સ્કંધપીડ (ખભાનો દુખાવો) : ખભો દુખવો તે. પુખ્તવયની વ્યક્તિઓમાં બોચી અને ખભાના દુખાવાનો પ્રવર્તમાન દર (prevalence) 4.6% / 6 મહિના નોંધાયેલો છે. તેનું મહત્વનું કારણ ડોકના મણકા, ખભાનો સાંધો તથા ડોક તથા ખભાની આસપાસની મૃદુપેશીના વિકારો છે. ડોકના મણકાના વિકારમાં ડોકના હલનચલન સાથે દુખાવો જોવા મળે છે. બોચીમાં હળવે દબાવવાથી પણ દુખાવો થાય છે.

ખભાનો સાંધો : (1) હાંસડી (clavicle), (2) સ્કંધાસ્થિ (scapula), (3) સ્કંધસંધિ, ખભાનો સાંધો (shoulder joint), (4) સ્યૂન (bursa), (5) ખભાના સ્નાયુઓ, (6) ભૂજાસ્થિ (humerus), (7) દ્વિશીર્ષી સ્નાયુ (biceps muscle)

તેને સ્પર્શવેદના (tenderness) કહે છે. બોચીનું હલનચલન પણ ઘટે છે. ડોકના મણકાને ઈજા થાય, બે મણકા વચ્ચેની આંતરમણિકા ચકતી(intervertebral disc)નો વિકાર થાય, ડોકના મણકાનો ગ્રીવામણિકાવિકાર (cervical spondylosis) નામનો વિકાર થાય, હાથમાં જતી ચેતાઓ(nerves)ના ભૂજચેતાજાળ (brachial plexus) તથા છાતીની પાંસળીઓના પિંજરનો ઉપરના દ્વારા વિકારો થાય ત્યારે બોચી અને ખભામાં દુખાવો થાય છે. ક્યારેક આમવાતાભ સંધિશોથ(rheumatoid arthritis)માં પણ બોચી અને ખભામાં દુખે છે. ડોકના મણકામાંની આંતરમણિકા ચકતીના વિકારમાં કે ગ્રીવામણિકાવિકારમાં ક્યારેક ડોકમાંથી નીકળતી અને હાથમાં જતી ચેતાઓના ચેતામૂળ (nerve roots) દબાય છે અને તેથી તેમાં ચેતામૂલરુગ્ણતા (radiculopathy) થાય છે. તે સમયે દુખાવો થવા ઉપરાંત હાથમાંની ચેતાપરાવર્તી ક્રિયાઓ (reflexes) ઘટે છે તથા હાથના સ્નાયુઓ નબળા પડે છે.

ખભાના સાંધાની આસપાસના સ્નાયુબંધ(tendon)માં પીડાકારક સોજો (શોથ, inflammation) થાય તો તેને સ્નાયુબંધશોથ (tendonitis) કહે છે. તેવી રીતે ત્યાં આવેલી પ્રવાહી ભરેલી કોથળી જેવી સંરચનાઓ–સ્યૂન(bursa)માં પીડાકારક સોજો આવે તો તેને સ્યૂનશોથ (bursitis) કહે છે. ખભાના સાંધાના તંતુમય આવરણ સંધિસંપુટ(joint capsule)માં થતા પીડાકારક સોજાના વિકારને સંધિસંપુટશોથ (capsulitis) કહે છે. આ બધા જ વિકારોમાં ખભામાં દુખાવો થાય છે. ખભાના હાડકામાં અસ્થિભંગ (fracture), અસ્થિભ્રંશ (dislocation) કે અલ્પભ્રંશ (subluxation) થાય તો પણ ખભાનો દુખાવો થાય છે. હાડકું ભાંગે તેને અસ્થિભંગ કહે છે. જો તે તેના સ્થાનેથી ખસી જાય તો તેને અસ્થિભ્રંશ કહે છે; પરંતુ જો તેનું ખસવું અપૂર્ણ હોય તો તેને અલ્પભ્રંશ કહે છે. ચેપ, ઈજા કે ગાંઠની ગેરહાજરીમાં ખભાના સાંધાનું હલનચલન પીડાકારક બને અને ઘટી જાય ત્યારે તેને સ્કંધીય દુ:સ્થગિતતા (frozen shoulder) કહે છે. ખભાની આસપાસની પેશીના પીડાકારક સોજાને પરિસ્કંધ સંધિશોથ (periarthritis of shoulder) કહે છે. ખભાનો દુખાવો ક્યારેક ડોક તથા હાથમાં પણ ફેલાય છે. આમ ડોકના મણકા, ચેતાઓ તથા ખભાનાં હાડકાંની આસપાસની પેશીમાં થતા વિકારોમાં બોચી તથા ખભામાં દુખાવો થાય છે.

સારવાર માટે મૂળ રોગની સારવાર ઉપરાંત પીડાનાશકો તથા ખભાની તથા ડોકના મણકાની વ્યાયામાદિ ચિકિત્સા (physiotherapy) ઉપયોગી રહે છે.

શિલીન નં. શુક્લ