સ્કંદગુપ્ત (. . 455–468) : ગુપ્તવંશનો છેલ્લો મહાન પરાક્રમી રાજવી. સ્કંદગુપ્ત પિતા કુમારગુપ્તના અવસાન પછી ગાદીએ આવ્યો હતો. તેના સમયમાં ગુપ્તવંશની જ્યેષ્ઠ પુત્રને ગાદી મળે તેવી પરંપરા સચવાઈ ન હતી. જ્યેષ્ઠ પુત્ર પુરુગુપ્તને પરાજય આપી તે ગાદીએ આવ્યો હતો. તેના સ્તંભાલેખના વિવરણ મુજબ તેણે પુષ્યમિત્ર અને હૂણોના આક્રમણને મારી હઠાવી ‘વિક્રમાદિત્ય’ની ઉપાધિ ધારણ કરી હતી.

ગાદીપ્રાપ્તિ પછી સ્કંદગુપ્તે તેના સંગઠન અને રક્ષણનો પ્રબંધ કર્યો હતો. તેણે પશ્ચિમ અને વાયવ્યના બધા પ્રાંતોમાં ‘ગોપ્તા’(સૈન્યના પ્રાંતીય શાસક)ની નિયુક્તિ કરી હતી. વાયવ્ય પ્રદેશોનું મહત્વ સમજી તેના રક્ષણ માટે વિશેષ પ્રબંધ કરનાર તે પ્રાચીન ભારતનો અંતિમ શાસક હતો. તેના લેખો પરથી માલૂમ પડે છે કે પશ્ચિમમાં સૌરાષ્ટ્રથી પૂર્વમાં બંગાળ અને ઉત્તર ભારતથી મધ્યપ્રદેશ સુધીના પ્રદેશો પર ગુપ્તોનું આધિપત્ય હતું. સ્કંદગુપ્તના સમયમાં સુરાષ્ટ્ર(સૌરાષ્ટ્ર)નો ગોપ્તા (સૂબો) પર્ણદત્ત હતો. તેણે પોતાના પુત્રના સહકારથી ગિરિનગર(જૂનાગઢ)ના સુદર્શન સરોવરના સેતુ(બંધ)નું સમારકામ કરાવ્યું હતું. એને લગતી વિગતો અશોકના ગિરનારના શિલાલેખની એક બાજુ પર મળે છે. (ઈ. સ. 456) સુદર્શન સરોવરના સફળ જીર્ણોદ્ધાર પછી ત્યાં તેણે વિષ્ણુનું મંદિર પણ બંધાવ્યું હતું. તેને લગતી હકીકત ગિરનારના શિલાલેખોમાં પુરવણી રૂપે ઉમેરવામાં આવી હતી.

ગુપ્તસમ્રાટ સ્કંદગુપ્તની ધાર્મિક નીતિ ઘણી ઉદાર હતી. તેના શાસનકાળમાં બધા ધાર્મિક સંપ્રદાયોને ધાર્મિક વિધિવિધાનો કરવાની સ્વતંત્રતા હતી. તેના દેવરિયા (કહાવ) અભિલેખ મુજબ મદ્ર નામની વ્યક્તિએ પાંચ જૈન તીર્થંકરોની મૂર્તિઓ સ્થાપી કીર્તિસ્તંભ ઊભો કર્યો હતો.

સ્કંદગુપ્તના શાસનકાળમાં પ્રજામાં શાંતિ અને સલામતીનું વાતાવરણ હતું. તેના ઈ. સ. 460ના શિલાલેખમાં યશસ્વી ગુપ્ત રાજાધિરાજ સ્કંદગુપ્તનું એ રાજ્યવર્ષ શાંતિમય હોવાનું જણાવેલું છે. આ પહેલાં તેણે હૂણોના આક્રમણથી પણ ગુપ્ત સામ્રાજ્યને બચાવ્યું હતું. હૂણોના આક્રમણથી ભારતવર્ષ સતત આતંકિત રહ્યું હતું. હૂણોને હરાવીને સ્કંદગુપ્તે માત્ર ગુપ્ત સામ્રાજ્યને જ નહિ સમગ્ર ભારતવર્ષને સુરક્ષિત રાખ્યું હતું.

સ્કંદગુપ્તની એક મહત્વની સિદ્ધિ ચલણના ક્ષેત્રે પણ હતી. તેણે કુમારગુપ્ત પ્રથમના સમયથી પ્રચલિત ચલણી સિક્કાઓને ગળાવી પ્રમાણિત વજનના શુદ્ધ સોના, ચાંદી તથા તાંબાના સિક્કા પ્રચલિત કર્યા હતા. તેના સિક્કાઓ ત્રણ-ચાર પ્રકારના મળે છે; જેમાં સુવર્ણ સિક્કાઓમાં ધનુર્ધારી પ્રકાર, છત્રધારી અનુચર સાથેની રાજાની આકૃતિવાળો સિક્કો, અશ્વારોહી પ્રકાર, રાજા-રાણીની આકૃતિવાળો સિક્કો વગેરેનો સમાવેશ થાય છે. તેના ચાંદીના સિક્કાઓમાં ગરુડ, વેદિ અને નંદીના ચિહનવાળા સિક્કા પ્રાપ્ત થયા છે. જોકે હૂણો સાથે નિરંતર યુદ્ધ થવાથી રાજ્યની આર્થિક સ્થિતિને મોટો ફટકો પડ્યો હતો અને સ્કંદગુપ્તના શાસનનાં અંતિમ વર્ષોમાં સિક્કાઓમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવાની થઈ હતી.

સ્કંદગુપ્તના અવસાન પછી ગુપ્ત સામ્રાજ્યની પડતી શરૂ થઈ હતી. સ્કંદગુપ્ત એક મહાન સમ્રાટ, રાજનીતિજ્ઞ અને ધર્મપ્રેમી શાસક હતો.

અરુણ વાઘેલા