સેલ્ટન, રીનહાર્ડ (. 5 ઑક્ટોબર 1930, બ્રેસલૉ, જર્મની) : વિખ્યાત જર્મન ગણિતજ્ઞ તથા 1994ના વર્ષ માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા. તેમને ‘રમતના સિદ્ધાંત’(Game theory)ના નિષ્ણાત ગણવામાં આવે છે. મિશ્ર હિત ધરાવતા સ્પર્ધકો વચ્ચે થતી રસાકસીની પ્રક્રિયા પર પ્રકાશ પાડતો ગણિતશાસ્ત્રનો આ જાણીતો સિદ્ધાંત છે. તેમના પિતા પુસ્તકવિક્રેતા હતા. જર્મનીની ફ્રૅન્કફર્ટ યુનિવર્સિટીમાં સેલ્ટને ગણિતનો અભ્યાસ કર્યો હતો. 1957માં તેમણે ગણિત વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. ‘ફૉર્ચ્યુન’ સામયિકમાં વીસમી સદીના પાંચમા દાયકાના લગભગ છેલ્લા વર્ષમાં રમતના સિદ્ધાંત પર પ્રકાશિત એક લેખને કારણે તે સિદ્ધાંતમાં સેલ્ટનનો રસ જાગ્યો.

રીનહાર્ડ સેલ્ટન

આ સિદ્ધાંત પર તે અગાઉ જૉન એફ. નૅશે સંશોધન કર્યું હતું, જેને સુધારી તે સિદ્ધાંત નવા સ્વરૂપે 1965માં રજૂ કરવાનો જશ સેલ્ટનને ફાળે જાય છે. કોઈ પણ રમતનું અંતિમ પરિણામ શું આવશે તેની આગાહી કરી જે કેટલાક આર્થિક નિર્ણયો લેવામાં આવતા હોય છે તેમાંથી કયા નિર્ણયો વાજબી અને કયા ભૂલભરેલા હોય છે તે વચ્ચેની ભેદરેખા પર સેલ્ટને આર્થિક પરિપ્રેક્ષ્યમાં પ્રકાશ પાડ્યો છે. આમ કરતી વેળાએ રમતની પ્રક્રિયામાં સમતુલા કેવી રીતે સાધી શકાતી હોય છે તેનું વિશ્ર્લેષણ તેમણે કર્યું છે. નૅશના વિશ્ર્લેષણની મર્યાદા દૂર કરવા માટે સેલ્ટને ‘પેટારમતોની પરિપૂર્ણતા’(sub-game perfection)નો ખ્યાલ વિકસાવ્યો છે. તેમની એવી દલીલ છે કે પેટા આર્થિક રમતોમાં ભિન્ન ભિન્ન સ્તરે સમતુલા પ્રાપ્ત કર્યા વિના કોઈ પણ આર્થિક ખેલાડી રમતના અંતે અંતિમ સમતુલા પ્રાપ્ત કરી શકશે નહિ અને આ રીતે રમતના અંતે પ્રાપ્ત થતી સમતુલા પેટારમતોમાં સમતુલા પ્રાપ્ત કરવા પર આધાર રાખે છે. ‘પેટારમતોની પરિપૂર્ણતા’ના ખ્યાલ સાથે સેલ્ટને ‘ટ્રેમ્બ્લિંગ હૅન્ડ’(Trembling Hand)ની સમતુલાનો ખ્યાલ પણ વિકસાવ્યો છે. સેલ્ટનની દલીલ છે કે કોઈ પણ આર્થિક રમતમાં જોડાયેલા સ્પર્ધકોમાં એક ખેલાડીનો હાથ થરથરતો હોય અને તેને લીધે તે ખેલાડી ભૂલભરેલો આર્થિક નિર્ણય લે તોપણ સમગ્ર અર્થતંત્રની સામાન્ય સમતુલા પર તેની કોઈ ખાસ અસર પડશે નહિ.

સેલ્ટને જર્મનીની ત્રણ યુનિવર્સિટીઓ – બર્લિન ખાતેની ફ્રી યુનિવર્સિટી, યુનિવર્સિટી ઑવ્ બીલ્ફેલ્ડ તથા બૉન યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું છે. 1984માં તેઓ બૉન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા, જ્યાંથી તે પછી નિવૃત્ત થયા.

1994ના વર્ષ માટેના નોબેલ પારિતોષિક વિજેતાઓમાં રીનહાર્ડ સેલ્ટન સાથે અમેરિકન અર્થશાસ્ત્રીઓ જૉન નૅશ અને જૉન સી. હરસનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. નૅશ એ પૅરાનોઇઆ નામના માનસિક રોગના દર્દી છે અને રમતના સિદ્ધાંત અંગેના તેમના એક જ સંશોધનલેખને આધારે નોબેલ પારિતોષિકના સહવિજેતાઓમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે