સૅલોનિકા : ગ્રીસમાં સૅલોનિકાના અખાત પર આવેલો પ્રદેશ તેમજ તે જ નામ ધરાવતું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 40° 38´ ઉ. અ. અને 22° 56´ પૂ. રે.. તે થેસાલોનિકી નામથી પણ ઓળખાય છે. તેનો વિસ્તાર 3683 ચોકિમી. જેટલો છે.

આજે સૅલોનિકા અહીંના વિસ્તારનું પ્રમુખ ઔદ્યોગિક મથક બની રહેલું છે. મુખ્ય ઉદ્યોગોમાં ફાઉન્ડ્રીઓ, જહાજવાડા, આટામિલો અને સુતરાઉ કાપડની મિલોનો સમાવેશ થાય છે. શહેરમાં અદ્યતન ધંધાઓ પણ વિકસ્યા છે. તમાકુ, સાબુ અને ચામડાની પેદાશોનું ઉત્પાદન લેવાય છે.

1901માં અહીં બંદર તૈયાર કરવામાં આવ્યું. તે એજિયન સમુદ્ર પરનું બાલ્કન દેશો માટેનું મુખ્ય બારું બની રહ્યું. આ બંદરેથી તમાકુ, ચામડાં, મૅંગેનીઝ તથા ક્રોમિયમનાં ધાતુખનિજોની નિકાસ થાય છે. યુગોસ્લાવિયામાં જહાજી માલની અવરજવર માટે 1914થી તે મુક્ત બંદર બની રહેલું છે. આ શહેરમાં ગગનચુંબી મિનારા, યુનિવર્સિટી તેમજ અનેક સંશોધનસંસ્થાઓ આવેલી છે.

ઈ. પૂ. 316(કે 315)માં મૅસેડોનિયાના રાજા કૅસૅન્ડરે થર્મા નામના નગર સાથે તેની નજીકનાં ઘણાં ગામોને ભેળવી દઈને આ શહેર વસાવેલું. તેણે તેની પત્ની સૅલોનિકાના નામ પરથી આ શહેરને સૅલોનિકા નામ આપ્યું. દરેક પડોશી દેશે તેની સાથે લડાઈ કરીને તેના પર શાસન કરેલું. ઈ. સ. 904માં મુસ્લિમોએ તેના પર આક્રમણ કરીને શહેરના 22,000 લોકોને ગુલામો તરીકે વેચેલા. 1430થી 1912 સુધી આ શહેર ઑટોમન (તુર્ક) સામ્રાજ્ય હેઠળ રહેલું. 1912માં થયેલા પ્રથમ બાલ્કન-યુદ્ધમાં તે ગ્રીસમાં ભળ્યું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, મિત્રરાજ્યોએ સૅલોનિકાનો લશ્કરી છાવણી તરીકે ઉપયોગ કરેલો. 1917માં આગ લાગવાથી તેનો ધંધાકીય વિભાગ બળી ગયેલો, પરંતુ તેને ફરીથી બાંધવામાં આવેલો. બીજા વિશ્વયુદ્ધનાં 1941થી 1944નાં વર્ષો દરમિયાન જર્મનોએ સૅલોનિકા લઈ લીધેલું, ત્યાં ઘણી તારાજી પણ થયેલી. છેવટે 1944ના ઑક્ટોબરમાં ગ્રીક દેશભક્તોએ આ શહેરને મુક્ત કરાવ્યું. વસ્તી : 2001 મુજબ 3,63,987 જેટલી છે.

જાહનવી ભટ્ટ