સેલેસ, મૉનિકા (. 2 ડિસેમ્બર 1973, નૉવી સૅડ, યુગોસ્લાવિયા) : યુગોસ્લાવિયામાં જન્મેલ અમેરિકન નાગરિકત્વ ધરાવતી ટેનિસ-ખેલાડી. તેઓ 15 વર્ષની વયનાં હતાં ત્યારે 1989માં ફ્રેન્ચ ઑપનમાં તેઓ બિન-ક્રમાંકિત (unseeded) તરીકે સેમી-ફાઇનલમાં પહોંચી શક્યાં અને પછીના વર્ષે 16 વર્ષ અને 16 દિવસની વયે તેઓએ વિજયપદક જીતનાર સૌથી નાની વયનાં ખેલાડી નીવડ્યાં. 1991માં તેઓ 17 વર્ષની વયે બીજાં 3 ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સનાં વિજેતા બન્યાં. ઑસ્ટ્રેલિયન ઑપન જીતનાર તેઓ સૌથી યુવા-ખેલાડી બન્યાં. એ ઉપરાંત ફ્રેન્ચ તથા યુ.એસ. વિજયપદકોનાં પણ તેઓ વિજેતા બન્યાં. 1990માં ફ્રેન્ચ ઓપન મહિલા એકલ ટેનિસ સ્પર્ધામાં વિજય મેળવીને તે આવો વિજય હાંસલ કરનાર સૌથી નાની વયની ખેલાડી સાબિત થયાં અને તેના દ્વારા તેમણે 1989માં અરાંતા સાન્યઝ વિકારીઓનો વિક્રમ તોડ્યો હતો. એ રીતે એ સિઝનમાં તેમણે 24,57,785 ડૉલરની વિક્રમરૂપ કમાણી કરી. 1992માં એ વિક્રમ વટાવીને તેમણે 26,22,352 ડૉલરની કમાણી કરી. વળી એ વર્ષ સુધીમાં તેઓ વિશ્વનાં એક નંબરનાં ખેલાડી તરીકે સ્થાપિત થઈ ચૂક્યાં હતાં. એ સમયે તેમની કારકિર્દી-આવક 69,71,393 ડૉલર જેટલી થઈ હતી. સૌથી વધુ આવકમાં ક્રમની દૃષ્ટિએ આ કમાણીનો આંકડો ચોથો હતો.

મૉનિકા સેલેસ

ઑસ્ટ્રેલિયન વિજયપદકનાં તેઓ ફરીથી 1992 અને 1993માં વિજેતા બન્યાં અને 1992માં ફ્રેન્ચ વિજયપદક પણ જીત્યાં. આમ 1990-93 દરમિયાન તે આઠ ગ્રૅન્ડ સ્લૅમ ચેમ્પિયનશિપ જીતી ગયાં હતાં.

1993માં સ્ટેફી ગ્રાફના એક ચાહકે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો, પરંતુ તેનાથી તેને માત્ર સામાન્ય ઈજા થઈ હતી જેને કારણે તે 1995 સુધી રમી શકી ન હતી. 1995માં તેણે ફરીવાર રમવાનું શરૂ કર્યું ખરું પરંતુ તે જામી શકી ન હતી અને તેની કારકિર્દીનો અંત આવ્યો હતો. 1994માં તેણે અમેરિકાનું નાગરિકત્વ સ્વીકાર્યું હતું.

મહેશ ચોકસી