ્રાન્સિસ્કોમાં, 1982માં સ્પેનમાં અને 1984માં મોરોક્કોમાં વર્લ્ડ કૉંગ્રેસ ઑવ્ પોએટ્સમાં હાજરી આપી હતી. તેમને ઇન્ટરનૅશનલ પોએટ્સ એકૅડેમી (ચેન્નાઈ) તરફથી ઇન્ટરનૅશનલ એમિનન્ટ પોએટ ઍવૉર્ડ તથા ઇન્ટરનૅશનલ પોએટ્રી પ્રાઇઝ ઑવ્ એકૅડેમી ઑવ્ તારાસ્કોન (ફ્રાન્સ) વગેરે પ્રાપ્ત થયાં છે.
બળદેવભાઈ કનીજિયા