સુય્યા : અલી મોહમ્મદ લોન (1926-1989) રચિત પૂરા કદનું કાશ્મીરી નાટક. આ કૃતિ બદલ નાટ્યકારને 1972ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તે પહેલાં આ કૃતિને કલા, સંસ્કૃતિ અને ભાષાની રાજ્ય અકાદમી દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ‘સુય્યા’ની રચના દ્વારા નાટ્યકારે કાશ્મીરી નાટ્યક્ષેત્રે નવી દિશા ખુલ્લી કરી છે. આ નાટકમાં તેમણે આકર્ષણ અને લાલિત્ય ઉપરાંત પુરાણ કથા અને ચમત્કારનાં તત્ત્વોનો સમાવેશ કર્યો છે. આ કૃતિને ‘સુય્યા’ એટલે કે કાશ્મીરના એક ખાનદાન પુત્રનું નામ આપવા છતાં, હકીકતમાં તે એકંદરે કાશ્મીરી લોકોના ચમત્કારનું ભૂમિને વેરાન બનાવતાં પૂર સામે કાશ્મીરીઓની લડત અભિવ્યક્ત કરે છે. વાસ્તવમાં આ એક ઐતિહાસિક નાટક છે. તેમાં ઘણા લાંબા સમયથી લોકોએ સેવેલાં સ્વપ્નો સાકાર થતાં જોવા મળે છે. નાટ્યકારે ઇતિહાસના શુષ્ક માળખામાં નવો પ્રાણ પૂર્યો છે અને ભૂતકાળની સુષુપ્ત ઘટનાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી છે. આજે પણ પૂર કાશ્મીરનો પ્રાણપ્રશ્ન હોઈ આ કૃતિનું મહત્ત્વ ઘણું બધું છે. નાટ્યકારે તેમાં સંસ્કૃત અને પશ્ચિમના નાટકની ટૅક્નિક અજમાવી છે. કેટલેક તબક્કે વસ્તુની જટિલતા જાળવવા ‘દાસ્તાન’ના લોકસ્વરૂપની ગૂંથણી કરે છે.

કાશ્મીરના મહારાજા અવન્તી વર્મન્(855થી 883)ના પ્રધાન તરીકે સુય્યા નામના એક કુશળ બુદ્ધિશાળી અને સમર્થ એન્જિનિયર થઈ ગયા, જેમણે વિતાસ નદીનું વહેણ બદલીને ખીણની હેઠવાસના ભાગને પૂરથી બચાવ્યો હતો. તેમના માનમાં તેમના વતનને ‘સુય્યાપોરા’ નામ આપવામાં આવેલું. હાલ તે સોપોર તરીકે જાણીતું છે. નાટ્યકારે કલ્હણની કૃતિ ‘રાજતરંગિણી’ પરથી આ નાટકના વસ્તુની ગૂંથણી કરી નવાં પરિમાણો ઉમેર્યાં છે.

નાટકના સંવાદો લાંબા છતાં પ્રેક્ષકો પર વેધક અને તીક્ષ્ણ અસર કરનારા હોઈ, સર્જનાત્મક ઐતિહાસિક નાટક તરીકે આ કૃતિ કાશ્મીરી સાહિત્યમાં નવીનતા લાવનારી છે.

બળદેવભાઈ કનીજિયા