સુપર ચાર્જર : ઑટોમોબાઇલ એન્જિનમાં મળતી શક્તિ, આપેલા વિસ્થાપન (displacement) માટે વપરાતું સાધન.

અંતર્દહન એન્જિનમાં પિસ્ટનના નિર્ધારિત વિસ્થાપન દરમિયાન સુપર ચાર્જરની મદદથી એન્જિન અંદર પ્રવેશતા વાયુને વધારાનું દબાણ આપીને, વધારાની શક્તિ (power) એન્જિનમાં ઉત્પાદિત કરવામાં આવે છે. આમ સુપર ચાર્જર એ એક પ્રકારનું  Air Compressor છે.

સુપર ચાર્જરના બે પ્રકારો છે :

  • Positive Displacement (નિશ્ચિત વિસ્થાપન)
  • Dynamic Super charger (ગતિશીલ સુપર ચાર્જર)

નિશ્ચિત વિસ્થાપન સુપર ચાર્જરની પ્રક્રિયા દ્વારા સ્થિર અને વધારાનું હવાનું દબાણ એન્જિનની તમામ ગતિમાં મેળવી શકાય છે. આ કારણે એન્જિન વધુ શક્તિ (power) ઉત્પાદિત કરી શકે છે.

ગતિશીલ સુપર ચાર્જર એન્જિનની અમુક મર્યાદાથી વધુ ગતિ મેળવ્યા બાદ, સુપર ચાર્જરથી આપેલ હવાનું દબાણ ઘાતાંકીય કક્ષાએ વધતું જાય છે અને આમ વધુ શક્તિથી એન્જિન ગતિમાન થઈ શકે છે.

સુપર ચાર્જરથી એન્જિનની વધતી શક્તિ(power)ના સિદ્ધાંતને ધ્યાને લઈ રેસિંગ કાર, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન વધુ ઊંચાઈએ ઊડતાં વિમાનોમાં આ પ્રકારના સુપરચાર્જરનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો.

ટરબો ચાર્જર એન્જિનના ઉત્સર્જિત વાયુની ગતિ ઊર્જા વડે આ પ્રકારનું એન્જિન ચલાયમાન (સંચાલિત) થાય છે.  અર્થાત્ ટરબો ચાર્જર સુપર ચાર્જર કરતાં ઓછા ખર્ચે ચાલે છે, કારણ કે સુપર ચાર્જર એન્જિનની મદદથી ચલાયમાન થાય છે.

જ્યારે ટરબો ચાર્જર એન્જિન ઉત્સર્જિત વાયુની ગતિ ઊર્જા(Kinetic energy)ની મદદ વડે એન્જિનમાં વધુ પ્રમાણમાં હવાનું દબાણ પેદા કરી, અંતર્દહનની પ્રક્રિયાને જલદ બનાવી વધુ શક્તિ સંચાલિત કરી શકે છે.

પ્રકાશ ભગવતી