સેનેગલ (Senegal) : પશ્ચિમ આફ્રિકામાં આટલાંટિક મહાસાગરના કાંઠા પર આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 12° 20´થી 16° 30´ ઉ. અ. અને 11° 20´થી 17° 33´ પ. રે. વચ્ચેનો આશરે 1,96,712 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મૉરિટાનિયા, પૂર્વમાં માલી, દક્ષિણમાં ગિની બિસ્સાઉ તેમજ ગિની તથા પશ્ચિમે આટલાંટિક મહાસાગર આવેલા છે. આ દેશના પશ્ચિમ-મધ્ય ભાગમાં આટલાંટિક કાંઠા પર લંબચોરસ આકારે ગામ્બિયા નામનો નાનકડો દેશ સમાયેલો છે, તેનું ક્ષેત્રફળ 11,000 ચોકિમી. જેટલું છે; અર્થાત્ ગામ્બિયાની ઉત્તર, પૂર્વ અને દક્ષિણ સીમાઓ સેનેગલના આંતરિક ભાગમાં આવેલી છે. દેશનો ઈશાન ભાગ સહરાના રણને સ્પર્શે છે. આફ્રિકાના પશ્ચિમના છેક છેવાડાના બિંદુ વર્ડે અથવા વર્ટ ભૂશિર પર તેનું પાટનગર ડાકર આવેલું છે.

1960 પહેલાં સેનેગલ ફ્રેન્ચ સંસ્થાન હતું, 1960માં તે સ્વતંત્ર થયું અને તે પછીથી પ્રજાસત્તાક પણ બન્યું. જોકે આજે પણ તેની આર્થિક અને રાજકીય બાબતો પર ફ્રેન્ચ પ્રભાવ જોવા મળે છે.

ભૂપૃષ્ઠ : સેનેગલનું ભૂકવચ તૃતીય જીવયુગમાં રચાયેલું હોવાનો ઉલ્લેખ મળે છે. તેનું ભૂપૃષ્ઠ પશ્ર્ચાત્ ઇયોસીન કાલખંડના ખડકોથી બનેલું છે. દેશના પૂર્વ તેમજ દક્ષિણ-પૂર્વના સીમાવર્તી ભાગો ડુંગરાળ છે, અહીં 1,515 મીટરની ઊંચાઈ ધરાવતો મૉન્ટ ગોઉનો આવેલો છે. આ ડુંગરાળ વિસ્તાર સિવાય દેશના બાકીના ભાગમાં પશ્ચિમ તરફના ઢોળાવવાળાં નીચાં મેદાનો પથરાયેલાં છે. આટલાંટિક કાંઠા પર રેતીના ઢૂવા તથા પંકપ્રદેશો જોવા મળે છે. વર્ડેની ભૂશિર જ્વાળામુખી-પ્રક્રિયાથી બનેલો વિસ્તાર છે.

જળપરિવાહ : સેનેગલ અહીંની મુખ્ય નદી છે. તે દેશના અગ્નિભાગમાં આવેલા ફુટા જૅલોન (Fouta Djallon) ઉચ્ચપ્રદેશમાંથી નીકળે છે. આ ઉપરાંત કાસામૅન્સ, ગામ્બિયા અને સૅલૉમ નદીઓ પણ વહે છે. આ ચારેય નદીઓ પશ્ચિમનાં મેદાનોમાંથી પસાર થાય છે અને આટલાંટિકમાં ઠલવાય છે.

સેનેગલ

આબોહવા : સહરાના રણની ધાર પર આવેલા આ દેશની આબોહવા પર અક્ષાંશ તથા સમુદ્રથી અંતર જેવાં પરિબળો અસરકારક બની રહેલાં છે. આ દેશ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પ્રવર્તતી ટૂંકી વર્ષાઋતુવાળી ઉષ્ણકટિબંધીય આબોહવા ધરાવે છે. વર્ષભર તાપમાન ઊંચું રહે છે, પરંતુ ડિસેમ્બરથી એપ્રિલ સુધીનો સમયગાળો સાપેક્ષ રીતે ઠંડો અને શુષ્ક રહે છે; આ સમય દરમિયાન ભાગ્યે જ વરસાદ પડે છે.

દેશનો ઉત્તરભાગ, જૂન અને સપ્ટેમ્બર મહિનાઓ વચ્ચે વાદળ અને વરસાદના ‘આંતર-ઉષ્ણકટિબંધીય પટ્ટા’(Inter Tropical Belt)ની અસર હેઠળ આવે છે. આ મહિનાઓમાં 20થી 30 જેટલા વરસાદી દિવસો રહે છે. તે દરમિયાન લગભગ 300થી 350 મિમી. વાર્ષિક વરસાદ પડે છે; જોકે દેશના દક્ષિણ ભાગમાં વરસાદવાળી ઋતુ ઑક્ટોબર માસ સુધી લંબાય છે. અહીં વાર્ષિક વરસાદનું પ્રમાણ 1000થી 1500 મિમી. જેટલું રહે છે. અહીંનો બધો વરસાદ 60થી 90 દિવસો દરમિયાન પડી જાય છે. આટલાંટિક-કાંઠે આવેલા પાટનગર ડાકરનાં જાન્યુઆરી અને જુલાઈનાં મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 26° સે. અને 18° સે. તેમજ 31° સે. અને 24° સે. જેટલાં રહે છે. ડાકરમાં પડતા વાર્ષિક વરસાદનું પ્રમાણ લગભગ 542 મિમી. જેટલું રહે છે.

આ દેશમાં ભેજવાળી અને શુષ્ક ઋતુઓ વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળે છે. શુષ્ક ઋતુમાં ઈશાનમાં આવેલા સહરાના રણ તરફથી પવનો વાય છે, જે ‘હરમાટ્ટન’ તરીકે ઓળખાય છે. આ પવનો ગરમ અને શુષ્ક તથા મોટેભાગે ધૂળવાળા હોય છે. દક્ષિણ આટલાંટિક તરફથી વાતા પવનો ગરમ અને ભેજવાળા હોય છે અને વરસાદ લાવે છે.

વનસ્પતિ : જંગલ હેઠળની ભૂમિનું પ્રમાણ લગભગ 39.5 %, બીડ અને ચરિયાણ વિસ્તાર 29.6 – %, ખેતી હેઠળની જમીનો 12.2 % તથા અન્ય ઉપયોગમાં લેવાતી જમીનોનું પ્રમાણ લગભગ 18.7 % જેટલું છે. દેશના ઉત્તર ભાગમાં ટૂંકું ઘાસ તેમજ કાંટાળાં વૃક્ષો અને ઝાંખરાં થાય છે; જ્યારે દક્ષિણ ભાગમાં વધુ વરસાદને લીધે સૅવાના-મિશ્રિત ઉષ્ણકટિબંધીય વર્ષા-જંગલો આવેલાં છે. જંગલોમાંથી લાકડાં, ઉપરાંત ગુંદર અને બીજી ઘણી જંગલપેદાશો મેળવાય છે.

ખેતી-પશુપાલન-મત્સ્ય ઉદ્યોગ : આ દેશમાં મગફળીની ખેતી આગળ પડતું સ્થાન ધરાવે છે, અર્થાત્ અહીં મગફળીનું મબલક ઉત્પાદન થાય છે. દેશના પશ્ચિમ ભાગમાંથી પસાર થતા રેલ અને સડકમાર્ગોની આસપાસ મુખ્ય વાવેતર-વિસ્તારો આવેલા છે. ભૂતકાળમાં વાતજન્ય બારીક રેતકણો પથરાવાથી રચાયેલા રેતીના ઢૂવાઓની ફળદ્રૂપ જમીનો, આ પાકને વધુ માફક આવે છે. આ ભાગોમાં વસતા વૉલોફ લોકો મુખ્યત્વે મગફળીની ખેતી કરે છે. ફુલાણી લોકો પશુપાલકો છે, તેઓ અન્ય જાતિના લોકો સાથે અહીં વસે છે. તેઓ ઢોર, ઘેટાં-બકરાં, ઘોડા વગેરેનું પાલન કરે છે અને વિવિધ પશુપેદાશો મેળવે છે.

મગફળી ઉપરાંત અહીં શેરડી, ડાંગર, જુવાર-બાજરી, કપાસ, મકાઈ, વટાણા, કસાવા, તેલતાડ, જેવાં અનાજ તથા તેલીબિયાંના પાક પણ થાય છે. વળી તડબૂચ, કેરી તથા અન્ય ફળો તેમજ ડુંગળી અને શાકભાજીઓનું પણ મબલક ઉત્પાદન લેવાય છે.

દરિયાકાંઠા અને નદીઓમાંથી મોટા પ્રમાણમાં માછલાં તેમજ અન્ય દરિયાઈ જીવો પકડવામાં આવે છે, તેમાંથી દેશની ખાદ્ય જરૂરિયાતો આંશિક રીતે પૂરી પડાય છે. વધારાનાં માછલાંનું પ્રક્રમણ કરીને વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે, તેમાં સુકવણી કરેલાં અને મીઠાવાળાં માછલાંનું પ્રમાણ વિશેષ રહે છે. સેન્ટ લુઈ અહીંના મત્સ્ય-ઉદ્યોગનું મોટું મથક છે.

ખનિજસંપત્તિ : આ દેશમાં થિયેસ (Thie’s) પાસે ઍલ્યુમિનિયમ ફૉસ્ફેટનાં સમૃદ્ધ ખનિજક્ષેત્રો આવેલાં છે. આ ખનિજ મેળવી તેની નિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં થોડા પ્રમાણમાં ચૂનાખડકો, ઇલ્મેનાઇટ, ઝિર્કોન, રુટાઇલ અને દરિયાઈ મીઠાનું પણ ઉત્પાદન લેવાય છે.

ઉદ્યોગો : દેશના મોટાભાગના ઉદ્યોગો ઘરઆંગણે ઉપલબ્ધ થતા કાચા માલ પર પ્રક્રિયા કરવાને લગતા છે. આ પૈકી સિંગતેલનો ઉદ્યોગ સૌથી મોટા પાયા પર ચાલે છે. અન્ય ઉદ્યોગોમાં ફૉસ્ફેટ ખનિજનું પરિશોધન અને ખનિજતેલ-શુદ્ધીકરણના વ્યવસાયો, આટાની મિલો, રસાયણો અને રાસાયણિક ખાતરો, ખાંડ, સિમેન્ટ, સિગારેટ, સુતરાઉ કાપડ, સાબુ અને પગરખાંના ઉત્પાદનના તેમજ ફળો-શાકભાજી અને માછલાંનું વાતશૂન્ય ડબાઓમાં પૅકિંગ કરવાના એકમો તથા ધાતુ અને ઇજનેરી ઉદ્યોગનો સમાવેશ થાય છે.

દેશના ઘણાખરા ઉદ્યોગો પશ્ચિમ કાંઠે આવેલા પાટનગર ડાકરમાં કેન્દ્રિત થયેલા છે. આ ઉપરાંત, સેન્ટ લુઈ, બિગ્નોના-ઝિગ્વીન્કોર પણ અન્ય ઔદ્યોગિક મથકો છે.

પરિવહન : આ દેશ આશરે 14,700 કિમી. લંબાઈની સડકોનું જાળું ધરાવે છે, તેમાં પડોશી દેશોને સાંકળતા સડકમાર્ગોનો તેમજ ઝિગ્વીન્કોરથી કાઓલૅકને જોડતા ‘ટ્રાન્સ ગૅમ્બિયન ધોરીમાર્ગ’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં પાંચ રેલમાર્ગો છે. તેમની કુલ લંબાઈ 906 કિમી.ની છે.

સેનેગલમાં આવેલી મસ્જિદ

સેનેગલ, સૅલૉમ અને કાસામૅન્સ નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી છે. ડાકર અહીંનું મુખ્ય દરિયાઈ બંદર છે. તે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ ધરાવે છે. વળી, અગિયાર આફ્રિકી રાષ્ટ્રોની સંયુક્ત માલિકીનો ‘ઍર આફ્રિક’ (Air Afrique) હવાઈ માર્ગ, દરિયાપારની સફરો ખેડે છે; જ્યારે ‘ઍર સેનેગલ’ દેશના આંતરિક ભાગોને હવાઈ સેવાઓ પૂરી પાડે છે. આ દેશ આજે 7 વિમાની મથકો ધરાવે છે. સેનેગલમાં ટેલિફોન, મોબાઇલ ફોન, ઇન્ટરનેટ વગેરે જેવાં સંચારવ્યવસ્થાનાં સાધનોની સેવાઓ પણ ઉપલબ્ધ છે.

વેપાર : આ દેશ ફ્રાન્સ, યુ.એસ., જર્મની, સ્પેન, માલી, નાઇજિરિયા, મૉરિટાનિયા, કૅમેરુન જેવા દેશો સાથે વેપારી સંબંધો ધરાવે છે. ખેતપેદાશો (34.5 %), મૂડીનાં સાધનો (15 %), શુદ્ધ પેટ્રોલ (11 %) વગેરે તેની મુખ્ય આયાતો છે. માછલાં, દરિયાઈ જીવો, સિંગતેલ, પેટ્રોલિયમ પેદાશો, ફૉસ્ફેટ વગેરે તેની મુખ્ય નિકાસી ચીજો છે.

વસ્તી-વસાહતો : 2005 મુજબ સેનેગલની વસ્તી લગભગ 1,08,29,175 જેટલી છે. ડાકર(પાટનગર)ની તેનાં પરાં સહિતની વસ્તી 24,11,528 (2001) જેટલી છે. 2003 મુજબ દેશની વસ્તીગીચતા દર ચોકિમી. દીઠ 132.9 વ્યક્તિની છે. તેના પશ્ચિમ ભાગમાં વસ્તીનું પ્રમાણ વિશેષ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 52.6 % અને 47.4 % છે. ડાકર ઉપરાંત અન્ય મોટાં નગરોમાં પિકીને (7,54,372), ગુએડિયાવાય (4,52,168), રફીસ્ક (2,85,305), થિયેસ (2,73,599), કાઓલૅક (2,43,209), ઝિગ્વીંકોર (2,16,971), સેન્ટ લુઈ (1,54,496) વગેરેનો સમાવેશ થાય છે.

આ દેશમાં અનેક જાતિજૂથો વસે છે. તે પૈકી વૉલોફ જાતિના લોકોનું પ્રમાણ 34.6 % છે. આ ઉપરાંત સેરેર 12 %, પેઉલ (ફુલાણી) તથા તુકુલોર 27.1 %, મલિન્કે અથવા મેન્દીગો 9.7 % તથા અન્ય જાતિજૂથો 16.6 % જેટલું પ્રમાણ ધરાવે છે. ધર્મ પ્રમાણે જોતાં ઇસ્લામ ધર્મ પાળતા લોકોનું પ્રમાણ 94 % જેટલું છે. આ ઉપરાંત ખ્રિસ્તી (રોમન કૅથલિક) 5 % તેમજ પરંપરાગત માન્યતાઓ ધરાવતા તથા અન્ય ધર્મો પાળતા લોકોનું પ્રમાણ 1 % જેટલું છે.

દેશમાં સાક્ષરતાનું પ્રમાણ 40.2 % જેટલું છે. આ પૈકી પુરુષો અને સ્ત્રીઓમાં તે પ્રમાણ અનુક્રમે 50 % તથા 30.7 % જેટલું છે. અહીં ત્રણ યુનિવર્સિટીઓ તથા ઉચ્ચ શિક્ષણની કુલ 19 જેટલી સંસ્થાઓ આવેલી છે. આ દેશ ફ્રેન્ચ કાયદાકીય પદ્ધતિનું અનુસરણ કરે છે. દેશની વહીવટી ભાષા ફ્રેન્ચ છે. આ સિવાય વૉલોફ, પુલાર, જોલા, મેન્ડિન્કા વગેરે જેવી ભાષાઓ અને બોલીઓનો ઉપયોગ થાય છે.

ઇતિહાસ : 1440માં પોર્ટુગીઝ વેપારીઓ સેનેગલ નદીનાળ સુધી આવેલા. સોળમી સદીમાં ડચ લોકોએ ગોરી (Goree) દ્વીપ પર ગુલામોના વેપારનું મથક સ્થાપેલું. ફ્રેન્ચોએ સેનેગલમાં તેમની સર્વપ્રથમ વસાહત સત્તરમી સદીમાં સ્થાપેલી. 1756થી 1763નાં સાત વર્ષ ફ્રેન્ચો અને બ્રિટિશરો વચ્ચે યુદ્ધ ચાલેલું. એ દરમિયાન સેનેગલની આ ફ્રેન્ચ વસાહતનો બ્રિટને કબજો મેળવેલો અને બ્રિટને ‘સેનેગામ્બિયા’ (Senegambia) નામે સંસ્થાનની સ્થાપના કરેલી. 1795થી 1983ના ગાળામાં અમેરિકી ક્રાંતિવિગ્રહ દરમિયાન ફ્રાન્સે તેના આ પ્રદેશો પરત મેળવેલા.

1895માં સેનેગલ ફ્રેન્ચ વેસ્ટ આફ્રિકાનો એક ભાગ બનેલું. જૂન, 1960માં ‘માલી સંઘ(Mali federation)’ના ભાગ રૂપે સેનેગલે સ્વતંત્રતા મેળવી. ઑગસ્ટ 1960માં તે માલી સંઘમાંથી નીકળી ગયું અને પ્રમુખ લિયૉપૉલ્ડ સેન્ઘોરના વડપણા હેઠળ એક અલગ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. 1982માં સેનેગલ તથા ગામ્બિયા – આ બંને દેશોએ એક સંઘની રચના કરી તથા તેનું નામ ‘સેનેગામ્બિયા’ રાખ્યું, પણ આ સંઘ 1982માં જ બરખાસ્ત કરવામાં આવ્યો. 1972-73 અને 1978માં સેનેગલમાં લાંબા સમય સુધી દુષ્કાળ જેવી પરિસ્થિતિ પ્રવર્તેલી.

એપ્રિલ 2000થી રાષ્ટ્રના વડા પ્રમુખ અબ્દુલાયે વાડે (Abdoulaye Wade) સત્તા પર છે, જ્યારે સરકારી વડા, મુખ્ય પ્રધાન મૅકી સૉલ છે. આ દેશમાં પ્રજાલક્ષી કાયદાકાનૂનનું સ્વરૂપ ફ્રેન્ચ પદ્ધતિ અનુસારનું છે.

બિજલ શં. પરમાર