સિંધુ (નદી) : દક્ષિણ એશિયાની વિપુલ જળસ્રોત ધરાવતી નદી. દુનિયાની સૌથી લાંબી નદીઓ પૈકીની એક નદી. તેની લંબાઈ 2,897 કિમી. જેટલી છે. તેનો કુલ સ્રાવવિસ્તાર 11,65,500 ચોકિમી. જેટલો છે. તેના કુલ સ્રાવક્ષેત્રનો 13 % ભાગ તિબેટ અને ભારતમાં તથા 33 % ભાગ હિમાલયના પહાડી વિસ્તારમાં રહેલો છે. તે ચીનના આધિપત્ય હેઠળના તિબેટની નૈર્ઋત્યમાં આવેલા માનસરોવર નજીકના લાંગા સરોવરના ઉત્તર ભાગમાંથી નીકળે છે. હિમાલયનો આ ભાગ 4,875 મીટરની ઊંચાઈ ધરાવે છે, આ સ્થળે તે ‘સિંગે ખબાબ’ નામથી ઓળખાય છે. અહીંથી તે વાયવ્ય તરફ 320 કિમી. જેટલું અંતર કાપી, અગ્નિ દિશા તરફનો વળાંક લઈ, ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યની સીમા ઓળંગે છે. ત્યાં તે લદ્દાખના પાટનગર લેહથી આશરે 20 કિમી.ના અંતરે પસાર થાય છે. અહીં તેને સર્વપ્રથમ સહાયક નદી ઝાસ્કર મળે છે. ત્યારબાદ સિંધુ નદી તે જ દિશામાં 240 કિમી. સુધી વહે છે. ત્યાં તેના જમણા કાંઠે કારાકોરમ, નંગા પર્વત અને કોહિસ્તાન જેવી હિમાલયની મુખ્ય હારમાળાઓમાંથી હિમનદીઓનાં પીગળેલાં પાણી લઈ આવતી શ્યોક, સ્કાર્દુ પાસેની શિગાર, હુંઝા, બુન્જી પાસેની ગિલગિટ, અસ્તોર તેમજ અન્ય નદીઓ પણ મળે છે.

સિંધુ નદી

હિમાલયના આ વિભાગમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂરતા પ્રમાણમાં હિમવર્ષા થતી ન હોવાથી સિંધુ નદીમાં પાણી-પુરવઠાનું પ્રમાણ ઘટતું ગયેલું છે, આ ઘટના હિમાલયમાં પ્રવર્તેલા છેલ્લા હિમયુગના અંતિમ ચરણની સાબિતી પૂરી પાડે છે. કાશ્મીરની પશ્ચિમ સરહદ વટાવ્યા પછી તે દક્ષિણ અને નૈર્ઋત્યનો વળાંક લઈ પાકિસ્તાનમાં પ્રવેશે છે. પાકિસ્તાનમાં તે ઊંચા પહાડી પ્રદેશોમાંથી પસાર થતી હોવાથી તારબેલા બંધ સુધી પહોંચે તે પહેલાં સ્વાત અને હઝારા વિસ્તાર વચ્ચે વેગીલી બની રહે છે. આ વિસ્તારમાં નંગા પર્વતની હારમાળામાં આશરે 3,000 મીટર ઊંડું અને 20થી 25 કિમી. પહોળું વિશાળ કોતર કોરી કાઢ્યું છે. ઊંચાણવાળા આ માર્ગમાં સિંધુ નદીએ 1,000થી 1,500 મીટરનો ઢાળ-ઘટાડો તૈયાર કર્યો છે. અટક પાસે તેને કાબુલ નદી મળે છે. આ ઉપરાંત, પશ્ચિમ તરફના ઉજ્જડ પ્રદેશમાંથી આવતી ઓછા જળજથ્થાવાળી ઝોબ, સાંગાર, રાકની, કુર્રમ, ટોચી અને ગોમલ નદીઓ પણ મળે છે. અહીં તે 600 મીટર ઊંચાઈવાળા પ્રદેશમાંથી પસાર થાય છે. આ વિસ્તારમાં તેના પર સર્વપ્રથમ રેલમાર્ગ – સડકમાર્ગ સહિતનો પુલ આવેલો છે. અહીં જ્યાં શિવાલિક ટેકરીઓ પાસે અરવલ્લી હારમાળાનો ઉત્તર છેડો પૂરો થાય છે ત્યાં આશરે 240 મીટર ઊંચો જળવિભાજક તૈયાર થયેલો હોવાથી સિંધુ પશ્ચિમ તરફ અને ગંગા પૂર્વ તરફ ફંટાય છે (સિંધુ નદીની ઉત્પત્તિ માટે જુઓ, ઇન્ડોબ્રહ્મ નદી.) અહીં કાલાબાઘ નજીક તે ‘સૉલ્ટ રેઇન્જ’ને છોડીને પંજાબ(પાકિસ્તાન)ના મેદાની પ્રદેશમાં પ્રવેશે છે; ત્યાં તેને પૂર્વ કાંઠે વિપુલ જળરાશિ લઈ આવતી જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ એક પછી એક મળતી જાય છે. મિઠાનકોટ સુધીમાં થતા જતા આ પાંચ નદીઓના સંગમથી જે વિસ્તાર આવરી લેવાયો છે તેને પંજાબ (પંચ + આબ) નામ અપાયેલું છે. આ અખંડ પંજાબનો અર્ધો ભાગ હવે (1947 પછી) ભારતમાં અને અર્ધો પાકિસ્તાનમાં વહેંચાઈ ગયેલો છે. આ પાંચ નદીઓ મળ્યા પછી સિંધુને પૂર્વ તરફથી એક પણ નદી મળતી નથી; એટલું જ નહિ, તે પછીથી સિંધુ નદી તદ્દન ઓછા વરસાદવાળા પ્રદેશમાંથી પસાર થાય છે; તેમ છતાં તેને પાંચ નદીઓનો જળપુરવઠો મળવાથી તે વિશાળ પટવાળી બની રહે છે. વળી ચોમાસાની ઋતુમાં તો તેનો પટ અહીં અનેકગણો પહોળો બની જાય છે. તેના અહીંના આખાય માર્ગમાં નદીજન્ય મરડિયા (ગ્રૅવલ), રેતીના થર અને સીડીદાર પ્રદેશો જોવા મળે છે. અહીંથી જેમ જેમ તે હેઠવાસમાં જાય છે, તેમ તેમ તેનો પ્રવાહ-વેગ ધીમો પડતો જાય છે, પરિણામે કાંપની જમાવટ થતી જાય છે અને મેદાની સ્વરૂપ રચાય છે; સાથે સાથે પૂર વખતે ધોવાણ થતાં, કિનારાના ભાગોમાં નુકસાન પણ થાય છે; એટલું જ નહિ, નદીનો માર્ગ પણ બદલાઈ જાય છે. સક્કર, ખૈરપુર અને હૈદરાબાદનો મેદાની પ્રદેશ પસાર કર્યા બાદ કરાચીથી અગ્નિકોણમાં આવેલા ટટ્ટા પાસે સિંધુ નદી પંજાકારે વહેંચાઈને આશરે 3,000 ચોકિમી. વિસ્તારને આવરી લેતા અસમતળ ત્રિકોણપ્રદેશમાં ફેરવાઈ જાય છે. છેવટે તે અરબી સમુદ્રમાં ઠલવાય છે. મુખત્રિકોણના બંને છેડા વચ્ચેની સમુદ્રકિનારાની લંબાઈ આશરે 208 કિમી. જેટલી થાય છે. સમુદ્રભરતી વખતે નદીનાળમાં પાછાં પડતાં પાણી (back waters) કિનારાથી અંતરિયાળ ભાગમાં 8થી 32 કિમી. લંબાઈમાં પ્રસરે છે.

જળજથ્થો-કાંપજથ્થો : સિંધુ નદી દર વર્ષે સરેરાશ આશરે 111 અબજ (1,11,09,80,00,000) ઘનમીટર જેટલો જળજથ્થો સમુદ્રમાં ઠાલવે છે. આ જળજથ્થો નાઇલની સરખામણીમાં બે ગણો તથા ટાઇગ્રિસ અને યુફ્રેટિસ કરતાં ત્રણ ગણો છે. આ પૈકીનો 50 % જળજથ્થો તેની બધી જ સહાયક નદીઓ દ્વારા, 25 % જળજથ્થો જેલમ અને ચિનાબ દ્વારા તથા 20 % જળજથ્થો રાવી, બિયાસ અને સતલજ દ્વારા સિંધુને મળે છે. આ જળજથ્થાનો મુખ્ય સ્રોત હિમવર્ષા અને હિમનદીઓ છે. એ જ રીતે સિંધુ નદીમાં તરતું અને સ્થાનાંતર કરતું રહેતું ઘનદ્રવ્ય જે હૈદરાબાદની દક્ષિણે ઠલવાય છે, તેનો અંદાજ દરરોજનો 10 લાખ ટનનો મુકાયેલો છે.

પૂર : સામાન્ય રીતે જુલાઈથી ઑક્ટોબર દરમિયાન સિંધુમાં પૂર આવે છે. ઇતિહાસને પાને સિંધુનાં અનેક પૂર નોંધાયેલાં છે. તે પૈકી 1841, 1858, 1924, 1927 અને 1930નાં પૂર વિશેષ નોંધપાત્ર છે. 1841માં આવેલા પ્રચંડ પૂરથી થોડી જ મિનિટોમાં અટકથી દક્ષિણે નદીકાંઠે મુકામ નાખેલી શીખ લશ્કરી છાવણી તંબુ, માલસામાન અને યુદ્ધસામગ્રી બધું જ તણાઈ ગયેલું. આ પૂર આવવાનું મુખ્ય કારણ – ગિલગિટ નજીકના કોતરનું પ્રવેશદ્વાર ભૂપાતથી અવરોધાવાથી તેની પાછળ 56 કિમી. લાંબું અને ઘણા મીટર ઊંડું જળાશય તૈયાર થયેલું, જેમાં પછીથી ભંગાણ પડવાથી પૂર ધસી આવ્યાનું મનાય છે. 1924, 1927 અને 1930નાં વર્ષોની વસંતઋતુઓમાં ચોંગ કુમ્દન હિમનદીનો મુખભાગ અવરોધાવાથી બાલ્ટિસ્તાનની શ્યોક નદીમાં 24થી 32 કિમી.ના ઘેરાવાવાળું, 150 મીટર ઊંડું સરોવર બની ગયેલું. આ અવરોધ તૂટી જવાથી ત્રણેય વખત શ્યોક બંધથી હેઠવાસમાં પૂર આવેલાં.

આબોહવા : સિંધુ નદીનો મૂળથી મુખ સુધીનો વહનમાર્ગ આબોહવાની વિવિધતાવાળા પ્રદેશોમાંથી પસાર થાય છે. પરિણામે સ્થાનભેદે તાપમાન અને વરસાદની માત્રામાં ભિન્નતા જોવા મળે છે. પશ્ચિમ તિબેટ, હુંઝા, લદ્દાખ અને ગિલગિટના ભાગો વર્ષાછાયામાં આવેલા શુષ્ક-અર્ધશુષ્ક પ્રદેશો છે, પંજાબની પાંચ નદીઓનાં મૂળના ભાગો હિમનદીઓવાળા છે, મધ્ય સિંધુનો પ્રદેશ ઓછા વરસાદવાળો મેદાની ભાગ છે, જ્યારે કિનારાને બાદ કરતાં હેઠવાસનો પ્રદેશ રણની આબોહવા ધરાવે છે. સિંધ, પંજાબ અને જેકોબાબાદ અતિ ગરમ પ્રદેશો છે, ત્યાં વરસાદનું પ્રમાણ ઘણું જ ઓછું રહે છે. પહાડી ભાગોમાં શિયાળા દરમિયાન હિમવર્ષા થાય છે, ત્યાં જાન્યુઆરીમાં રાત્રિ દરમિયાન 0° સે. કે તેથી નીચું તાપમાન અને દિવસ દરમિયાન 24° સે. તાપમાન પહોંચે છે. જેકોબાબાદ એ દુનિયાનાં વધુમાં વધુ ગરમ સ્થળો પૈકીનું ગણાય છે. ત્યાં ઉનાળામાં 36° સે. તાપમાન તો સામાન્ય ગણાય છે, જે ક્યારેક 49° સે. સુધી પણ પહોંચે છે. વરસાદના સંદર્ભમાં જોતાં, સિંધુના ખીણવિસ્તારમાં સ્થાનભેદે 125 મિમી.થી 500 મિમી. જેટલો વરસાદ પડે છે.

અગ્નિસિંધ અને કચ્છ વચ્ચે આવેલા કાંપના પ્રદેશમાં, શુષ્ક આબોહવાના સંજોગો પ્રવર્તતા હોવાથી, બાષ્પીભવનની ક્રિયા દ્વારા તૈયાર થયેલા, પરંતુ રેતીનિક્ષેપોમાં દટાઈ ગયેલ શુદ્ધ સિંધવના ઠીક ઠીક પરિમાણવાળા સ્તરો અને વીક્ષ (lenses) જોવા મળે છે. આ પ્રકારના દટાઈ ગયેલા ક્ષારનો કુલ જથ્થો અનેક લાખ ટન જેટલો હોવાનું અંદાજાયેલું છે. આ ઉપરાંત, સૂઈ અને મરી ક્ષેત્રમાં કુદરતી વાયુનો જથ્થો રહેલો હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે.

વનસ્પતિજીવન-પ્રાણીજીવન : સિંધુના ખીણવિસ્તારમાં વનસ્પતિ-વિતરણનો આધાર આબોહવા પર રહેલો છે. જ્યાં વરસાદ ઓછો પડે છે ત્યાં વનસ્પતિનું પ્રમાણ પણ ઓછું છે. હેઠવાસના શુષ્ક ભાગોમાં ઢોર અને ઘેટાં-બકરાંને ઉપયોગી ઘાસનાં ક્ષેત્રો જોવા મળે છે. પહાડી પ્રદેશમાં ખરાઉ ઓકની જાતનાં વૃક્ષો તથા પાઇનની જાતનાં શંકુદ્રુમ જંગલો આવેલાં છે. જ્યાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં કપાસ અને ઘઉંનું વાવેતર થાય છે. ઍલેક્ઝાંડર (ઈ. પૂ. 323) આ પ્રદેશમાં આવેલો ત્યારે અહીં ગીચ જંગલો હતાં એવી નોંધ મળે છે. ઉત્તર પાકિસ્તાન અને કાશ્મીરના વિસ્તારમાંથી પસાર થતી સિંધુ નદીના ખીણમાર્ગમાં જંગલો જોવા મળે છે.

સિંધુ નદીના પાણીમાં જુદી જુદી જાતની માછલીઓ જોવા મળે છે. એ પૈકી ‘પાલા’ શ્રેષ્ઠ ગણાય છે. ટટ્ટા, કોટરી, સક્કર અને હઝારામાંથી ટ્રાઉટ માછલી મળી રહે છે. અહીં મત્સ્યકેન્દ્રો પણ છે. ભારત-પાકિસ્તાનના ભાગલા થયા પછી માછલીઓ મેળવવા માટે બંધ, કૃત્રિમ જળાશયો અને બૅરેજ ઊભાં કરાયાં છે. 240 કિમી. લંબાઈમાં પથરાયેલા મુખત્રિકોણના જળભાગોમાંથી તેમજ ખાડી-વિસ્તારમાંથી પણ ઘણી માછલીઓ મળી રહે છે. નવેમ્બરથી માર્ચ દરમિયાન પ્રૉન અને પ્રૉમ્ફેટસ મેળવાય છે. કરાંચી નજીક અદ્યતન સુવિધાવાળું મત્સ્યબંદર પણ વિકસાવવામાં આવ્યું છે.

સિંચાઈ : 1850 પછી બ્રિટિશ સરકાર દ્વારા તત્કાલીન તકનીકી પ્રયાસોથી અહીં મોટા પાયા પર નહેરોનું નિર્માણ કરવામાં આવેલું. તે વખતે આ દુનિયાની સૌથી મોટી સિંચાઈ-યોજના ગણાયેલી. 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડવાથી બારી દોઆબ અને સતલજ વેલી પ્રૉજેક્ટ સિંચાઈ-યોજનામાં વિક્ષેપ પડેલો. 1960માં વિશ્ર્વબૅન્કની મધ્યસ્થીને કારણે ‘Indus Water Treaty’ની રચના થઈ. સંધિ મુજબ સિંધુ, જેલમ અને ચિનાબનાં પાણીનો ઉપયોગ પાકિસ્તાન કરે તથા રાવી, બિયાસ અને સતલજનાં પાણીનો ઉપયોગ ભારત કરે એવું ઠરાવાયું. વધુમાં પાકિસ્તાન બંધ, કૃત્રિમ જળાશયો, બૅરેજ તેમજ ભૂગર્ભજળનો પણ ઉપયોગ કરી શકશે એવી સમજૂતી સધાઈ. આ ઉપરાંત સિંધુ નદી પર રાવળપિંડીથી વાયવ્યે 130 કિમી.ને અંતરે તારબેલા યોજના સાકાર કરવામાં આવી. આ બંધની લંબાઈ 2,700 મીટર, ઊંચાઈ 145.5 મીટર તથા પાછળના જળાશયની લંબાઈ 80 કિમી. જેટલી છે. ‘પાકિસ્તાન પાણી અને ઊર્જા વિકાસ સત્તા મંડળ’ દ્વારા આઠ નહેરો અને પાંચ બૅરેજ ઊભાં કરાયાં. સિંધુ નદી પર ગુડુ, સક્કર અને કોટરી (ગુલામ મહંમદ) નામના બૅરેજ તૈયાર થયા. 1,355 મીટર લાંબી ગુડુ યોજના દ્વારા પાણીનો લાભ સક્કર, જેકોબાબાદ, લારખાના અને કલાત જિલ્લાઓની જમીનોને મળી રહ્યો છે. 1932માં નિર્માણ કરાયેલો સક્કર બૅરેજ ઘણો મહત્ત્વનો છે. તેના બંને કાંઠા પરથી નહેરો દ્વારા સૂકી જમીનોને (20,23,500 હેક્ટર) પાણી મળી રહે છે. 1955માં હૈદરાબાદ નજીક આવેલો 900 મીટર લાંબો કોટરી બૅરેજ થયો. ટાઉન્સા, ચાસ્મા અને કાલાબાઘ જેવા બૅરેજ પણ કાર્યરત છે. સિંચાઈની સુવિધાને લીધે ઘઉં, શેરડી, કપાસ અને ડાંગરનું ઉત્પાદન વધ્યું છે.

સિંધુનો ત્રિકોણપ્રદેશ : દુનિયાની મોટી નદીઓએ રચેલા વિશાળ ત્રિકોણપ્રદેશોમાં સિંધુના ત્રિકોણપ્રદેશની પણ ગણના થાય છે. તે કરાંચીથી અગ્નિદિશામાં કચ્છની સરહદ સુધી આશરે 8,000 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલો છે. તે પ્રાગ્-અર્વાચીન/અર્વાચીન સમયગાળાના ખદર(નવા કાંપ)થી બનેલો હોવા છતાં ખેતી માટે અનુકૂળ નથી. સ્પષ્ટ ત્રિકોણ આકાર ધરાવતો આ ત્રિકોણપ્રદેશ સિંધુ નદીએ લાવેલા ખદરનું વિસ્તરણ છે. તેનો શિખાગ્ર ભાગ ટટ્ટા નજીક છે. ગંગાના ત્રિકોણપ્રદેશ કરતાં તે પ્રમાણમાં નવા સમયનો છે. સિંધના જૂના નકશાઓ પરથી જણાય છે કે તેનો વિકાસ નજીકના ભૂતકાળની ઘટના છે.

નદી અગ્નિકોણમાં ખંભાતના અખાતથી નૈર્ઋત્યમાં મોન્ઝની ભૂશિર સુધી માર્ગ બદલતી રહી છે તેમજ તેનાં કિનારાનાં લક્ષણો પણ વારંવાર બદલાતાં રહ્યાં છે. વિવિધ પુરાવાઓ પરથી સમજી શકાય છે કે તેનો વહનમાર્ગ પહેલાં વધુ પડતો પૂર્વ તરફનો હતો. તેનાં પાણી પ્રથમ ખંભાતના અખાતમાં અને પછીથી કચ્છના રણ(અખાત)માં ઠલવાતાં હતાં. સિંધ અને કચ્છ બંને પ્રદેશોમાં આ હકીકતને સમર્થન આપતી લોકપ્રચલિત દંતકથાઓ તેમજ પ્રાકૃતિક પુરાવાઓ પણ અસ્તિત્વ ધરાવે છે.

સિંધમાં સિંધુના નીચલા થાળામાંનાં ખદરનિક્ષેપોના બારીક અવલોકનો બતાવી આપે છે કે આ પટ્ટીવિસ્તાર નદીએ લાવેલા કાંપથી વૃદ્ધિ પામતો આવ્યો છે; આજે પણ અહીંનાં કેટલાંક સ્થળોએ નદીનો પટ આજુબાજુના પ્રદેશની ભૂપૃષ્ઠ-સપાટી કરતાં લગભગ 21 મીટરની ઊંચાઈ પર છે. આ દૃષ્ટિએ જોતાં, પૂર વખતે નદી તેનો વહનપટ છોડી દે એવી દહેશત રહે છે. નદીનો પ્રાગ્-અર્વાચીન ઇતિહાસ પણ પુરવાર કરે છે કે પટ ત્યજી દેવાની નદીની આ પ્રકારની ક્રિયા અસામાન્ય નથી. સિંધુએ ઘણા મોટા વિસ્તારને આવરી લેતા પૂર્વ સિંધ અને વાયવ્ય કચ્છનાં મેદાનો પર સ્થાનાંતર કર્યા કર્યું છે અને વર્ષોવર્ષ કાંપના નિક્ષેપ દ્વારા આવરી લીધેલા પ્રદેશની સપાટી ઊંચી લાવી મૂકી છે.

સિંધુનું પશ્ચિમાયન : 4,000 વર્ષ અગાઉની મોહેં-જો-દડોની સંસ્કૃતિના પ્રારંભથી માંડીને આજ સુધીનો સિંધુના વહનપથનો ઇતિહાસ તપાસતાં જણાય છે કે નદીએ ક્રમશ: પશ્ચિમાયન કર્યા કર્યું છે. આ માટે ઘણા પ્રાકૃતિક તેમજ ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ છે. ઈ. સ. પૂર્વેના ત્રીજા સૈકાના અહેવાલો જણાવે છે કે સિંધુ નદી અત્યારના વહેણથી 128 કિમી. પૂર્વ તરફ રણમાં પરિણમેલા માર્ગમાંના લગભગ શુષ્ક પટમાં થઈને કચ્છના રણમાં વહેતી હતી. કચ્છનું રણ હકીકતમાં એ વખતે અરબી સમુદ્રનો અખાત હતો. સિંધુનું પશ્ચિમાયન આ રીતે જોતાં તો, ઘણી મહત્ત્વની ઘટના ગણાય. 960 કિમી.થી વધુ લંબાઈવાળો હાકરા, સોત્રા (ઘગ્ગર) અથવા વાહિંડ તરીકે ઓળખાતો જૂનો નદીપટ, જે લુપ્ત નદીમાર્ગ છે, તે હિમાલયની તળેટીમાં અંબાલાની નજીકથી ભટિંડા (હવે બથિંડા), બીકાનેર અને ભાગલપુર થઈ સિંધ સુધી જોઈ શકાય છે. સંભવત: તે લુપ્ત સરસ્વતી નદીનો પણ પણ હોઈ શકે ! ઈસ્ટર્ન નાળા તરીકે ઓળખાતો, સિંધની પૂર્વ તરફનો હાલનો શુષ્ક નદીપટ, સિંધુનો જૂનો પટ હોય, કદાચ સતલજનું સિંધ વિભાગનું વહેણ પણ હોય, જેને નદીએ ક્રમશ: છોડી દીધું હોય. સિંધમાં, સિંધુ નદી ઉપર આવેલાં મોહેં-જો-દડો અને પંજાબમાંનાં હરપ્પાનાં પ્રખ્યાત નગરો, નદીના સ્થળાંતરને કારણે, ઘણા જ અગાઉના સમયમાં ત્યજી દેવાયાં હોય અથવા વારંવારની પૂરનિક્ષેપની જમાવટને કારણે કાળક્રમે દટાઈ પણ ગયાં હોય. ગુજરાતના કચ્છ જિલ્લામાં રાપર પાસે આવેલા ધોળાવીરામાંથી મળેલા અવશેષો પણ સિંધુ નદીના જૂના માર્ગનો પુરાવો પૂરો પાડે છે.

સિંધુ નદીએ રોહરી-સક્કર(28° ઉ. અ. અને 69° પૂ. રે.)ની ચૂનાખડકની ડુંગરધારો વચ્ચેનો માર્ગ પસાર કર્યા પછીથી પશ્ચિમ તરફનો માર્ગ લીધેલો છે. નદીના મુખત્રિકોણ ભાગને આથી વધુ અસર પહોંચેલી છે. અગાઉ કચ્છના અખાતમાં ઠલવાતી સિંધુ નદી હવે કરાંચી ખાતે અરબી સમુદ્રમાં ઠલવાય છે.

નદીનું પશ્ચિમાયન થવા માટેનાં કારણો આ પ્રમાણે છે : સિંધુનું નિક્ષેપથાળું (basin) હાલની જેમ, પહેલેથી જ રેતીવાળા લાંબા વિસ્તારને કારણે દ્વીપકલ્પીય ભાગથી જુદું ન હતું. સિંધુની પૂર્વ તરફનો થરના રણની ઉત્પત્તિનો સંજોગ નજીકના ભૂતકાળની ઘટના છે. અરબી સમુદ્ર પરથી વાતા નૈર્ઋત્યના મોસમી પવનો સૌરાષ્ટ્ર-કચ્છ પરથી પસાર થતાં રેતીના કણો ઉઠાવીને થર-પારકરના રણમાં ઠાલવે છે, તેનાથી ત્યાંનું ભૂમિતળ ઊંચું આવતું ગયું છે. સિંધુ નદીનું પશ્ચિમાયન થતું જવાનું મુખ્ય કારણ આ છે. આ રીતે નદીનો પૂર્વ તરફનો પટ શુષ્ક બનતો ગયો અને નદી ક્રમશ: પશ્ચિમ તરફ ખસતી ગયેલી છે. રણની રેતીના થર હેઠળ જૂના નદીતળના અસ્તિત્વનાં લક્ષણો જળવાઈ રહેલાં જોવા મળે છે. સિંધ પ્રદેશના ત્રિકોણપ્રદેશના ઉપરવાસમાં છેલ્લી સાતથી આઠ સદીઓમાં વહનપથના સ્થાનભેદે આશરે 16થી 32 કિમી. જેટલું સ્થળાંતર થયું છે; જોકે, મુખત્રિકોણના શિરોભાગમાં વિશેષ જમાવટથી, સેહવાનથી ટટ્ટાનો પથ થોડોક પૂર્વ તરફનો બન્યો છે ખરો; પરંતુ ભવિષ્યમાં તે વધુ પશ્ચિમ તરફ નહિ ખસે તેની ખાતરી આપી શકાય નહિ.

વર્તમાન વસવાટ : સિંધુ નદીના કાંઠા પર કરાંચી, હૈદરાબાદ, કોટરી, સેહવાન, સક્કર, ડેરા ગાઝીખાન, ડેરા ઇસ્માઇલખાન, મુલતાન, અટક જેવાં મહત્ત્વનાં શહેરો આવેલાં છે. કરાંચી મુખત્રિકોણના પશ્ચિમ છેડાનું સૌથી મોટું શહેર છે, વેપારીમથક છે અને તેને કુદરતી બારું પણ છે. કાંઠાવિસ્તારના લોકો સિંધી, ઉર્દૂ અને લદ્દાખી ભાષા બોલે છે.

ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિ સિંધુ (Indus) નામ સાથે જોડાયેલી છે. હિન્દુસ્તાન નામ અને તેમાં વસેલી પ્રજાની ઓળખ પણ આ નદીના નામ (‘સિંધુ’માંથી ‘હિન્દુ’) સાથે સંકળાયેલી છે.

ઇતિહાસ : પ્રાચીન સમયના ભારતનો ઉત્તર-પશ્ચિમે (વાયવ્ય દિશામાં) આવેલો એક પ્રદેશ, હાલના સિંધનો એક ભાગ. હાલની સિંધુ અને જેલમ નદીની વચ્ચે આવેલો પ્રદેશ. તેની ઉત્તરે સૌવીર દેશ આવેલો હતો. પાંડવોના વખતમાં અહીં વૃદ્ધક્ષત્રપુત્ર જયદ્રથ રાજા રાજ્ય કરતો હતો. આ જયદ્રથ ધૃતરાષ્ટ્રનો જમાઈ થતો હતો.

ભવિષ્યપુરાણમાં સિંધુ દેશના રાજવંશના શ્રીપતિ અને ભુજવર્માને કચ્છના રાજા કહ્યા છે. ઈ.સ.ની 2જી સદીમાં થયેલ મહાક્ષત્રપ રુદ્રદામા-1નો સિંધુ અને તેની ઉત્તરે આવેલ સૌવીરનો પણ અધિપતિ હતો.

સિંધુ નદીના કિનારે ઈ. સ. પૂ. 2700ના અરસામાં મોહેં-જો-દડો, ચાન્હુ દડો, અમરી વગેરે સ્થળોએ સાંસ્કૃતિક વિકાસ થયો હતો. તેની નગરરચના, ભૂગર્ભ-ગટરયોજના વગેરે શ્રેષ્ઠ પ્રકારનાં હતાં. બૃહદારણ્યક ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે સિંધુ નદીનો પ્રદેશ ત્યાંના ઘોડા માટે જાણીતો હતો. જાતકકથાઓ અને કૌટિલ્યના સમય સુધી પણ ઉત્તમ ઘોડા માટે આ પ્રદેશ પ્રસિદ્ધ હતો. કૌટિલ્યે ઉલ્લેખ કર્યો છે કે આ પ્રદેશ મીઠા માટે પણ જાણીતો હતો. આ પ્રદેશ મગધ અને અંગ દેશ સાથે રસ્તા દ્વારા જોડાયેલો હતો.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ