સેનિયા ઘરાનું

January, 2008

સેનિયા ઘરાનું : તાનસેન સાથે સીધી રીતે સંકળાયેલી શાસ્ત્રીય સંગીતની વિશિષ્ટ પરંપરા.

અકબર બાદશાહના દરબારના છત્રીસ મહાન સંગીતકારોમાં તાનસેન અગ્રસ્થાને હતા. તેઓ સ્વામી હરિદાસના શિષ્ય હતા અને ધ્રુપદ શૈલીના કંઠ-સંગીત તેમજ વીણા તથા રબાબવાદનના અદ્વિતીય કલાકાર હતા. તાનસેનને તાનતરંગ, સુરતસેન તથા બિલાસખાં નામના ત્રણ પુત્રો અને એક પુત્રી હતાં. આ સર્વે ઉચ્ચ કોટિનાં સંગીતકારો હતાં અને તેમની પરંપરામાં પણ અનેક મહાન સંગીતકારો થઈ ગયા. દિલ્હીના બાદશાહ મહમદશાહ રંગીલાના દરબારી ગાયક સદારંગ આ પરંપરાના સમર્થ કલાકાર હતા. તેમણે ખ્યાલ-શૈલીની રચના કરી અને અનેક અનુપમ બંદિશો રચી, જે હજુ પ્રચલિત છે. તેમના પુત્ર અદારંગ તેમજ શિષ્ય જાનરંગ પણ મહાન ગાયકો હતા.

તાનસેનના પુત્રીવંશની પરંપરામાં અનેક સમર્થ સંગીતકારો થઈ ગયા છે. તેઓ કંઠ-સંગીત તેમજ વીણા તથા રબાબવાદનમાં અજોડ હતા. તેમાંના એક રામપુર દરબારના સંગીતકાર વઝીરખાં હતાં. એમણે સરોદવાદનની તાલીમ મહિયરના અલાઉદ્દીનખાં તથા ગ્વાલિયરના હાફિઝઅલીખાંને આપી હતી. તેઓ બંને મહાન કલાકાર હતા.

પ્રત્યેક રાગની શુદ્ધ સ્વરૂપે રજૂઆત તથા સૂર અને લય પર અપ્રતિમ કાબૂ સેનિયા ઘરાનાનું વૈશિષ્ટ્ય છે. અનેક અપ્રચલિત રાગો તથા તાલોમાં આ ઘરાનું ઘણું જ સમૃદ્ધ છે.

બટુક દીવાનજી