સેઉબન્ધ (सेतुबन्ध)

January, 2008

સેઉબન્ધ (सेतुबन्ध) : પ્રવરસેનરચિત પ્રાકૃત મહાકાવ્ય. તે ‘રાવણવધ’ અને ‘દશમુખવધ’ એ નામે પણ ઓળખાય છે. ઈ. સ.ની પાંચમી શતાબ્દીની બીજી પચ્ચીસીમાં થઈ ગયેલા વાકાટક વંશના રાજા પ્રવરસેન બીજા આ કાવ્યના કર્તા હોવાનો સંભવ છે.

પંદર સર્ગના આ કાવ્યનું કથાનક વાલ્મીકિ રામાયણ પર આધારિત છે. આનું કથાવસ્તુ હનુમાન સીતાના સમાચાર મેળવીને લંકાથી પાછા આવે છે, ત્યાંથી શરૂ થાય છે અને રાવણનો વધ કર્યા પછી રામ અયોધ્યા પહોંચે છે ત્યાં પૂરું થાય છે. આ કાવ્યનો કેન્દ્રીય વિષય, તેનું શીર્ષક સૂચવે છે તેમ લંકા પહોંચવા માટે વાનરસેનાએ સમુદ્ર પર સેતુબંધ બાંધ્યો તે છે.

આ મહાકાવ્યના પ્રારંભમાં, વિષ્ણુ અને શિવની સ્તુતિ કરીને, કાવ્યનિર્વાહની દુષ્કરતા, કાવ્યનું માહાત્મ્ય વગેરે દર્શાવીને શરદઋતુનું વર્ણન આપવામાં આવ્યું છે. હનુમાન લંકાથી આવીને, રામને સીતાના સમાચાર તથા ચૂડામણિ આપે છે. રામની પ્રેરણાથી વાનરસેના સુગ્રીવના નેતૃત્વ નીચે દક્ષિણ સમુદ્રતટે પહોંચે છે, પણ સમુદ્રની વિશાળતા જોઈ તેને ઓળંગવા બાબતમાં ગભરાટ અનુભવે છે. સુગ્રીવ અને જાંબવાન પ્રોત્સાહક વાણીથી તેમને પાનો ચઢાવી સમુદ્ર પર સેતુ બાંધવા પ્રેરે છે. તે જ અરસામાં વિભીષણ રાવણને ત્યજીને રામ પાસે આવે છે ને રામની શરણાગતિ સ્વીકારે છે.

સમુદ્ર રામને રસ્તો આપતો નથી, તેથી રામ ક્રોધે ભરાઈને તેના પર બાણવર્ષા કરે છે. તેનાથી સંતપ્ત સમુદ્ર રામ પાસે હાજર થઈને, પર્વતોનો સેતુ સમુદ્ર પર બાંધવાનું સૂચવે છે.

નલ નામનો બુદ્ધિશાળી વાનર પર્વતોને એકબીજા સાથે જોડીને સમુદ્ર પર સેતુબંધ બાંધે છે અને વાનરસેના તેના પર થઈને સમુદ્રને ઓળંગીને સુવેલ પર્વત પર પહોંચે છે. ત્યારબાદ સુવેલ પર્વતનું તથા લંકાની રાક્ષસીઓની પ્રેમક્રીડાનું વર્ણન છે.

આ બાજુ સીધી રીતે સીતાનો પ્રેમ મેળવવામાં નિષ્ફળ ગયેલો રાવણ, રામનું કૃત્રિમ કપાયેલું મસ્તક સીતાને દર્શાવે છે તે જોઈને તે ખૂબ સંતાપ પામી, સીતા આત્મહત્યા કરવા તૈયાર થાય છે; પણ ત્રિજટા એને રાવણનું કપટ સમજાવી આશ્વાસન આપે છે.

ત્યારપછી બંને સેનાઓની યુદ્ધની તૈયારી વર્ણવાઈ છે. અનેક શસ્ત્રોથી સજ્જ રાક્ષસો પર્વત ફેંકતા વાનરો સામે પાછા પડે છે. પછી વાનરો અને રાક્ષસો વચ્ચેનાં વૈયક્તિક દ્વંદ્વ યુદ્ધો વર્ણવવામાં આવ્યાં છે. ઇન્દ્રજિત રામલક્ષ્મણને સર્પાસ્ત્રથી બાંધે છે, પણ રામ ગરુડને સમયસર બોલાવીને તેમાંથી મુક્ત થાય છે. ઇન્દ્રજિત, કુંભકર્ણ વગેરે તમામ મુખ્ય રાક્ષસ યોદ્ધાઓ ખપી જાય છે ત્યારે રાવણ પોતે યુદ્ધમેદાનમાં આવી હાહાકાર વર્તાવે છે. ત્યારબાદ રામ અને રાવણનું ભયંકર યુદ્ધ વર્ણવાય છે. તે દરમિયાન ઇન્દ્રનો સારથિ માતલિ રામને ઇન્દ્રનું કવચ પહેરાવી જાય છે. ત્યારબાદ રામ એક જ બાણથી રાવણનાં દસે મુખોને ઉડાવી દઈને રાવણનો વધ કરે છે. કાવ્યના અંતમાં રાવણના મૃત્યુબાદ વિભીષણે કરેલો વિલાપ તથા અયોધ્યામાં રામનું પ્રત્યાગમન વર્ણવાયાં છે.

રામાયણના કથાનક સાથે આ મહાકાવ્યના કથાનકને સરખાવતાં એ બાબત સ્પષ્ટ થાય છે કે, ‘પ્રવરસેન મોટેભાગે રામાયણકથાને ખાસ કરીને યુદ્ધકાંડને વફાદારીથી અનુસરે છે; પણ સેતુબન્ધના મુખ્ય પ્રસંગને ઉપસાવવા માટે તેમણે કેટલાક પ્રસંગો અને કેટલીક ઉક્તિઓ ઉમેરી છે. પ્રથમ આઠ સર્ગ સેતુબન્ધના વૃત્તાંતમાં અને નવમો અને દસમો સર્ગ વિવિધ વર્ણનોમાં રોકાયા છે, અગિયારમો સર્ગ સીતાવિલાપ અને ત્રિજટાનું આશ્વાસન નિરૂપે છે, જ્યારે છેલ્લા ચાર સર્ગ રાવણવધ સુધીના યુદ્ધના બધા વૃત્તાંતને ઝડપથી આવરી લે છે.

પ્રાકૃતમાં રચાયેલ હાલ ઉપલબ્ધ થતા એકમાત્ર પ્રાચીન મહાકાવ્ય તરીકે પ્રવરસેનના ‘સેતુબન્ધ’નું મહત્ત્વ ઘણું છે. કાલિદાસના રઘુવંશની, ખાસ કરીને તેમાંના યુદ્ધવર્ણનની અસર પડી છે. જ્યારે ‘સેતુબન્ધ’ની અસર ભટ્ટિ, ભારવિ અને માઘનાં મહાકાવ્યો પર વર્તાય છે. ‘સેતુબન્ધ’ના સમયથી મહાકાવ્યમાં મુખ્ય વસ્તુ કરતાં વર્ણનો વધારે જગ્યા રોકવા માંડે – એ વલણની શરૂઆત થઈ લાગે છે. આ મહાકાવ્યમાં, ચાંદનીમઢી રાત્રીઓ, સમુદ્ર, સૂર્યાસ્ત, ચંદ્રોદય, સુવેલ પર્વત અને રાક્ષસીઓની પ્રેમક્રીડાનાં વર્ણનો મળે છે.

વીરરસપ્રધાન આ મહાકાવ્યમાં નૈતિક ઉપદેશને લગતા શ્લોકો ઘણા મળે છે, પણ અર્થાંતરન્યાસ ઓછા મળે છે. અલંકારોમાં તેઓ ઉપમા અને ઉત્પ્રેક્ષા વધારે યોજે છે; તે ઉપરાંત દૃષ્ટાંત, ઉપમા, ઉત્પ્રેક્ષા, પરિકર, સહોકિત વગેરે અલંકારો પણ છે. શ્લેષ અલંકારનો તેમણે મર્યાદિત ઉપયોગ કર્યો છે એ નોંધપાત્ર છે. અનુપ્રાસનો ઉપયોગ તેઓ અસરકારક રીતે કરી જાણે છે.

તેમના મહાકાવ્યમાં સત્પુરુષનાં લક્ષણો અને યોદ્ધાઓના આદર્શોનો ઉલ્લેખ મળે છે. તેમાં સાહિત્યિક અને સામાજિક સામગ્રી ઓછી મળે છે. વાલ્મીકિ રામાયણમાં, ખાસ કરીને તેના ઉત્તરકાંડમાં મળતા ઘણા પૌરાણિક સંદર્ભોનો પ્રવરસેને આમાં નિર્દેશ કર્યો છે.

પ્રવરસેનની કાવ્યશૈલીમાં કાલિદાસની શૈલીની જેવી છે તેવી પ્રાસાદિકતા ઓછી છે. લાંબા સમાસોનું પ્રાચુર્ય એ તેમની શૈલીનું એક આગવું લક્ષણ છે.

આ મહાકાવ્યના 1290 શ્લોકોમાંથી મોટાભાગના શ્લોકો આર્યાગીતિ નામનો છંદ કે જેનું બીજું નામ સ્કન્ધક છે તેમાં રચાયેલાં છે; પણ તેમાં વચ્ચે ગલિતક છંદમાં રચાયેલા શ્લોકો આવે છે; જેમની કુલ સંખ્યા 40થી વધુ નથી.

આ મહાકાવ્યની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે. આ મહાકાવ્ય પર આશરે ચૌદેક ટીકાઓ લખાઈ છે. તેમાંથી અજ્ઞાતકર્તૃક ‘સેતુતત્ત્વચંદ્રિકા’ અને રામદાસરચિત ‘રામસેતુપ્રદીપ’ નામની બે ટીકાઓ પ્રકાશિત થઈ છે.

વાલ્મીકિ રામાયણને અનુસરીને રામચરિત પર રચાયેલાં પ્રાચીનતમ મહાકાવ્યોમાં ‘સેતુબન્ધ’નું સ્થાન ઘણું મહત્ત્વનું છે.

નીલાંજના શાહ