સુમરો, મહોમ્મદમિયાં (. 19 ઑગસ્ટ 1950) : પાકિસ્તાનના સરમુખત્યાર પરવેઝ મુશર્રફે નવેમ્બર 2007માં લાદેલ કટોકટી દરમિયાન પાકિસ્તાનની ધુરા કામચલાઉ ધોરણે સંભાળવા માટે નિયુક્ત કરેલા પ્રધાનમંત્રી. મુશર્રફના નિકટના વિશ્વાસુ હોવા ઉપરાંત તેઓને આંતરરાષ્ટ્રીય બૅંકિંગ વ્યવહારના નિષ્ણાત ગણવામાં આવે છે. તેઓ હાલ દેશમાં સત્તા ધરાવનાર પાકિસ્તાન મુસ્લિમ લીગ (કાયદેઆઝમ) રાજકીય પક્ષના સક્રિય નેતા છે અને સિંધ પ્રાંતના રાજકારણમાં પરંપરાગત રીતે ખ્યાતિ અને વગ ધરાવતા પરિવારના નબીરા છે. ઉપરાંત, સિંધ પ્રાંતમાં વસતી સુમરો જાતિના તેઓ વડા પણ છે. તેમના પિતા મર્હૂમ મિયાં સુમરો પશ્ચિમ પાકિસ્તાનની ધારાસભાના પૂર્વ ઉપાધ્યક્ષ તથા સેનેટના સભ્ય પણ હતા. મહોમ્મદમિયાં સુમરો સિંધ યુનિવર્સિટીની વિજ્ઞાન વિદ્યાશાખાની પદવી ધરાવે છે. તે ઉપરાંત અમેરિકાની યુનિવર્સિટીમાં પણ તેમણે અધ્યયન કર્યું છે. ઉચ્ચશિક્ષણ લીધા બાદ તેમણે વ્યાવસાયિક કારકિર્દી માટે આંતરરાષ્ટ્રીય બૅંકિંગ ક્ષેત્રની પસંદગી કરી હતી અને તે રૂએ તેમણે બૅંક ઑવ્ અમેરિકા, ઇન્ટરનૅશનલ બૅંક ઑવ્ યેમન, ફેઝલ ઇસ્લામિક બૅંક ઑવ્ બહેરીન જેવી બૅંકિંગ સંસ્થાઓમાં મહત્ત્વના ઉચ્ચ હોદ્દાઓ પર કામ કર્યું છે.

મહોમ્મદમિયાં સુમરો

 નૅશનલ બૅંક ઑવ્ પાકિસ્તાન જેવી રાજ્યની માલિકીની નાણા સંસ્થાના વડા તરીકે પણ તેમણે કામ કર્યું છે અને તે દરમિયાન દેશમાં માઇક્રો-ક્રેડિટ બૅંકિંગની વ્યવસ્થા દાખલ કરવાનો જશ તેમને ફાળે જાય છે. વર્ષ 2000માં સિંધ પ્રાંતના ગવર્નર પદે તેમની નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારથી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી. સેનેટની ચૂંટણીમાં ઉમેદવારી કરવાના ઇરાદાથી તેમણે વર્ષ 2002માં ગવર્નરના પદનું રાજીનામું આપ્યું હતું. ફેબ્રુઆરી 2003માં તેઓ સેનેટના સભ્ય ચૂંટાયા હતા અને એક જ માસ પછી માર્ચ 2003માં સેનેટના ચૅરમૅન પદે તેમની ચૂંટણી કરવામાં આવી હતી. વર્ષ 2006માં ફરી વાર તેઓ સેનેટના ચૅરમૅન પદે ચૂંટાયા હતા. 9 જાન્યુઆરી 2008ના રોજ પ્રયોજવામાં આવેલ દેશવ્યાપી ચૂંટણીનું સંચાલન કરવા માટે 16 નવેમ્બર 2007ના રોજ મહોમ્મદમિયાં સુમરોની પાકિસ્તાનના કામચલાઉ પ્રધાનમંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને વિરોધ પક્ષના વર્તમાન નેતા બેનઝીર ભુટ્ટોએ સુમરોની પ્રધાનમંત્રી તરીકેની વરણી વખોડી કાઢી છે અને દેશ પર લાદવામાં આવેલ કટોકટીનું તે એક વિસ્તરણ માત્ર છે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે