સેપોજેનિન (Sapogenin)
January, 2008
સેપોજેનિન (Sapogenin) : સેપોનિનના જળવિભાજનથી મળતાં ઉચ્ચ આણ્વીય એગ્લાયકોનિક સમૂહોવાળાં સંયોજનો. છોડવાઓની અનેક જાતિઓમાં તે સ્ટીરૉઇડ અથવા ટ્રાઇટર્પિનૉઇડ સમૂહોનાં વ્યુત્પન્નો તરીકે ગ્લાયકોસાઇડ સ્વરૂપે મળે છે; આથી સેપોનિનના જળવિભાજનથી સેપોજેનિનની સાથે સાથે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ઝાયલોઝ (xylose), રહેંમ્નોઝ (rhamnose), એરેબિનોઝ (arabinose) જેવી શર્કરાઓ પણ મળે છે. સેપોનિનનું શુદ્ધીકરણ કરવું ઘણું મુશ્કેલ હોવાથી બહુ ઓછાં સેપોનિનનાં સંપૂર્ણ બંધારણ નક્કી કરી શકાયાં છે. ડિજિટાલિસ વંશ(genera)ની વિવિધ જાતોમાંથી સેપોનિન અલગ પાડવામાં આવ્યાં છે; દા.ત., ડાયૉસિન (dioscin) નામનું સેપોનિન ચોક્કસ પ્રકારના કંદ (yam) (ડાયૉસ્કોરિયા જાતિ દા.ત., મેક્સિકન કંદ) અને યુક્કાસ (yuccas) [ટ્રિલિયમ (trillium) જાતિ]માં મળી આવે છે. તેનો સ્ટીરૉઇડ ભાગ ડાયૉસ્જેનિન નામના સેપોજેનિનનો હોય છે. આ ડાયૉસ્જેનિન(સ્ટીરૉઇડ સેપોજેનિન)નું પ્રોજેસ્ટીરોન(progesterone)માં રૂપાંતર કરવાની રીતો વિકસાવવામાં આવી છે.
1935માં એ નક્કી થઈ શક્યું હતું કે સ્ટીરૉઇડ સેપોજેનિન 27 કાર્બન પરમાણુ ધરાવતાં (C27) સ્ટેરોલ (sterol) સંયોજનો છે. તેમની પાર્શ્ર્વશૃંખલાનું કાર્બન-માળખું કૉલેસ્ટેરોલ જેવું જ હોય છે; પરંતુ પાર્શ્ર્વશૃંખલા(side chain)માં વાસ્તવિક કીટો સમૂહ C22 કાર્બન ઉપર અને હાઇડ્રૉક્સિ સમૂહ C26 કાર્બન સાથે જોડાયેલ હોય છે. કીટો સમૂહ સ્પાયરોકીટલ (spiroketal) રૂપે અસ્તિત્વ ધરાવે છે, જે C16 ઉપરના OH વડે એક વલય બનાવે છે અને C26 ઉપરના બીજા OH વડે બીજું વલય બનાવે છે. C3 કાર્બન સાથે જોડાયેલા દ્વિતીયક OH સમૂહ ઉપરાંત અન્ય દ્વિતીયક હાઇડ્રૉક્સિ સમૂહો C2, C6, C12 અને C15 કાર્બન સાથે જોડાયેલાં જોવા મળે છે. વલય A અને વલય B સમપક્ષ (cis) – અથવા વિપક્ષ (trans-) સ્થાનમાં હોય છે અને C22 ઉપરના સ્પાયરો-વલય (spiro-ring) ઉપર એપિમરીકરણ-(epimerism)ને લીધે વધારાનાં રૂપાંતરો જોવા મળે છે.
કેટલાંક સેપોનિન અને સેપોજેનિન અંગેની માહિતી સારણીમાં આપી છે.
સારણી : કેટલાંક સેપોનિન અને સેપોજેનિનની માહિતી
ઉદગમસ્રોત | સેપોનિન | સેપોજેનિન | શર્કરા |
ડિજિટાલિસ | ડિજિટોનિન | ડિજિટોજેનિન | ગ્લુકોઝ, ગેલેક્ટોઝ,
ઝાયલોઝ |
સારસાપરિલા | સારસાસેપોનિન | સારસાસેપોજેનિન | ગ્લુકોઝ, રહેમ્નોઝ |
ટ્રિલિયમ | ટ્રિલિન (trillin) | ડાયૉસ્જેનિન | ગ્લુકોઝ, રહેમ્નોઝ |
ડાયૉસ્જેનિનની સંરચના નીચે પ્રમાણે છે :
સંરચના :
મેડક(toad)માં વિષમાં સ્ટીરૉઇડને મળતાં આવતાં સંયોજનો હોય છે. તેની આંખ પાછળની પેરોટિક ગ્રંથિમાંથી નાઇટ્રોજનયુક્ત પદાર્થો સ્રવે છે જે મેડક-વિષ (toad poison) તરીકે ઓળખાય છે. આની હૃદયના સ્નાયુઓ પર વિશિષ્ટ પ્રકારની તીવ્ર અસર થાય છે. રાસાયણિક રીતે તે ડિજિટાલિસમાંથી મળતા સેપોજેનિન જેવાં હોય છે. આ વિષ નાનાં સસ્તન પ્રાણીઓ અને દેડકાં (frogs) માટે ઝેરી છે. મેડકની ચામડીના સ્રાવમાં બ્યુફોટૉક્સિન નામના ઝેરી પદાર્થો હોય છે. તેમનાં જનીનો (genins) બ્યુફોજેનિન, બ્યુફોટેલિન (bufotalin) અને બ્યુફેજિન (bufagin) તરીકે ઓળખાય છે.
પ્ર. બે. પટેલ