સાલાઝાર, ઍન્ટૉનિયો ડી. ઓલિવેરા (જ. 28 એપ્રિલ 1889, વિમિઐશે, પૉર્ટ; અ. 27 જુલાઈ 1970, લિસ્બન) : પોર્ટુગલના કાયદેસરના વડાપ્રધાન અને વાસ્તવિક સરમુખત્યાર તેમજ 36 વર્ષ સુધી સતત સત્તા ભોગવનાર શાસક. તેમના પિતા એસ્ટેટ મૅનેજર હતા. તેમણે પ્રારંભમાં વિસ્યુની સેમિનરી(પાદરીઓ તૈયાર કરતી શાળા)માં અભ્યાસ કર્યો હતો. કોઇમ્બ્રા યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવી 1914માં તેઓ કાયદાના સ્નાતક બન્યા; આમ છતાં કારકિર્દીનો પ્રારંભ રાજકીય અર્થશાસ્ત્ર-(political economy)ના પ્રાધ્યાપક તરીકે કર્યો.
ઍન્ટૉનિયો ડી. ઓલિવેરા સાલાઝાર
1921માં તેમણે કૅથલિક પક્ષની સ્થાપનામાં મદદ કરી. પ્રખર ધાર્મિક વ્યક્તિ તરીકે પોપ લિયો 13માના સિદ્ધાંતોનો બહોળો ફેલાવો કરી તેમને સામાજિક સિદ્ધાંતો તરીકે આચરણમાં પણ મૂક્યા. પોર્ટુગલની સંસદ(કોર્ટેસCortes)ના તેઓ સભ્ય બન્યા, પરંતુ ત્યાં એક સત્ર પૂરતું જ સભ્યપદ ધરાવી કામગીરી કરી. તે પછી તેઓ યુનિવર્સિટીના પ્રાધ્યાપક તરીકેના પદ પર પાછા ફર્યા.
મે, 1926માં પોર્ટુગલ લશ્કરે તે સમયની સરકારને સત્તા પરથી ઉથલાવી ત્યારે તેમને નવી સરકારના નાણામંત્રીનું પદ એનાયત થયું. આ કામગીરી તેઓની ઇચ્છા મુજબ કરી શકાતી ન હોવાથી 1928માં ત્યારના પ્રમુખ જનરલ ઍન્ટૉનિયોએ ખર્ચ અંગેની વ્યાપક સત્તા તેમને સુપરત કરી, તેથી તેઓ હોદ્દા પર ચાલુ રહ્યા. નાણામંત્રી તરીકે ખાધપૂરક નાણાતંત્રની એક સદી જૂની પરંપરા ઉલટાવી તેમણે પુરાંત ધરાવતા અંદાજપત્રો ઘડીને શાસનની એક ખાસ ગુણવત્તા ઊભી કરી. આથી સરકારી તિજોરીના અધિશેષ નાણાંનો ઉપયોગ વિકાસના કાર્યક્રમો પાછળ થવા લાગ્યો હતો. પરિણામે દેશની નાણાવ્યવસ્થાને સ્થિરતા પ્રાપ્ત થઈ હતી. 1932માં તેઓ વડાપ્રધાન બન્યા. 1933માં ‘નવું રાજ્ય’ ઘડવા સાથે નવું બંધારણ દાખલ કરવામાં આવ્યું. રાજકીય વિરોધને કચડી નાંખવામાં આવતાં અખબાર અને રાજકીય અભિવ્યક્તિની સ્વતંત્રતા રદ કરવામાં આવી. એથી શક્તિશાળી ગુપ્ત પોલીસ, મોટું લશ્કર અને અર્ધલશ્કરી દળની મદદથી ત્યાં સત્તાવાદી ‘પોલીસ રાજ્ય’ રચાયું, જેના તેઓ મજબૂત શાસક બની રહ્યા. દેશની ધારાસભા – કોર્ટેસ રદ કરીને તેમણે નૅશનલ એસેમ્બલી રચી અને નવા સાથી મંત્રીઓ નીમ્યા, જેમની કામગીરીનું તેઓ ઝીણવટભર્યું અવલોકન કરતા. કાયદેસર રીતે તેમને પ્રમુખ સિવાય અન્ય કોઈ વ્યક્તિ હોદ્દા પરથી દૂર કરી શકે તેમ નહોતી.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેમની નીતિ તટસ્થતાની હતી અને બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન પણ તટસ્થતા જાળવી રાખી; પરંતુ 1936થી 1939ના સ્પેનના આંતરવિગ્રહ દરમિયાન તેમણે રાષ્ટ્રવાદીઓને ટેકો પૂરો પાડેલો. પોર્ટુગલના બ્રિટન જેવા જૂના મિત્રો સાથેના સંબંધો જાળવી રાખી બીજા વિશ્વયુદ્ધ(1939)ના આરંભે ત્યાંના એઝોર્સ ટાપુ પર આ મિત્ર દેશોને નૌકા અને હવાઈ મથકો સ્થાપવાની પરવાનગી આપી હતી. યુદ્ધ પછી દેશમાં રેલવે, માર્ગ-વાહનવ્યવહાર, દરિયાઈ વ્યાપારની પ્રવૃત્તિઓ અંગે કામગીરી વિકસાવવામાં આવી.
1950 પછીનાં વર્ષોમાં આફ્રિકાનાં અન્ય સંસ્થાનોને સ્વતંત્રતા આપવાની શરૂઆત થતાં પોર્ટુગલે પોતાનાં સંસ્થાનો જાળવવાના પ્રયાસો જારી રાખ્યા, જે તેમને માટે વિપત્તિકર બન્યા. પચાસ પછીનાં વર્ષોમાં તેમની સામેના વિરોધે વેગ પકડ્યો. દેશના લોકો ગરીબ અને લગભગ અશિક્ષિત રહ્યા હતા. મજૂર-સંઘો સરકારના અંકુશ હેઠળ હતા. વાણી, અભિવ્યક્તિ, અખબારી અને રાજકીય સ્વાતંત્ર્ય નાબૂદ કરાયાં હતાં. તો એંગોલા અને મોઝામ્બિક સાથે લડાયેલાં લાંબાં સંસ્થાનવાદી યુદ્ધોથી ઘરઆંગણે આર્થિક વિકાસ અવરોધાયો હતો.
સપ્ટેમ્બર, 1968માં તેમના પર માંદગીનો હુમલો થતાં તેઓ ફરજો બજાવવા અસમર્થ બન્યા હતા. આ સંજોગોમાં માર્સિલિયો કેઈટા નવા વડાપ્રધાન બન્યા, પરંતુ જીવનના અંત સુધી તેમને નવા વડાપ્રધાન અંગે માહિતગાર કરાયા નહોતા. તેમનું અંગત જીવન ત્રેવડભરી સાદગીનું હતું. તેઓ જાહેરમાં ભાગ્યે જ દેખા દેતા અને પ્રસિદ્ધિથી દૂર રહેવાનું પસંદ કરતા. દેશ છોડી તેઓ ક્યારેય વિદેશ પ્રવાસે ગયા નહોતા.
જયકુમાર શુક્લ
રક્ષા મ. વ્યાસ