સેલ્ઝિનિક ડૅવિડ ઑલિવર
February, 2008
સેલ્ઝિનિક, ડૅવિડ ઑલિવર (જ. 10 મે 1902, પિટ્સબર્ગ, ઓહાઓ, યુ.એસ.; અ. 22 જૂન 1965, હૉલિવુડ) : અમેરિકાના ચલચિત્ર જગતના મહારથી. બીજા વિશ્વયુદ્ધ પછીના યુગમાં ઉચ્ચ કલાત્મક ગુણવત્તાવાળી વાણિજ્યિક રીતે સફળ ફિલ્મોના નિર્માતા તરીકે તેઓ ખૂબ ખ્યાતિ પામ્યા. તેમના પિતા ન્યૂયૉર્કમાં મૂક ફિલ્મોના નિર્માતા હતા. તેમની પાસેથી ડૅવિડે તેમની શરૂઆતની તાલીમ મેળવી. 1926માં તેઓ હૉલિવુડ ગયા અને પછીનાં 10 વર્ષોમાં તેમણે મેટ્રૉ-ગોલ્ડવિન-મેયર પૅરમાઉન્ટ ખાતે અને આરકેઑ સ્ટુડિયોમાં ફિલ્મકથાના મદદનીશ સંપાદક તરીકે અને તે પછી નિર્માતા તરીકે પ્રગતિ કરી.
1930નાં વર્ષોમાં તેમનાં ઘણાં શ્રેષ્ઠ ચિત્રો અત્યધિક ભાવુકતાપૂર્ણ હતાં; જેવાં કે ‘ડિનર ઍટ ઍઇટ’ (1933) અને ‘ઍ સ્ટાર ઇઝ બૉર્ન’ (1937) અથવા સાહિત્યિક પ્રશિષ્ટ કૃતિઓનાં સતર્ક રૂપાંતરો જેવાં કે ‘ડૅવિડ કૉપરફીલ્ડ’ (1935), ‘અન્ના કૅરેનિના’ (1935) અને ‘ધ ઍડવેન્ચર્સ ઑવ્ ટૉમ સૉયર’ (1938). ફિલ્મના ઇતિહાસમાં સૌથી વધુ બૉક્સ-ઑફિસ પર સફળતા મેળવનાર તેમના ચિત્ર ‘ગૉન વિથ ધ વિન્ડ’થી તેઓ ખૂબ ખ્યાતિ પામ્યા. તે બદલ તેમને ઑસ્કાર ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો.
તેમનાં અન્ય સફળ સર્જનોમાં આલ્ફ્રેડ હિચકૉકે દિગ્દર્શિત અને 4 મુખ્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર ચલચિત્ર છે : – ‘રૅબેક્કા’ (1940). ‘સ્પેલ-બાઉન્ડ’(1945)નું પણ હિચકૉકે દિગ્દર્શન કર્યું હતું. ‘ધ થર્ડ મૅન’ નામક અત્યંત ખ્યાતિ પામેલ સનસનાટી ઉપજાવનારું ચિત્ર હતું, જે ઍલેક્ઝાન્ડર કોરડાના સહયોગથી અને કેરોલ રીડના દિગ્દર્શન હેઠળ નિર્માણ કરાયું હતું. ‘સિન્સ યુ વેન્ટ અવે’ (1944), ‘ડ્યૂઅલ ઇન ધ સન’ (1946), ‘પૉરટ્રેટ ઑવ્ જેન્ની’ (1948) અને ‘એ ફેરવેલ ટુ આર્મ્સ’(1957)માં જેનિફર જૉન્સ નામની અભિનેત્રીએ કુશળ અભિનય કર્યો હતો. 1949માં તેઓ બંને લગ્નગ્રંથિથી જોડાયાં હતાં.
મહેશ ચોકસી