સિંધી સાહિત્ય સોસાયટી (1914)

January, 2008

સિંધી સાહિત્ય સોસાયટી (1914) : સિંધી સાહિત્યની એક પ્રકાશન-સંસ્થા. 19મી સદીના ઉત્તરાર્ધમાં અને 20મી સદીના પ્રારંભમાં શિક્ષણનો પ્રસાર અને નવજાગૃતિના મંડાણના ફલસ્વરૂપે સાહિત્ય-નિર્માણની પ્રવૃત્તિએ વેગ પકડ્યો. રાષ્ટ્રીય અસ્મિતા અને સ્વપિછાણ પ્રત્યે પ્રબુદ્ધ સમુદાય જાગ્રત બન્યો. સિંધના પૌરાણિક ઇતિહાસ તેમજ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા સિંધી સાહિત્ય, સાપ્તાહિકો, માસિકો અને ગ્રંથોનાં પ્રકાશનનો પ્રારંભ થયો.

સિંધી ભાષાના લબ્ધપ્રતિષ્ઠ લેખક લાલચંદ અમરડિનોમલ જગતિયાણી(1885-1954)એ તત્કાલીન પ્રસિદ્ધ લેખકો જેઠમલ પરસરામ (1886-1948) તેમજ ભેરુમલ મહેરચંદ (1875-1950) સહિત અન્ય લેખકોના સહકારથી 1914થી ‘સિંધી સાહિત્ય સોસાયટી’ નામક પ્રકાશનસંસ્થાની સ્થાપના કરી.

આ સંસ્થા સિંધી સાહિત્યના વારસાની પ્રતિનિધિ-સંસ્થા બની રહી. મધ્યકાલીન સૂફી કવિઓ શાહ અબ્દુલ લતીફ (1689-1752), શાહ અબ્દુલ કરીમ (1536-1620), શાહ સાબિલઅલી (1740-1800), સચલ સરમસ્ત (1739-1829) વગેરેનાં જીવન અને કવન પર મિર્ઝા ક્લીચ બેગે (1853-1929) લખેલાં પુસ્તકો પ્રગટ કરીને સિંધીની સૂફી સાહિત્ય-પરંપરા પ્રત્યે જનસમુદાયને જાગ્રત કર્યો. લેખક તેમજ સંશોધક ભેરુમલ મહેરચંદે લખેલા સિંધનાં લોકઇતિહાસ, ભૂગોળ તેમજ ભાષાવિષયક ગ્રંથો પણ આ સંસ્થાએ પ્રગટ કર્યા હતા. 1923માં ‘સિંધ જો સૈલાણી’, 1925માં ‘પૌરાણિક સિંધનો ઇતિહાસ’ તેમજ 1926માં ‘લતીફી સૈર’ નામક નોંધપાત્ર ગ્રંથો આ સંસ્થાએ પ્રગટ કર્યા હતા. લાલચંદ જગતિયાણીએ અંગ્રેજી શાસન સામે જાગેલા બળવાનો પડઘો પાડતી ઐતિહાસિક ઘટનાનું આલેખન કરતા પુસ્તક ‘હુર મખીઅજા’નું પ્રકાશન 1914માં કર્યું હતું.

આ ઉપરાંત આ સંસ્થાએ લીલારામસિંઘ વતનમલની નવલકથા ‘સુંદરી’ ઉપરાંત અન્ય કેટલાક લેખકોનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં હતાં. આમ સાહિત્યસર્જનના જાગૃતિકાળમાં પ્રકાશિત આ સમગ્ર સાહિત્યિક વારસો સિંધી સાહિત્યનો અમૂલ્ય ખજાનો બની ગયો. આમ આ સંસ્થાએ સિંધી સાહિત્યના વારસાની પ્રસિદ્ધિ, જાળવણી કરી તેને અમર બનાવવામાં અતિ મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

જયન્ત રેલવાણી