સાહિત્ય (પાશ્ર્ચાત્ય દૃષ્ટિએ)

January, 2008

સાહિત્ય (પાશ્ર્ચાત્ય દૃષ્ટિએ) : આનંદ અને બોધ અર્થે કલ્પના, ઊર્મિ અને ચિંતનના પ્રવર્તન દ્વારા માનવે સાધેલી વાઙ્મય અભિવ્યક્તિ. સાહિત્યકલાનો સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીતની સાથે લલિતકલા તરીકે સમાવેશ કરેલો છે. લુહારની, સુથારની, રાચરચીલું બનાવનારની, ઘર રંગનારની અને એવી બીજા કલાકારીગરીની કલાનો લલિતેતર વર્ગમાં સમાવેશ થાય છે. પહેલા વર્ગની કલાઓ ભાવકને આનંદ આપે છે. બીજા વર્ગની કલાઓ તેની વાસ્તવિક જરૂરિયાતો પૂરી પાડે છે. પહેલા પ્રકારની કલાને આંતરિક વિકાસ સાથે સંબંધ છે, જ્યારે ઇતર કલાઓને ભૌતિક સુખ-સગવડ સાથે સંબંધ છે. આથી ઇતર કલાઓ ઉપયોગી (useful) કલાઓ કહેવાય છે.

લલિતકલાઓમાં સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર આંખ(visual)ની કલાઓ છે; જ્યારે સંગીત અને કવિતા (સાહિત્ય) કાન(audio)ની કલાઓ છે. હેગલ લલિતકલાઓનું વર્ગીકરણ કરતી વખતે પ્રત્યેક કલા પોતાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે ભૌતિક ઉપાદાન ઉપર વધારે કે ઓછો આધાર રાખતી હોય તે અનુસાર તેમને ચઢતા-ઊતરતા ક્રમમાં ગોઠવે છે. આ સિદ્ધાંત પ્રમાણે હેગલ સ્થાપત્યને નીચામાં નીચું અને કવિતાને ઊંચામાં ઊંચું સ્થાન આપે છે. સ્થાપત્યમાં કલ્પનાનું પ્રવર્તન પથ્થર, ઈંટ કે રેતીના સમૂહમાંથી ગોઠવણી દ્વારા રચાતી સુંદર આકૃતિ પૂરતું જ હોય છે. શિલ્પી પોતાના ઉપાદાન આરસ કે ધાતુને એવો અર્થ આપે છે, જે તેના મૂળભૂત અર્થ કરતાં તદ્દન ભિન્ન હોય. જડ ઢીમચામાંથી કોઈ જીવંત આકૃતિનું મરોડદાર સાદૃશ્ય કોતરી કાઢવામાં આવે છે. ચિત્રકાર ભૌતિક ઉપાદાન પીંછી, રંગ અને કૅન્વાસ પૂરતું મર્યાદિત રાખીને તેમાંથી કલ્પનાના વિશિષ્ટ પ્રવર્તન દ્વારા આહ્લાદક ભાવ પ્રેરતું સાદૃશ્ય નિર્માણ કરે છે. સંગીતમાં ભૌતિક ઉપાદાન નાદ કે સૂર પૂરતું મર્યાદિત હોય છે. સંગીતકાર સ્વરોને એવી રીતે ગોઠવે છે કે તે ભિન્ન-ભિન્ન ભાવોનું પ્રતિનિધાન કરીને શ્રોતાના ચિત્તમાં પણ તે ભાવો ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. ચિત્ર કરતાં સંગીતનું ઉપાદાન વધુ સૂક્ષ્મ હોય છે અને ભાવકના અંતરને ભાવવિભોર કરે તેવો તેનો પ્રભાવ હોય છે. તેની વિશેષતા એ છે કે તે આબાલવૃદ્ધ, અભણ-ભણેલા સહુને અસર કરીને આનંદ આપે છે.

બધી કલાઓમાં કવિતા સહુથી ઓછું ભૌતિક ઉપાદાન ઉપયોગમાં લે છે. છંદ, પ્રાસ અને અનુપ્રાસમાં રહેલું સંગીતનું નાદતત્ત્વ બાદ કરતાં એ કલ્પનાના વિશિષ્ટ પ્રવર્તન દ્વારા શબ્દપ્રતીકોથી ચમત્કાર સર્જે છે. ઉત્તમકોટિની સાહિત્યિક કૃતિમાં સ્થાપત્યની સમપ્રમાણતા, શિલ્પનો મનોરમ મરોડ, ચિત્રની સાદૃશ્યતા અને સંગીતનો કર્ણમંજુલ લય એકસાથે અનુભવાય છે. કવિતા ચિત્ત સાથે અવ્યવહિતપણે વ્યવહાર કરે છે. વળી, અન્ય લલિતકલાઓના કરતાં સાહિત્યકલાની એક બીજી વિશેષતા પણ નોંધપાત્ર છે. અન્ય કલાઓ એક યા બીજા સ્વરૂપે પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે કુદરતમાં જોવા મળે છે; દા.ત., હિમાલયની પર્વતમાળામાં ભવ્ય સ્થાપત્યના વૃક્ષના મરોડદાર આકારમાં શિલ્પના અને આકાશના રંગોમાં ચિત્રકલાનાં દર્શન થાય; પંખીઓનાં ગાન કે સાગરના ઘુઘવાટમાં સંગીતનો આનંદ અનુભવાય; પણ કવિતા કે સાહિત્યકલા એક એવી કલા છે કે જેનો નમૂનો કુદરતમાં ક્યાંય જોવા નહિ મળે. તે માનવીની આગવી સરજત છે કેમ કે તે શબ્દની કલા છે અને શબ્દ માનવીને મળેલી અલૌકિક ભેટ છે.

કવિતા સાહિત્યનું ઉત્તમાંગ ગણાય છે. તે સાહિત્યનો મુખ્ય પ્રકાર. પછી વિષય, રચનાશૈલી અને ફલક પ્રમાણે તેના ઊર્મિકાવ્ય (lyric), કથનાત્મક (narrative) કાવ્ય, મહાકાવ્ય (epic), કરુણપ્રશસ્તિ (elegy), ગોપકાવ્ય (pastoral poem), સૉનેટ – એમ અનેક પેટા-પ્રકારો પાડવામાં આવ્યા છે.

નાટક કવિતાનો જોડિયો ભાઈ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ તેને દૃશ્યકાવ્ય કહીને કવિતાનો જ પ્રકાર ગણ્યો છે. પાશ્ર્ચાત્ય વિવેચકો તેના માધ્યમ પ્રમાણે પદ્યનાટક (poetic drama) કે (ગદ્ય)નાટક એમ નાટકને ઓળખાવે છે. તેના કરુણાન્ત (tragedy) અને સુખાન્ત (comedy), સંગીતનાટક (opera) કે એકાંકી એવા પ્રકાર પાડે છે.

ગદ્ય સાહિત્યમાં નવલકથા (novel) સૌથી વિશેષ પ્રચલિત પ્રકાર. તેનો લેખક વ્યાપક ભૂમિકા પર માનવજીવનના પ્રશ્ન કે પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને કલ્પનાના મુક્ત પ્રવર્તન દ્વારા વિવિધ પાત્ર-પ્રસંગોની બાહ્ય અને આંતર ગતિવિધિનું મનોરમ ચિત્ર દોરે છે. વિષય પ્રમાણે તેના પૌરાણિક, ઐતિહાસિક, સામાજિક, જાસૂસી (detective) વગેરે વિભાગ પડે. રચનાની દૃષ્ટિએ તેના પ્રસંગપ્રધાન, નાટ્યાત્મક (dramatic), છબીરાગી (realistic), મહાનવલ (chronicle) – એવા પ્રકારો પાડેલા છે. વીસમી સદીમાં આધુનિકતાના આંદોલનની અસર નીચે બાહ્યસૃષ્ટિ પરથી ખસીને માનવચિત્તનાં આંતરિક સંચલનો પર કેન્દ્રિત થતાં ચેતનાપ્રવાહ(stream of consciousness)માં વહેતી આધુનિક નવલકથાનો નવો પ્રકાર ઉદ્ભવ્યો છે, જેનું કદ જૂની કોથળા જેવી શિથિલ બંધવાળી સ્થૂળકાય નવલોના કરતાં પાતળી સુઘટિત દેહયષ્ટિ ધરાવે છે.

નવલિકા કે ટૂંકી વાર્તા (short story) બીજો લોકપ્રિય સાહિત્યપ્રકાર. એકીબેઠકે પૂરી વાંચી શકાય એવી એક જ ઘટનાની આસપાસ માનવચેતનાને વણી આપતી કલાત્મક રચના. આધુનિકતાના પ્રભાવ નીચે તેનો પણ બાહ્ય ઘટના પરથી આંતરિક ચેતના પર ભાર મૂકતી નિરૂપણરીતિ પરત્વે વિકાસ થતાં ઘટનાનું વિગલન દર્શાવતી હાર્મોનિકા જેવા પ્રકાર ઉદ્ભવ્યા છે.

નિબંધ સૌથી વિશેષ પ્રચલિત સાહિત્યપ્રકાર છે. તેના રચના પરત્વે લલિત (કે સર્જક) અને લલિતેતર એવા વિભાગ પડે. માહિતીદર્શક લખાણો લલિતેતર નિબંધમાં સમાવેશ પામે, જેની રચના પરલક્ષી (objective) પદ્ધતિની હોય છે. લલિત નિબંધ ઘણુંખરું આત્મલક્ષી (subjective) શૈલીમાં રચાય છે. લેખકના વ્યક્તિત્વની છાપ તેના પર અંકિત થાય છે. ચિંતન ઉપરાંત કલ્પના અને ઊર્મિનો રમણીય સ્પર્શ તેમાં અનુભવાય છે. હળવા ચિંતનાત્મક સ્વૈરવિહાર નિરૂપતાં લખાણો સહિત હાસ્યલેખો, સ્મૃતિચિત્રો તથા પ્રવાસવર્ણનોનો તેમાં સમાવેશ થાય છે.

ચરિત્ર એ પશ્ચિમમાં વિકસેલું મહત્ત્વનું સાહિત્યસ્વરૂપ છે. તેના બે મુખ્ય પ્રકારો : આત્મચરિત્ર (autobiography) અને જીવનચરિત્ર (biography). આત્મચરિત્રમાં પોતે લખેલી સ્વજીવનની કથા ઉપરાંત સંસ્મરણોનો પણ સમાવેશ થાય. જીવનચરિત્રના (1) ચરિત્રનાયકની કાલક્રમાનુસારી (chronological) જીવનકથા, (2) ચરિત્રસ્વાધ્યાય (biographical study), (3) ચલચિત્રાત્મક ચરિત્ર (filmobiography), (4) કલ્પનામિશ્રિત ચરિત્ર (creative biography), નિરૂપણ-રીતિ અને વિશિષ્ટ અભિગમ અનુસાર આ વિભાગ પાડેલા છે.

સાહિત્ય-તત્ત્વ, પ્રકારો, શૈલી, પ્રયોગો, પ્રવાહો, કૂટપ્રશ્નો વગેરે સાહિત્યને લગતા વિષયોની ચર્ચા-વિચારણા, સ્થાપના-વિસ્થાપના કરતી અધ્યયનાત્મક કે વાદવિવાદરૂપ સાહિત્યિક પ્રવૃત્તિને વિવેચન કહે છે. સંશોધન-સંપાદનનો પણ તેમાં સમાવેશ થાય છે. બધા દેશોમાં સર્જનને સંકોરીને સંવર્ધનાર પ્રવૃત્તિ તરીકે તે ચાલે છે. પાશ્ર્ચાત્ય દેશોમાં એરિસ્ટૉટલથી એકવીસમી સદી સુધી ચાલેલી આ પ્રવૃત્તિનો યુરોપ-અમેરિકા ઉપરાંત પૂર્વના દેશોમાં સારો પ્રભાવ પાડેલો છે.

સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓની માફક પાશ્ર્ચાત્ય સાહિત્યમીમાંસકો પણ સાહિત્યનો ઉદ્દેશ આનંદ અને બોધ ગણાવે છે. સ્કોટ જેમ્સે પાડેલા જ્ઞાનલક્ષી સાહિત્ય (literature of knowledge) અને પ્રભાવલક્ષી સાહિત્ય (literature of power) – અગાઉ જેમનો લલિતેતર અને લલિત તરીકે ઉલ્લેખ કરેલો છે તે જ પ્રકારો છે. સમાજના સર્વાંગીણ વિકાસમાં અને સંસ્કૃતિના સંવર્ધનમાં આ બંને પ્રકારના સાહિત્યનો મોટો ફાળો હોય છે એવું પાશ્ર્ચાત્ય વિચારકોનું પ્રતિપાદન છે.

વિ. પ્ર. ત્રિવેદી