સાહિત્યદર્પણ : વિશ્વનાથકૃત ભારતીય અલંકારશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રનો જાણીતો ગ્રંથ. ‘સાહિત્યદર્પણ’માં દસ પરિચ્છેદો છે. પ્રથમ પરિચ્છેદમાં કાવ્યપ્રયોજન, કાવ્યહેતુ, કાવ્યવ્યાખ્યા અને કાવ્યપ્રકારોની ચર્ચા કરવામાં આવી છે. તેમાં આચાર્ય મમ્મટની કાવ્યવ્યાખ્યાનું ખંડન કરીને અપાયેલી ‘वाक्यं रसात्मकं काव्यम्’ એવી વ્યાખ્યા ખૂબ જાણીતી બની છે. બીજા પરિચ્છેદમાં શબ્દશક્તિઓ રજૂ થઈ છે. ત્રીજા પરિચ્છેદમાં રસ, ભાવ અને નાયકનાયિકાભેદો વગેરે રજૂ થયા છે. ચોથા પરિચ્છેદમાં ધ્વનિકાવ્ય અને ગુણીભૂતવ્યંગ્યકાવ્યના પ્રકારો આપવામાં આવ્યા છે. આચાર્ય મમ્મટે ગણાવેલા ચિત્રકાવ્યનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. પાંચમા પરિચ્છેદમાં વ્યંજનાવૃત્તિનું સમર્થન કરવામાં આવ્યું છે. છઠ્ઠા પરિચ્છેદમાં રજૂ થયેલું સંપૂર્ણ નાટ્ય વિશેનું ચિંતન અલંકારશાસ્ત્રમાં નાટ્યશાસ્ત્રનો સમાવેશ કરે છે. સાતમા પરિચ્છેદમાં કાવ્યના દોષો વિગતવાર ચર્ચાયા છે. આઠમા પરિચ્છેદમાં ત્રણ ગુણોનો વિચાર કરવામાં આવ્યો છે. નવમા પરિચ્છેદમાં ચાર પ્રકારની રીતિ અથવા કાવ્યશૈલી વર્ણવવામાં આવી છે. અંતિમ દસમા પરિચ્છેદમાં કાવ્યના શબ્દ અને અર્થના અલંકારોની રજૂઆત કરવામાં આવી છે.

પ્રસ્તુત ગ્રંથ સરળ, પ્રવાહી અને પ્રાસાદિક શૈલીમાં રચાયો છે. સંક્ષેપના કારણે આચાર્ય મમ્મટનો ‘કાવ્યપ્રકાશ’ અને વિદ્વત્તાપૂર્ણ નવ્યન્યાયની શૈલીથી જગન્નાથનો ‘રસગંગાધર’ દુર્બોધ ગ્રંથો બન્યા છે. આચાર્ય આનંદવર્ધનનો ‘ધ્વન્યાલોક’ કાવ્યના એક જ મુદ્દાની ચર્ચા કરતો એકાંગી ગ્રંથ છે, જ્યારે ‘સાહિત્યદર્પણ’ કાવ્યના જ નહિ, નાટ્યના તમામ મુદ્દાઓની પ્રાય: પ્રાસાદિક અને સરળ ચર્ચા કરતો હોવાથી સુબોધ અને સર્વાંગસંપૂર્ણ ગ્રંથ છે. આ ગ્રંથ રચતી વખતે મમ્મટનો ‘કાવ્યપ્રકાશ’ અને રુય્યકનો ‘અલંકારસર્વસ્વ’ બંનેને નજર સામે રાખવામાં આવ્યા છે. તેથી તે બંને ગ્રંથોમાંથી ઘણું ઉદ્ધૃત કરવામાં આવ્યું છે.

આ ગ્રંથ બંગાળમાં ઘણો લોકપ્રિય રહ્યો છે. કોલકાતાથી 1828માં નાથુરામની પ્રથમ આવૃત્તિથી શરૂ કરી તેની ઘણી આવૃત્તિઓ થઈ છે. એકલા નિર્ણયસાગર પ્રેસ, મુંબઈમાંથી દુર્ગાપ્રસાદે સંપાદિત કરેલી 1902, 1915 અને 1922 એવી ત્રણ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. લેખકના પુત્ર અનંતદાસે પોતાના પિતાના આ ગ્રંથ પર ‘લોચન’ નામની ટીકા રચી છે. તદુપરાંત, મહેશ્વરની ‘વિજ્ઞપ્રિયા’, રામચરણ તર્કવાગીશની ‘વિવૃત્તિ’, મથુરાનાથ શુક્લનું ‘ટિપ્પણ’ અને ગોપીનાથની ‘પ્રભા’ વગેરે ટીકાઓ પણ આ ગ્રંથની લોકપ્રિયતા સૂચવે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી