સિંધી ભાષા અને સાહિત્ય

સિંધી ભાષા ઇન્ડો-આર્યન કુળની, મૂળ તો સિંધ વિસ્તારની, 150 લાખ લોકો દ્વારા પાકિસ્તાન અને ભારત – એમ બે દેશોમાં બોલાતી ભાષા. સિંધીભાષી લોકોના 80 % પાકિસ્તાનના સિંધ અને લાસા-બલૂચિસ્તાન વિસ્તારમાં વસે છે. સિંધી બોલતા લગભગ 30 લાખ લોકો ભારતમાં છે. તેમાંનો  ભાગ ગુજરાતના કચ્છસૌરાષ્ટ્ર અને રાજસ્થાનના જેસલમેરમાં છે. તે સિવાયના કેટલાક સિંધીભાષી લોકો ભારતનાં અન્ય રાજ્યો-શહેરોમાં તેમજ અખાતી દેશો અને અન્ય યુરોપીય દેશોમાં પથરાયેલા છે.

સિંધી ભાષાના જુદા જુદા પ્રકારને મુખ્ય 6 બોલીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે : 1. ‘સિરાઇકી’ (સિરો, ઉપલા સિંધમાં બોલાતી); 2. ‘વિચોલી’ (સિંધમાં બોલાતી); 3. ‘લાહી’ (લાહામાં, નીચલા સિંધમાં બોલાતી); 4. ‘લાસી’ (લાસી, બલૂચિસ્તાન રાજ્યમાં અને કોહિસ્તાનમાં બોલાતી); 5. ‘થારી’ કે ‘થારેલી’ (સિંધની દક્ષિણ-પૂર્વ સીમાના રણપ્રદેશ અને જેસલમેરના એક ભાગમાં બોલાતી) અને 6. ‘કચ્છી’ (કચ્છમાં બોલાતી). કચ્છી બોલી સિવાય વિચોલી તમામ સિંધી ભાષાઓમાં પ્રમાણભૂત બોલી ગણાય છે, જેનો સામાન્ય રીતે શિક્ષિત વર્ગ દ્વારા ઉપયોગ કરાય છે અને તે સાહિત્ય, શિક્ષણ તેમજ વહીવટની ભાષા તરીકે સ્વીકૃત થઈ છે. કચ્છી સિંધીની વધુ નજીક છે.

ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દી દરમિયાન સિંધ પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિનો પ્રદેશ હતો અને ઈ. પૂ. બીજી સહસ્રાબ્દીમાં તે ભારતમાં ઇન્ડો-આર્યન ભાષા બોલતી એક પ્રાચીન વસાહત બની. ઋગ્વેદમાં સિંધના અશ્ર્વો, મહાભારતમાં સિંધના રાજવી જયદ્રથના ઉલ્લેખો અને મોહેં-જો-દડો પાસેના ઉત્ખનન દ્વારા મળેલી મુદ્રાઓ અને પુરાવાઓ 5000 વર્ષ પૂર્વે સિંધમાં સુસ્થિર, સુવિકસિત અને સુંદર સંસ્કૃતિ હોવાનું સિદ્ધ કરે છે.

ઈ. પૂ. 558-530માં ઈરાનના રાજવી સાયરસે અને ઈ. પૂ. 512માં દરાયસે સિંધના અશ્ર્વો, ગાયો, સુતરાઉ અને સુંદર મલમલના કાપડથી આકર્ષાઈને સિંધ પર વિજય મેળવી તેને ખાલસા કરેલું. ત્યારપછી મૌર્યો, બૅક્ટેરિયનો, ગ્રીકો (યવનો) અને પાર્થિયનો, શક અથવા સિથિયનોએ સિંધને જીત્યું. શકોની અત્યંત પ્રભાવક અસર નીચે સિંધ ‘ઇન્ડો-સિંથિક’ બન્યું અને સિંધીઓમાં શકોનું રક્ત મોટા પ્રમાણમાં ભળ્યું.

સુનીતિકુમાર ચેટરજીના મતે આરબોના આગમન પહેલાં 8મી સદીના ગાળામાં સિંધ ભારતમાં સમૃદ્ધ અને વિકસિત પ્રદેશ હતો. ઈ. પૂ. 712માં સિંધ પર મોહમ્મદ-બિન-કાસિમે આક્રમણ કર્યું ત્યારથી 1843 સુધી મુસ્લિમ શાસન રહ્યું. અનેક ચડઊતર અને 1848માં બ્રિટિશોના આગમન બાદ જંગાલિયતભરી હકૂમતમાંથી સિંધી પ્રજાએ રાહત અનુભવી. આઘાત અનુભવવાની શક્તિએ તેમને વિનાશમાંથી બચાવ્યા અને ધર્મસહિષ્ણુતા તથા મુક્ત ભાવનાએ તેમને સૂફીવાદી બનાવ્યા.

ડૉ. ઈ. ટ્રમ્પે (1872) સ્વીકાર્યું છે કે સિંધી શુદ્ધ સંસ્કૃતગત ભાષા છે. તે મરાઠી, હિંદી, પંજાબી, બંગાળી કરતાં જૂની પ્રાકૃત સાથે વધુ ગાઢ રીતે સંકળાયેલી છે અને અન્ય ભાષાઓના મુકાબલે સિંધીએ વ્યાકરણનાં સ્વરૂપો વિપુલ પ્રમાણમાં જાળવ્યાં છે. માત્ર સિંધી ભાષાએ જ મૂળ ભાષાના ઉત્તમ અંશોયુક્ત વ્યાકરણ સ્વરૂપ ઊભું કર્યું છે. પ્રાકૃતના વ્યાકરણશાસ્ત્રી ક્રમાદિશ્ર્વરે અપભ્રંશના અનુબંધમાં બાંધેલા સઘળા નિયમો આજે પણ સિંધી ભાષામાંથી તારવી શકાય છે.

સિંધી ભાષાને તેના પ્રમાણભૂત વિદ્વાન સર જ્યૉર્જ ગ્રિયર્સન ઇન્ડો-આર્યન ભાષાઓ(સંસ્કૃત કુળની)ની બાહ્ય ઉપશાખાઓ સાથે સાંકળે છે અને ઉત્તર-પશ્ચિમ જૂથની તેમજ પશ્ચિમ પંજાબસિંધની બે ભાષાઓ – લહાન્દા સાથે જોડે છે. આ આખાય પ્રદેશમાં ડાર્ડિક ભાષાઓ બોલાતી તેમજ બંને લહાન્દા અને સિંધી પર તેનો પ્રભાવ હતો. સિંધીએ પંજાબી કે રાજસ્થાનીમાં ભળ્યા વિના પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખ્યું છે. ફક્ત મુસ્લિમ શાસન દરમિયાન તેના શબ્દકોશમાં ફારસી અને અરબી શબ્દો ઉમેરાયા.

પિસ્કલ, ગ્રિયર્સન અને ભારતીય વ્યાકરણશાસ્ત્રી માર્કન્ડેયના મતે સિંધીનો અત્યંત નજીકનો સંબંધ વ્રાચડ નામની અપભ્રંશ પ્રાકૃત સાથે છે. પ્રાકૃતનું મુખ્ય સ્વરૂપ કેકય પૈશાચી છે. પૈશાચી આધુનિક ડાર્ડોના પૂર્વજોની ભાષા હોવાથી પૂર્વે આ પ્રદેશમાં પૈશાચી બોલાતી એમ સિદ્ધ થાય છે.

સિંધી ગ્રંથોમાં ઉચિત વર્ણમાલા લહાન્દા છે; પણ ગુરુમુખી અને વાગરી વર્ણમાલાઓ પણ પ્રયોજાય છે. હવે તેમાં ફારસી વર્ણમાલા પ્રયોજાય છે. તેમાં ઉચ્ચારગત અને વ્યાકરણજન્ય ઘણી લાક્ષણિકતાઓ જોવા મળે છે. વ્રાચડ અપભ્રંશમાંથી ઊતરી આવેલી સિંધી વિશે અન્ય મતમતાંતરો હોવા છતાં એ સિદ્ધ થયું છે કે અપભ્રંશ પ્રાકૃત સંસ્કૃતમાંથી સિંધી ભાષા ઊતરી આવી છે. ડૉ. નબીબક્ષ સિવાય, ઝમતમલ નારુમલ, ડૉ. એચ. એમ. ગુરબક્ષાની અને અબ્દુલકરીમ સંદેલનાં સંશોધનોએ સાબિત કર્યું છે કે સિંધીના  શબ્દોનું મૂળ સંસ્કૃતમાં રહેલું છે. જોકે, સિરાજે મોહેં-જો-દડો અને હડપ્પામાંથી પ્રાપ્ત મુદ્રાઓને ઉકેલવાનો પ્રયત્ન કરીને એવું પ્રતિપાદિત કર્યું છે કે સિંધી ભાષા પ્રાચીનતમ ભાષામાંથી ઊતરી આવી છે અને આ ભાષા પણ સિંધી જ છે. જે મૂળમાંથી સંસ્કૃત ઊતરી આવી છે તે જ મૂળમાંથી સિંધી ઊતરી આવી છે. આ બંનેનો પ્રભવ એક જ મૂળમાંથી થયો હોવાથી એક જ ભૂમિકા પર તે ભાષાઓનાં સમ તેમજ અસમ બંને લક્ષણો પારખી શકાય છે.

સિંધીની પ્રચલિત લિપિ અરેબિક સિંધી છે. બ્રિટિશ લોકોના હુકમથી તે કૃત્રિમ રીતે પ્રયોજાયેલી. બ્રિટિશ શાસનકાળ પૂર્વે રાજકારભાર ફારસીમાં ચાલતો અને તેથી વિદ્વાનો ફારસી લિપિથી પરિચિત હતા. સિંધી ભાષાના વ્યાકરણગ્રંથો અને શબ્દકોશો નાગરી લિપિમાં હતા. દેવનાગરી કરતાં ગુરુમુખી સિંધી સાથે વધુ સંકળાયેલી અને સિંધના હિંદુઓને તે વધુ પરિચિત હતી. ડૉ. નબીબક્ષ બલોચના મતે 1017થી 1030ના ગાળામાં હિંદુસ્તાનમાં 11 -લિપિઓ વપરાતી, તેમાંની 3 – અર્ધનાગરી, સૈન્ધુ અને માલવાહી સિંધમાં વપરાતી.

બીજી સદીનું ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર સિંધુ-સૌવિર પ્રજાની ભાષા અને તેનાં કેટલાંક લક્ષણોનો ઉલ્લેખ કરે છે. આ પહેલાંનાં કોઈ પ્રમાણ કે સંદર્ભ ઉપલબ્ધ નથી. 779માં દેશની મહત્ત્વની ‘દેશભાષાઓ’માં સૈંધવોની ભાષાનો ઉલ્લેખ ઉદ્યોતનની ‘કુવલયમાલા’માં મળે છે. તેમાં લેખક સિંધના લોકોની ભાષા લાલિત્યપૂર્ણ, મધુર, સૌમ્ય અને સ્વદેશાભિમાનથી પ્રેરિત તથા અરબી-ફારસીની અસરથી ઘણી સમૃદ્ધ બની હોવાનું જણાવે છે. દ્રાવિડિયન જેવી જૂની અસરોનાં લક્ષણો પણ તેમાં સુલભ છે. શ્રી હેમચંદ્રના ‘દેશીનામમાલા’માં પણ સિંધીના નમૂનાઓનો સમાવેશ થાય છે.

અબુ સાલિહે ભારતીય ભાષામાંથી અરબીમાં અને તેના પરથી 1026માં અબુલ હસને કરેલા મહાભારતના અનુવાદમાં આવતાં ભારતીય નામો વગેરે પરથી સુનીતિકુમાર ચેટરજીનો દાવો છે કે મૂળ રચનાની ભાષા જૂની સિંધી કહી શકાય અને તેના પ્રભવ વખતની સિંધી ભાષાને 1000 પહેલાંની કે આસપાસની મધ્ય ઇન્ડો-આર્યનમાંથી નવી ઇન્ડો-આર્યન બોલી તરીકે ઓળખી શકાય. પ્રો. ભેરુમલ મહિરચંદના મતે જે સિંધી ભાષાથી આજે બધા પરિચિત છે તે 1100માં અસ્તિત્વમાં આવી છે.

અલ-બિરુની (11મી સદી) અને કેટલાક અરબ લેખકોએ 8મી સદી દરમિયાન સિંધી બોલચાલની તેમજ લખાણની ભાષા હોવાનું તારવ્યું છે. (1216) આસપાસમાં લખાયેલ ‘ચચનામા’ નામક પ્રાચીન સિંધીના ફારસી ઇતિહાસમાં 8મી અને 9મી સદીમાં પ્રવર્તમાન વિવિધ સિંધી લખાણોનો ઉલ્લેખ કરાયો છે.

સિંધ પ્રદેશ પશ્ચિમમાં બલોચી (ઈરાની ભાષા) અને બ્રાહુઈ (દ્રાવિડિયન ભાષા); ઉત્તરમાં પસ્તો (બીજી ઈરાની ભાષા) અને કાશ્મીરી (ડાર્ડિક ભાષા) તથા ઉત્તર અને વાયવ્યમાં મુલતાની અને બહાવલપુરી (લહાન્ડા, ઇન્ડો-આર્યન); પૂર્વમાં મારવાડી (રાજસ્થાની બોલી, ઇન્ડો-આર્યન) અને દક્ષિણમાં ગુજરાતી(ઇન્ડો-આર્યન)થી ઘેરાયેલો છે. તેથી તેના શબ્દભંડોળ અને શબ્દકોશમાં, વ્યાકરણમાં અરબી અને ફારસીનાં લક્ષણો ભળ્યાં છે.

સિંધી ભાષામાં શરીરનાં તમામ અંગો, સઘળાં પુષ્પો, પંખીઓનાં નામ-વર્ણનો, સંબંધો વ્યક્ત કરવા એક જ શબ્દપ્રયોગ, ધાન્ય અને વિવિધ ઘાસચારા, મત્સ્યોદ્યોગને લગતી નામસંજ્ઞાઓ સમૃદ્ધ છે, જે મોટાભાગની અન્ય ભારતીય ભાષાઓમાં નથી.

હિંદુવાદના લગાતાર પ્રભાવ હેઠળ 15મીથી 18મી સદીમાં તેમાં ભક્તિ ચળવળ અને શીખ ધર્મની શ્રદ્ધા ભળ્યાં. 1947 પહેલાંના 1000 વર્ષ દરમિયાન બ્રિટિશ શાસનની સાંસ્કૃતિક અસરથી સિંધીમાં સંસ્કૃત, હિંદી, ઉર્દૂ અને અંગ્રેજીમાંથી પાન-ઇન્ડિયન તરીકે ઘણો મોટો ઉમેરો થયો. 1950 આસપાસ તે ભાષામાં ધ્વનિશાસ્ત્ર, વ્યાકરણવિષયક અને કોશને લગતા અસરકારક એવા બે પ્રવાહો – પાકિસ્તાની સિંધી અને ભારતીય સિંધીશૈલીરૂપે શરૂ થયા. ભારતના ભાગલા બાદ પાકિસ્તાનમાંના સિંધની ભાષામાં મુસ્લિમ સંસ્કૃતિની ઓળખ સાથે ફારસી-અરબી અને ઉર્દૂ શૈલી વિકસી જ્યારે ભારતીય સિંધીમાં સંસ્કૃત અને હિંદીનાં વલણો જોવા મળે છે. ભારતીય સિંધીમાં તરતનું નજરે પડે તેવું બીજું લક્ષણ એ છે કે સર્વદેશી અને અદ્યતન અસરો હેઠળ અંગ્રેજી લઢણો તેમાં ભળી. આમ છતાં સિંધી ભાષામાં હિંદી અંગ્રેજી અને સંપર્ક ભાષાઓનો પ્રબળ પ્રભાવ જોવા મળે છે અને તે ભારતના બંધારણમાં માન્યતા-પ્રાપ્ત ભાષાઓમાંની એક છે.

સાહિત્ય : સિંધી સાહિત્યનો મોટોભાગ ધાર્મિક વસ્તુ તેમજ લોકપ્રિય દંતકથાવસ્તુ પર આધારિત છે. સિંધની પ્રબળ ધાર્મિક માન્યતાઓ તથા દંતકથાઓ જળદેવતાને અનુલક્ષતી હોય છે. જળદેવતા અંગેની હિંદુ માન્યતા ઐતિહાસિક અને અર્ધઐતિહાસિક વિગતો પર આધારિત છે. હિંદુ જળદેવતા ઓડેરાલાલ જેવા અવતારી પુરુષનો ઇતિહાસ 950-951ના અરસાનો છે. ઓડેરા પ્રત્યેના ભક્તિભાવને લગતાં ગીતો અને સ્તોત્રોનું વિપુલ સાહિત્ય છે. તે પંજરા એટલે કે પાંચ પંક્તિઓના પદ્યરૂપ પછી એક ધ્રુવપંક્તિ આવે એવા કાર્યસ્વરૂપની રચના છે. 10મી કે 11મી સદીની ‘દલુરાયની નગરી’, ‘લાલ શાહબાઝ’(1143)ની ધાર્મિક દંતકથા; ‘મામુઈ કોયડાઓ’ તરીકે ઓળખાતી 14મી સદીની જૂનામાં જૂની રચનાઓ; શાહ લતીફની સાત અમર દંતકથાઓ પ્રાચીન કાળની બૃહદ સિંધીની ગણાય છે. દા.ત., ‘રાય દેવાસ’ (1003-1010); ‘લીલા ચનેસર’ (1288-1306); ‘ઉમર-મારુઈ’ (1355-1390); ‘મૂમલ-રાણો’ (1395); ‘નૂરી-જામ તમાચી’; ‘સુહિણી-મેહાર’; ‘સસુઈ-પુન્હૂં’ અને પછી પ્રસિદ્ધિમાં આવેલી ‘કોયલ-દીપક’; અલ-બિરુની(11મી સદી)ના મતે 8મી સદી દરમિયાન સિંધી ભાષા બોલચાલની તથા લખાણની ભાષા હતી. 883માં કુરાન પણ સિંધીમાં અનૂદિત કરાયેલું. પ્રાચીન સિંધના ફારસી ઇતિહાસ ‘ચચનામા’ (1216) પરથી સિદ્ધ થાય છે કે 8મી-9મી સદી દરમિયાન સિંધીમાં વિવિધ પ્રકારનાં લખાણો પ્રચલિત હતાં; પરંતુ લોકકથાઓ સિવાય 8મીથી 16મી સદી પહેલાંની સિંધી સાહિત્યની કોઈ રચના ઉપલબ્ધ નથી. 16મી સદી પછીનાં સિંધી લખાણો સૂફી કાવ્યો રૂપે મળે છે. છેક 19મી સદીમાં સિંધી પદ્યરચનાઓનો પ્રારંભ થયો તેમજ સાહિત્યનાં વિવિધ સ્વરૂપો; જેવાં કે નિબંધ, નવલકથા, નાટકો તથા કોશ ને અનુવાદ વગેરે વિકસ્યાં.

આઠમી સદીથી સોળમી સદી દરમિયાન સિંધમાં ઘણું લખાયું હશે; પરંતુ અમુક લોકકથાઓને બાદ કરતાં સોળમી સદી પહેલાંની સિંધી સાહિત્યની કોઈ રચના મળતી નથી. આ કાળનું સાહિત્ય મુખ્યત્વે મૌખિક રૂપે પ્રચલિત હતું. ‘બેત’માં કથાઓ કહેવાની પરંપરા આ સમયગાળામાં વધારે વિકસી હતી.

ઈ. સ. 712માં અરબસ્તાનના મોહમ્મદ-બિન-કાસિમે બ્રાહ્મણ કુળના રાજા દાહિરસેનને હરાવી સિંધમાં આરબોના શાસનની શરૂઆત કરી હતી. એમનો શાસનકાળ લગભગ 300 વર્ષ સુધી રહ્યો. તે જ અરસામાં સિંધના અમુક ભાગોમાં સૂમરા વંશના રાજાઓએ આરબોની નબળાઈનો લાભ લઈને પોતાનું શાસન સ્થાપ્યું. પછી સમા વંશના શાસકોનું પણ જોર રહ્યું. સૂમરા અને સમા વંશના શાસકો પછી સિંધી લોકો પર ફારસી ભાષાની અસર વધતી ગઈ. આનું કારણ કદાચ એ હતું કે સિંધના બલૂચિસ્તાન તેમજ અફઘાનિસ્તાન અને ઈરાનમાં ફારસી ભાષા ચલણમાં હતી. ફારસી ભાષાની અસર હેઠળ સિંધીમાં પણ સાહિત્ય રચાયું. તે જ સમયમાં સિંધમાં લોકકથાઓ કહેવાની પરંપરા હતી. ચારણો અને ભાટો કથાકાવ્યો રચતા અને ગાતા. એ જ રીતે લોકજીભે ચડેલા કેટલાક કિસ્સાઓ પણ કહેવાતા. આવા કિસ્સાઓ અને કથાકાવ્યો પાછળથી લેખિત સ્વરૂપે આવવા માંડ્યાં. (‘ઉમર-મારુઈ’, ‘લીલા-ચનેસર’, ‘સસુઈ-પુન્હૂં’, ‘સુહિણી-મેહાર’, ‘મૂમલ-રાણો’, ‘નૂરી-જામ તમાચી’ વગેરે કથાઓ ઘણી જાણીતી થઈ.) આ બધી કથાઓ મોટેભાગે ઇશ્ક-મહોબ્બતના વિષયો પર કેન્દ્રિત હતી. આ ઉપરાંત ‘મોરિડો મીરબહર’ શૂરવીરતાની કથા છે તો ‘બીજલ-રાયડિયાચ’ દાનનો મહિમા, વચનપાલન તથા સંગીતનું મહત્ત્વ દર્શાવતી કથા છે. સિંધના લોકો વરુણ દેવતાની પૂજા કરતા. તેના કારણે વરુણદેવતા ‘ઝૂલેલાલ’ વિશે ઘણી વાર્તાઓ સિંધીમાં પ્રચલિત થઈ. ઝૂલેલાલની સ્તુતિનાં ગીતો ગવાય છે, જેમને ‘પંજડા’ કહેવામાં આવે છે. આવા અનેક પંજડા પણ પ્રચલિત થયા. ઝૂલેલાલની વાર્તાઓ ઉપરાંત ‘રાજા દલૂરાય’, ‘લાલ શહબાઝ’, ‘દોદો ચનેસર’ પાત્રોની વાર્તાઓ પણ સિંધમાં પ્રચલિત થઈ.

ઈ. સ. 1500થી 1843 સુધી સિંધ પર અરગૂન, મુઘલ, કલ્હોડા, ટાલપુર વગેરે વંશોનું શાસન રહ્યું. આ કાળમાં ઘણા સૂફી સંતો અને દરવેશો થયા. તેથી સૂફી મતનો ઘણો પ્રચાર થયો.

અંગ્રેજોએ સન 1843માં સિંધ પર વિજય મેળવ્યો તે પહેલાં સિંધમાં કોઈ એક લિપિ પ્રચલિત નહોતી. સિંધી ભાષા લખવા માટે જુદી જુદી લિપિઓનો ઉપયોગ થતો. મુસલમાનો અરબી-ફારસી લિપિનો ઉપયોગ કરતા તો હિંદુ વળી દેવનાગરી, ગુરુમુખી અને હટવાણકી લિપિ વાપરતા.

સિંધ પર અંગ્રેજોનું શાસન સ્થપાયું ત્યારે સિંધની પ્રજાએ એક પ્રકારની રાહતની લાગણી અનુભવી, કારણ કે એ પહેલાં જુદા જુદા શાસકોએ સિંધને પોતપોતાની રીતે પાયમાલ કરવામાં કોઈ કસર રાખી નહોતી. અંગ્રેજ અમલદારોએ સૌપ્રથમ તો સિંધી ભાષા માટે કોઈ એક લિપિ નક્કી કરવાનું વિચાર્યું, પણ કઈ લિપિ ઉપયોગી થશે એ માટે અંગ્રેજ અમલદારોમાં જુદા જુદા મત હતા. કૅપ્ટન જ્યૉર્જ સ્ટેકે આવતાંની સાથે સિંધી ભાષાનો અભ્યાસ કર્યો હતો અને દેવનાગરી લિપિમાં સિંધી વ્યાકરણ અને અંગ્રેજી-સિંધી તેમજ સિંધી-અંગ્રેજી શબ્દકોશો તૈયાર કર્યા હતા. તેમનો મત સિંધી માટે દેવનાગરી લિપિનો હતો; પરંતુ રિચર્ડ બર્ટન સિંધી માટે અરબી લિપિના આગ્રહી હતા. છેવટે તે સમયના સિંધના કમિશનર સર બાર્ટલ ફ્રેઅરના પ્રયત્નોથી 1853માં અરબી-સિંધી લિપિ નક્કી કરવામાં આવી. આ લિપિમાં કુલ 52 વર્ણો છે. લિપિ નક્કી થયા પછી ભાષાસાહિત્યની પ્રગતિ થવા લાગી. કેટલાક અંગ્રેજ અમલદારોએ પણ સિંધી ભાષા અને સાહિત્યને લગતાં પુસ્તકો લખ્યાં. સિંધીમાં પાઠ્યપુસ્તકો તૈયાર થવા લાગ્યાં. બધા સાહિત્યપ્રકારોની પ્રગતિને અંગ્રેજોના પ્રયાસોથી બળ મળ્યું. શરૂઆતમાં જુદી જુદી ભાષાઓનું લોકપ્રિય અને શ્રેષ્ઠ સાહિત્ય અનુવાદો દ્વારા સિંધીમાં આવવા લાગ્યું. આવા અનુવાદોમાં મીરાં મુહમ્મદશાહ દ્વારા હિન્દીમાંથી અનુવાદિત ‘મુફીદ અલ સબિયાન’ (1861), ગુરદાસમલ કૃપાલાણી દ્વારા અનુવાદિત ‘વેતાલપચ્ચીસી’ (1890), હાસારામ અને સોભરાજ ડાસવાણી દ્વારા પંચતંત્રની વાર્તાઓનો અનુવાદ ‘સભા જો સીંગાર’ (1894) વગેરે મુખ્ય છે.

લેખકોએ સૌપ્રથમ પાઠ્યપુસ્તકો માટે લખવાનું શરૂ કર્યું. પરંતુ પાઠ્યપુસ્તકો સિવાયનાં પુસ્તકોમાં સૌથી પહેલી વાર્તા ઉધારામ થાંવરદાસની ‘વંહિએં ઐં વિલ્હે જી આખાણી’ (1860) પ્રસિદ્ધ થઈ. એ વાર્તા ‘તોતેનામો’માં પ્રસિદ્ધ થઈ હતી.

ઈ. સ. 712માં આરબોનું સિંધમાં આગમન થયા પછી ત્યાં જુદા જુદા શાસકોના શાસનમાં સિંધી લોકો જુદી જુદી પરિસ્થિતિઓમાંથી પસાર થયા હતા અને વિવિધ શાસકો દ્વારા સાહિત્યિક પ્રવૃત્તિઓને કોઈ પ્રોત્સાહન આપવામાં નહોતું આવ્યું. તેના કારણે સિંધી સાહિત્યની પ્રગતિ નજેવી રહી હતી. સાહિત્ય લેખિત સ્વરૂપે ઉપલબ્ધ થવા માંડ્યું ત્યારે લિપિ અંગેના મતમતાંતરો તેની આડે આવ્યા; તેમ છતાં જુદી જુદી લિપિઓમાં સાહિત્ય લખાયું ખરું. સિંધીમાં લખાયેલા સાહિત્યની વિગતો સોળમી સદીથી પ્રાપ્ય બની છે.

પદ્યસાહિત્ય : સિંધી કાવ્યનો પ્રારંભ છેક નુરુદ્દીન અથવા સદગુરુ નૂર (1079) તરીકે ઓળખાતા ઇસ્માઇલ ધર્મપ્રસારક મંડળના કાવ્ય ખોજકીમાં શોધી શકાય છે. સિંધી ભાષાના આદિ કવિ તરીકે કાઝી કાદન(1463-1551)નું નામ લેવાય છે. કાઝી કાદને ફારસીમાં એક ગ્રંથ રચ્યો હતો. સિંધીમાં એમની ફક્ત સાત બેત શરૂઆતમાં મળી હતી. 1978માં દિલ્હીના એક સાહિત્યકાર હીરો ઠકુરને ભારતના હરિયાણા રાજ્યના રાણીલા ગામમાંથી કાઝી કાદનની બીજી બેત પણ દેવનાગરી લિપિમાં મળી હતી. અગાઉની સાત બેત પછી પાછળથી મળેલી અન્ય બેતોને ભેગી કરીને હીરો ઠકુરે ‘કાઝી કાદન જો કલામ’ નામે 112 બેતોનું પુસ્તક સંપાદિત કર્યું. આ રીતે કાઝી કાદનને સિંધીના આદિ કવિનું સ્થાન મળે છે.

સોળમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા શાહ અબ્દુલ કરીમ(1536-1623)નું નામ જાણીતું છે. શાહ કરીમના કાવ્યમાં સિંધની લોકકથાઓનાં મૂળ મળે છે. આ કથાઓને સૂફી રંગમાં વણી લેવામાં તેઓ નિષ્ણાત હતા. એમના કાવ્યમાં સિંધી ભાષાના એવા ઘણા પ્રાચીન શબ્દો મળે છે, જે પ્રવર્તમાન સિંધી ભાષામાંથી લુપ્ત થઈ ગયા છે.

આ કાળના અન્ય કવિઓમાં શાહ ઇનાયત અલ્લાહ રિઝવી (1623-1712) પણ એક પ્રસિદ્ધ કવિ અને દરવેશ હતા. એમનાં કાવ્યો લેખિત સ્વરૂપે ઉપલબ્ધ નહોતાં. એમના અવસાનના સોએક વર્ષ પછી એમના વારસદારોએ કવિના મુરીદો(શિષ્યો)ને જે યાદ હતું તે ભેગું કરીને પ્રકાશિત કર્યું હતું.

શાહ અબ્દુલ લતીફ (1689-1752) આ કાળના સૌથી ટોચના કવિ ગણાય છે. તેઓ શાહ હબીબ અલ્લાહના પુત્ર હતા. એમની કલામ (વાણી) જે ગ્રંથમાં સંગૃહીત છે તે ‘શાહ જો રિસાલો’ (1966) તરીકે જાણીતો છે. એમનાં કાવ્યોને ઘણાં સૂર(પ્રકરણ)માં વહેંચવામાં આવ્યાં છે. કેટલાંક સૂરોનાં નામ જાણીતી સિંધી લોકકથાઓનાં નાયક-નાયિકાઓનાં નામથી મૂકવામાં આવ્યાં છે. શાહ લતીફ મૂળભૂત રીતે એક સૂફી સંત હતા. પોતાના શિષ્યોને તેઓ પોતાની રચનાઓ ગાઈ સંભળાવતા. એ રચનાઓ તેમના શિષ્યો ઉતારી લેતા. ‘શાહ જો રિસાલો’ની રચનાઓ આ રીતે સંગૃહીત થઈ. સિંધીમાં પ્રચલિત લોકકથાઓ શાહ લતીફના કાવ્યમાં એવી સુંદર રીતે વણી લેવામાં આવી છે કે જે બહારથી પ્રેમકથાઓ જેવી લાગે છે; પરંતુ એ વાર્તાઓ ઈશ્ર્વરના પ્રેમ તરફનો માર્ગ ચીંધે છે. ઇશ્કેમિજાજીથી ઇશ્કેહકીકી તરફ લઈ જાય છે. ‘મૂમલ-રાણો’ કે ‘સુહિણી-મેહાર’ના પ્રેમની વાત કરતાં તે સ્થૂલ પ્રેમ અને સૂક્ષ્મ પ્રેમ વચ્ચે ભેદ પાડીને રૂહાની (આત્મા સંબંધી) અને આધ્યાત્મિક પ્રેમ તરફ ખેંચી જાય છે. પ્રેમની વાત કરતાં કરતાં આ કવિએ રહસ્યવાદની વાતને પણ પોતાનાં કાવ્યોમાં વણી લીધી છે. શાહના કાવ્યમાં પોતાની ધરતી સાથે પ્રેમ, પ્રકૃતિપ્રેમ – તેમાંય ખાસ કરીને ટેકરીઓ, રણ, દરિયા વગેરેનાં સુંદર વર્ણનો વિશેષ જોવા મળે છે. મહામતિ પ્રાણનાથે (1618-1694) તેમની ‘સિંધી વાણી’ મારફત હિંદુવાદ અને ઇસ્લામને નજીક લાવવા અને સંયુક્ત સંસ્કૃતિ વિકસાવવા પ્રયત્ન કર્યો. તેમણે માનવી અને ઈશ્ર્વર વચ્ચે ‘દાસ્ય’ ભાવને બદલે ‘સખ્ય’-ભાવ સ્થાપ્યો.

શાહની ભાષા ઘણી સમૃદ્ધ છે. એમણે એક એક શબ્દ માટે પોતાના કાવ્યમાં અનેક અનેક સમાનાર્થી શબ્દો આપ્યા છે. એમની કેટલીક કાવ્યપંક્તિઓ સિંધીમાં લોકોક્તિઓ તથા કહેવતો તરીકે પ્રચલિત થયેલી છે.

સૂફી મતના એક અગ્રણી કવિ આ યુગમાં થઈ ગયા તે ‘સચલ’. આ કવિનું પૂરું નામ અબ્દુલ વહાબ (1739-1829) હતું. એમને ‘સચૂ’ અને ‘સચલ સરમસ્ત’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

‘સચલ’ જ્યારે નાના હતા ત્યારે શાહ લતીફે એમને પોતાના રૂહાની વારસદાર તરીકે સ્વીકાર્યા હતા. એમના મુખેથી નીકળી ગયું હતું કે ‘મેં હાંડીમાં જે અન્ન પકાવ્યું છે તેનું ઢાંકણું આ બાળક ખસેડશે.’ એટલે કે ‘મેં જે કાર્ય શરૂ કર્યું છે તેને આ બાળક પૂર્ણ કરશે.’

‘સચલ’નો અર્થ થાય છે ‘સાચા’. તેઓ સત્યના અટલ પૂજારી હતા. તેઓ કહે છે કે ‘સચ થા મર્દ ચવન, કંહિંખે વણે ન વણે.’ (વીર પુરુષ સાચું જ કહે છે, કોઈને ગમે કે ન ગમે.) સૂફી વિચારધારા પ્રગટાવતાં તેઓ કહે છે, ‘હિન્દુ મોમિન નાહિયાં યાર, આઉં જો ઈ આહિયાં, સોઈ આહિયાં.’ (હું હિન્દુ નથી કે નથી મુસલમાન, હું તો જે છું તે જ છું.) એમને સિંધી ભાષા ઉપરાંત હિન્દી, ઉર્દૂ, સિરાઇકી, પંજાબી, ફારસી અને અરબી ભાષાઓ પર સારું પ્રભુત્વ હતું એટલે એમને ‘શાયરે હફ્ત જબાન’ પણ કહેતા. એમણે સિંધી સાહિત્યને સુંદર ‘કાફીઓ’ (એક સાહિત્યપ્રકાર) આપી છે. આ કવિનું સમગ્ર કાવ્ય ‘સચલ જો કલામ’માં સંગૃહીત થયેલું છે.

સૂફી મતના સાહિત્યની સાથે વેદાન્ત મતનો પણ આ કાળમાં પાછળથી પ્રચાર થયો. સામી સાહેબ (1743-1850) આ મતના ખૂબ જ મોટા કવિ હતા. સામી સાહેબનું મૂળ નામ ભાઈ ચૈનરાય બચોમલ દાતારામાણી હતું; પરંતુ એમણે પોતાના શ્ર્લોકો ‘સામી’ નામથી રચ્યા છે. પોતાના ગુરુ સ્વામી મેઘરાજ તરફ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે એમણે પોતાનાં કાવ્યો ‘સામી’ (‘સ્વામી’નું અપભ્રંશ) નામથી લખ્યાં છે. એ જ રીતે ક્યારેક ‘બાંભણ’ અને ‘મેંઘો’ નામથી પણ એમણે કાવ્યો રચ્યાં છે. એમના રચેલા શ્ર્લોકોની સંખ્યા 3,500 જેટલી થવા જાય છે.

સામી વેદાન્તના તત્ત્વજ્ઞાનની ખૂબ જ સરળ પણ અસરકારક ભાષામાં સમજણ આપે છે. તેઓ કહે છે, પરમાત્મા સર્વવ્યાપક છે; મૂર્ખ માનવ અજ્ઞાનના કારણે આ નાશવંત જગતને પોતાનું કાયમી ઘર સમજીને મોહ અને અન્ય વિષયવિકારોમાં ફસાતો જાય છે.

સામીના શ્ર્લોકોની ભાષા સુંદર, સરળ, મધુર અને હૃદયને સ્પર્શ કરે એવી છે. તેમના શ્ર્લોકોને સિંધી લોકો ‘મધુર બાણી’ (મધુર વાણી) કહે છે.

તે સમયના અન્ય કવિઓમાં મખ્દૂમ અબ્દુલરૌફ ભટી(1682-1752)નું નામ એમના રચેલા ‘મૌલૂદ’ અને ‘મદાહ’ જેવા સાહિત્યપ્રકારોને લીધે લઈ શકાય. સૈયદ સાબિત અલી શાહ(1740-1810)નું કાવ્ય ‘ચિણગ’ નામથી પ્રસિદ્ધ છે જેમાં કટાક્ષનાં તત્ત્વો છે. પીર મોહમ્મદ બકા, સાહિબ ડિનો ફકીર (1687-1785), મખ્દૂમ મોહમ્મદ હાશિમ ઠરવી (1693), હાકિમ સરફરાઝખાન કલ્હોડો, હમલ લગારી (1815-1879) વગેરેએ પણ પદ્યસાહિત્ય રચ્યું છે, પણ તેમાં સૌથી વધારે જાણીતા થયા રોહલ અને દલપત. રોહલ ફકીર(1734-1804)ના કાવ્યની મુખ્ય વિચારધારા સૂફી મતવાળી છે એટલે એમને સૂફી કવિઓની શ્રેણીમાં મૂકવામાં આવે છે. રોહલ અને તેના ત્રણ પુત્રો શાહુ (1747-1815), ગુલામઅલી (1750-1836) અને દરિયાખાને (1775-1850) ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ વિશે ભક્તિપૂર્વક ગાયું છે. રોહલના એક શિષ્ય હતા મુરાદ. મુરાદ ફકીરે (1743-1766) પણ સિંધીમાં કાવ્યસર્જન કર્યું હતું. કવિ દલપતરાય(1769-1849)ના જીવન વિશે ઝાઝી માહિતી ઉપલબ્ધ નથી. ફક્ત એટલું જાણવા મળ્યું છે કે તેઓ સામી સાહેબના સમકાલીન હતા અને ઉંમરમાં તેમનાથી નાના હતા. સામીની સરખામણીમાં સૂફી વિચારધારાની એમના ઉપર વધુ અસર દેખાય છે.

બ્રિટિશ કાળમાં સિંધી ભાષાને લિપિ પ્રાપ્ત થઈ. અંગ્રેજો દ્વારા સિંધી સાહિત્યને ઘણું પ્રોત્સાહન મળ્યું. તેની અસર સિંધી પર થઈ. ખલીફા ગુલ મોહમ્મદ (1807-1855) ગઝલોનો ‘દીવાન’ પ્રગટ કરનાર પ્રથમ કવિ બન્યા. તેમણે તત્કાલીન પ્રચલિત બધાં દેશી તત્ત્વો અને સિંધી ‘દોહા’, ‘વાયસ’ અને ‘શ્ર્લોકો’માં ગામઠી શૈલીમાં 1855માં ‘દીવાન’ પ્રકાશિત કર્યો. એમની શાયરીનો મુખ્ય વિષય પ્રેમ છે. અન્ય વિષયો પર લખેલાં એમનાં કાવ્યોની સંખ્યા ઓછી છે. નાનક યૂસુફ (1783-1853) દરવેશ કવિ હતા અને સચલ સરમસ્તના મુરીદ હતા. આખૂંદ મોહમ્મદ કાસિમ(1806-1882)ના કાવ્યમાં દાર્શનિક વિચારો અને ચારિત્ર્યનિર્માણની વાતો વધારે જોવા મળે છે. કુતુબશાહ (1813-1910) અને બુડલ ફકીર (1865-1939) સૂફી શાયરો હતા. બંનેનાં કાવ્યોમાં વિચારોની દૃષ્ટિએ ઝાઝો ફેર જણાતો નથી. બંનેએ સાંપ્રદાયિકતાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો છે. મીર મોહમ્મદ હસન અલી ખાન ‘હસને’ (1824-1909) ફારસીના ‘શાહનામા’ની તર્જ(શૈલી)માં ‘સિંધ જો શાહનામો’ પુસ્તક રચ્યું, જેના કારણે અમુક સમીક્ષકોએ એમને ‘સિંધના ફિરદોસી’નું બિરુદ આપ્યું છે. સૂરતસિંઘે (1832-1897) ‘દીવાન સૂરત બહાર’ નામક સિંધી, ઉર્દૂ, હિંદી અને ફારસીમાં રચાયેલ કાવ્યસંગ્રહ દ્વારા ભક્તિપ્રધાન કાવ્યો આપ્યાં. લીલારામ સિંઘ ‘ખાકી’ના સિંધી કાવ્યમાં ઉર્દૂ, ફારસી, પંજાબી વગેરે ભાષાઓના શબ્દોનો અતિરેક હોવાથી કાવ્યત્વની દૃષ્ટિએ તેમાં ઊંડાણ ઓછું જોવા મળે છે. ફાઝિલ (1836-1900) આખૂંદ ગુલ મોહમ્મદના સમકાલીન કવિ હતા. એમણે ગઝલો અને કાફીઓ લખી છે. હાફિઝ હામિદ ટિખડ અંધ શાયર હતા. એમનામાં સ્પર્શથી વસ્તુઓને ઓળખવાની ગજબની શક્તિ હતી. સન 1897માં એમના અવસાન પછી એમના પુત્ર મોહમ્મદ હાશિમે એમની લખેલી ગઝલો, કસીદા અને અન્ય કાવ્યો પ્રકાશિત કરાવ્યાં. મોહમ્મદ હાશિમ પોતે પણ કાવ્યો રચતા. એમનાં કાવ્યો હાસ્યપ્રધાન છે. મોહન ફકીરે (1845-1905) કાફીઓ અને બેત રચ્યાં. તેઓ પોતે પોતાનું કાવ્ય ગાઈ સંભળાવતા. એમના સ્વરમાં બુલંદી અને મધુરતા હોવાના કારણે તેઓ લોકોને મંત્રમુગ્ધ કરી દેતા. મૌલવી અબ્દુલ ગફૂર હિમાયૂની(1847)નું ઉપનામ ‘મુફતૂં’ હતું. એમણે ફારસી તર્જ પર કાવ્યો લખ્યાં. માસ્તર આસૂમલ ઉર્ફે આસૂરામ (1853) સંત કવિ હતા. એમના ‘દીવાન આસૂ’, ‘રિસાલો આસૂ’ અને ‘પ્રેમગુંચો’માં વેદાન્ત અને સૂફી મતનો સંદેશ આપતાં કાવ્યો, ભજનો સંગૃહીત થયાં છે. દીવાન ભોજરાજ (1867-1920) પણ સંત કવિ હતા. એમનાં કાવ્યોમાં વેદાન્તના વિચારો સમાવિષ્ટ છે. મૌલવી અલ્લાહબક્ષ ‘અબોઝો’ના ‘મુસદ્દસ અબોઝો’માં મુસલમાનો માટે સંદેશ છે. એમનું અવસાન 1901માં થયું હતું. શમ્સુદ્દીન ‘બુલબુલ’ (1857-1929) રંગીન મિજાજના શાયર હતા. ‘દીવાન બુલબુલ’ (1891) અને તેના અનુસંધાનરૂપે રચાયેલા ‘કરીમા નેચરલ’માં પણ અબોઝોની જેમ મુસલમાનોને જાગ્રત થવા માટેનો સંદેશ છે. એમણે થોડીક હાસ્યરચનાઓ પણ લખી છે. બીજા પણ કેટલાક કવિઓએ સિંધીમાં કાવ્યો લખ્યાં પણ શાહસચલસામીની ત્રિમૂર્તિ પછી પ્રથમ શ્રેણીના કવિઓ તરીકે ‘બેદિલ’ (1814-1872) અને ‘બેકસ’ (1859-1882) વધારે જાણીતા થયા. ‘બેદિલ’ અને ‘બેકસ’ પિતા-પુત્ર હતા અને મુખ્યત્વે સૂફી મતના કવિઓ હતા. ‘બેદિલ’ પગે અપંગ હતા તેમ છતાં એમણે ઘણાં સ્થાનોનો પ્રવાસ કર્યો હતો. ‘બેદિલ’નું પૂરું નામ કાદરબક્ષ હતું. એમણે ‘વહદત નામ’, ‘સરોદ નામ’ અને ‘ફરાઇઝ સૂફિયા’ સંગ્રહો આપ્યા. એમનાં કાવ્યોમાં મુલ્લા, મૌલવીઓ પર સખત શબ્દોમાં નુક્તેચીની કરવામાં આવી છે.

‘બેદિલ’ના પુત્ર ‘બેકસ’નું પૂરું નામ મોહમ્મદ મોહસિન હતું. એમણે સુંદર કાફીઓ લખી. એમનાં તથા એમના પિતાનાં કાવ્યોમાં ઘણી સમાનતા જોવા મળે છે.

મિર્ઝા કલીચ બેગ (1853-1929) સિંધી સાહિત્યના એવા સાહિત્યકાર હતા, જેમણે લગભગ બધા જ સાહિત્યપ્રકારોમાં સર્જન કરીને બધા સાહિત્યકારો કરતાં વધારે પુસ્તકો આપ્યાં. તેઓ મોટા સર્જક, વિદ્વાન અને ચિંતક હતા. કાવ્યરચનામાં પણ એમનું પ્રદાન ઉલ્લેખનીય છે. એમનાં કાવ્યો ‘સૌદા-એ-ખામ’ બે ભાગના પુસ્તકમાં સંગૃહીત થયાં છે. આમાં સિંધી ગઝલો તથા અન્ય નઝમો છે. એમણે ઉમ્મર ખૈયામની રુબાયતોનો તેમજ કેટલાક અંગ્રેજી કવિઓની રચનાઓનો સિંધીમાં અનુવાદ કર્યો. અરબી, ફારસી અને ઉર્દૂ શાયરોની કૃતિઓ પણ તેઓ સિંધીમાં લઈ આવ્યા. આ બધા અનુવાદો એમણે એવા તો સરસ રીતે કર્યા છે કે એમણે કહ્યું ન હોત તો અનુવાદ છે એવી ખબર જ ન પડે. ખૈયામની રુબાયતોનો અનુવાદ તો ખૂબ સુંદર થયો છે.

વીસમી સદીના પ્રથમ દસકા સુધી સિંધી કવિઓ હુસ્ન-ઇશ્ક, શમા-પરવાના, સાકી-શરાબ જેવા વિષયોને આવરી લેતી શાયરી રચવામાં ગૌરવ લેતા હતા. એ વખતે સિંધી સાહિત્યના આકાશમાં એક એવો સિતારો ઝગમગી ઊઠ્યો કે જેણે જૂની ઢબના વિષયોને સાવ તિલાંજલિ આપી દીધી. તેઓ સિંધી કવિતાને ઇશ્ક-મહોબ્બતની રચનાઓમાંથી બહાર લાવ્યા. આમ આદમી અને સામાન્ય જનને કવિતામાં સાંકળીને એમણે તેમના માટે કાવ્યો રચ્યાં. આ કવિ હતા કિશનચંદ તીર્થદાસ ખત્રી (1885-1947). આ કવિએ ‘બેવસ’ ઉપનામથી સાહિત્યસર્જન કર્યું. એમનાં કાવ્યોમાં ગરીબો, પીડિતો, શ્રમજીવીઓ, કિસાનો પ્રત્યે પ્રેમ અને આદર જોઈ શકાય છે તો અમીરો, જાલિમો, દંભીઓ પ્રત્યે તિરસ્કાર અને નફરત જોઈ શકાય છે. માનવતા, માતૃપ્રેમ, દેશભક્તિ, સદભાવના, ભાઈચારા, વિશ્ર્વશાંતિ, નારીગૌરવ અને પ્રકૃતિપ્રેમ જેવા વિષયો પર એમણે ખૂબ જ અસરકારક પરંતુ સામાન્ય માણસ પણ સમજી શકે એવી સરળ ભાષામાં કાવ્યો લખીને નવી જ દિશા ઉઘાડી આપી. એમણે આવો જ નવો વળાંક બાળકાવ્ય-સાહિત્યને પણ આપ્યો તેમજ તેમણે ગાંધીજીની બીજી ગોળમેજી પરિષદ ટાણે ‘વીર વિલાયત મેં’ કાવ્ય રચ્યું હતું. હૈદરબક્ષ જટોઈ(1901-1970)એ પ્રગતિકારક સ્વરૂપમાં કાવ્યો રચ્યાં.

કવિ બેવસે ચીંધેલા નવા માર્ગે અન્ય કવિઓને પણ માર્ગદર્શન આપ્યું. હુંદરાજ દુખાયલ અને હરિ દિલગીર એમના રસ્તે જ આગળ વધ્યા.

હુંદરાજ દુખાયલ(જ. 1910)ને રાષ્ટ્રકવિ ગણવામાં આવે છે. એમનાં ગીતોમાં દેશભક્તિની ભાવના વિશેષ જોવા મળે છે. ગાંધીજીએ આઝાદી માટે ચળવળ શરૂ કરી તેમાં દુખાયલજી પોતે તો જોડાયા પણ સાથે સાથે પોતાનાં દેશપ્રેમનાં ગીતો પોતે જ ગાઈને સિંધનાં ગામડાંઓમાં ફરીને ગાંધીજીનો સંદેશ લોકો સુધી પહોંચાડવાની મહત્ત્વની કામગીરી કરી.

સ્વતંત્રતા પછી આ કવિ વિનોબા ભાવેની સર્વોદય અને ભૂદાન ચળવળમાં જોડાયા. એમણે આઝાદીની ચળવળ વખતે ગાંધીજી વિશે ‘સંગીત વરખા’, ‘સંગીત મુખરિયું’, ‘ઝુંગાર’, ‘લાટ્યૂં’ અને ‘પાર્લો’ જેવા ઘણા સંગ્રહો આપ્યા છે; જેમાં ‘સંગીતાંજલિ’ સવિશેષ છે. ‘સમુંદીસિપું’, ‘શિરિન શાયરુ’ (1929) અને ‘શેર-એ-બેવાસ’ (1953) તેમના પ્રગતિકારક વલણના કાવ્યસંગ્રહો છે.

કવિ બેવસના બીજા શિષ્ય હરિ દિલગીર (જ. 1916) પણ સાહિત્યસર્જનમાં લગભગ એ જ રસ્તે ચાલ્યા. શરૂઆતમાં રાજા હરિશ્ર્ચંદ્રની કથા સિંધીમાં સરળ ભાષામાં પ્રસ્તુત કરી. કવિ બેવસ સાથે રહીને એમના માર્ગદર્શન હેઠળ એમણે બાળકાવ્યો પણ લખ્યાં. તે પછી તો તેઓ અવિરત લખતા જ રહ્યા છે. એમણે ઘણી નોંધપાત્ર કૃતિઓ આપી છે. એમની કવિતામાં પ્રકૃતિપ્રેમ વધારે જોવા મળે છે સાથે સાથે માનવ માટેનો પ્રેમ પણ ઉજાગર થાય છે.

અન્ય કેટલાક કવિઓએ પણ આ કાળમાં કવિતાની દુનિયામાં પ્રવેશ કર્યો અને આગળ ચાલીને વિશેષત: દેશના વિભાજન પછી પોતાની કવિતાનો પરિચય કરાવ્યો છે. ગાંધીજી અને સ્વાતંત્ર્ય-સંગ્રામ વિશે કાવ્યરચનાઓ કરનારાઓમાં બેવસ ઉપરાંત રામ પંજવાણી, બલદેવ ગજરા, હૈદરબક્ષ જટોઈ તથા લેખરાજ અઝીઝ, પરસરામ ઝિયા, હરુમલ સદારંગાણી, સોભરાજ નિર્મલદાસ, દયારામ ગિદૂમલ, ડેવનદાસ કિશનાણી ‘આઝાદ’, નારાયણ શ્યામ, ખીઅલદાસ ફાનીનાં નામ ગણાવી શકાય.

ભારતના ભાગલા માટે એક એવી ઘટના હતી જેના કારણે સિંધી સમાજ તેનાં જડ-મૂળથી ઊખડીને વિભાજિત થઈ ગયો હતો. સિંધી સમાજની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક પરિસ્થિતિની ઉપર તેની મોટી અસર થઈ હતી. સિંધી લોકો પોતાના વતનમાંથી છૂટા પડીને પોતાના જ દેશના બીજા ભાગમાં આવ્યા તોપણ શરણાર્થી કહેવાયા ! તેઓ જુદા જુદા પ્રાંતોમાં વેરવિખેર થઈ ગયા. શરૂઆતમાં પેટિયું રળવા માટે તનતોડ મહેનત કરવી પડી હતી. આવા કપરા સમયમાં સાહિત્ય જેવી પ્રવૃત્તિઓ બાજુમાં રહી જાય તે સ્વાભાવિક હતું. ધીરે ધીરે સ્થિરતા આવી તો સાહિત્યસર્જન તરફ પણ લેખકો-કવિઓનું ધ્યાન ગયું. આવા સમયમાં જે કૃતિઓ લખાઈ તેમાં વતનથી વિખૂટા પડવાની પીડા, સિંધ અને સિંધુ નદીની સ્મૃતિ, સિંધી બેરૅકોમાં નરક જેવું જીવન જીવતા સિંધી લોકોની વ્યથાઓનું ચિત્રણ વધુ જોવા મળે છે.

પરિસ્થિતિઓ સામે ઝૂઝીને સિંધી સમાજે ધીરે ધીરે બધું થાળે પાડ્યું. સ્થિર થયા પછી, જખમો કંઈક રુઝાયા પછી એમની કવિતામાં બીજા વિષયો પણ દેખાવા શરૂ થયા.

સ્વતંત્રતા પછી ભારતમાં નારાયણ શ્યામ (1922-1989) સિંધીના એક મોટા કવિ થયા. એવું જ સ્થાન સિંધમાં શેખ અયાઝને પ્રાપ્ત થયું.

નારાયણ શ્યામના ઘણા કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે : ‘પંખડિયૂં’, ‘રંગ રતી લહર’, ‘માક બિના રાબેલ’, ‘વારીઅ ભર્યો પલાંદ’ વગેરે. એમનાં કાવ્યોમાં ઊંડા ખ્યાલો, અનુભવેલી પરિસ્થિતિઓ વગેરેનું સૂક્ષ્મ નિરીક્ષણ જોવા મળે છે.

સિંધી કાવ્યની પાંચસો વર્ષ જૂની પરંપરા ઉત્તરોત્તર વિકાસ પામતી રહી છે. સિંધીમાં ફારસી કાવ્યપ્રકાર ‘ગઝલ’ અને ‘રુબાયત’ ઘણી લોકપ્રિય થઈ છે. નારાયણ શ્યામ ઉપરાંત સુગન આહુજા, અર્જુન હાસિદ (જ. 1930), એમ. કમલ તથા અન્ય કવિઓએ શ્રેષ્ઠ ગઝલો લખી છે. હરુમલ સદારંગાણી ‘ખાદિમે’ (1913-1992) સુંદર રુબાયતો લખી છે. પરસરામ ઝિયા (1911-1962), મોતી પ્રકાશ (જ. 1931), કૃષ્ણ રાહી, અર્જુન સિકાયલ, વાસુદેવ નિર્મલ (જ. 1936), ખીઅલદાસ ‘ફાની’ (જ. 1914) વગેરેએ વિવિધ પ્રકારનાં કાવ્યો લખ્યાં છે. ગોવર્ધન ભારતીએ (જ. 1929) મધુર ગીતો લખ્યાં છે. ઇન્દ્ર ભોજવાણી (1918-1992) ખૂબ જ વિચારપ્રધાન દોહા-સોરઠા લખીને પ્રસિદ્ધિ પામ્યા છે. એમણે એક પંક્તિનો કાવ્યપ્રકાર ‘તન્હા’ આપ્યો છે. આ પ્રકારનાં કાવ્યો અન્ય કોઈ ભાષામાં જોવા મળ્યાં નથી. હરિકાન્ત આઠ પંક્તિઓના કાવ્ય ‘તરાઈલ’ના તો પ્રભુ વફા (જ. 1915) પાંચ પંક્તિના ‘પંજકડા’ના નિષ્ણાત ગણાય છે. નારાયણ શ્યામે જાપાનના ‘હાઈકુ’ની જેમ ‘તસ્વીરું’ કાવ્યપ્રકાર ખેડ્યો છે. આનંદ ખેમાણી, હરીશ વાસવાણી, વાસુદેવ મોહી, નામદેવ તારાચંદાણી, પ્રેમ પ્રકાશ વગેરે આધુનિક કવિતાના જાણીતા કવિઓ છે.

આ રીતે સિંધી કાવ્યે જુદા જુદા ગાળામાંથી પસાર થતાં પોતાની મૂળ પરંપરાના કાવ્યપ્રકારો – દોહા, સોરઠા, બેત, વાઈ, કાફી, શ્ર્લોક, મસ્નવી વગેરે તો જાળવી રાખ્યા છે સાથે સાથે ફારસીની ગઝલ અને રુબાયત, ઉર્દૂની નજમ, અંગ્રેજીની સૉનેટ, જાપાનનું હાઈકુ જેવા પ્રકારો પણ અપનાવ્યા છે.

સ્વતંત્રતા પછી સિંધી કાવ્યમાં ઘણા નવા નવા પ્રયોગો થતા રહ્યા છે. કલાપક્ષ તથા ભાવપક્ષની દૃષ્ટિએ સિંધી કવિતા ખૂબ જ સબળ છે.

કથાસાહિત્ય : 1853માં હાલની અરબી-સિંધી લિપિ અસ્તિત્વમાં આવી. એ સાથે સાહિત્યસર્જનની પ્રવૃત્તિઓને વેગ મળ્યો. કથાસાહિત્યની શરૂઆત ઉર્દૂ અને હિંદીમાંથી અનુવાદોથી થઈ. ઈસપ, પંચતંત્ર, ગુલબંકાવલિ, અલિફ-લયલા, હાતિમતાઈ, મુમતાઝ-દમસાઝ જેવા જાણીતા કિસ્સાઓના અનુવાદો થયા. વિશ્ર્વસાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓના અનુવાદો પણ પ્રસિદ્ધ થયા.

ટૂંકી વાર્તાના ક્ષેત્રે મહત્ત્વની ગણી શકાય એવી વાર્તાઓ સ્વતંત્રતા પહેલાં ઓછી લખાઈ હતી. જગતિયાણી લાલચંદ અમરડિનોમલ (1885-1954) કૃત ‘હુર મખીઅ જા’ (1914) સિંધીની પ્રથમ ટૂંકી વાર્તા ગણાય છે. મહત્ત્વની વાર્તાઓમાં મુખ્ય છે : અમરલાલ હિંગોરાણીની ‘અદો અબ્દુલ રહમાન’. આ વાર્તા 1930માં પ્રસિદ્ધ થઈ હતી. ટૂંકી વાર્તાના સાહિત્યમાં એ એક ગણનાપાત્ર વાર્તા છે. સ્વતંત્રતા પહેલાંની અન્ય ઉલ્લેખનીય વાર્તાઓની યાદીમાં આસાનંદ મામતોરાની ‘પાપ એન પ્રેમ જુ કહાનિયાં’ (1939), ‘ગંવારણ’ ઉર્ફે ‘કિકી’, હરુમલ સદારંગાણીની ‘ભીમો થરી’, લેખુ તુલસ્યાણીની ‘મંજરી કોલ્હણ’, કીરત બાબાણીની ‘હૂઅ’, હશૂ કેવલરામાણીની ‘પદમા’, શેખ અયાઝની ‘રોલો’ વગેરેનાં નામ મૂકી શકાય.

સ્વતંત્રતા પછી દેશનું વિભાજન થયું અને સિંધી-હિન્દુ લોકો સમક્ષ તદ્દન નવા વાતાવરણમાં નવા પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ. આ સમસ્યાઓની પીડાને સર્જકોએ પોતાની વાર્તાઓ દ્વારા રજૂ કરી. ગંદકીથી ખદબદતી ચાલીઓ અને બૅરેકમાં રહેતા સિંધી લોકોની આર્થિક અને કૌટુંબિક સમસ્યાઓ, પેટિયું રળવા માટે લોકલ ટ્રેનોમાં પિપરમિંટ-ગોળીઓ વેચતાં નાનાં બાળકોની મૂંઝવણો, પાપડ અને વડીઓ વેચવા માટે ઘેરઘેર ફરતી સિંધી સ્ત્રીઓની પરેશાનીઓ, વળતરના દાવાઓ માટે સરકારી અધિકારીઓ પાસે કરગરતા સિંધી લોકો અને તેમની સાથે સરકારી અધિકારીઓનું અમાનવીય વર્તન જેવા વિષયો પર શરૂઆતમાં સુંદર વાર્તાઓ લખાઈ. સુંદરી ઉત્તમચંદાણીની ‘ભૂરી’, નારાયણ ભારતીની ‘ક્લેમ’ અને ‘દસ્તાવેજ’, ગોવર્ધન ભારતીની ‘પંહિંજો પરાઓ’ વગેરે તેનાં ઉદાહરણો છે.

એ જ સમયમાં લખાયેલી વાર્તાઓમાં સિંધની સ્મૃતિ પણ મુખ્ય વિષય રહી. આ વિષયની વાર્તાઓમાં આનંદ ગોલાણીની ‘ગામડો’, કલા પ્રકાશની ‘ખાનવાહણ’ વગેરે અસરકારક કહી શકાય એવી વાર્તાઓ છે.

1958 પછી સિંધી ટૂંકી વાર્તામાં નવા નવા લેખકો દ્વારા નવા નવા વિષયો આવવા લાગ્યા. આજે સિંધી ટૂંકી વાર્તાએ ઘણી પ્રગતિ કરી છે. ગુનો સામતાણી(1934)એ માનવીના માનસનું મનોવિશ્ર્લેષણ દર્શાવતા ‘પ્રલય’, ‘અભિમાન’ (1965), ‘અપરાજિતા’ (1970) જેવા વાર્તાસંગ્રહો આપ્યા છે. નવા વાર્તાકારોમાં મોહન કલ્પના(1930)એ પ્રેમના નાજુક તંતુઓના અનેક વાર્તાસંગ્રહો આપ્યા છે. લાલ પુષ્પે (1935) ખોખલા આદર્શોને ઉઘાડા પાડતા 9 વાર્તાસંગ્રહો આપ્યા છે. વિષ્ણુ ભાટિયા(1941)એ સેક્સ જેવા વિષયને આવરી લેતી ‘ચંદ્રમુખી : સિજા જા ટુકરા’ જેવી વાર્તાઓ આપી છે; ઈશ્ર્વરચંદર (1937) કૌટુંબિક જીવનમાં પડતી તિરાડોને પોતાની વાર્તાઓ દ્વારા સુંદર રીતે રજૂ કરી શક્યા છે; ક્રિશ્ન ખતવાણી(1927)નો ‘અકેલી’ (1980) લાલિત્યપૂર્ણ વાર્તાસંગ્રહ છે; હરીશ વાસવાણી (1944), શ્યામ જયસિંઘાણી (1937), હરિ મોટવાણી વગેરે આધુનિક વાર્તાઓના લેખકો છે. મહિલા લેખકોમાં સુંદરી ઉત્તમચંદાણી, કલા પ્રકાશ, પોપટી હીરાનંદાણી, તારા મીરચંદાણી વગેરે શ્રેષ્ઠ વાર્તાકારો તરીકે જાણીતાં છે.

સિંધી ટૂંકી વાર્તા આજે કોઈ પણ ભારતીય ભાષાની વાર્તાની બરાબરીમાં ઊભી રહી શકે એટલી સક્ષમ છે.

નવલકથા : સિંધી નવલકથાના ક્ષેત્રે શરૂઆતમાં મિર્ઝા કલીચ બેગે કામ કર્યું. એમણે 1888માં ‘દિલારામ’ નામે મૌલિક નવલકથા લખી. 1890માં એમણે બીજી નવલકથા ‘જીનત’ લખી. બંને નવલકથાઓ સાહિત્યિક કૃતિઓ તરીકે નબળી હોવા છતાં મિર્ઝાસાહેબની સ્વાભાવિક ભાષાના કારણે ઉલ્લેખનીય કહી શકાય.

1940ના દસકામાં સિંધી સાહિત્યમાં પ્રગતિકારક વલણના વિકાસની પ્રેરણા જાગી. મુનશી પ્રેમચંદ, ક્રિશ્નચંદર, ખ્વાજા એહમદ અબ્બાસ જેવાની વાર્તાઓ સિંધીમાં અનૂદિત કરાઈ. 1941માં ‘રેગિસ્તાની ફૂલ’ નામક ખૂબ સારો વાર્તાસંગ્રહ પ્રગટ થયો. ગોવિંદ માલહીં અને સોભો ગ્યાનચંદાણીએ વાર્તાસંગ્રહો આપ્યા. ગોવિંદ પંજાબી(જ. 1918)એ ‘શર્દ આહુન’ (1940) અને ‘પ્રહફૂટી’ (ધ ડૉન, 1945) અને ‘ફરક’ (ધ ફ્લેપ્પિંગ, 1945) પ્રગતિવાદ પરના વધુ બે વાર્તાસંગ્રહો તે સમયે મળ્યા. વળી ચુસ્ત પ્રગતિવાદી એ. જે. ઉત્તમે ‘શિકસ્ત’ (1944), ‘આખિર કેસિતૈન’ (હાઉ લાગ, આફ્ટર ઑલ, 1945) નામક વાર્તાસંગ્રહો આપ્યા છે.

લાલચંદ અમરડિનોમલે ‘ચોથ જો ચંડુ’ નવલકથા લખીને પહેલી વાર કથાવસ્તુ તરફ વિશેષ ધ્યાન આપ્યું. તે પછી એમની ‘આનંદ સુંદરિકા’ અને ‘મોહિનીબાઈ’ નવલકથાઓ પણ પ્રસિદ્ધ થઈ. સેવક ભોજરાજે 1933માં ‘આશીર્વાદ’ નવલકથા લખી જે સિંધીની શ્રેષ્ઠ નવલકથાઓમાંની એક ગણાય છે. અન્ય નવલકથાઓમાં આસાનંદ મામતોરાની ‘શાઇર’ (1941), ગુલી સદારંગાણીની ‘ઇતિહાદ’, નારાયણદાસ ભંભાણીની ત્રણ નવલકથાઓ ‘માલ્હિણ’ (1942), ‘વિધવા’ (1943) અને ‘ગરીબન જો વર્સો’ (1946) વગેરે સ્વતંત્રતા પહેલાં લખાયેલી ઉલ્લેખનીય નવલકથાઓ છે.

સ્વતંત્રતા બાદ નવલકથાલેખનને ગતિ મળી. ઘણા લેખકોએ નવલકથાઓ લખી. સૌથી વધુ નવલકથાઓ ગોબિંદ માલ્હીએ લખી છે. એમની નવલકથાઓમાં મુખ્ય છે : ‘પખીઅડા વલર ખાં વિછડ્યા’, ‘શર્મબૂટી’, ‘દેસી સેણ કજન’, ‘પ્યાર જી પ્યાસ’, ‘ઇશ્ક ન આહે રાંદિ’ વગેરે. રામ પંજવાણીએ ‘જિંદગી ઐં મૌત’, ‘આહે ન આહે’, ‘ધીઅર ન જમન’ વગેરે નવલકથાઓ લખી છે. અન્ય લેખકો અને તેમની નવલકથાઓ નીચે પ્રમાણે છે :

ચંદુલાલ જયસિંઘાણી (‘અપરાધી’, ‘પહાડી ચોટિયૂં’, ‘બાદલભૂમિ’, ‘ભિન્ન ભિન્ન પન પવન મેં’, ‘બિંદી’ વગેરે).

સુંદરી ઉત્તમચંદાણી (‘પ્રીત પુરાણી રીત નિરાલી’, ‘કિરંદડ દીવારૂં’), પોપટી હીરાનંદાણી (‘મંજૂ’, ‘હસરતુન જી તુરબત’, ‘જીઅ મેં ઝોરી તન મેં તાતિ’, ‘સેલાબ જિંદગીઅ જો’ વગેરે), પરમ અબિચંદાણી (‘ઝરણા’, ‘હિક જર બ જિભિયૂં’, ‘ઇએં બિ’), કલા પ્રકાશ (‘હિક દિલ હજાર અરમાન’, ‘શીશે જી દિલ’, ‘હિકુ સુપનો સુખન જો’), મોહન કલ્પના [‘અંજાં રાત બાકી આહે’, ‘રુંજ ઐં પાછો’ (1966), ‘જલવતનિ’, ‘માઉ’], શ્યામ જયસિંઘાણી [‘કચ્ચા ધાગા’, ‘ખાહીઅ જે ચૌતરફ’ (1976)], લાલ પુષ્પ (‘હિક સર્દ દીવાર’, ‘હુન જે આત્મ જો મોત’), મોતીલાલ જોતવાણી [‘નારંગી ટ્રાફિક લાઇટ તે’ (1974), ‘ઇહે રિશ્તા-નાતા’, ‘કોઠ’], સુંદર હશ્મતરાય (‘નિરાસ નારી’, ‘જીવન બીના’, ‘પિકનિક ઐં પ્યાર’), હરિ હિમથાણી (‘પઘિરિયલ હથ’, ‘રાત જો ખિયો પહર’, ‘માઝીઅ જા ડંગ’), લાલ પુષ્પની ‘હૂણા જે આતમા જો મોત’ (1973), ખેતવાણીની ઉત્તમ નવલકથા ‘યાદ હિકા પ્યાર જી’ (1978), સિંધી સાહિત્યના પ્રવર્તમાન વલણની પ્રથમ સિંધી નવલકથા ‘હિકા શખ્સ જિ વાસના’ (લસ્ટ ઑવ્ અ મૅન, 1970), અને પરમ અભિચંદાણીની અદ્યતન ‘નવી’ નવલકથા ‘ઇએન બી’ (ધેટ ટૂ, 1988) જાણીતી છે.

નવલકથાઓની સંખ્યા ખાસ્સી એવી મોટી હોવા છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી નવલકથાલેખનની પ્રવૃત્તિ મંદ પડી ગઈ છે.

ગદ્યસાહિત્યના સ્તંભો : સિંધી સાહિત્યના ગદ્યનો યુગ ક્યારે શરૂ થયો તે બાબતે ખાતરીથી કહી શકાય એવી કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. અઢારમી સદીમાં મખ્દૂમ રહીમ ગરહોડીનાં સાત વાક્યો ગદ્યસ્વરૂપે પ્રાપ્ત થયાં છે જે સુવિચારો અથવા લોકોક્તિઓની જેમ મશહૂર થયાં. આ તથા આવી એકાદ રચના સિવાય ગદ્યની કોઈ રચના મળતી નથી; પરંતુ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં સિંધી ગદ્ય-સાહિત્યનો ઉદય થયો.

કૌડોમલ ચંદનમલ ખિલનાણી, મિર્ઝા કલીચ બેગ, દયારામ ગિદૂમલ અને પરમાનંદ મેવારામ – આ ચાર લેખકોને સિંધી ગદ્ય-સાહિત્યના મુખ્ય સ્તંભો તરીકે ગણવામાં આવે છે.

બ્રિટિશરોએ 1843માં સિંધ કબજે કર્યા પછી સિંધી ભાષાના વિકાસ માટે પાઠ્યપુસ્તકોના છાપકામ માટે લિથોગ્રાફિક મુદ્રણાલયો સ્થાપવાનો નિર્ણય લીધો. સૌપ્રથમ મુંબઈ, પછી કરાંચી, સક્કર અને હૈદરાબાદ ખાતે એવાં પ્રેસની સ્થાપના કરવામાં આવી. શાળામાં નવો પ્રવેશ મેળવનાર માટે નંદિરામ મિરાણીની ‘બાબનામો’ નામની બાળપોથી 1853માં પહેલી વાર છપાઈને બહાર પડી. તે જ વર્ષે ઉધારામ થાવરદાસ મિરચંદાણીએ (1833-1883) ‘પહિરિયાં કિતાબ’ અને ‘બી’યુ કિતાબ’ સિંધીમાં ધોરણ 1 અને 2 માટે તથા પ્રભદાસ આનંદરામે ‘તિઓન કિતાબ’ અને ‘ચોથો કિતાબ’નું ધોરણ 3 અને 4 માટે સંકલન કર્યું.

ઈસ્ટવીકનો સિંધી શબ્દકોશ (1843) અને કૅપ્ટન જ્યૉર્જ સ્ટેકનો 12,000 શબ્દો ધરાવતો વ્યાકરણ-શબ્દકોશને લગતો ગ્રંથ (1849) અગત્યના ગણાય છે. કૅપ્ટન સ્ટેકે સિંધી-અંગ્રેજી શબ્દકોશ તૈયાર કરેલો. તે તૈયાર કરવામાં હૈદરાબાદના બે વિદ્વાનો પંડિત બ્રહ્મસચ્ચિદાનંદ અને પંડિત જેટારામે સ્ટેકને વધુમાં વધુ મદદ કરેલી.

1858માં અર્નેસ્ટ ટ્રમ્પે ‘સિંધી રીડિંગ બુક’ (વાચનમાળા) તથા 1872માં દેવનાગરી અને ફારસી-અરબીમાં ‘ગ્રામર ઇન સિંધી લૅંગ્વેજ’ પ્રગટ કર્યાં, જ્યારે સાધુ નવલરાયે (1848-93) સ્થાપેલી શીખ સભાએ 1868માં ગુરુમુખીમાં સાહિત્ય પ્રગટ કર્યું. તે પહેલાં 1866માં શાહ લતીફના ‘રિસાલો’ની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ હતી.

નંદિરામ મિરાણી અને ઉધારામ થાવરદાસે મહત્ત્વના શૈક્ષણિક ગ્રંથોના પ્રકાશનનું કામ કર્યું. ઈસપનાં બોધવચનોનો અનુવાદ કર્યો અને 1854થી 1861 દરમિયાન ડ્રૉઇંગ, ગણિત, ભૂગોળ અને બીજગણિતનાં પુસ્તકો તૈયાર કર્યાં. ધો. 1, 2 માટે સિંધી વ્યાકરણ અને ઉર્દૂમાંથી જગતનો ઇતિહાસ સિંધીમાં ઉતાર્યા. 1869માં કામસેન અને કામરૂપ, 1871માં મહિર મુનિર જેવી લોકકથાઓ સંપાદિત કરી.

પ્રિભદાસ આનંદરામ, ગુલામઅલી, મિરાત મોહમ્મદ શાહ મિયા મહમદ આલુમલ ત્રિકમદાસ, કૌડોમલ ચંદનમલ, પ્રીતમદાસ અને ક્રિશ્ન શાસ્ત્રીએ શૈક્ષણિક પુસ્તકોના સંચાલનમાં મહત્ત્વનું પ્રદાન કર્યું.

એલ. વી. પરાંજપેનો શબ્દકોશ (1868), અબ્દુલરહીમનો સિંધી-ફારસી કોશ (1871), અખુંડ ફતેહમહમદનો ‘કશિફ’ (વ્યુત્પત્તિ), 1875માં શિર્ત, થાવરદાસ અને મિર્ઝા સાદિકઅલીનો સિંધી-અંગ્રેજી કોશ, ઝમતમલ વરુમલનો વ્યુત્પત્તિકોશ (1886) અને સિંધી વ્યાકરણ (1892) અહીં ઉલ્લેખનીય છે. રોચીરામ ગજુમલે 500 સિંધી કહેવતો, સમાનાર્થી અંગ્રેજી કહેવતો સહિતનો ભાગ 1 અને એવી જ 250 સિંધી કહેવતોનો ભાગ 2 પ્રગટ કર્યા. બુલચંદ કોડુમલે 1892માં ઇંગ્લૅન્ડનો ઇતિહાસ સરળ ભાષામાં આપ્યો.

કૌડોમલ ચંદનમલ ખિલનાણીએ (1844-1916) સૌપ્રથમ પાઠ્યપુસ્તકો તૈયાર કર્યાં; પરંતુ કૌડોમલને એમનાં પાઠ્યપુસ્તકો માટે નહિ પણ એમણે શરૂઆતના કાળમાં સિંધી સાહિત્યને આપેલા અમૂલ્ય યોગદાન માટે યાદ કરવામાં આવે છે. એમણે ‘પકો પહ’ (1862) નિબંધ લખ્યો જેમાં મહિલાઓને શિક્ષણ આપવાની તરફેણ કરવામાં આવી છે. ભારતીય મહિલાઓની જીવનકથાઓ પર આધારિત બંગાળી પુસ્તક ‘આર્યનારી ચરિત્ર’(1905)નો સિંધીમાં અનુવાદ કર્યો. વિવિધ વિષયો પર એમણે ઘણા નિબંધો લખ્યા. એમનાં લખાણોની ભાષા અને રજૂઆત ઘણી પ્રભાવશાળી હતી. એમના લખેલા નિબંધોનો એક સંગ્રહ સાહિત્ય અકાદમીએ ‘સાહિત્યિક પુષ્પ’ નામે પ્રસિદ્ધ કર્યો છે.

બીજા સ્તંભ મિર્ઝા કલીચ બેગ(1853-1929)નો કાવ્યક્ષેત્રે એમના પ્રદાન બદલ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેઓ બ્રિટિશ સમયના સૌથી અગ્રણી લેખક તરીકે ઊભરી આવ્યા હતા. કેટલાક લોકો આના કારણે એ કાળને ‘મિર્ઝા કલીચ બેગ યુગ’ તરીકે ઓળખે છે. એમણે કાવ્ય ઉપરાંત નવલકથાઓ, નાટકો, નિબંધો અને અન્ય સાહિત્યપ્રકારોનાં સૌથી વધુ પુસ્તકો સિંધી સાહિત્યને આપ્યાં. એમનાં પ્રકાશિત પુસ્તકોની સંખ્યા દોઢસોથી વધુ થવા જાય છે. અપ્રકાશિત પુસ્તકોની સંખ્યા પણ લગભગ એટલી જ માનવામાં આવે છે. આટલું મોટું પ્રદાન બીજા કોઈ લેખકે આપ્યું નથી. એમની નોંધપાત્ર કૃતિઓમાં ‘શાહ ભિટાઈઅ જો અહેવાલ’ (1885), ‘લુઘાત લતીફ’ (1905) અને ‘કદીમ સિંઘ’ (1925) મુખ્ય છે.

મુખ્ય સ્તંભોમાં ત્રીજું નામ છે દયારામ ગિદૂમલ(1857-1927)નું. તેઓ મહાપુરુષ અને લોકસેવક હતા. સિંધી શિક્ષણ અને સામાજિક સુધારાઓનો પ્રચાર-પ્રસાર કરવા માટે એમણે કેટલીક સંસ્થાઓની સ્થાપના કરી. ગૂઢ અને દાર્શનિક વિષયો પર એમણે સરળ ભાષામાં પુસ્તકો લખ્યાં. ‘સામીઅ જે સલોકન જો તાત્પુરજ’ (1885), ‘ભગવત ગીતા જો સાર’ (1893) વગેરે સિંધી સાહિત્યનાં પ્રશિષ્ટ પુસ્તકો ગણાય છે. એમણે મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે કેટલીક પુસ્તિકાઓ પણ લખી જેમાં કૌટુંબિક સમસ્યાઓ, દહેજની પ્રથા, શિક્ષણનું મહત્ત્વ જેવા વિષયો આવરી લીધા છે. તેઓ સિંધીમાં મહાન નિબંધકારો પૈકીના એક છે.

ચોથા સ્તંભ પરમાનંદ મેવારામે (1865-1938) ‘જ્યોત’ પત્રિકા દ્વારા સિંધી સાહિત્યની પ્રગતિમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. ‘જ્યોત’માં તેઓ નિયમિત લખતા હતા અને તેનું સ્તર ખૂબ ઊંચું હતું. 1904માં એમણે ‘જ્યોત’ પત્રિકામાં લખેલી એમની કૃતિઓનું ‘દિલ બહાર’ શીર્ષકથી ચાર ભાગમાં પ્રકાશન કર્યું. તે પછી એમણે ‘ગુલફૂલ’ નામથી બીજા બે સંગ્રહો (1925 અને 1936) આપ્યા. એમની કૃતિઓમાં વિષયોની વિવિધતા અને હાસ્યનાં તત્ત્વો વધારે જોવા મળે છે. સિંધી ભાષા અને સાહિત્યની પ્રગતિમાં એમનું અમૂલ્ય પ્રદાન એમણે તૈયાર કરેલા બે શબ્દકોશ – ‘સિંધી-અંગ્રેજી ડિક્ષનરી’ (1910) અને ‘અંગ્રેજી-સિંધી ડિક્ષનરી’ (1933) છે, જે આજે પણ અનુવાદ જેવા અઘરા કાર્યમાં ઉપયોગમાં લેવાય છે. તે પણ મહાન નિબંધકાર હતા.

આ ચાર સાહિત્યકારોની જેમ બીજા ચાર સાહિત્યકારો પણ જાણીતા છે. ડૉ. હોતચંદ ગુરબક્ષાણી(1884-1947)એ જોગીન્દ્રસિંહની અંગ્રેજી નવલકથા ‘નૂરજહાન’નો અનુવાદ કર્યો; પરંતુ ‘શાહ જો રિસાલો’ એમનું અમૂલ્ય કાર્ય ગણાય છે. એમણે ખૂબ મહેનત કરીને શાહ અબ્દુલ લતીફનાં કાવ્યોનું સંપાદન કર્યું, જેમાં દરેક ‘સૂર’(પ્રકરણ)ની સમજૂતી આપી, શબ્દોના અર્થ સમજાવ્યા અને શાહનાં કાવ્યની ખૂબીઓની ઊંડાણથી ચર્ચા કરી. ભેરુમલ મહેરચંદે (1875-1950) ‘અંકલ ટૉમ્સ કૅબિન’ નવલકથાનો અનુવાદ ‘ગોલન જા ગૂંદર’ (1928) નામથી કર્યો. એમણે નિબંધો લખ્યા. ‘સિંધ જો સેલાની’ (1933), ‘લતીફી સેર’ (1926) જેવા પ્રવાસનાં પુસ્તકો લખ્યાં; પરંતુ ભેરુમલ મહેરચંદને એમના ‘સિંધી બોલીઅ જી તારીખ’ (1941) માટે વધારે યાદ કરવામાં આવે છે. જેઠમલ પરસરામે (1885-1948) શાહ લતીફના વ્યક્તિત્વ તથા વાઙ્મય વિશે ‘શાહ’ (1915), ‘શાહ જૂ આખાણિયૂં’ (1922) અને ‘શાહ ભિટાઈ’ (1923) પુસ્તકો લખ્યાં. સચલના કાર્ય વિશે ‘સચલ સરમસ્ત’ (1922) લખ્યું. લાલચંદ અમરડિનોમલ (1885-1954) ગદ્યસાહિત્યના આ કાળના એક પ્રમુખ સર્જક તરીકે સિંધી સાહિત્યમાં જાણીતા છે. એમણે ઘણુંબધું લખ્યું. ભાષા ઉપરનું એમનું પ્રભુત્વ એટલું બધું હતું કે કોઈ પણ વસ્તુની રજૂઆત તેઓ ખૂબ પ્રભાવશાળી રીતે કરી શકતા. રૂઢિપ્રયોગો, લોકોક્તિઓ, કહેવતોનો પ્રયોગ એમની ભાષામાં સહજ રીતે જોવા મળે છે. એમની અગત્યની કૃતિઓમાં ‘શાહાણો શાહ’ અને ‘સૂંહારો સચલ’, ‘ફુલન મુઠિ’ વગેરેને ગણાવી શકાય.

પોકરદાસ અને હરિસિંગે પ્રેમકથાઓ અને ભૂતપ્રેતની રોમાંચિત કથાઓના અનુવાદ આપ્યા. પરીકથા, રાક્ષસકથા આદિકથાઓના અનુવાદો થયા. નિહાલચંદે મૂળ ઉર્દૂ કૃતિ પરથી ‘ગુલબંકાવલી’(1890)નો અનુવાદ આપ્યો. હાજી ઇમામબક્ષે ઉર્દૂમાંથી ‘ચાર દરવિશ’ (1890) અને ‘હાતિમતાઈ’(1894)ના અનુવાદ અને અરેબિયન નાઇટ્સનો અનુવાદ ‘અલિફ-લયલા’ (1899) આપ્યા. સ્કૉટના ‘ટેલિસ્થાન’નો અનુવાદ (1891) ભેરુમલ મહેરચંદે જ્યારે 1894માં શોભરાજ હાસારામે ‘સભા-જો-સિંગાર’ આપ્યો.

નિબંધસાહિત્ય : સ્વતંત્રતા પહેલાંના સમયમાં સાધુ નવલરાય અને સાધુ હીરાનંદના સામાજિક નિબંધો પત્ર-પત્રિકાઓમાં છપાતા હતા. સાહિબસિંહ શહાણી તથા ખાનચંદ પ્રતાપરાયના નિબંધો પણ પ્રસિદ્ધ થયા; પરંતુ દીવાન કૌડોમલ ચંદનમલ, મિર્ઝા કલીચ બેગ, દયારામ ગિદૂમલ અને પરમાનંદ મેવારામના નિબંધો વધારે અસરકારક રહ્યા. દીવાન કૌડોમલે ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક નિબંધો લખ્યા. મિર્ઝા કલીચ બેગે ઘણા વિષયોને પોતાના નિબંધોમાં સમાવ્યા. દયારામ ગિદૂમલે ચારિત્ર્ય તથા આત્મિક ઉન્નતિને પોતાના નિબંધોનો વિષય બનાવ્યો અને પરમાનંદ મેવારામે સામાન્ય લાગતા હોય એવા વિષયોને પણ સુંદર રીતે નિબંધોમાં આવરી લઈને સૌનું ધ્યાન ખેંચ્યું. નારાયણદાસ મલકાણીનું ‘ગોઠાણી ચહર’, વાધૂમલ ગંગારામનું ‘પંગતી ઇન્કલાબ’, તીર્થ બસન્તનું ‘ચિણગૂં’, લેખરાજ અઝીઝનું ‘અદબી આઇનો’, નાનકરામ મીરચંદાણીનું ‘વિચાર’ વગેરે સ્વતંત્રતા પહેલાં પ્રસિદ્ધ થયેલા નિબંધોનાં પુસ્તકો છે.

સ્વતંત્રતા પછી સિંધી ભાષા, સાહિત્ય, લોકકલાઓ, ઇતિહાસ, રાજનીતિ જેવા વિષયો પર મોટી સંખ્યામાં નિબંધો લખાયા છે.

ભાષા-સાહિત્યને લગતા વિષયો પર લખાયેલા નિબંધોમાં લાલસિંહ અજવાણીનો ‘સોની મૂડી’, લીલારામ રૂપચંદાણીનો ‘સદા સૂંહારા સિંધી’, મુરલીધર જેટલીનો ‘સિંધી બોલીઅ જૂં મુખ્ય ખાસિયતૂં’, લક્ષ્મણ ખૂબચંદાણીનો ‘ભારત મેં સિંધી બોલીઅ જો બદિલજંદડુ રૂપ’નો સમાવેશ થાય છે.

રાજનીતિના વિષયો પર લખાયેલા નિબંધોમાં ઉત્તમનો ‘લેનિન ઐં સિંધી’, કીરત બાબાણીનો ‘બોલીવાર પરગણા’ વગેરે; લોકસાહિત્યના નિબંધોમાં નારાયણ ભારતીના કેટલાક નિબંધો, પ્રીતમ વરિયાણીનો ‘લોકસંસ્કૃતિ ઐં સિંધી અદબ’, ભગવાન કપૂરનો ‘સિંધી ઝાલુન જો ગહિણો-નથ’, ગંગારામ સમ્રાટનો ‘સિંધી પહાકા ઐં ગૈરસિંધી બોલિયૂં’ વગેરે; ધાર્મિક અને સામાજિક નાટકો વિશે તીર્થ સભાણીના ઘણા નિબંધો, ઐતિહાસિક નિબંધોમાં ગંગારામ સમ્રાટ, લીલારામ રૂપચંદાણીના અમુક નિબંધો, કિશનચંદ જેટલીનો ‘સિંધ જે ગોઠન યા શહરન જે નાલન મેં પ્રાચીન ઇતિહાસ’ વગેરે ઉલ્લેખનીય છે.

લલિત નિબંધો સ્વતંત્રતા પહેલાં ઘણા સારા લખાયા હતા. ભેરુમલ મહેરચંદનો ‘પ્રેમ’, નારાયણદાસ મલકાણીનો ‘હીણા હરકંહિં વહીણા’, મિર્ઝા કલીચ બેગનો ‘શાઇર છા ખે ચઇજે’, લીલારામ પ્રેમચંદનો ‘પરાઈ પચર’, હકીમ ફતેહ મોહમ્મદનો ‘આઝાદી ઐં ગુલામીઅ જો ફર્ક’ વગેરે તેનાં કેટલાંક ઉદાહરણો છે. આ પ્રકારના નિબંધોની ભાષા-શૈલી સુંદર હતી; પરંતુ સ્વતંત્રતા પછી આવા નિબંધો નહિવત્ લખાયા છે.

ચરિત્રસાહિત્ય : જીવનચરિત્રો સિંધીમાં ખૂબ લખાયાં છે. ભાગ્યે જ એવી કોઈ મહાન વ્યક્તિ મળશે જેના વિશે ન લખાયું હોય. દીપચંદ્ર બેલાણી અને દયાલ આશાએ આ ક્ષેત્રે ઉલ્લેખનીય કામ કર્યું છે. તીર્થ બસન્તનું ભગત કંવરરામ વિશેનું જીવનચરિત્ર ‘કંવર’ એક નોંધપાત્ર રચના છે. આત્મકથાઓ છેલ્લાં વીસેક વર્ષમાં ખૂબ સારી લખાઈ છે. ગોબિંદ માલ્હીની ‘અદભ ઐં અદીબ’ (ચાર ભાગમાં), કીરત બાબાણીની ‘કુછ બુધાયુમ કુછ લિકાયુમ’ (બે ભાગમાં), મોતીલાલ જોતવાણીની ‘આત્મકથા જે નાલે મેં’ વગેરે તેનાં ઉદાહરણો છે. વીના શ્રિન્ગીએ પોતાના જીવનના પ્રસંગોને આવરી લેતું એક પુસ્તક ‘મુંહિંજે પેશે જા ગુલ-વ-ખાર’ નામે લખ્યું છે.

પ્રવાસવર્ણન : પ્રવાસવર્ણનનાં પુસ્તકો શરૂઆતના સમયમાં બહુ ઓછાં લખાયા હતાં. લાલચંદ અમરડિનોમલનું ‘મુઆફરીઅ જો મજો ઐં સૈર જો રંગ’, નારાયણદાસ મલકાણીનું ‘કશ્મીર જો સૈર’ (1926), અલ્લહ બચોયો સમોનું ‘સૈર કોહિસ્તાન’ (1942), મનોહરદાસ કૌડોમલનું ‘હિન્દ જો સૈર’ (1926) વગેરે જેવાં થોડાંક પુસ્તકો તેનાં ઉદાહરણો છે; પરંતુ હવે આ ક્ષેત્રે નોંધપાત્ર કહી શકાય એટલું સાહિત્ય પ્રસિદ્ધ થયું છે. મંઘારામ મલકાણીનું ‘પછિમ યાત્રા’ (1963), લખમી ખિલાણીનું ‘મન જા મહલ ખંડહર’, રીટા શહાણીનું ‘ખથૂરીઅ જી ખાણ’ (1985) વગેરે સ્વતંત્રતા પછી લખાયેલાં પ્રવાસવર્ણનનાં પુસ્તકો છે. દેશના ભાગલા પછી હિન્દ અને સિંધના સિંધી લેખકોનું એક-બીજા પ્રત્યે આકર્ષણ સ્વાભાવિક બાબત છે. આના કારણે સિંધના સિંધી લેખકો હિન્દમાં આવે છે અને હિન્દના સિંધી લેખકો સિંધમાં જાય છે. બંને દિશાઓમાં પરસ્પર પ્રેમ, સદભાવ અને આદરની ભાવના વિકસે છે.

સિંધી લેખકોએ સિંધનો પ્રવાસ ખેડ્યા પછી સ્વાનુભવોના ખૂબ જ સુંદર પુસ્તકો લખ્યાં છે. આવાં પુસ્તકોમાં હરિ મોટવાણીનું ‘જુડિયલ જિન સાં જિંદ’, કલા પ્રકાશનું ‘જે હિએં મંઝિ હુરન’, મોતી પ્રકાશનું ‘જે સભુ સાંઢિયમ સાહ સીં’, ગિરધારીલાલ ડોડેજાનું ‘સિંધુડી થી સડે’, ઠાકુર ચાવલાનું ‘તૂં સિંધ મેં રહી પઉ’ વગેરે ઉલ્લેખનીય છે. ગોબિંદ માલ્હીએ પણ આવું એક પુસ્તક લખ્યું છે. આ જ રીતે સિંધમાંથી આવેલા સિંધી લેખકોએ પણ હિન્દના સિંધી લેખકો વિશે પ્રવાસનાં પુસ્તકો લખ્યાં છે, જેમાં માહતાબ મહેબૂબ અને ખેરુન્નિસા જાફરીના પ્રવાસો ખાસ ઉલ્લેખનીય છે. સિંધના અલતાફ શેખે જુદા જુદા દેશોનો પ્રવાસ કર્યા પછી પ્રવાસવર્ણનનાં કેટલાંક પુસ્તકો લખ્યાં છે.

નાટ્યસાહિત્ય : સિંધી નાટક 19મી સદીના અંતમાં અસ્તિત્વમાં આવ્યું. એ સમયે કેટલીક ફારસી અને ગુજરાતી નાટકમંડળીઓ સિંધમાં આવતી. તેના લીધે લોકોમાં નાટક પ્રત્યે શોખ ઉત્પન્ન થયો. રંગભૂમિ પર થતાં નાટકો જોઈને નાટક લખવાની પ્રવૃત્તિને વેગ મળ્યો.

1887માં ડી. જે. સિંધ કૉલેજની સ્થાપના કરવામાં આવી. 1887થી 1907 દરમિયાન આ કૉલેજે સિંધી ગદ્યનાટકના વિકાસમાં ઘણી મદદ કરી. પ્રો. બી. જે. પાદશાહના હાથે 1894માં પ્રથમ અવેતન નાટ્ય સંસ્થા કૉલેજમાં સ્થાપવામાં આવી. રંગમંચ પર સિંધી નાટકો ભજવાવા લાગ્યાં. એમ. યુ. મલકાણીના મતે પ્રથમ નાટક ભજવાયું તે મહાભારત પરથી તૈયાર થયેલ ‘નળ દમયંતી’ હતું. માસ્ટર જેઠાનંદે તે તૈયાર કરેલું અને 1894માં ભજવાયું હતું. પછી શેક્સપિયરનાં નાટકો પરથી લીલારામ સિંગે ‘હરિશ્ર્ચંદ્ર’ (1895-96) તથા ‘રામાયણ’ (1898) નાટકો રચ્યાં. દેવમલે ‘રામવનવાસ’ (1897) રચ્યું. 1895માં લીલારામ સિંગે બે સામાજિક નાટકો ‘મોહન તારકા’ અને ‘સુરજન રાધા’ આપ્યાં.

મિર્ઝા કલીચ બેગે આ દિશામાં પણ પાયાનું કામ કર્યું. એમણે ‘લૈલા મજનૂ’ નાટક 1880માં લખ્યું. બીજા નાટ્યસંગ્રહ ‘ખુરશીદ’ (1885) પછી ‘શાકુન્તલ’ (1896), ‘ફિરોઝ દિલ અફરોઝ’, ‘નેકી-બદી’ પણ લખ્યાં. કૌડોમલ ચંદનમલ ખિલવાણીએ ‘રત્નાવલિ’ નાટકનો અનુવાદ કર્યો. 1880થી 1890નાં દસ વર્ષોમાં આ ત્રણ નાટકો જ પ્રકાશિત થયાં; પરંતુ તે પછી ઘણાં નાટકો લખાયાં.

શેક્સપિયરનાં ઘણાં નાટકોનો મિર્ઝા કલીચ બેગે અનુવાદ કર્યો. તેમણે રશિયન નાટક ‘ધી ઇન્સ્પેક્ટર જનરલ’ પરથી ‘ઇન્ક્વાયરી ઑફિસર’ નામક સાહિત્યિક દૃષ્ટિએ ઉત્તમ નાટ્યકૃતિ આપી (1896). શેક્સપિયરની નાટ્યકૃતિઓના આધારે તેમણે ‘હસ્ન દિલદાર’ (1897); ‘શાહ ઓલિયા’ (1900), ‘શમશાદ મોરજીઆના’ (1908), ‘પ્રિન્સ બહેરામ’ (1914); રોમિયો જુલિયેટ પરથી ‘ગુલઝાર ગુલનાર’ નામક સુખાંત નાટ્યકૃતિ આપી (1909).

સેવાસિંગ અજવાણીની નાટ્યકૃતિ ‘ક્વીશ’ (1902) ભજવીને નાટ્યમંડળે ખ્યાતિ પ્રાપ્ત કરેલી. એમનાં નાટકોની વિશેષતા એ હતી કે મૂળ નાટકનાં પાત્રોનાં નામ અને નાટકનું વાતાવરણ બદલીને તેમને સિંધી રૂપરંગે સજાવ્યાં.

આ સંસ્થા દ્વારા ઘણાં નાટકો ભજવાયાં અને સફળ થયાં. તેના પગલે બીજી નાટ્યસંસ્થાઓ પણ ઊભી થઈ. એ સમયે નાટક લોકોને એટલી હદે આકર્ષિત કરી શક્યું હતું કે લોકો નાટકની ટિકિટો ખરીદવા પડાપડી કરતા હતા.

નાટકોના આવા આકર્ષણના લીધે લેખકોને લખવા માટે પ્રેરણા મળવા લાગી. વિવિધ વિષયો પર ઘણાં નાટકો લખાયાં, જેનાં કેટલાંક ઉદાહરણો આ પ્રમાણે છે :

સામાજિક નાટકો : ખાનચંદ દરિયાણીનાં ‘ગુલાબ જો ગુલ’, ‘મોતિએ જી મુખડી’, ‘મુલ્ક જા મુદ્બર’ અને ‘દેશતિન સદકે’ સહિત 20 નાટકો છે. લીલારામ માખીજાણીનાં ‘દુરંગી દુનિયા’, ‘કલજુગ જા કલૂર’, ચાંડૂમલ ખત્રીનું ‘વહિમી વિકાર’, લેખરાજ અઝીઝનું ‘મિસ્ટર મજનૂ’, મોહમ્મદ ઇસ્માઇલ અરસાણીનું ‘બદનસીબ થરી’, મંઘારામ મલકાણીનું ‘એકતા જો આલાપ’ વગેરે નાટકો પણ ઉલ્લેખનીય છે.

ઐતિહાસિક નાટકો : મંઘારામ મલકાણીનું ‘અનારકલી’, ઠાકુરદાસ વર્માનું ‘મહારાજા દાહિસસેન’ વગેરે.

પૌરાણિક નાટકો : જેઠાનંદ ખિલણમલનું ‘નળ દમયંતી’, લીલારામ વતણમલનાં ‘હરિશ્ર્ચંદ્ર’ અને ‘રામાયણ’, દ્વારકાપ્રસાદ શર્માનું ‘વીર અભિમન્યુ’ વગેરે.

લોકકથાઓ પર આધારિત નાટકો : ખાનચંદ દરિયાણીનાં ‘હિકિડી રાત’ અને ‘મૂમલ મેંધરો’, લાલચંદ અમરડિનોમલનું ‘ઉમર-મારુઈ’, રામ પંજવાણીનું ‘મૂમલ-રાણો’, નાનકરામ ધરમદાસ મીરચંદાણીનું ‘સુહિણી-મેહાર’, મંગલસિંહ રામચંદાણીનું ‘સસુઈ-પુન્હૂં’ વગેરે.

સિંધીમાં એકાંકી નાટકનો આરંભ 1894ની આસપાસ થયો હતો. સિંધમાં એ વખતે સામાજિક કુરિવાજો વિશેષત: દહેજને દૂર કરવાના ઉદ્દેશથી ‘ડેતી લેતી મંડળી’ની સ્થાપના થઈ. આ મંડળી શાહી બજારમાં એક દુકાનના ધાબા પર નાનાં-નાનાં નાટકો ભજવતી. લોકો તે જોવા માટે એકઠાં થતાં. નશાબંધીના આશયથી ‘આસ જી ટોલી’ મંડળીની રચના સાધુ હીરાનંદ એકૅડેમી સ્કૂલ તરફથી થઈ. આ મંડળી પોતાની શાળાના વાર્ષિક કાર્યક્રમોમાં નશાબંધીના વિષય પર નાટકો રજૂ કરતી રહી. લાલચંદ અમરડિનોમલે સ્વદેશીની ચળવળના પ્રચાર-પ્રસાર માટે ‘વંદેમાતરમ્’ સંસ્થા ઊભી કરી. આ પ્રકારની પ્રવૃત્તિઓના કારણે નવાં નવાં એકાંકી નાટકોની જરૂર પડવા લાગી. નાટકો લખાયાં. આ ક્ષેત્રે જે લેખકોનું પ્રદાન રહ્યું તેમનાં નામ અને તેમની કૃતિઓની યાદી ઘણી મોટી છે; પરંતુ ઉદાહરણ તરીકે કેટલાંક નામ જોઈએ :

મિર્ઝા કલીચ બેગ (‘લોભી ઐં ઠોગી’, ‘નીમ હકીમ ખતરે જાન’, ‘ગશ્ત કીન કષ્ટ’ વગેરે), કૌડોમલ ચંદનમલ (‘સંગ જો પ્રસંગ’), દીવાન લીલારામસિંહ (‘શાહ આદિલખાન’ અને ‘લોભી લાખીણા’), મોટૂમલ ગિદવાણી (‘કૃષ્ણ જી ગોપી’), લાલચંદ અમરડિનોમલ (‘સેણ કી વેણ’), ભેરુમલ મહેરચંદ (‘બઝાઝયુન જો નાટક’), મંઘારામ મલકાણી (‘પાપ કીન પુઞ’, ‘બ બાહિયૂં’, ‘ટી પાર્ટી’ વગેરે). એહમદ ચાગલાએ ‘ભૂત’, ‘દેશ જો દુશ્મન’ અને ‘ખૂની’ જેવાં નાટકો આપ્યાં (1931).

જેઠાનંદ નાગરાણીએ ‘ગામટૂ’ શ્રેણીનાં ઘણાં પ્રહસનો લખ્યાં. ‘ગામટૂ એડિટર’, ‘ગામટૂ ડૉક્ટર’, ‘ગામટૂ એમ. એલ. એ.’, ‘ગામટૂ ઘોટુ’, ‘ગામટૂ ફિલ્મ કંપની’ વગેરે પ્રહસનોમાં સામાજિક દૂષણો તરફ કટાક્ષ પણ છે તે ઉચ્ચ સ્તરની હાસ્યકૃતિઓ ન બની શકી.

આઝાદી પછી ભારતમાં મૌલિક સિંધી નાટકો તથા બીજી ભાષાઓમાંથી અનુવાદિત થયેલાં નાટકોની સંખ્યા ઝાઝી નથી. આઝાદી પહેલાં સિંધમાં સિંધી નાટકોએ લેખન તેમજ ભજવણીની દૃષ્ટિએ સંતોષકારક પ્રગતિ કરી હતી તે વિભાજન પછી મંદ પડી ગઈ છે. મૌલિક નાટકોમાં ગોવર્ધન ભારતીનું ‘બિગડયલ ઘર’, મોતી પ્રકાશનું ‘રાત હિક તૂફાન જી’, રામ હિંગોરાણીનું ‘ફાઇલ ગુમ ત લેટર લભેઈ નથો’, રામ પંજવાણીનું ‘આયો નઓં જમાનો’, મદન જુમાણીનું ‘કાકો કલૂ’, વાસુદેવ નિર્મલનું ‘પલઉ-પલી’, પ્રેમ પ્રકાશનાં ‘પિકનિક’, ‘મોરચાબંધી’ વગેરે પ્રસિદ્ધ થયાં છે. જુદી જુદી ભાષાઓનાં નાટકોના અનુવાદો કરવામાં સૌથી મોખરે વાસુદેવ નિર્મલ રહ્યા છે. ગોબિંદ માલ્હી, તીર્થ બસન્ત, જેઠો લાલવાણી, હુંદરાજ બલવાણી વગેરેએ પણ નાટકો અનુવાદિત કર્યાં છે.

એકાંકી નાટકની પરિસ્થિતિ મોટાં નાટકોથી વધારે સંતોષકારક છે. મંઘારામ મલકાણીનું આ ક્ષેત્રે મોટું પ્રદાન રહ્યું છે. એમના ઘણા એકાંકી-સંગ્રહો પ્રસિદ્ધ થયા છે. અંગ્રેજી કૃતિઓ પરથી તેમનાં જાણીતાં રૂપાંતરોમાં ‘કિસ્મત’ (1923), ‘એકતા જો આલાપ’ (1937) તથા ‘પ્લેઝન્ટ’ (1937), ‘અનપ્લેઝન્ટ’ (1938) અને ‘પંગતિ જો પર્દા’ (1938) જેવા નાટ્યસંગ્રહોનો સમાવેશ થાય છે. ગોબિંદ માલ્હી, દાસ તાલિબ, જીવન ગુરસહાણી, હરિકાન્ત, હેમરાજ નાગવાણી, એમ. કમલ, ગોવર્ધન ભારતી, રમેશ જોજાણી, કીરત બાબાણી, રામ હિંગોરાણી, જેઠો લાલવાણી, પ્રેમ પ્રકાશ, મેઘરાજ ગુરનાણી, મદન જુમાણી, વાસુદેવ નિર્મલ, હુંદરાજ બલવાણી વગેરેનાં એકાંકી નાટકો પ્રસિદ્ધ થયાં છે. આમાંના કેટલાક લેખકોએ એકાંકી નાટકોના અનુવાદો પણ કર્યા છે.

બાળસાહિત્ય : 1853 પહેલાં સિંધીમાં બાળસાહિત્ય હતું જ નહિ. અંગ્રેજોના શાસનમાં સિંધી માટે અરેબિક-સિંધી લિપિ નક્કી થઈ ત્યારથી બાળસાહિત્યની પણ શરૂઆત થઈ. તેની શરૂઆત અનુવાદોથી થઈ. ભેરુમલ મહેરચંદે કેટલીક ભાષાઓનાં ગીતોના આધારે સિંધીમાં બાળગીતો રચ્યાં, પણ કવિ ‘બેવસે’ બાળગીતોને નવો જ વળાંક આપ્યો. એમણે બાળકોની દુનિયાનાં સુંદર ગીતો રચ્યાં. ‘મૌજી ગીત’ એમનો આવાં બાળગીતોનો નોંધપાત્ર સંગ્રહ છે. ફતેહચંદ વાસવાણીએ મેલારામ વાસવાણી નામથી બાળવાર્તાઓ લખી જે મોટેભાગે બીજી ભાષાઓની વાર્તાઓનો આધાર લઈને લખાઈ હતી. એમણે ‘ગુલફૂલ’ નામનું બાળસામયિક ઘણાં વર્ષો સુધી પ્રગટ કર્યું. ‘ગુલફૂલ’ તરફથી બાળકો માટે મોટી સંખ્યામાં પુસ્તકો પણ પ્રસિદ્ધ કર્યાં. ‘બાલકન-જી-બારી’ના સ્થાપક દાદા સેવક ભોજરાજે ‘ગુલિસ્તાન’ નામનું સામયિક શરૂ કર્યું.

સ્વતંત્રતા પછી સિંધીમાં ઘણાં બાળસામયિકો શરૂ થયાં છે; પરંતુ વધુ સમય સુધી ટકી શક્યાં નથી. હુંદરાજ બલવાણી તથા એમના મિત્રોએ 1966માં ‘ગુલિસ્તાન’ માસિક શરૂ કર્યું જે લગભગ 18 વર્ષ સુધી ચાલુ રહ્યું. ‘ગુલિસ્તાન પ્રકાશન’ તરફથી બાળકો માટે 100થી વધુ પુસ્તકો પણ પ્રસિદ્ધ થયાં. હાલમાં ફક્ત ‘ફૂલવાડી’ નામનું માસિક 1954થી નિયમિત પ્રગટ થાય છે.

બાળવાર્તાલેખનમાં ગોવર્ધન ભારતી, હુંદરાજ બલવાણી, જીવત ગોગિયા ‘જ્યોત’, ઈશ્ર્વરચંદર, વાસુદેવ સિંધુ ભારતી વગેરે પ્રમુખ છે. બાળગીતરચનામાં હરિ દિલગીર, પરસરામ ઝિયા, ખીમન મુલાણી, નારાયણ શ્યામ, કમલ પ્યાસી, ભગવાન નિર્દોષ, ગોવર્ધન ભારતી વગેરેનું પ્રદાન છે. જગદીશ લછાણીએ બાળકો માટે લોકકથાઓ લખી છે. દયાલ આશા, દીપચંદ્ર બેલાણી અને પ્રભુદાસ બ્રહ્મચારીએ બાળકો માટે ચરિત્રસાહિત્ય લખ્યું છે. બાળનાટકોની સિંધીમાં જબરજસ્ત ખોટ છે.

વિવેચન : 1875માં મોહમ્મદ ફાઝિલ શાહે લખેલું ‘મિઝાન અલ-શઇર’ સિંધીનું પહેલું પુસ્તક હતું, જેમાં સિંધી કાવ્યના જુદા જુદા પ્રકારો ઉદાહરણ સહિત સમજાવવામાં આવ્યા હતા. સિંધી વિવેચનની શરૂઆત આ પુસ્તકથી થયેલી ગણાય છે. તે પછી મિર્ઝા કલીચ બેગે ‘ઇલ્મે અદબ’ (1913) પુસ્તક લખ્યું. વિભાજન પહેલાંના સમયમાં લાલચંદ અમરડિનોમલ, જેઠમલ પરસરામ, હોતચંદ ગુરબક્ષાણી, મોહમ્મદ સદીક મેમણ વગેરે જેવા વિદ્વાનોએ આલોચના તથા વિવેચનના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કામ કર્યું. વિભાજન પછી એ ક્ષેત્રમાં ઘણા લેખકોએ યોગદાન આપ્યું છે. મંઘારામ મલકાણીનું ‘અબદી ઉસૂલ’; જગદીશ લછાણીના ‘અબદી શનાસ’; ‘ઉસૂલ ઐં આલોચના’ અને બીજાં કેટલાંક પ્રકાશનો; આનંદ ખેમાણી દ્વારા સંપાદિત અને જુદા જુદા લેખકોએ લખેલ ‘સાહિત જા સિદ્ધાંત’; ઝમટમલ ભાવનાણીનાં ‘સિંધી શઇર-અતુર અરૂઝ’, ‘સિંધી શઇર-છંદ સુગંધ’ અને ‘પંજ ગંજ’; કલ્યાણ આડવાણીનાં ‘શાહ’, ‘સચલ’ અને ‘સામી’ વગેરે; સતીશ રોહડાનું ‘ભાષા – સિંધી ભાષા’; ઇન્દ્ર ભોજવાણીનું ‘ફને શાયરી’; પરમ અબિચંદાણીનું ‘સતુ સારુ’; હીરો શેવકાણીનું ‘જિદ્દત જો મફહૂમ ઐં સિંધી સાહિત્ય’ જેવાં અનેક નામો છે જે સિંધી વિવેચનસાહિત્યની ઊંચાઈનો પુરાવો આપે છે.

પત્રકારત્વ : 1857-1907 દરમિયાન પત્રકારત્વનો આછો વિકાસ થયો, જેની સિંધી ગદ્ય પર અસર થઈ. 1885માં સિંધી મદરેસા સ્થપાઈ. તેના સામયિકમાં ‘અબોઝ’ની કલમે લખાયેલા ઘણા લેખો પ્રગટ થતા. શમસુદ્દીન બુલબુલના લેખોએ નામના મેળવી. ‘આફતાબ’નું તંત્રીપદ તેમણે ઘણાં વર્ષો સુધી સંભાળ્યું.

હિંદુ સિંધી પત્રકારત્વ 1870માં શરૂ થયું. ‘સિંધસુધાર’ અને ‘સરસ્વતી’ નામનાં બંને સામયિકોનું સંચાલન હીરાનંદ શોકીરામે કર્યું. ‘સરસ્વતી’ સિંધીઓમાં વિશેષ પ્રસિદ્ધ હતું. હીરાનંદના તેમાંના ઘણા લેખો અને નિબંધોનું સંકલન ભેરુમલ મહેરચંદે ‘હીરે જૂં કણિયું’ નામક ગ્રંથમાં કર્યું. પછી ‘સિંધી’ પત્ર શરૂ થયું. 1896માં ‘જોત’ પત્રે સાહિત્યિક પત્ર તરીકે નામના મેળવી. તેનાં લખાણોનો એક ભાગ ‘દિલબહાર’ અને બીજો ‘ગુલફૂલ’ નામે પ્રસિદ્ધ થયો.

સિંધી સાહિત્યનાં મુખ્ય સ્વરૂપો – કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, નિબંધ વગેરેના વિકાસની સરખામણી કરતાં સૌથી આગળ કાવ્ય અને ટૂંકી વાર્તા જણાય છે. સ્વતંત્રતા પહેલાં અને પછી આ બે સાહિત્યપ્રકારોનો ઘણો વિકાસ થયો છે. તે પછી નિબંધ આવે.

વિષય તથા કલાની દૃષ્ટિએ સ્વતંત્રતા પછીની ટૂંકી વાર્તા ખૂબ આગળ છે. કાવ્ય, ટૂંકી વાર્તા, નવલકથા પછી ક્રમ આવે છે નાટકનો. એકાંકી નાટકો ઝાઝા પ્રમાણમાં લખાયાં છે. મોટાં નાટકોની ગતિમાં સ્વતંત્રતા પછી ઘણી ઓટ આવી છે.

સન 712માં વિદેશી આક્રમણકારોના સિંધમાં પ્રવેશ પછી સૈકાઓ સુધી જુદા જુદા શાસકોનું સિંધ ઉપર શાસન રહ્યું તે દરમિયાન એ શાસકોએ સાહિત્યને કોઈ પ્રોત્સાહન નહોતું આપ્યું. સિંધી ભાષા માટે લિપિનો પ્રશ્ન પણ વર્ષો સુધી રહ્યો. સિંધી માટે અરબી-સિંધી લિપિ નક્કી થયા પછી હજી પણ કેટલાક લોકો દેવનાગરી લિપિને સિંધી માટે ઉપયોગી અને વૈજ્ઞાનિક લિપિ માને છે. સ્વતંત્રતા પછી દેશનું વિભાજન થવાના કારણે સિંધી લોકો, જે અગાઉ એક જ પ્રદેશમાં રહેતા હતા તે ભારતમાં અલગ અલગ પ્રાંતોમાં રહે છે. આવાં કેટલાંક કારણોસર સિંધી ભાષા અને સાહિત્યની પ્રગતિ આડે અનેક અવરોધો હોવા છતાં સિંધી સાહિત્ય અન્ય ભાષાઓના સાહિત્યની જેમ ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહ્યું છે એ હકીકતનો ઇનકાર થઈ શકે તેમ નથી.

હુંદરાજ બલવાણી