સેનેકા લુસિયસ ઍન્નિયસ (સેનેકા ધ યન્ગર)

January, 2008

સેનેકા, લુસિયસ ઍન્નિયસ (સેનેકા, યન્ગર) (. આશરે 4 . પૂ., કોર્ડુબા, સ્પેન; . . . 65, રોમ) : રૉમન ફિલસૂફ, રાજપુરુષ, વક્તા અને નાટ્યકાર. ઈ. સ. પહેલી સદીના મધ્યાહનમાં સમર્થ બૌદ્ધિકવાદીઓમાંના એક. ઉપનામ સેનેકા, ધ યન્ગર. સમ્રાટ નીરોના રાજ્યકાલની શરૂઆતમાં તેમનો ભારે પ્રભાવ હતો. પિતા લુસિયસ ઍન્નિયસ સેનેકા(સેનેકા, ધ ઍલ્ડર)નું નામ વક્તૃત્વમાં ખૂબ જાણીતું હતું. માતા હેલ્વિયા શિક્ષિત સન્નારી હતાં. મોટાભાઈ ગેલિયો સેંટ પૉલને 52ની સાલમાં રૂબરૂ મળેલા. નાનાભાઈનો પુત્ર કવિ લુકાન તરીકે પ્રસિદ્ધ હતો. લુસિયસને તેમનાં ફોઈ રોમમાં લઈ ગયેલાં અને વક્તૃત્વકલાનું સાંગોપાંગ શિક્ષણ આપવાનો પ્રબંધ કરેલો. સૅક્સ્ટીની શાળામાં ફિલસૂફી ભણેલા. રાજ્યશાસ્ત્ર અને કાયદાના વિષયોમાં તેઓ નિષ્ણાત ગણાતા.

41ની સાલમાં સમ્રાટ ક્લૉડિયર્સ રાજકુમારી જુલિયા લિવિલાનું શિયળ ભ્રષ્ટ કરવાના આરોપસર સેનેકાને કૉર્સિકા ટાપુમાં દેશનિકાલ કરવાની ભારે સજા કરેલી. અહીં વિજ્ઞાન અને ફિલસૂફીનો અભ્યાસ કરી તેમણે ‘કૉન્સોલેશન્સ’ નામનો ગ્રંથ લખેલો. સમ્રાટનાં પત્ની એગ્રિપ્પિનાની ભલામણથી 49માં તેમને રોમમાં પ્રવેશ કરવાની પરવાનગી મળેલી.

સમ્રાટ નીરોનું પ્રથમ જાહેર ઉદબોધન સેનેકાએ તૈયાર કરેલું. આર્થિક અને ન્યાય સંબંધી સુધારાઓ લાવવામાં સેનેકાનું પ્રદાન હતું. ગુલામો પ્રત્યે તેમણે સહાનુભૂતિ દાખવેલી. 62માં બુરરુસનું અવસાન થતાં સેનેકા માટે રાજકારણમાંથી નિવૃત્ત થવાનું અનિવાર્ય થઈ પડ્યું. નિવૃત્તિનો સમય તેમણે લેખનકાર્યમાં વિતાવ્યો. 65માં સેનેકાના દુશ્મનોએ તેમને પિઝોના કાવતરામાં ભળેલ હોય તેમ સાબિત કર્યું. આપઘાત કરવાનો તેમને હુકમ કરવામાં આવ્યો. મનની સ્વસ્થતા અને ધૈર્યને સહેજ પણ ગુમાવ્યા સિવાય તેઓ 65માં મૃત્યુને ભેટ્યા. ‘ધ પમ્પ્કીનીફિકેશન ઑવ્ ધ ડિવાઇન ક્લૉડિયસ’ ક્લૉડિયસના દૈવીકરણનો મહાન ગ્રંથ છે. ‘કૉન્સોલેશન્સ’માં પુત્રના અકાળ મૃત્યુ વખતે માતાને અપાયેલ આશ્ર્વાસન છે. દેશસેવક પૉઝીડોનિયસની પ્રેરણા તળે તેમણે વિજ્ઞાનવિષયક ગ્રંથોનો અભ્યાસ કરેલો. ‘દ ક્લેમેન્શિયા’માં સમ્રાટ નીરોને ઉદ્દેશીને કરેલી આગ્રહભરી વિનંતીમાં ‘દયા’ને સમ્રાટના આગવા ગુણ તરીકે ઓળખવામાં આવી છે. ‘દ ટ્રાન્ક્વિલિટેટ એનિમી’, ‘દ કૉન્સ્ટેન્શિયા સેપિએન્ટિસ’, ‘દ વાઇટા બીટા’ અને ‘દ ઓશિયો’ જીવન અને તેનાં આગવાં મૂલ્યો એક સ્ટૉઇક-તપસ્વીના જીવનમાં કેવું સ્થાન ધરાવે છે તેની વાત કરે છે. ‘દ બ્રેવિટેટ વાઇટા’ મનુષ્યજીવનનો વ્યાપ યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તો કોઈ પણ કાર્ય માટે પૂરતો છે તેમ જણાવે છે. લુસિલિયસને ઉદ્દેશીને લખાયેલા 124 નિબંધો ‘એપિસ્ટયુલે મોરાલ્સ’ નૈતિક મૂલ્યોનું પૃથક્કરણ કરે છે.

સેનેકાની 10 કરુણાંતિકાઓમાં ‘ઑક્ટેવિયા’ અને ‘હર્કુલસ ઓટ્યુસ’ તેમનાં લખેલાં નથી. બાકીની કરુણાંતિકાઓની અસર અંગ્રેજ નાટ્યકારો શેક્સપિયર અને વેબ્સ્ટર પર છે, જે તેમનાં નાટકોમાં આવતાં ભૂત, પ્રેત, ડાકણો, ક્રૂર પાત્રો દ્વારા સ્પષ્ટ જણાય છે. દાન્તે, ચૉસર અને પૅટ્રાર્ક સેનેકાથી અજાણ ન હતા. 1614માં સેનેકાનું ભાષાંતર અંગ્રેજીમાં થઈ ચૂક્યું હતું. કાલ્વિન, મૉન્તેન અને રૂસો પર તેમની અસર છે. સ્પેનના ચિંતકો તેમના વિચારથી મુક્ત ન હતા.

સંયમી અને સાદા જીવનના તત્વજ્ઞાન(stoicism)ના આત્મસંયમી કે સમદર્શી સંપ્રદાયે સેનેકાના તત્ત્વજ્ઞાનને જીવંત રાખ્યું. એમ પણ માનવામાં આવે છે કે તેમને સેંટ પૉલને પ્રત્યક્ષ મળવાનો મોકો મળેલો. તેમણે લખેલા 40 જેટલા ગ્રંથોની સીધી કે આડકતરી અસર આજે પણ જણાય છે.

રાજકુમારોના શિક્ષક અને રાજકીય સલાહકાર તરીકે સેનેકાનું નામ રોમના ફિલસૂફોની હરોળમાં આજે પણ જાણીતું છે.

સી. ડબ્લ્યૂ. મેન્ડેલે ‘અવર સેનેકા’(1941)માં સેનેકાનું લેખક તરીકે મૂલ્યાંકન કર્યું છે. એફ. એલ. લ્યૂકસનું ‘સેનેકા ઍન્ડ એલિઝાબેથન ટ્રૅજેડી’ (1922) અને સી. ડી. એન. કૉસ્ટાનું ‘સેનેકા’ (1974) – એ ઉપયોગી પુસ્તકો છે. મરિયમ ટી. ગિફ્ફીનનું ‘સેનેકા, અ ફિલૉસૉફર ઇન+ પૉલિટિક્સ’ (1976) પ્રમાણભૂત ગ્રંથ ગણાય છે.

વિ. પ્ર. ત્રિવેદી