સેઈં-સાયં કેમિલે – (Saint – Sv ns Canmille)

January, 2008

સેઈં-સાયં, કેમિલે (Saint – Sv ns, Canmille) (. 9 ઑક્ટોબર 1835, પૅરિસ, ફ્રાંસ; . 16 ડિસેમ્બર 1921, અલ્જિયર્સ, અલ્જિરિયા) : સિમ્ફનિક પોએમ્સ રચવા માટે જાણીતા ફ્રેંચ સ્વરનિયોજક અને સંગીતકાર. પિયાનો અને ઑર્ગન વગાડવામાં તેઓ નિષ્ણાત હતા.

કેમિલે સેઈં-સાયં

બાળપણમાં સ્વયંશિક્ષણ વડે સેઈંએ સંગીતની સાધના આરંભી હતી. 1846માં અગિયાર વરસની ઉંમરે તેમણે પિયાનોવાદનનો પહેલી વાર જાહેર કાર્યક્રમ કર્યો. બેનોઈ (Benoist) પાસે ઑર્ગન અને હાલેવી (Halevy) પાસે સંગીતનિયોજનનો અભ્યાસ પૅરિસ કૉન્ઝર્વેટરીમાં કર્યો. 1855માં એમણે ‘સિમ્ફની નં. 1’ લખી, જેનું એ જ વર્ષે વાદન થયું. પૅરિસ ખાતેના જાણીતા મેડેલીન ચર્ચમાં 1857માં તેમની નિમણૂક ઑર્ગનવાદક તરીકે થઈ. આ ચર્ચમાં તેમણે સતત વીસ વરસ સુધી ઑર્ગનવાદન કર્યું. 1857માં તેમની ઓળખાણ પ્રસિદ્ધ હંગેરિયન પિયાનિસ્ટ ફેરેન્ક લિઝ્ત (Ferenc Liszt) સાથે થઈ અને બંને આજીવન ગાઢ મિત્રો બની રહ્યા.

1861થી 1865 સુધી સેઈં-સાયં સંગીત-મહાશાળા એકોલે નીદેર્મિયે(Ecole Niedermeyer)માં પિયાનોના પ્રાધ્યાપક બની રહ્યા. એમના શાગિર્દોમાંથી ગૅબ્રિયલ ફૉરે અને આન્દ્રે મેસાગેર સંગીતનિયોજકો તરીકે આગળ આવ્યા.

ફ્રેંકો-પ્રુશિયન યુદ્ધ પછી 1871માં સેઈં-સાયેં નૅશનલ સોસાયટી ઑવ્ મ્યુઝિકની સ્થાપના કરી, જેમાં નવયુવાન ફ્રેંચ સંગીત-નિયોજકોની વાદ્યવૃંદ માટેની રચનાઓનું વાદન કરવામાં આવતું. એ જ વર્ષે સેઈં-સાયંની વાદ્યવૃંદ માટેની કૃતિ ‘‘ઓમ્ફાલે’ઝ સ્પિનિન્ગ વ્હીલ’’નું પહેલી વાર વાદન થયું.

1878માં સેઈં-સાયંના બંને પુત્રોનાં અવસાન થયાં. 1881માં એમણે પત્નીથી છૂટાછેડા લીધા. એ પછી એમણે લાંબા વિદેશપ્રવાસો આરંભ્યા; જેમાં પૂર્વ એશિયા, મધ્યપૂર્વ એશિયા, યુરોપ, લૅટિન અમેરિકાના મોટાભાગના દેશો અને યુ.એસ.ના મોટાભાગનાં નગરો આવરી લેવાયાં. ત્યાં એમણે પિયાનોવાદન કર્યું. તેમાં એમના સ્વરચિત પાંચ પિયાનો કન્સર્ટોનો પણ સમાવેશ થતો હતો. ત્યાં એમણે વાદ્યવૃંદ માટેની સ્વરચિત કૃતિઓનું પણ સંચાલન કર્યું. 1880થી તેમણે ઘણું સંગીત-લેખન કર્યું, જે મૃત્યુપર્યંત વેગવંત રહ્યું. લિઝ્તને અર્પણ કરેલી તેમની ત્રીજી સિમ્ફની(1886)માં તેમણે વાદ્યવૃંદમાં એક ઑર્ગન અને બે પિયાનોનો સમાવેશ કર્યો છે. હાસ્યરસ જગાડતી એમની કૃતિ ‘કાર્નિવલ ઑવ્ એનિમલ્સ’નું એમના જીવનકાળ દરમિયાન કદી વાદન થયું નહિ; પરંતુ પછી તે કૃતિ બહોળી લોકપ્રિયતા પામી. આ ઉપરાંત એમની શ્રેષ્ઠ કૃતિઓમાં એક ઓપેરા ‘સૅમ્સન ઍન્ડ ડેલાઇલા’ (1874), ‘કન્સર્ટો ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રા’ (1895) તથા ‘કન્સર્ટો ફૉર ચૅલો ઍન્ડ ઑર્કેસ્ટ્રા’નો સમાવેશ થાય છે. જર્મન રંગદર્શી સંગીતકાર વાગ્નરની લોકપ્રિયતા એમના જમાનામાં ફ્રાંસમાં બહોળી હોવા છતાં વાગ્નરના પ્રભાવથી સર્વથા મુક્ત રહીને – સામા વહેણમાં તરીને સેઈં-સાયેં પ્રશિષ્ટ ફ્રેંચ સંગીતની સાધના કરી. તેમની આ સિદ્ધિ નાની ન કહેવાય. ખુદ વાગ્નર તેમના મોટા પ્રશંસક હતા. સેઈં-સાયેં ફ્રેંચ ભાષામાં સંગીત-વિષયક નિબંધો તથા જીવનનાં સંસ્મરણો લખ્યાં છે. તેમાં સમકાલીન સંગીતના માહોલ અને સંગીતકારો ઉપર રમૂજી ટીકાઓ અને કટાક્ષ જોવા મળે છે.

અમિતાભ મડિયા