સુન્ની : ઇસ્લામની1 મૂળ અને રૂઢિચુસ્ત પરંપરાઓ માનનાર અને પાળનાર. આ શબ્દ અરબી ભાષાના ‘સુન્ન:’ શબ્દ ઉપરથી બન્યો છે. ‘સુન્ન:’ એટલે રૂઢિ. પવિત્ર કુરાનમાં મુસ્લિમોને અલ્લાહની આજ્ઞાઓ અને મુહમ્મદ રસૂલુલ્લાહ(સ.અ.વ.)ની સુન્નતો અર્થાત્ રૂઢિઓને માનવા અને પાળવાની આજ્ઞા આપવામાં આવી છે. એટલે કે દરેક મુસ્લિમ અલ્લાહની આજ્ઞાઓ પાળવાની સાથે સાથે પયગંબરસાહેબે, આ આજ્ઞાઓ પાળવાની જે ઢબ તેમજ જે જીવનશૈલી બતાવી છે તે પ્રમાણે જીવન ગુજારે એમ જણાવાયું છે. પયગંબરસાહેબના સહાબીઓ(સાથીદારો)ની જમાતે (સમૂહે) અલ્લાહની આજ્ઞાઓ તથા પયગંબરસાહેબની રૂઢિઓ પ્રમાણે પોતાનાં સર્વ કાર્યો – ધાર્મિક તથા સાંસારિક – કરી બતાવ્યાં હતાં, તેથી તેમની રૂઢિઓને હવે ‘સુન્નત વલ જમાઅત’ નામ આપવામાં આવે છે. આ પ્રમાણે મુસ્લિમોમાં રૂઢિચુસ્ત લોકોને ‘સુન્નત વલ જમાઅત’ના લોકો કહેવામાં આવે છે, અને એ રીતે ‘સુન્ની’ શબ્દ એક નિશ્ચિત પરિમાણ બની ગયું છે.
‘સુન્ન:’નો આધાર પયગંબરસાહેબનાં આચરણ, ઉચ્ચારણ અને સંમતિ ઉપર રાખવામાં આવ્યો છે. પયગંબરસાહેબે જે કાર્યો કર્યાં અથવા કરવા માટે કહ્યું અથવા જે કાર્યો કરવાની સંમતિ આપી તે બધાં કાર્યો ‘સુન્ન:’ કહેવાય અને તે પ્રમાણે જીવન ગુજારનાર સુન્ની કહેવાય. સુન્ની મુસ્લિમ સામાન્ય રીતે અધિકૃત નિશ્ચિત માન્યતા (dogma) અને આચરણ(practice)થી ચલિત થતો નથી. મુસ્લિમોમાં સુન્ની વિચારધારાવાળાઓની હંમેશાં બહુમતી રહેલી છે. આજે પણ વિશ્વસ્તરે તેઓ બહુમતીમાં છે. પશ્ચિમ એશિયામાં તુર્કી, અરબ દેશો, ઉત્તર આફ્રિકા તથા આફ્રિકા ખંડના મુસ્લિમો, એશિયા તથા દક્ષિણ અને દક્ષિણપૂર્વના બધા દેશોના મુસ્લિમો સુન્ની છે. માત્ર ઈરાન દેશમાં બિન-સુન્ની મુસ્લિમોની બહુમતી છે.
સુન્ની મુસ્લિમોમાં ચાર વિચારધારાઓ વિકાસ પામી છે. ઇમામ અબૂ હનીફા(અવસાન : 767)ની વિચારધારા હનફી; ઇમામ માલિક બિન અનસ(અવસાન : 796)ની વિચારધારા માલિકી; ઇમામ અબૂ અબ્દુલ્લાહ સાફઈ(અ. 820)ની વિચારધારા શાફઈ અને ઇમામ અહમદ બિન હંબલ(અવસાન : 855)ની વિચારધારા હંબલી નામે ઓળખાય છે. સુન્ની સંપ્રદાયમાં હનફી વિચારધારાને માનનારાઓની સંખ્યા સૌથી વધુ છે. આ ચાર સુન્ની વિચારધારાઓમાં પાયાનો કોઈ મતભેદ નથી. તેમના અનુયાયીઓ રૂઢિગત ધાર્મિક પરંપરાઓને અનુસરે છે.
સુન્નીની વિરુદ્ધ શિયાપંથી લોકો જે તે ફિરકા(વર્ગ)ના ઇમામ(ધર્મ-પુરુષ) જે તે સમયે જે રૂઢિઓ અને વ્યવહારો નક્કી કરે તેમને અનુસરે છે. શિયાપંથીઓ પણ એક અલ્લાહ, પવિત્ર કુરાન અને પયગંબરસાહેબ(સ.અ.વ.)ને માને છે, પરંતુ પયગંબરસાહેબ અને સહાબીઓની રૂઢિઓને અનુસરવાને બદલે તેમના ઇમામોએ બતાવેલા માર્ગ ઉપર ચાલે છે. આ રીતે તેઓ સુન્ની નથી અને સુન્નત વલ જમાઅતમાં તેનો સમાવેશ થતો નથી.
સુન્નત વલ જમાઅતમાં રૂઢિઓને બદલવાનો અવકાશ રહેલો છે, જે ઇજિતહાદ (પરિવર્તન) કહેવાય છે, પરંતુ તેના માટે બધા લોકોનો અને ખાસ કરીને ધર્મજ્ઞાનીઓનો ઇજમા (સર્વસંમતિ) જરૂરી લેખાય છે. આની વિરુદ્ધ શિયાઓમાં આવી સત્તા માત્ર ઇમામના હાથમાં હોય છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી