સુમેરિયન સંસ્કૃતિ : સુમેર પ્રદેશના લોકોએ વિકસાવેલી સંસ્કૃતિ. પ્રાચીન સમયમાં પશ્ચિમ એશિયામાં આવેલા મેસોપોટેમિયાના પ્રદેશમાં યૂફ્રેટીસ અને ટાઇગ્રિસ નદીઓને કાંઠે જગતની પ્રાચીન સંસ્કૃતિઓ વિકસી હતી. આ પ્રદેશ આધુનિક કાળમાં ઇરાકમાં આવેલો છે. આ બે નદીઓની વચ્ચેના પ્રદેશમાં જ્યાં તે લોકો રાજ્ય કરતા હતા તે સુમેર પ્રદેશ કહેવાતો હતો. તેથી તે લોકો સુમેરિયનો કહેવાયા. તેમની મૂળ જાતિ વિશે ચોક્કસ માહિતી મળતી નથી; પરંતુ કેટલાક ઇતિહાસકારોના મતાનુસાર તે લોકો કાળા સમુદ્ર અને કાસ્પિયન સમુદ્ર તરફથી ઊતરી આવેલા ઇન્ડો-યુરોપિયન જાતિના લોકો હતા. ઈ. પૂ. 5000 વર્ષથી સુમેર પ્રદેશમાં લોકો રહેતા હતા. આ પ્રદેશમાં આશરે ઈ. પૂ. 3500થી સૌપ્રથમ શહેરો વિકસ્યાં. સિંધુખીણની સંસ્કૃતિની માહિતી મળી તે પહેલાં તે જગતની સૌથી પ્રાચીન સંસ્કૃતિ મનાતી હતી.

સુમેરિયન લોકોનાં મળેલાં હાડપિંજરો પરથી જણાયું છે કે તે લોકો સીધા નાકવાળા, ઊપસેલા કપાળવાળા તથા ઢળતી આંખોવાળા ઠીંગણા કદના હતા. વળી તે લોકો દાઢી, મૂછ તથા માથાના વાળ કઢાવી નાખતા તથા ઊનનાં કપડાં પહેરતા હતા. સ્ત્રીઓ અને પુરુષો આખું શરીર ઢંકાય એવાં વસ્ત્રો પહેરતાં. તેઓ કુંડળ, વીંટી જેવાં સોના-ચાંદીનાં ઘરેણાં પહેરતાં હતાં.

નગરરાજ્યો : મેસોપોટેમિયામાં જુદાં જુદાં નગરરાજ્યો સ્થપાયાં હતાં. તેમાં ઉર, ઉરુક, લાગાશ, નિપુર, આદબ, ઉમ્મા, લારક, સિપર, કિશ વગેરે જાણીતાં હતાં. દરેક રાજ્યમાં એક નગર, આસપાસનાં ગામો તથા જમીનનો સમાવેશ થતો હતો. દરેકની આજુબાજુ દીવાલ બાંધવામાં આવતી. શરૂઆતમાં રાજકીય સત્તા લોકો પાસે હતી; પરંતુ નગરરાજ્યો વચ્ચેની સ્પર્ધા વધવાથી દરેક રાજ્યે રાજાની પ્રથા સ્વીકારી. દરેક નગરનો એક રાજા અને એક ધર્મગુરુ હતો. આ રાજ્યોએ પરદેશી આક્રમણોનો વારંવાર સામનો કરવો પડતો. ઉત્તરના પ્રદેશમાં શિનારના મેદાનમાં રહેતા અક્કડ જાતિના લોકો સાથે તેમને વારંવાર લડાઈઓ થતી હતી.

રાજા પાસે એકહથ્થુ સત્તા હતી અને પોતાનાં કાર્યો માટે તે ઈશ્વર સિવાય બીજા કોઈને જવાબદાર ન હતો. સૌથી વધુ બળવાન માણસ રાજા બની શકતો. રાજા કાયદા ઘડતો, કરવેરા ઉઘરાવતો, ન્યાય આપતો, પ્રજાનું રક્ષણ કરતો તથા ધાર્મિક વડા તરીકેની ફરજો પણ બજાવતો હતો.

રાજા મોટા કિલ્લા જેવા મહેલમાં રહેતો. રાજા પોતાના સરદારોને જાગીરો આપતો. સરદારો રાજાને જરૂર પડે ત્યારે લશ્કર પૂરું પાડતા. સામંતશાહી પ્રથાનું આ શરૂઆતનું સ્વરૂપ હતું. સુમેરનાં નગરરાજ્યોમાં આંતરિક કલહો થતા. તે પરિસ્થિતિનો લાભ લઈને અક્કડ જાતિના લોકો હુમલા કરતા હતા. સુમેરિયન સૈન્યની આગેવાની રાજા લેતો. તે વખતે તલવાર મહત્ત્વનું શસ્ત્ર હતું. ધનુષ્યબાણ તથા ભાલાનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો.

સમાજજીવન : સમાજમાં મુખ્ય ત્રણ વર્ગો હતા. ઉમરાવો તથા ધર્મગુરુઓનો વર્ગ સમાજમાં સર્વોપરી ગણાતો. કારીગરો તથા સરકારી કર્મચારીઓનો બીજો વર્ગ હતો. તે લોકો સામાન્ય જીવન જીવતા હતા; જ્યારે ગુલામો, મજૂરો, ભરવાડો વગેરેનો ત્રીજો વર્ગ સૌથી નીચો ગણાતો હતો. ધર્મગુરુઓ વિશિષ્ટ અધિકારો ભોગવતા હતા. તેઓ ધર્મનું જ્ઞાન આપતા તથા બીમાર વ્યક્તિઓની દવા કરતા હતા.

ધાર્મિક સ્થિતિ : સુમેરિયનોના જીવનમાં ધાર્મિક માન્યતાઓ મુખ્ય ભાગ ભજવતી હતી. પ્રાચીન દેવોમાં તેઓ અન્લીલ (વાયુદેવ), અનુ (આકાશનો દેવ) તથા એન્કી(જળદેવ)ની પૂજા કરતા હતા. દરેક નગરમાં ઊંચા ટાવર જેવું મંદિર બાંધવામાં આવતું, તેને તેઓ ‘ઝિગુરાત’ કહેતા. સમય જતાં લોકો અનેક દેવદેવીઓમાં માનવા લાગ્યા અને વધારે મંદિરો બાંધવા લાગ્યા. લોકો ભૌતિક લાભ તથા દીર્ઘાયુજીવન માટે ઈશ્વરની પ્રાર્થના કરતા. મૃતદેહોને ઘરના ભોંયતળિયા નીચે દફનાવવામાં આવતા. તેમની પાસે ખોરાક ભરેલી બરણીઓ મૂકવામાં આવતી. પુરુષના શબ પાસે હથિયારો તથા સ્ત્રીના શબ પાસે તાંબાનો અરીસો મૂકવામાં આવતો. રાજાની કબરમાં ખોરાક તથા શસ્ત્રો સહિત તેની સેવા વાસ્તે કેટલાક નોકરો તથા પ્રાણીઓને મારી નાખીને દફનાવવામાં આવતાં હતાં. ઉર નગરનું ખોદકામ કરતાં રાજાની કબરમાંથી અનેક સુંદર વસ્તુઓ મળી આવી છે. તે લોકો મૃત્યુ પછીના જીવન વિશે ચોક્કસ માન્યતાઓ ધરાવતા હતા. સુમેરિયાના સમાજમાં ધર્મગુરુઓ ઉચ્ચ સ્થાન ભોગવતા. તેઓ જ્યોતિષ જોતા અને ગ્રહોની ગતિ પરથી ભવિષ્યના બનાવોની આગાહી કરતા હતા.

આર્થિક જીવન : સુમેરિયન લોકોએ કાંતણ-વણાટ, સોનું, ચાંદી તથા હાથીદાંતની કારીગરી તથા મુદ્રાઓ બનાવવાના ઉદ્યોગો વિકસાવ્યા હતા. નદીની ચીકણી માટીમાંથી તેઓ વાસણો અને માટીની તકતીઓ બનાવતા. ઊન તથા શણનું કાપડ, તાંબાનાં અને કાંસાનાં ઓજારો તથા હથિયારો બનાવવાનું કૌશલ્ય તેમણે ખીલવ્યું હતું. સોની, સુથાર, લુહાર, કડિયા વગેરે કારીગરો ત્યાં વસતા હતા.

સુમેરિયન લોકોનો વેપાર ભૂમધ્ય સમુદ્રના દેશો તથા સિંધુ નદીના પ્રદેશો પર્યંત વિસ્તર્યો હતો. શિનારનાં મેદાનોમાંથી ખોદકામ કરતાં સિંધુખીણની સંસ્કૃતિની મુદ્રાઓ, ઘડા અને મણકા મળ્યા છે, જે આ વેપારની સાબિતી આપે છે. પૂર્વમાં ઇજિપ્ત સુધી સુમેરનો વેપાર ચાલતો હતો. તે લોકો ઇમારતી લાકડું, ધાતુઓ, પથ્થર અને બીજા કાચા માલની આયાત કરતા હતા. પશ્ચિમ એશિયાના બીજા દેશોમાં ધાતુકામ, ઊન, અનાજ, ખજૂર વગેરેની નિકાસ કરવામાં આવતી. વેપાર વિનિમયપદ્ધતિથી ચાલતો હતો. વેપાર માટે તોલમાપનાં સાધનો શોધવામાં આવ્યાં હતાં. ધિરાણની પ્રથાનો વિકાસ એ તેમની નોંધપાત્ર સિદ્ધિ હતી.

લિપિ અને સાહિત્ય : સુમેરિયન લોકોએ વેપાર અંગેની તથા સરકારી વહીવટની નોંધ રાખવા માટે માટીની તકતીઓ પર લખવાની શરૂઆત કરી હતી. તેમણે પોતાની આગવી ચિત્રલિપિ વિકસાવી હતી. શરૂમાં તેમાં 600 સંજ્ઞાઓ હતી. ત્યારબાદ 350 સંજ્ઞાઓવાળી ક્યુનિફૉર્મ લિપિનો ઉપયોગ કરવા માંડ્યો. તે લોકો કાચી માટીની તકતી ઉપર કલમ વડે લખતા. જે તકતીઓ લાંબા સમય માટે સાચવવાની હોય તેને લખ્યા પછી સૂકવી દેવામાં આવતી. તે તકતીઓ ઉપર હિસાબ તથા સાહિત્યકૃતિઓ લખવામાં આવતી. તે પ્રદેશમાં ઉત્ખનન કરતાં ઈ. પૂ. 3500 વર્ષ પહેલાંની 30,000થી પણ વધારે તકતીઓ મળી છે; તે ત્યાંનું પ્રાચીન પુસ્તકાલય ગણાય છે. તેમાંથી ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વાર્તાઓ, કાવ્યો, ઇતિહાસ વગેરેની વિપુલ માહિતી મળે છે.

વિજ્ઞાન : સુમેરિયનોએ ખગોળશાસ્ત્રમાં પ્રગતિ કરીને ચાંદ્રવર્ષની પદ્ધતિ સ્વીકારેલી અને તેમાં દર ત્રણ વરસે અધિક મહિનો ઉમેરતા હતા. તેમણે વર્ષ, મહિના, સપ્તાહ, દિવસ, કલાક, મિનિટ વગેરેની ગણતરી કરીને, તે દરેક વચ્ચેનો સંબંધ નિશ્ચિત કર્યો હતો. વર્તુળ, કલાક અને મિનિટના 60 વિભાગો પાડ્યા હતા. ડઝનની ગણતરીની શરૂઆત પણ તેમણે કરી હતી. સૂર્યઘટિકા અને જળઘટિકાની શોધ કરવામાં આવી હતી. તેમણે ‘મીના’ નામનું તોલવાનું વજન શોધ્યું હતું.

કલા : સુમેરિયનોએ નગરો વસાવ્યાં હતાં અને તેમાં અનેક દેવોનાં મિનારા જેવાં ઊંચાં મંદિરો (ઝિગુરાત) બાંધ્યાં હતાં. તેઓ સૂર્યના તાપથી તપાવેલી ઈંટોનાં મકાનો બાંધતા હતા. મકાનોને અગાશીઓ રાખવામાં આવતી. તેના ઉપર માટી પાથરીને બગીચા બનાવવામાં આવતા. મંદિરોમાં શિલ્પકામ કરવામાં આવતું. ત્યાં તાંબાની મૂર્તિઓ બનાવવામાં આવતી. સોના-ચાંદીના દાગીના પણ ઘડવામાં આવતા. સુમેરિયન નગરોમાં હીરા ઘસવાનો ઉદ્યોગ વિકસ્યો હતો. માટીની તકતીઓ પર લગાવવા માટે હીરાની જુદા જુદા આકારની સીલ (મુદ્રા, મહોર) બનાવવામાં આવતી. હીરા જડીને વિવિધ અલંકારો ઘડવામાં આવતા. કાળી માટીનાં સુંદર તથા કલાત્મક વાસણો બનાવવામાં આવતાં. ચાંદીના આકર્ષક અને કલાત્મક વાઝ પર પ્રાણીઓ તથા પક્ષીઓની આકૃતિઓ દોરવામાં આવતી. તે લોકો ઊનનાં કપડાં પણ બનાવતાં હતાં.

પતન : ઈ. પૂ. 2750ના અરસામાં શિનારના મેદાનની ઉત્તરે વસતા અક્કડ જાતિના સારગોન નામના શક્તિશાળી સેનાપતિએ પરાકાષ્ઠાએ પહોંચેલ સુમેરિયન સંસ્કૃતિની પ્રશંસા સાંભળીને તે પ્રદેશ પર ચડાઈ કરીને જીતી લીધો.

જયકુમાર ર. શુક્લ