સુરકોટડા : કચ્છમાં ઉત્ખનન કરતાં મળેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ. ત્યાંથી મળેલા નગરઆયોજનના પુરાવા મુજબ, વસાહતને ફરતો કિલ્લો જણાય છે. સુરકોટડામાં આ કિલ્લા સાદા તથા ઘડેલા પથ્થરોથી બાંધેલા હતા. ત્યાં વસાહતને દરબારગઢ તથા રહેણાકી વિસ્તારમાં વહેંચી દેવામાં આવતી જોવા મળે છે. આશરે 160 × 125 મીટરના વિસ્તારમાં ફેલાયેલી સુરકોટડાની કુલ વસાહતમાં 60 × 60 મીટરનો દરબારગઢ આવેલો હતો. રહેણાકી વિસ્તારની પશ્ચિમે 1.50 મીટર ઊંચા સ્થળે પીળી માટી ધરબીને ઉપર ચણવામાં આવેલા આ દરબારગઢને પથ્થરથી ચણેલી 7 મીટર જાડી દીવાલો હતી. દીવાલોની અંદર કાચી ઈંટો તથા માટીનાં ઢેફાં પૂરવામાં આવેલાં હતાં. દીવાલની અંદરની બાજુએ 5 સેમી. જાડું માટીનું પ્લાસ્ટર કરેલું હતું. કોટની દક્ષિણે 1.80 મીટર પહોળો દરવાજો પણ હતો. દરબારગઢની અંદર પથ્થરથી બાંધેલાં મકાનો આવેલાં હતાં. ઉત્તર હડપ્પીય કાળમાં કિલ્લાની દક્ષિણ-પશ્ચિમે તથા દક્ષિણ-પૂર્વે ચોરસ બુરજો તથા મધ્યમાં બહાર નીકળતી ગઢી અને પગથિયાં તથા અંદરના દરવાજાની પાસે કોટની દીવાલને અડીને ચોકીદારની ઓરડીઓ જોવા મળે છે. ત્યાં મકાનોના ચણતરમાં રાખ જેવો પદાર્થ વપરાયેલો છે. ત્યાં આરૂઢ હડપ્પીય કાળનું 9 ખંડવાળું ભવ્ય મકાન દરબારગઢમાંથી મળી આવ્યું છે.

ખેતીવાડીની બાબતમાં ત્યાંથી રાગી અને ઘણી જાતના છોડનાં બિયાં અને બીજાં વણઓળખાયેલાં બિયાં વગેરે પ્રાપ્ત થયાં છે. તેથી ઘણી જુદી જુદી ખેતી ત્યાં થતી હતી એમ માની શકાય. ખેતી માટે વપરાતાં ઓજારો મુખ્યત્વે લાકડાનાં જ હોવાં જોઈએ. સુરકોટડામાંથી તાંબાની બંગડીઓ, વાળી, છીણા વગેરે મળી આવેલાં છે. આ કાળમાં લોકો વિવિધ જાતનાં ઘરેણાં પહેરતા. સ્ત્રીઓ અને પુરુષો બંને શૃંગાર કરતાં હશે, એમ માની શકાય. ત્યાંથી હાથીદાંત તથા તેમાંથી બનાવેલી વસ્તુઓ મળી આવી છે. તે પરથી કહી શકાય કે હાથીદાંતનું કામ વિકસિત થયું હતું.

હડપ્પીય મુદ્રા સુરકોટડામાંથી પણ મળી છે; પરંતુ તેની સંખ્યા મર્યાદિત છે. અહીં તોલમાપો સિંધુ સંસ્કૃતિ જેવાં વપરાતાં હતાં. અહીં માટીનાં લાલ વાસણો બનાવવામાં આવતાં. તેમાં પાયાવાળી ડિશ, તાંસળી જેવા કટોરા, કથરોટો, ધૂપિયાં, બરણીનાં ઢાંકણાં, વાસણ મૂકવાના કાંઠા વગેરે મુખ્ય છે. માટીનાં વાસણો ઉપર મર્યાદિત પ્રમાણમાં સુશોભન કરવામાં આવતું હતું. તે વાસણો ઉપર વિવિધ ભૌમિતિક આકૃતિઓ, વનસ્પતિઓ, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે દોરવામાં આવતાં હતાં.

સુરકોટડાના નગરઆયોજન, મકાનોની રચના વગેરે જોતાં એ સર્વ પાછળ એક ચોક્કસ વહીવટી તંત્ર કામ કરતું હોવાનું લાગે છે. આ ઉપરાંત કિલ્લામાં રખાતા બુરજો અને ચોકીદારની ઓરડીઓ પણ કોઈ ચોક્કસ પ્રકારની રાજ્યસત્તાના અસ્તિત્વનો સંકેત આપે છે.

જયકુમાર ર. શુક્લ