સોલંકી, વૃંદાવન (જ. 1947) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફેકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં કલાનો અભ્યાસ શરૂ કર્યો. અહીં જ્યોતિ ભટ્ટ અને ગુલામ મોહમ્મદ શેખ તેમના ગુરુ હતા. અભ્યાસ દરમિયાન બૉમ્બે આર્ટ સોસાયટીની એક વાર્ષિક ચિત્રહરીફાઈમાં ઇનામ મળતાં તેમનો આત્મવિશ્વાસ એટલો દૃઢ થયો કે એમણે વડોદરા ખાતેનો અભ્યાસ છોડી દીધો અને ચિત્રકાર તરીકેની કારકિર્દીનો પ્રારંભ કરી દીધો.

પહેલેથી સોલંકી માત્ર સફેદ, કાળો તથા એ બે વચ્ચેની રાખોડી છટાઓ વડે જ ચિત્રો ચીતરે છે. એમનાં ચિત્રોમાં ચિત્રિત માણસો અને વાતાવરણ બહુધા ગ્રામીણ હોય છે. વળી, એમનાં અત્યંત વિગત-પ્રચુર ચિત્રોમાં ચહેરાઓને તે હંમેશાં તદ્દન વિગતહીન સપાટ સફેદ કે સપાટ કાળા આલેખે છે. એમ કરવા પાછળનો તેમનો ઉદ્દેશ ચહેરાની વિગતો દર્શાવ્યા વિના ભાવોની અભિવ્યક્તિનો હોય છે.

વૃંદાવન સોલંકી

સોલંકીએ દેશવિદેશમાં પોતાનાં ચિત્રોનાં અનેક વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં છે. કેન્દ્રની રાષ્ટ્રીય લલિત કલા અકાદમીએ રાષ્ટ્રીય ખિતાબ વડે તેમનું બહુમાન કર્યું છે.

અમિતાભ મડિયા