સેપોટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ : દ્વિદળી, ઉપવર્ગ : યુક્તદલા (Gamopetalae), શ્રેણી : સુપેરી (હીટરોમેરી), ગોત્ર : એબનેલ્સ, કુળ : સેપોટેસી. આ કુળમાં લગભગ 40 પ્રજાતિઓ અને 600થી વધારે જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે જૂની દુનિયાના અને અમેરિકાના ઉષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલું છે. ભારતમાં તેની 10 પ્રજાતિઓ અને 52 જેટલી જાતિઓ થાય છે; જે મોટે ભાગે ઉત્તર-પૂર્વ ભારત અને દક્ષિણ ભારતમાં વ્યાપેલી છે.

આ કુળની મોટાભાગની જાતિઓ વૃક્ષ કે ક્ષુપ-સ્વરૂપ ધરાવે છે. તેના કોમળ ભાગો ઘણી વખત રતાશ પડતા સઘન રીતે ગોઠવાયેલા રોમો વડે આચ્છાદિત હોય છે. પ્રકાંડના બાહ્યક (cortex) અને ગર(pith)માં ક્ષીરયુક્ત પુટિકાઓની હરોળ આવેલી હોય છે. પર્ણો ક્ષીરપેશીયુક્ત, સાદાં, એકાંતરિક, ભાગ્યે જ ઉપસંમુખ (sub-opposite), અખંડિત, સદંડી, ચર્મિલ (coriaceous), રોમમય અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. Sarcosperma-માં શીઘ્રપાતી (caducous) ઉપપર્ણો જોવા મળે છે.

પુષ્પવિન્યાસ એકાકી અથવા વધારે સામાન્યપણે પર્ણની કક્ષમાંથી પરિમિત પ્રકારનો હોય છે. કેટલીક વાર જૂની શાખાઓ પર પુષ્પો ઉત્પન્ન થાય છે (દા.ત., Madhuca). પુષ્પ નિયમિત, દ્વિલિંગી, અધોજાયી (hypogynous) અને નિપત્રિકાયુક્ત (bracteolate) હોય છે.

સેપોટેસી : Manilkara (ચીકુ) : (અ) શાખા, (આ) ખુલ્લું કરેલું પુષ્પ, (ઇ) માદા પુષ્પ,
(ઈ) બીજાશયનો છેદ – અક્ષવર્તી જરાયુ વિન્યાસ, (ઉ) ફળનો ઊભો છેદ, (ઊ) પુષ્પીય આરેખ (manilkara).

વજ્ર 4-12 વજ્રપત્રોનું બનેલું, દ્વિચક્રીય અથવા કુંતલાકારે ગોઠવાયેલું અને તલપ્રદેશેથી યુક્ત હોય છે. એકચક્રીય હોય ત્યારે તેનો કલિકાન્તરવિન્યાસ (aestivation) કોરછાદી (imbricate) અને દ્વિચક્રીય હોય ત્યારે બહારનું ચક્ર ધારાસ્પર્શી (valvate) અને દીર્ઘસ્થાયી (persistent) હોય છે. દલપુંજ સામાન્યત: વજ્રપત્રોની સંખ્યા જેટલાં જ દલપત્રોનો બનેલો અને યુક્તદલપત્રી (gamopetalous) હોય છે. દલપત્રો ભાગ્યે જ વજ્રપત્રોની સંખ્યાથી બેગણાં અને દ્વિચક્રીય હોય છે. કલિકાન્તરવિન્યાસ કોરછાદી પ્રકારનો જોવા મળે છે. વજ્રનલિકા કરતાં દલપુંજનલિકા ટૂંકી હોય છે. Mimusops-માં પ્રત્યેક દલપત્રની પૃષ્ઠબાજુએ તલસ્થ ભાગેથી બે ઉપાંગો (appendages) ઉદભવે છે; જે દલપત્રો સાથે સામ્ય દર્શાવે છે. Madhucaમાં કુંભાકાર (urceolate) દલપુંજ જોવા મળે છે.

પુંકેસરચક્ર – દલપત્રોની સંખ્યા જેટલાં પુંકેસરો ધરાવે છે. પુંકેસરો દલલગ્ન (epipetalaous), દલપુંજસંમુખ અને દલપુંજનલિકા પર ગોઠવાયેલાં હોય છે. કેટલીક વાર પુંકેસરો દલપત્રોથી બેથી ત્રણગણા હોય છે અને તેઓ બેથી ત્રણ ચક્રમાં ગોઠવાયેલાં હોય છે; દા.ત., Madhuca અને Mimusops-માં બહારનું ચક્ર વંધ્ય પુંકેસરોમાં પરિણમેલું જોવા મળે છે. પરાગાશય દ્વિખંડી હોય છે અને તેનું સ્ફોટન લંબવર્તી અને બહિર્મુખી (extrose) પ્રકારનું હોય છે.

સ્ત્રીકેસરચક્ર 2થી 8 સ્ત્રીકેસરોનું બનેલું અને યુક્તસ્ત્રીકેસરી હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ અને સ્ત્રીકેસરોની સંખ્યા જેટલાં કોટરોવાળું હોય છે અને અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ ધરાવે છે. પ્રત્યેક કોટરમાં એક અધોમુખી (anatropous) અંડક આવેલું હોય છે. અંડક એક અંડાવરણ ધરાવે છે. પરાગવાહિની એક, સાદી અને ઘણી વાર ટોચેથી શાખિત હોય છે. પરાગાસન અસ્પષ્ટ અને ચીકણું હોય છે. ફળ 1થી 8 બીજમય અનષ્ઠિલ (berry) પ્રકારનું હોય છે. તેનું બાહ્ય ફલાવરણ દૃઢોતકીય (scleranchymatous) કે બદામી રંગનાં ત્વક્ષીય સ્તરો ધરાવે છે. અંદરના ગરમાં ક્ષીરપુટિકાઓ આવેલી હોય છે. બીજ ખૂબ ઓછાં અથવા એક અને ચપટાં હોય છે અને તૈલી ભ્રૂણપોષ (endosperm) ધરાવે છે; અથવા કેટલીક વાર અભ્રૂણપોષી (non-endospermic) હોય છે. બીજમાં ભ્રૂણ સીધો હોય છે.

આર્થિક અગત્યની વનસ્પતિઓ : (1) Achras zapota (ચીકુ), (2) Manilkara hexandra (રાયણ), (3) Mimusops elengi (બોરસલી, બકુલ), (4) Madhuca indica syn. B assia latifolia (મહૂડો), (5) Chrysophyllum cainito (સ્ટાર ઍપલ), (6) Sideroxylon inerme (આયર્ન વૂડ), (7) Palaquium gutta (ગુટા-પર્ચા).

જાતિવિકાસીય (phylogenetic) સંબંધ : બૅન્થામ અને હૂકરે આ કુળને એબનેલ્સ ગોત્રમાં એબનેસી કુળ સાથે મૂક્યું છે. ઍંગ્લર અને પ્રેન્ટલ, હચિન્સન, તખ્તાજાન અને ક્રોન્ક્વિસ્ટની વર્ગીકરણ પદ્ધતિઓમાં તેનું અનુસરણ છે. આ કુળના જાતિવિકાસીય સંબંધો સ્પષ્ટ નથી.

બળદેવભાઈ પટેલ