સેઉરા જૉર્જ (Seurat Georges)

January, 2008

સેઉરા, જૉર્જ (Seurat, Georges) (. 2 ડિસેમ્બર 1859, ફ્રાંસ; . 29 માર્ચ 1891) : નવપ્રભાવવાદ(Neo-Impressionism)ના સ્થાપક અને પ્રમુખ નવપ્રભાવવાદી આધુનિક ફ્રેંચ ચિત્રકાર. પૅરિસની પ્રતિષ્ઠિત કળાશાળા ઇકોલે દ બ્યુ આર્તે(Ecole des Beaux Arte)માં તેમણે 1875થી 1879 સુધી ચિત્રકાર હેન્રી લેહમાન પાસે ચિત્રકળાનો અભ્યાસ કર્યો. રંગદર્શી ચિત્રકાર દેલાક્રવા (Delacroix), બાર્બિઝોં (Barbizon) શૈલીનાં ચિત્રકાર કોરો (Corot), પોતાના સમકાલીન પ્રભાવવાદી ચિત્રકારો, પ્રતીકવાદી ચિત્રકાર પુવી દ શાવાન (Puvis des Chavannes) તથા સૌંદર્યશાસ્ત્રીઓ માઇકલ શેવ્રેઉલ (Michel Chevreul), શાર્લી બ્લા (Charles Blane) અને ઓ. એન. રુડનાં કલાભાષ્યોના સામૂહિક પ્રભાવ હેઠળ સેઉરાએ નદીમાં નાહતા અને નાહીને બહાર કિનારે બેઠેલા નગ્ન યુવાનોને તથા નવપ્રભાવવાદી દૃઢબે શ્યમાન જગત પર પડતા પ્રકાશને આલેખી બતાવતું ચિત્ર ‘ન્યૂડ મૅન બેધિન્ગ’ આલેખ્યું. તેમાં સમગ્ર રંગલેપન ઝીણાં બિંદુઓ જેવા ટીણકૂડાક લસરકા વડે તેમણે કર્યું હતું. પ્રકાશના આલેખનને ઝીણાં બિંદુઓમાં વિભાજિત રીતે આલેખવાની તેમની આ પદ્ધતિ પ્રભાવ-વાદથી એક ડગલું આગળ નવપ્રભાવવાદી ગણાઈ. આ પદ્ધતિમાં રંગમિલાવટ કૅન્વાસ પર નહિ પણ દર્શકની આંખોની રેટિના પર કરવાની નેમ રાખી.

જૉર્જ સેઉરાએ દોરેલું ચિત્ર

દા.ત., એ કૅન્વાસ પર નીલો અને પીળો રંગ મિશ્ર કરીને લીલો રંગ ઊભો નહોતા કરતા પણ નીલા અને પીળા રંગનાં ટપકાં કૅન્વાસ પર બાજુબાજુમાં મૂકતા. તેથી દર્શકને દૂરથી જોતાં લીલા રંગનો ભાસ થતો. ટપકાં આલેખીને થતી રંગલેપનની આ શૈલી બિંદુવાદ (pointilism), રંગવિભાજનવાદ (divisionism) નામે પણ ઓળખાઈ. આ શૈલીમાં તેમણે નૉર્મન્ડીના સમુદ્રકિનારાનાં નૈસર્ગિક દૃશ્યો અને સર્કસના ખેલનાં દૃશ્યો આલેખ્યાં. તેમની સાથે ચિત્રકારો પૉલ સિન્યા અને એડ્મન્ડ ક્રૉસ પણ આ શૈલીમાં ચીતરતા થયા. 1887 પછી સેઉરાએ ચિત્રો દ્વારા માનવમનના વિવિધ ભાવોની અભિવ્યક્તિ રજૂ કરવાનું શરૂ કર્યું; જેમાં દૃશ્યમાન જગત પર પડતા પ્રકાશને ઝીણાં બિંદુઓ જેવા લસરકા વડે આલેખિત કરવાની તકનીક પણ જોવા મળે છે.

અમિતાભ મડિયા