સેપીર એડવર્ડ (. 26 જાન્યુઆરી 1884, બ્યુએનબર્ગ, પોમેરાનિયા, જર્મની; . 4 ફેબ્રુઆરી 1939, ન્યૂ હેવન, કનેક્ટિકટ, અમેરિકા) : અમેરિકાના એક અગ્રણી ભાષાવિશારદ અને માનવશાસ્ત્રી. સેપીર રૂઢિચુસ્ત યહૂદી ધર્મગુરુના સંતાન હતા. પાંચ વર્ષની વયે માતાપિતા સાથે અમેરિકા જવાનું બન્યું. કોલંબિયા યુનિવર્સિટી ખાતે સ્નાતક કક્ષાના વિદ્યાર્થી તરીકે તેઓ નામાંકિત માનવશાસ્ત્રી ફ્રાન્ઝ બુઆના પ્રભાવ હેઠળ આવ્યા. બુઆએ ભાષાવિષયક માનવશાસ્ત્રની અઢળક શક્યતાઓ પરત્વે તેમનું ધ્યાન દોર્યું. છ વર્ષ સુધી તેમણે પશ્ચિમ અમેરિકાની ઇન્ડિયન આદિવાસી ભાષાઓનો અભ્યાસ કર્યો.

સેપીર એડવર્ડ

1910થી 1925 સુધી ઓટાવાના કૅનેડિયન નૅશનલ મ્યુઝિયમના માનવશાસ્ત્ર વિભાગના વડા તરીકે તેમણે સેવા આપી અને નૃવંશવિદ્યાના ક્ષેત્રે ચિરસ્થાયી પ્રદાન કર્યું. તેમનો એક અગત્યનો લઘુ નિબંધ અમેરિકન ઇન્ડિયનના સાંસ્કૃતિક પરિવર્તનને લગતો છે (1916). 1925માં તેઓ યેલ યુનિવર્સિટીમાં જોડાયા. 1931માં ત્યાં જ તેમણે પ્રોફેસરનો હોદ્દો સંભાળ્યો અને માનવશાસ્ત્રનો નવો વિભાગ સ્થાપ્યો અને મૃત્યુ પૂર્વેનાં બે વર્ષ સુધી સક્રિય સેવા આપતા રહ્યા. તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ અને કૅનેડાની ઇન્ડિયન ભાષાઓ તથા મેક્સિકો તથા મધ્ય અમેરિકાની કેટલીક ઇન્ડિયન ભાષાઓને છ મુખ્ય ભાષાકુળોમાં વહેંચી હતી.

સેપીરે એવું દૃષ્ટિબિંદુ વ્યક્ત કર્યું હતું કે માનવો ભાષા દ્વારા જગતને પામે છે અને સમજે છે. ભાષા અને સંસ્કારના સંબંધો વિશે તેમણે પુષ્કળ લેખો લખ્યા છે. તેમના મતે ભાષા, સંસ્કૃતિ અને વ્યક્તિત્વ એક સુગ્રથિત એકમના ભાગ રૂપે પરસ્પર સંકળાયેલાં છે. વ્યક્તિનો અનુભવ મહદંશે ભાષા મારફત અર્થઘટન પામે છે. ભાષા પ્રતીકાત્મક રીતે વર્તનની પથદર્શક બને છે. શબ્દો, ધ્વનિઓ અને વ્યાકરણીય સંરચનાને અનુરૂપ મૂળભૂત વલણો ભાષામાં કેળવાતાં હોય છે. અમેરિકાની ઇન્ડિયન ભાષાઓની ઊંડી સમજ ધરાવનાર અને તેના એક મહત્વના વિશ્લેષણકાર તરીકે જગજાણીતા થયા. ભાષાશાસ્ત્રમાં તેમણે એલ. બ્લૂમફીલ્ડ સાથે માનવશાસ્ત્રીય વિસ્તરણ શાખાનું મંડાણ કર્યું. અદ્યતન ભાષાશાસ્ત્રના એક મહત્વના સ્થાપક તરીકેની કામગીરી પાર પાડવા ઉપરાંત સાંસ્કૃતિક માનવશાસ્ત્રના અગ્રણી અને ભાષા, સંસ્કૃતિ અને વ્યક્તિત્વના સુગ્રથિત અભ્યાસના પ્રેરણાસ્રોત બની રહ્યા. રૂથ બેનેડિકથી માંડીને અનેક અગ્રેસર માનવવિજ્ઞાનીઓનાં લખાણો પર તેમની વિચારધારાની પ્રત્યક્ષ અસર જોવા મળે છે. તેમણે વ્યક્તિગત સંપર્કથી જ નહિ, પણ પોતાના પ્રકાશિત લેખો-ગ્રંથો દ્વારા પણ બીજા ઘણા અભ્યાસીઓને લખવા પ્રેર્યા. તેમનાં પ્રકાશનોમાં ‘લૅંગ્વેજ’(1921)નો સૌથી વિશેષ પ્રભાવ ઝિલાયો હતો અને આજે પણ તે ઉપયોગી ગ્રંથ લેખાય છે. ‘ટાઇમ પર્સ્પેક્ટિવ ઇન એબ્ઓરિજિનલ અમેરિકન કલ્ચર’ (1916) તથા ‘સિલેક્ટેડ રાઇટિંગ્ઝ ઑવ્ એડવર્ડ સેપીર ઇન લૅંગ્વેજ, કલ્ચર ઍન્ડ પર્સનાલિટી’ (1949) પણ તેમનાં ઉલ્લેખનીય પ્રકાશનો છે.

પ્રતિભાસંપન્ન વિદ્વાન હોવા ઉપરાંત તેઓ કવિ, નિબંધકાર, સંગીતકાર અને મૂળભૂત માનવહકોના પુરસ્કર્તા પણ હતા. 1929માં કોલંબિયા યુનિવર્સિટીએ ડી.એસસી.ની માનાર્હ ઉપાધિ વડે તેમનું બહુમાન કર્યું હતું. અમેરિકન ઍન્થ્રૉપૉલૉજિકલ ઍસોસિયેશનના પ્રમુખ તરીકે (1938) તથા નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સ તથા અમેરિકન ફિલોસૉફિકલ સોસાયટી જેવી સંસ્થામાં પણ તેમણે ઉપયોગી સેવા આપી હતી.

સિદ્ધરાજ સોલંકી