સાહિત્ય : વાઙ્મયનો એક પ્રકાર. વાક્ એટલે ચોક્કસ પ્રકારના અર્થવાળી શબ્દરચના. વાક્ની બનેલી રચના તે વાઙ્મય. વાઙ્મયના સાહિત્ય અને શાસ્ત્ર બે પ્રકાર છે. દંડી અને રાજશેખર તેને (1) વક્રોક્તિનું બનેલું કલ્પનોત્થ લલિત સાહિત્ય અને (2) વાસ્તવિક સૃષ્ટિનું યથાતથ નિરૂપણ કરતું લલિતેતર સાહિત્ય – બે પ્રકાર આપે છે. આમ શાસ્ત્રમાં સ્વભાવોક્તિનું અને સાહિત્યમાં વક્રોક્તિનું સામ્રાજ્ય છે. બંનેમાં શબ્દ અને અર્થની રચના હોય છે. શાસ્ત્રમાં રહેલો શબ્દ અર્થ દ્વારા તેના વિષયનું પ્રતિપાદન કરે છે, જ્યારે સાહિત્યમાં શબ્દ અને અર્થનો સદ્ભાવ વિલક્ષણ, આહ્લાદક અને કવિને અભિપ્રેત હોય છે. અહીં વાક્ અને અર્થ સંપૃક્ત છતાં ભિન્ન હોય છે. સહિતિનો ભાવ અર્થાત્ શબ્દ અને અર્થનો આવો સહભાવ બધા જ સાહિત્યિક પ્રકારોમાં હોય છે. પ્રાચીન ભારતીય આલંકારિકોએ ‘કાવ્ય’ અને ‘સાહિત્ય’ બંને શબ્દોને પર્યાય માન્યા છે.

આચાર્ય ભરતે શુભ કાવ્યમાં (1) મૃદુ લલિત પદાવલિ, (2) ગૂઢ શબ્દાર્થહીનતા, (3) સર્વસુગમતા, (4) યુક્તિમત્તા, (5) રસના અનેક સ્રોતો વહાવવાની ક્ષમતા, (6) નૃત્ય પ્રયોજવાની યોગ્યતા અને (7) પંચસંધિયુક્તતા – એ સાત લક્ષણો હોવાં જરૂરી માન્યાં છે. આમાં અંતિમ બે લક્ષણો નાટ્ય કે દૃશ્યકાવ્યને વિશેષ લાગુ પડે છે.

આચાર્યોની પરંપરામાં ભામહ, દંડી, વામન, આનંદવર્ધન, કુંતક, મમ્મટ, ભોજદેવ, હેમચંદ્રાચાર્ય, વિશ્વનાથ, પંડિતરાજ જગન્નાથ વગેરેએ કાવ્યલક્ષણ બાંધતાં શબ્દ-અર્થના દેહમાં પ્રાણભૂત તત્ત્વની શોધ કરતાં ગુણ, અલંકાર તેમજ દોષહીનતાની સાથે સાથે અલંકાર, રસ, ધ્વનિ, વક્રોક્તિ, રીતિ અને ઔચિત્યને મહત્ત્વ આપતાં કાવ્યશાસ્ત્રમાં છ સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા છે. ડૉ. રેવાપ્રસાદ દ્વિવેદી આ સંપ્રદાયોને ‘પ્રસ્થાન’ નામ આપે છે. આ ચર્ચામાં ક્યારેક શબ્દને, તો ક્યારેક અર્થને તો ક્યારેક બંનેને મહત્ત્વ અપાયું છે. આ અલંકારિકોમાં આનંદવર્ધન, મમ્મટ, વિશ્વનાથ અને પંડિતરાજ જગન્નાથનું વિશિષ્ટ સ્થાન છે. આનંદવર્ધને શબ્દના વાચ્યાર્થ કરતાં ચઢિયાતા વ્યંગ્યાર્થ અર્થાત્ ધ્વનિને કાવ્યનો આત્મા માન્યો છે. મમ્મટ ધ્વનિસંપ્રદાયને અનુસરે છે. કાવ્ય સગુણ, દોષરહિત, ક્યારેક રસના પ્રાધાન્યને લીધે અલંકારવિહોણું, શબ્દ-અર્થથી ઘડાયેલું હોય છે. વિશ્વનાથે રસાત્મક વાક્યને કાવ્ય કહ્યું છે. પંડિતરાજ જગન્નાથ રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દને કાવ્ય કહે છે. વામને રીતિ અને કુંતકે વક્રોક્તિને કાવ્યનો આત્મા ગણ્યો છે. ભામહે અલંકારને કાવ્યનો આત્મા માન્યો છે. ક્ષેમેન્દ્રે બધાનું ઔચિત્ય હોય તેને સમુચિત ગણ્યું છે. ‘અલંકાર’ શબ્દ સંકુચિત રીતે ઉપમાદિ અલંકારના અર્થમાં છે. વ્યાપક રીતે લોકોત્તર ચમત્કૃતિ કે સૌન્દર્યાનુભૂતિ કે Aesthetic pleasure-ના અર્થમાં પ્રયોજાય છે. અલંકારવાદીઓના મતે આ ‘અલંકાર’ શબ્દથી ચમત્કૃતિ અભિપ્રેત હોવાનું સમજાય છે.

‘પાદ’-નિયત પદોવાળું કાવ્ય તે પદ્ય. અનિયંત્રિત પદસંખ્યાવાળું કાવ્ય તે ગદ્ય. ગદ્ય અને પદ્યનો મિશ્ર પ્રયોગ હોય તે મિશ્રકાવ્ય છે. આ ત્રણેય કાવ્યપ્રકારોના ઘણા પેટાપ્રકારો અલંકારશાસ્ત્રીઓએ ગણાવ્યા છે. આ સાહિત્યિક પ્રકારોની વ્યાખ્યાઓમાં થોડાઘણા ભેદો પણ મળે છે.

ઇન્દ્રિયપ્રત્યક્ષતાના આધારે કાવ્યના શ્રાવ્ય અને દૃશ્ય ભેદો થાય છે. ગદ્ય, પદ્ય અને મિશ્ર શ્રાવ્ય કાવ્યના ભેદો છે. દૃશ્ય કાવ્ય અભિનેય છે તેને ‘રૂપ’, ‘રૂપક’ અને ‘નાટ્ય’ કહે છે. આચાર્ય ભરતે તેના નાટક, પ્રકરણ, ભાણ, પ્રહસન, ડિમ, વ્યાયોગ, વીથી, અંક, ઈહામૃગ અને સમવકાર – એમ દસ પ્રકારો આપ્યા છે. તેમણે નૃત્ય અને નાટ્યને પણ ગીતની જેમ સંગીતના પ્રકારો ગણાવી, ઉપરૂપકોના કેટલાક પ્રકારો આપ્યા છે. આચાર્ય વિશ્વનાથે રૂપકોનો ઉપર્યુક્ત દસ પ્રકારો અને ઉપરૂપકોના અઢાર પ્રકારો ગણાવ્યા છે. નાટિકા, ત્રોટક, ગોષ્ઠી, સટ્ટક, નાટ્યરાસક, પ્રસ્થાન, ઉલ્લાપ્ય, કાવ્ય, પ્રેંખણ, રાસક, સંલાયક, શ્રીગદિત, શિલ્પક, વિલાસિકા, દુર્મલ્લિકા, પ્રકરણી, હલ્લીસક અને ભાણિકા – એ ઉપરૂપકોના અઢાર પ્રકાર છે.

ભાષાના આધારે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ પ્રકારો પડે છે. કથાનકના આધારે પ્રસિદ્ધ, ઉત્પાદ્ય, શાસ્ત્રપ્રધાન અને કલાપ્રધાન – એમ ચાર પ્રકારો થાય છે. વળી પ્રસિદ્ધ (ઇતિહાસકથોદભુત), કવિકલ્પિત અને મિશ્રપ્રકારો પણ માનવામાં આવે છે. બંધ(composition)ના આધારે મુક્તક અને પ્રબંધ અર્થાત્ અનિબદ્ધ અને નિબદ્ધ પ્રકારો માનવામાં આવે છે. નિબદ્ધ કે પ્રબંધ કાવ્યના ઉપર્યુક્ત ગદ્ય, પદ્ય અને મિશ્રપ્રકારો છે. પદ્યના મહાકાવ્ય અને લઘુકાવ્ય મુખ્ય ભેદ છે. ખંડકાવ્ય લઘુકાવ્યનો એક પ્રકાર છે. દૂતકાવ્ય, સંદેશકાવ્ય, શતક આદિ લઘુકાવ્યના પ્રકારો છે. ગદ્યના કથા, આખ્યાયિકા, ખંડકથા, પરીકથા અને કથાનિકા – એ મુખ્ય ભેદ છે. મિશ્રકાવ્યમાં વિવિધ ભાષાઓનું મિશ્રકાવ્ય – કરંભક, ઘોષણા, બિરુદ, ઉદાહરણ, જ્યોદાહરણ, ચંપૂ જેવા પ્રકારો સમાવાયા છે. ચંપૂના પણ ચાક્યારોએ દૃશ્યકાવ્ય તરીકે પ્રયોગો કરેલા હોવાથી ગદ્ય-પદ્ય મિશ્રિત દૃશ્ય-શ્રાવ્ય કાવ્ય પણ કહી શકાય. આચાર્ય રાજશેખર કાવ્યના પ્રબંધ અને મુક્તક ભેદો સ્વીકારી તેના શુદ્ધ, ચિત્ર, કથોત્થ, સંવિધાન અને આખ્યાનક – વાન એમ પાંચ પેટા પ્રકારો આપે છે. મુક્તક પ્રકારના મુક્તક, યુગ્મક, વિશેષક (સંહાનિતક), કલાપક અને કુલક પ્રકારો મનાયા છે. આચાર્ય વિશ્વનાથે 41 કાવ્યપ્રકારો ઉપરાંત લલિત સાહિત્યના કેટલાક અન્ય પ્રકારો પણ આપ્યા છે.

પ્ર. ઉ. શાસ્ત્રી

દશરથલાલ ગૌ. વેદિયા