સોલારિયો આન્દ્રેઆ (Solario Andrea)

January, 2009

સોલારિયો, આન્દ્રેઆ (Solario, Andrea) (જ. આશરે 1465, લૉમ્બાર્દી, ઇટાલી; અ. 1524 પહેલાં) : ઇટાલિયન રેનેસાં-ચિત્રકાર. પોતાના શિલ્પી ભાઈ ક્રિસ્તોફેરો સોલારિયો પાસે તેમણે ચિત્રકલા અને શિલ્પકલાની તાલીમ લીધી. 1491માં તેમણે ભાઈ ક્રિસ્તોફેરો સાથે વેનિસની યાત્રા કરી. વેનિસમાં ચિત્રકાર ઍન્તૉનેલો દા મેસિના(Antonello da Messina)નાં ચિત્રો જોયાં એની દૂરગામી અસર તેમના સર્જન પર પડી. 1495માં તેઓ મિલાનમાં સ્થિર થયા. 1496 પછી તેમણે ફ્રાંસમાં વસવાટ કર્યો, ત્યારથી લિયૉનાર્દો દ વિન્ચીની અસર પણ તેમની ચિત્રકલા પર પડી.

સોલારિયોનાં ફ્રાંસસ્થિત ઘણાં ચિત્રો ફ્રેંચ ક્રાંતિ દરમિયાન નષ્ટ થયાં; પરંતુ જે બચ્યાં છે તેમાંથી નીચેનાં ચિત્રો શ્રેષ્ઠ ગણાયાં છે :

1. ‘વર્જિન ઍન્ડ ચાઇલ્ડ’

2. ‘એચે હોમો’ (Ecce Homo)

3. ‘ક્રાઇસ્ટ બ્લેસિન્ગ’ (આશરે 1515)

4. ચાન્સેલર મોરોનેનું વ્યક્તિચિત્ર (1522 પછી)

5. ‘મૅડોના ઑવ્ ધ ગ્રીન કુશન’ (આશરે 1509).

આન્દ્રેઆ સોલારિયોએ દોરેલું ચિત્ર ‘વર્જિન ઍન્ડ ચાઇલ્ડ’

અમિતાભ મડિયા