સોલાપુર : મહારાષ્ટ્ર રાજ્યના પુણે વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે 17° 41´ ઉ. અ. અને 75° 55´ પૂ. રે.ની આજુબાજુનો 14,886 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં અહમદનગર અને ઓસ્માનાબાદ જિલ્લો, પૂર્વમાં ઓસ્માનાબાદ જિલ્લો અને કર્ણાટક રાજ્યસીમા, દક્ષિણે કર્ણાટક રાજ્યસીમા અને સાંગલી જિલ્લો તથા પશ્ચિમે સાંગલી, સાતારા અને પુણે જિલ્લા આવેલા છે. જિલ્લામથક સોલાપુર જિલ્લાની પૂર્વમાં આવેલું છે.
સોલાપુર જિલ્લો
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ સમુદ્રસપાટીથી આશરે 550 મીટરની ઊંચાઈએ આવેલું છે. ઉત્તર અને પૂર્વ બાળશી, મધ્ય મઢ, મધ્ય કરમાલા, માલશિરસ અને દક્ષિણ સાંગોલના ભાગોનું ભૂપૃષ્ઠ ટેકરાળ છે. ઊંચાણવાળા ભાગોની જમીનો છીછરા પડવાળી છે અને તે ગોચરો માટે વપરાય છે; જ્યારે ઊંડા થરની જમીનો ખેતી માટે ઉપયોગમાં લેવાય છે. મઢ અને કરમાળા જળવિભાજક ભીમા અને સીના નદીઓના જળપરિવાહને અલગ પાડે છે. ટ્રેપ ખડકોથી બનેલા સોલાપુરના ઊંચાણવાળા ગોળાકાર વિસ્તારમાં ભાલા જેવું પીળું ઘાસ ઊગી નીકળે છે. જિલ્લાનો બાકીનો ભાગ ઉજ્જડ છે.
જિલ્લામાં મર્યાદિત જંગલ-વિસ્તાર આવેલો છે. તે પણ સૂકાં, ઝાંખરાંવાળાં જંગલ ધરાવે છે. અગાઉ જિલ્લાના જે જે ભાગોમાં જંગલો હતાં, તે આજે વૃક્ષવિહીન બની રહ્યાં છે. આ જિલ્લામાં ભીમા, નીરા, સીના અને માન નદીઓ વહે છે; ભીમા અને તેની સહાયક નદી નીરા અહીંની મુખ્ય નદીઓ છે.
ખેતી–પશુપાલન : આ જિલ્લામાં હલકા પ્રકારના ધાન્યની ખેતી થાય છે. જુવાર અહીંનો મુખ્ય કૃષિપાક છે, જોકે થોડા પ્રમાણમાં ઘઉંનું પણ વાવેતર થાય છે. કૂવા અને તળાવો સિંચાઈ માટેના મુખ્ય સ્રોત છે. જિલ્લો સહ્યાદ્રિના વર્ષાછાયાના પ્રદેશમાં આવેલો હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું રહે છે. જિલ્લાના કેટલાક લોકો માછીમારીના વ્યવસાયમાં રોકાયેલા છે. તેઓ ભીમા, નીરા અને માન નદીઓમાંથી માછલીઓ પકડે છે. અહીં 16 જેટલી માછીમારી સહકારી મંડળીઓ આવેલી છે.
ઉદ્યોગ–વેપાર : આ જિલ્લામાં આર્થિક દૃષ્ટિએ ઉપયોગી એવાં કોઈ ખનિજો મળતાં નથી; પરંતુ બાંધકામ માટેના પથ્થરો, રેતી અને માટી પૂરતા પ્રમાણમાં મળે છે. ઓગણીસમી સદીથી સોલાપુર કાપડ-ઉદ્યોગનું મહત્વનું મથક બની રહ્યું છે. રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે તે ચોથો ક્રમ ધરાવે છે. જિલ્લામાં કાપડની આઠ મિલો છે. સોલાપુરના ચોરસા અને ચાદરો ખૂબ વખણાય છે, તેનાં કારખાનાં અહીં વિકસ્યાં છે. અહીંના હાથસાળના એકમોમાં ઘણા લોકો કામ કરે છે. આ ઉપરાંત ખાંડનાં કારખાનાં; વણાટકામ, ચર્મકામ, રેસાકામ, વાંસકામ, સુથારીકામ, લુહારીકામ, કુંભારીકામ, રંગકામ, છાપકામ, ધાતુકામ, ચૂનો બનાવવાનું કામ અને રેશમપ્રક્રમણ, સાબુ, અગરબત્તી તથા ટોપીઓના એકમો તેમજ ગૃહઉદ્યોગો પણ વિકસેલા છે. અહીં સ્ટેશનરી, તુવેરદાળ, ખાદ્યતેલ, સાડીઓ અને રૂની ગાંસડીઓ પણ તૈયાર થાય છે. આ જિલ્લામાંથી જુવાર, મગફળી, રૂ, નાગરવેલનાં પાન, કરિયાણું વગેરેની નિકાસ તો ઘઉં, સૂતર અને એંજિનોની ત્યાં આયાત થાય છે.
પરિવહન–પ્રવાસન : સોલાપુર મુંબઈથી 456 કિમી.ને અંતરે આવેલું છે. અહીંથી મુંબઈ–ચેન્નાઈનો બ્રૉડગેજ રેલમાર્ગ પસાર થાય છે. જિલ્લામાં 80 % ગામોમાં બસમથકો અને 40 % ગામોમાં પાકા રસ્તાઓની સુવિધા છે.
જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલું અકલકોટ દત્ત પંથનું મુખ્ય કેન્દ્ર છે. અકલકોટના શ્રીસ્વામી સમર્થ મહારાજનું વટવૃક્ષ-મંદિર જાણીતું ધાર્મિક સ્થાનક બની રહ્યું છે. પંઢરપુરનું વિઠોબા-મંદિર પ્રખ્યાત યાત્રાસ્થળ છે. ત્યાં દર વર્ષે કાર્તિકી તેમજ અષાઢી એકાદશીએ મેળો ભરાય છે. તે વખતે 4થી 5 લાખ યાત્રાળુઓની અવરજવર રહે છે. આ રીતે સોલાપુર ઔદ્યોગિક અને વેપારી મથક હોવા ઉપરાંત ધાર્મિક અને ઐતિહાસિક દૃષ્ટિએ પણ મહત્વનું છે. અહીં ગ્રાઉન્ડ ફૉર્ટ, શુભારાય મઠ, ઇન્દ્રભુવન, મસ્જિદો તથા સિદ્ધેશ્વર–મલ્લિકાર્જુન–પારસનાથ–આદિનાથનાં મંદિરો, દેવળો અને અગિયારી પણ આવેલાં છે. સોલાપુરથી ઉત્તરે 48 કિમીને અંતરે અને બાળશીથી 20 કિમી.ને અંતરે નાથસંપ્રદાયના સંતોના મેળાવડાનું ‘વૈરાગ’ નામનું સ્થળ આવેલું છે. વૈરાગના સંતનાથ ખાતે શ્રાવણ સુદ એકાદશીથી શ્રાવણ વદ એકમ સુધી છ દિવસીય મેળો ભરાય છે, તેમાં પૂનમને દિવસે 25 હજાર જેટલા લોકો ભેગા થાય છે. આ સિવાય વાર-તહેવારે જુદા જુદા મેળા અને ઉત્સવોનું આયોજન થતું રહે છે.
સિદ્ધેશ્વર મંદિર, સોલાપુર
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 38,55,383 જેટલી છે; તેમાં સ્ત્રી-પુરુષોનું પ્રમાણ સરખું છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 66 % અને 34 % જેટલું છે. હિન્દુ–મુસ્લિમની વસ્તી વિશેષ છે, જ્યારે બૌદ્ધો અને જૈનોની બીજા ક્રમે અને શીખો–ખ્રિસ્તીઓની ત્રીજા ક્રમે આવે છે. જિલ્લામાં મરાઠી, હિન્દી, ગુજરાતી, કન્નડ, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ અંદાજે 50 % જેટલું છે. શૈક્ષણિક સંસ્થાઓનું પ્રમાણ સારું છે. 17 જેટલી ઉચ્ચ શિક્ષણની કૉલેજો આવેલી છે. નગરોમાં અને ગામોમાં એક કે બીજા પ્રકારની તબીબી સેવા ઉપલબ્ધ છે. પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો, ગ્રામીણ ચિકિત્સાલયો તથા કુટિર હૉસ્પિટલો ઊભાં કરાયેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 11 તાલુકા તથા 11 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 10 નગરો અને 1,142 (8 વસ્તીવિહીન) ગામો આવેલાં છે.
ઇતિહાસ : હાલના સોલાપુર જિલ્લાના પ્રદેશો અગાઉ અહમદનગર, પુણે તથા સાતારા જિલ્લામાં આવેલા હતા. કરમાલા અહમદનગર જિલ્લામાં, મોહોલ પુણે તથા પંઢરપુર, માલશિરસ અને સંગોલા સાતારા જિલ્લામાં હતા. એ રીતે આ પ્રદેશો અગાઉ જુદાં જુદાં રાજ્યોમાં આવેલા હતા. સાતારામાં બાદામીના ચાલુક્યો, તે પછી રાષ્ટ્રકૂટો, શિલહારા અને દેવગિરિના યાદવોની સત્તા હતી. ત્યાર બાદ આદિલશાહી તથા શિવાજી, શાહૂ, રામરાજા અને શાહૂ બીજાની સત્તા પ્રવર્તી. ઈ. સ. 1818થી સાતારા બ્રિટિશ સાર્વભૌમત્વ હેઠળ હતું. સ્વતંત્રતા મળ્યા પછી વિલીનીકરણ થયું. તે પ્રદેશો મુંબઈ રાજ્ય અને પછી મહારાષ્ટ્ર રાજ્યમાં આવ્યા. એ રીતે અહમદનગર તથા પુણેમાં પણ સત્તાપરિવર્તનો થયાં હતાં.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ